પ્રકરણ – ૫ તદ્દન રેઢિયાળ છોકરી છે!

મનહરભાઈનું મન સતત એવી કોઈ વ્યક્તિને શોધવા મથતું હતું કે જેની સાથેની વાતચીતમાં મનીષા ખૂલે અને બોલતી  થાય. મનહરભાઈએ પોતાની મૂંઝવણ વિનોદિનીબહેન સમક્ષ પ્રગટ કરી. એ પણ વિચારવા લાગ્યાં. પછી એકદમ ઝબકારો થયો હોય એમ બોલ્યા, “પેલી સોનલ… સોનુ… મનીષાની એક જ ફ્રેન્ડ છે. એ કદાચ મનીષાને બોલતી કરી શકે.”

       “સોનુ…? છટ તો ઝંડો છે ઝંડો! એનું કામ નહિ! એટલી બકબક કરે છે કે મનીષાને બોલવાનો ચાન્સ મળેએને કોઈ દિવસ ચૂપ જોઈ છે? ના, ના, એનું કામ નહિ.”

     “તમારી વાત સાચી છે, પણ આ તો તમારો અભિપ્રાય છે. મોનુને તો એની સાથે ફાવે છે ને! મને નથી યાદ કે મોનુને સોનુ સિવાય બીજી કોઈ મિત્ર હોય. અખતરો કરવામાં આપણું જાય છે શું?”

      “…પણ.. એને શોધવી ક્યાં? એ તો આખો દિવસ રખડતી ફરે છે… એનો નંબર પણ મારી પાસે નથી. એને કદાચ અહીં બોલાવવાનું અઘરું છે…  મુંબઈ હોય તો હજુય વાત બરાબર છે. તું એની વાત છોડ. બીજું કોઈ ધ્યાનમાં હોય તો કહે!”

     પરંતુ વિનોદિનીબહેનને બીજા કોઈનું નામ સૂઝતું નહોતું. એમને તો શ્રધ્ધા હતી કે સોનુ હોય તો કામ થઈ જાય. પરંતુ મનહરભાઈને પહેલેથી જ સોનુ માટે થોડો અણગમો હતો, સોનુ ઘરે આવે તો એની સાથે બહુ ઉમળકાથી વાત પણ કરતા નહિ.

      પરંતુ એને માટે મનહરભાઈનો બહુ વાંક પણ કાઢી શકાય નહિ. સોનુ ખરેખર સ્વતંત્ર મિજાજની અને આઝાદ છોકરી હતી. હંમેશા જીન્સ અને ટી-શર્ટ જ પહેરતી. ઘરની સુખી હતી. પરંતુ મા-બાપને ગણતી જ નહોતી. એનાથી નાનો એક ભાઈ હતો. ભાઈને પણ એણે કહી દીધેલું કે તારે મારી વાતમાં માથું નહિ મારવાનું. એના પપ્પાએ એની આઝાદ અને સ્વચ્છંદી જીવનશૈલી સામે વાંધો ઉઠાવ્યો ત્યારે એણે એના પપ્પાને પણ સંભળાવી દીધું હતું કે હું તમારા કારણે આ દુનિયામાં આવી છું એ સાચું. પરંતુ તમે ય મારા માલિક નથી, હું કંઈ તમારું ચાવીવાળું રમકડું નથી. મને મારું સ્વતંત્ર વ્યક્તિત્વ છે. મને મારી જિંદગી બનાવવાનો અને બગાડવાનો પણ અધિકાર છે. તમને જ્યાં કહેવા જેવું લાગે ત્યાં કહેવાનો તમને હક છે. માનવું કે ન માનવું એ મારો અધિકાર છે. એક વાર તો એણે એનાં મમ્મી-પપ્પાને એમ પણ કહી દીધું કે તમને મારા કારણે તકલીફ થતી હોય તો હું ગમે ત્યાં ક્યાંક તમારાથી દૂર જતા રહેવા પણ તૈયાર છું. એનાં મમ્મી-પપ્પા એને કહી શક્યાં નહોતાં કે જા, તું ક્યાંક જતી રહે.

સ્વતંત્ર મિજાજની યુવતીને સમાજ તો રેઢિયાળ જ ગણી લે છે.
સ્વતંત્ર મિજાજની યુવતીને સમાજ તો રેઢિયાળ જ ગણી લે છે.

       એકવાર એના પપ્પાએ એને શાંતિથી બેસાડીને સમજાવવાનો પણ પ્રયાસ કર્યો હતો અને કહ્યું હતું કે, “બેટા, હવે તું નાની બાળકી નથી. થોડા સમયમાં તારાં લગ્ન પણ કરવાં પડશે. આમ તું પરવા ન કરે અને બિન્ધાસ્ત ફરતી રહે તો લોકો શું કહે? સમાજ શું કહે? અમારા વિષે લોકો શું કહે?”

      સોનુએ તરત જ કહી દીધું હતું. “પહેલી વાત તો એ કે મારાં લગ્ન-ફગ્નની વાત તમે વિચારતા નહિ. લગ્ન કરું તો પણ મારે જ એ જિંદગી જીવવાની છે. એટલે લગ્ન તો હું જાતે જ નક્કી કરીશ. અને હમણાં પાંચ વર્ષ માટે એ વિષે વિચારવાનું પણ નથી. હવે બીજી વાત કે તમે કયા લોકો અને કયા સમાજની વાત કરો છો? લોકો અને સમાજનું મારે મન કોઈ મહત્ત્વ નથી અને અસ્તિત્વ પણ નથી. લોકો શું કહેશે એની તમને બહુ પરવા હોય તો એ તમારો વિષય છે. કોઈ પૂછે તો કહી દેજો કે છોકરી અમારા કાબૂમાં નથી. પછી જેને ગાળો દેવી હશે એ મને દેશે. તમારે એની ચિંતા કરવાની નહિ.”

     આવી સોનુ કંઈક કામમાં આવશે એવો મનહરભાઈને વિશ્વાસ ન બેસે એ સ્વાભાવિક હતું. મોનુને એની સાથે કેવી રીતે આટલું ફાવતું હતું એનું જ એમને ઘણી વાર આશ્ચર્ય થતું હતું. આથી જ એમણે મનીષા માટે સોનુની મદદ લેવાનો વિચાર જ માંડી વાળ્યો હતો. મનહરભાઈને થતું કે જે પોતાનાં મા-બાપને પણ આવું બધું તડ ને ફડ કહી શકતી હોય એ છોકરી આપણી વાત માનશે જ એવું કઈ રીતે કહી શકાય?

        છેવટે મનીષાને દવાખાનામાંથી રજા આપવાનો દિવસ પણ આવી ગયો. હવે મનીષા બીજી બધી જ રીતે સ્વસ્થ હતી. માત્ર એની જીભ પર તાળું લાગી ગયું હતું. પિનાકીનભાઈની મ્યુનિસિપલ કોર્પોરેશનના એક જવાબદાર અધિકારી તરીકેની વગ, એમની ઓળખાણો અને સંબંધોએ આબાદ કામ કર્યું હતું. એમણે ગુપચુપ બધું પતાવી દીધું હતું અને પોતાની વગ કે ઓળખાણનો જરાય દેખાડો કે હોબાળો કર્યો નહોતો. રજા આપવાની હતી એ દિવસે ઉદયની આત્મહત્યા સંદર્ભે પોલીસે મનીષાનું નિવેદન પણ લઈ લીધું હતું. મનીષાએ માત્ર ‘હા’ અને ‘ના’માં જ જવાબ આપ્યા હતા. પી.એમ. રિપોર્ટ પણ આવી ગયો હતો. હવે ઉદયની આત્મહત્યાની ફાઈલ આપોઆપ બંધ થઈ જતી હતી. મનીષાએ પણ આત્મહત્યાની કોશિશ કરી હોવા છતાં ભૂલથી કોઈક કેમિકલ પીવાઈ ગયું છે અને ખોરાકી ઝેર-ફૂડ પોઈઝનિંગની ઘાતક અસર થઈ છે એવો કેસ બનાવડાવીને એમણે ઘણી બધી સમસ્યાઓ હલ કરાવી આપી હતી.

    મનીષાને હોસ્પિટલમાંથી રજા આપતા ‘ડિસ્ચાર્જ વાઉચર’ પર ડૉક્ટરની સહી થઈ ગઈ એ પછી પિનાકીનભાઈ પૈસા ભરવા ગયા ત્યારે જ જનાર્દનભાઈ અને નયન આવી પહોંચ્યા. નયનને જોઈને મનહરભાઈના મનમાં વિચાર ઝબકી ગયો કે કદાચ નયન ઉદય અને મનીષાના ગાઢ સંપર્કમાં હતો એથી મનીષાને બોલતી કરવામાં મદદરૂપ થઈ શકે. એ આગળ કંઈ વિચારે એ પહેલાં જનાર્દનભાઈ બોલી ઊઠયા. “મનીષાને ક્યાં લઈ જાવ છો? પિનાકીનભાઈને ત્યાં?”

       ખરેખર તો મનહરભાઈએ પણ આ વિષે વિચાર્યું નહોતું. એથી એમણે કહ્યું, “મેં પણ એ વિષે કંઈ વિચાર્યું નથી. હમણાં પિનાકીન આવે એટલે વાત કરીએ.”

       “મારું તો માનવું છે કે…” જનાર્દનભાઈ વાક્ય પૂરું કરે એ પહેલાં પિનાકીનભાઈ આવી ગયા. એમણે જ સામેથી કહ્યું, “મનહર, મનીષાને આઘાતની કળ વળે ત્યાં સુધી એણે મારે ઘેર જ રહેવું જોઈએ. તું શું કહે છે?”

        મનહરભાઈ જવાબ આપે પહેલાં જનાર્દનભાઈ બોલી ઊઠયા, “તમારે ઘેર આવે તો પણ વાંધો નથી. પણ હવે જાણી ગઈ છે કે ઉદય નથી, ત્યારે એના ઘરે જાય તો ઉદયની ગેરહાજરીનો એને અહેસાસ થાય અને છેવટે વાસ્તવિકતાનો સ્વીકાર કરી શકે. વળી અત્યારે આપણે બધાં હાજર છીએ, એટલે એને સધિયારો પણ રહે. ઉદય માટે યજ્ઞની વિધિ પતાવ્યા પછી ભલે મનહરભાઈ એને મુંબઈ લઈ જાય.”

     જનાર્દનભાઈની વાતમાં તર્ક હતો એટલે એકદમ તો કોઈ કંઈ બોલ્યું નહિ. પરંતુ પછી પિનાકીનભાઈએ કહ્યું , “તમે જે કહો છો એ સાચું છે. છતાં મનીષા એક વાર પહેલાંની જેમ બોલતી થઈ જાય એ પણ જરૂરી છે. ત્યાં એને સતત ઉદયની સૂક્ષ્મ હાજરી અનુભવાશે અને એ વધારે ગુમસુમ થઈ જશે…”

      “તમે પણ સાચા છો. જુઓને, આજે બુધવાર છે. શનિવારે યજ્ઞ વિધિ થાય એ પહેલાં ઠીક લાગે તો એને લઈ આવજો…” જનાર્દનભાઈએ વ્યવહારુ સૂચન કર્યું.

      જતાં જતાં મનહરભાઈએ નયનને કહ્યું: “જો તને અનુકૂળ હોય તો અમારી સાથે ચાલ, થોડીવાર બેસજે…”

     “અનુકૂળતાનો ક્યાં સવાલ છે! હું આવું જ છું!” નયને કહ્યું.

     થોડીવારમાં તો બધાં પિનાકીનભાઈને ઘેર પહોંચી ગયાં. સરોજબહેને ચા બનાવી અને થોડીવારમાં જમવા માટે તૈયાર રહેવાની સૂચના આપતાં ગયાં. દરમ્યાન મનહરભાઈ ખુરશી ખેંચીને બહાર વરંડામાં આવ્યા અને નયનને પણ બોલાવ્યો. એમણે નયનને બધી વાત કહી અને મનીષાને બોલતી કરવાનો પ્રયત્ન કરી જોવા કહ્યું.

      નયન થોડીવાર તો ચૂપ રહ્યો. પછી ધીમે રહીને બોલ્યો, “હું ઉપયોગમાં આવી શકીશ એવું તમને લાગ્યું એ જ મારા માટે બહુ મોટી વાત છે…પણ…”

      “પણ… શું?” મનહરભાઈના અવાજમાં પ્રચ્છન્ન અધીરાઈ હતી.

      પણ, વાત જાણે એમ છે કે હું અને ઉદય ખૂબ સારા મિત્રો હતા. ઉદય અને મનીષાને હું અવારનવાર મળતો હતો. એ બંને મારે ઘેર આવતાં અને હું પણ એમના ઘેર જતો. અમે લોકો અવારનવાર બહાર પણ જતાં. અમે એકબીજા સાથે મુક્ત મને વાત કરતાં. પણ મારે ઉદય સાથે બોલવાની જેટલી છૂટ હતી એટલી મનીષા સાથે નહોતી… અને મને લાગે છે કે, આ કામ એવું છે જે માત્ર એની સાથે અંતરંગ સંબંધ ધરાવતું હોય એ જ કરી શકે… મારાથી કદાચ ન પણ થાય..” નયને પોતાની હતાશા પ્રગટ કરી.

      “તારી વાત હું સમજું છું. કારણ કે તમારી વચ્ચે બોલવાની કેટલી છૂટછાટ હતી એનું હું તો માત્ર અનુમાન જ કરું છું… છતાં પ્રયત્ન તો કરી જો…. અત્યારે જ એની સાથે વાત કરવાનો પ્રયત્ન કરે તો કેવું?” મનહરભાઈ દેખીતી રીતે જ એક તક લેવા માગતા હતા.

     નયન સહેજ ખચકાટ સાથે તૈયાર થયો. અંદરના રૂમમાં મનીષા પલંગ પર બેઠી હતી ત્યાં ગયો. પાસે પડેલી ખુરશી ખેંચીને એના પર બેઠો. એણે મનીષા સાથે વાતો કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ મનીષા તરફથી કોઈ પ્રતિભાવ જ મળ્યો નહિ. ક્યારેક એ છત તરફ તાકી રહેતી તો ક્યારેક આંગળીના નખથી પલંગ પરની ચાદરની પ્રિન્ટ ઉખાડવા મથતી હોય એમ ચાદરને નખ માર્યા કરતી. વચ્ચે ક્યારેક નયન સામું જોઈ લેતી અને ફરી પાછી નજર ફેરવી લેતી. એના ચહેરા પરના ભાવમાં ભાગ્યે જ કોઈ ફરક પડતો.

      નયનને પણ લાગ્યું કે આ ખોટી મહેનત છે. છેવટે એ નિસાસો નાખીને બહાર આવ્યો. એના ચહેરા પરના નિરાશાના ભાવ મનહરભાઈએ વાંચી લીધા. છતાં એમણે પૂછયું. “બિલકુલ બોલી નહિ?” નયને નકારમાં માથું ધુણાવ્યું.

       મનહરભાઈએ કહ્યું. “બીજું કોઈ એવું તારા ધ્યાનમાં છે જે મનીષાને બોલતી કરી શકે?”

       “એવું તો કોણ હોય? પણ કાકા, મનીષાની કૉલેજમાં એની સાથે ભણતી એની કોઈ ફાસ્ટ ફ્રેન્ડ નથી?” નયને પણ તર્ક કર્યો.

        “ના, એવું તો કોઈ નથી. એક છોકરી છે. પણ એનો મને ભરોસો બેસતો નથી…. એનો સંપર્ક કરવાનું પણ અઘરું છે!” મનહરભાઈ સોનુની વાત કરી રહ્યા હતા.

        “તમે કહો તો હું મુંબઈ જઈને એને લઈ આવું.. એક વાર અખતરો તો કરી જુઓ… “મનીષા બોલતી થાય એ જોવા નયન પણ એટલો જ ઉત્સુક હતો.

      “એના ઘરનું સરનામું તો તને આપું… પરંતુ એ કયારે ઘરે મળે એ જ સવાલ છે. ઘરે હોય પણ ખરી ને ન પણ હોય!” મનહરભાઈએ મૂંઝવણ વ્યક્ત કરી.

        “એ ક્યાં મળે એની એનાં ઘરનાં લોકોને તો ખબર હોય જ ને!” નયને સ્વાભાવિક તર્ક કર્યો.

       “અં… હં… એવું જરૂરી નથી… અને તું એની વાત છોડ… એ છોકરી પોતે જ એટલું બોલ બોલ કરે છે કે એ મનિષાને બોલવા જ નહીં દે!” મનહરભાઈએ પોતાનો ભય વ્યક્ત કર્યો.

        બંનેની આમ વાતચીત ચાલતી હતી ત્યાં દૂરથી એક મારુતિ એસ્ટીમ આવતી દેખાઈ. મનહરભાઈને દૂરથી એવું લાગ્યું કે જાણે નાગપાલ શેઠની જ ગાડી છે. પરંતુ પછી તરત વિચાર આવ્યો કે નાગપાલ શેઠ થોડા જ અહીં આવવાના હતા? ગાડી થોડી નજીક આવી એટલે મનહરભાઈએ નાગપાલના ડ્રાઈવરને ઓળખી લીધો અને એ ઊભા થઈને રોડ પર આવ્યા. ગાડી એમની પાસે આવીને ઊભી રહી ગઈ. નાગપાલ ઊતર્યા અને મનહરભાઈને ભેટીને આશ્વાસન આપ્યું. મનહરભાઈ એમને અંદર લઈ આવ્યા. પિનાકીનભાઈ પણ ઊભા થઈ ગયા. નાગપાલે બધી વિગત પૂછી. મનહરભાઈએ ટૂંકમાં વાત કરી અને મનીષા બોલતી નથી એ પણ કહ્યું. અચાનક એમને કંઈક યાદ આવ્યું હોય એમ એમણે કહ્યું. ગઈકાલે મનીષાની કોઈક ફ્રેન્ડની ફોન આવ્યો હતો. એના કોઈક ફંક્શનનું ઈન્વિટેશન આપવા એ બે – ત્રણ વખત મનહરભાઈના ઘેર ગઈ હતી પણ તાળું જોયું એટલે એણે ફોન કર્યો. નાગપાલે એને બધી જ વાત કરી અને વડોદરાનો નંબર પણ આપ્યો. આજે એનું ફંક્શન છે એટલે આજે રાત્રે ફોન કરશે.

     મનહરભાઈએ એનું નામ પૂછયું. પણ નાગપાલને એકદમ  યાદ ન આવ્યું. મનીષાની એક માત્ર ફ્રેન્ડ સોનુ હતી. મનહરભાઈએ કહ્યું એટલે તરત નાગપાલને યાદ આવ્યું કે એ સોનલ જ હતી.

    નાગપાલ એક લગ્નમાં હાજરી આપવા સુરત સુધી આવ્યા હતા. સુરતથી વડોદરા મનહરભાઈ પાસે જઈ આવવાનું એમણે નક્કી જ કરી નાખ્યું હતું. સાથે દસ હજાર રૂપિયા પણ લાવ્યા હતા. એ મનહરભાઈને આપ્યા અને જરાય ચિંતા નહિ કરવાનું કહ્યું. નાગપાલ લગભગ કલાકેક બેઠા. સરોજબહેને એમના માટે ઝટપટ નાસ્તો બનાવ્યો અને નયન જઈને કોકા-કોલા લઈ આવ્યો.

      નાગપાલ વિદાય થયા પછી નયને જ મનહરભાઈને પૂછયું, “કાકા, તમે જે છોકરીની વાત કરતા હતા એની જ વાત હતી ને?” નયનને ખ્યાલ આવી ગયો કે મનહરભાઈ જે છોકરીની વાત કરતા હતા એ આ જ હોવી જોઈએ. એણે તરત જ કહ્યું,  “કાકા, આજે એનો ફોન આવે તો એને બોલાવી જ લેજો…. કદાચ આપણું કામ થઈ જાય!”

     “આપણે કહીએ તો એ આવે જ એવું એની બાબતમાં માની લેવાય એવું નથી!” મનહરભાઈના મનમાં તો સોનુના વ્યક્તિત્વ વિષે પહેલેથી જ દહેશત હતી. એ છોકરી જ એવી હતી કે એના વર્તનની આગાહી ન થઈ શકે.

     “એ ન આવે તો જુદી વાત છે. કહેવામાં આપણું શું જાય છે? અને જો એ મનીષાની સાચી ફ્રેન્ડ હશે તો આવવાની ના નહિ જ પાડે!” નયનનો તર્ક શુધ્ધ હતો.

     પિનાકીનભાઈ અને વિનોદિનીબહેન પણ આ જ મતનાં હતાં. વિનોદિનીબહેને તો એમ પણ કહ્યું કે, “સોનુનો ફોન આવે તો તમે કંઈ નહિ કહેતા, મને ફોન આપજો. મારી વાત કદાચ એ નહિ ટાળે!”

     મનહરભાઈ કહેવા માંગતા હતા કે સોનુ જેવી વ્યક્તિ પર બહુ ભરોસો રખાય નહિ. પરંતુ એ કંઈ બોલ્યા નહિ. હવે રાત્રે સોનુના ફોનની જ રાહ જોવાની હતી.

     દરમ્યાન પિનાકીનભાઈએ ફોન પર જ સૂર સાગરની પાળે આવેલા બૈજનાથ મહાદેવમાં ઉદયના શ્રદ્ધાંજલિ યજ્ઞની પ્રાથમિક તૈયારીઓ કરાવી દીધી. બીજે દિવસે યજ્ઞ-વિધિ કરનાર મહારાજને ફરી જરૂરી વિગતો સાથે રાત્રે આઠ વાગ્યે ઉદયના ફ્લૅટ પર બોલાવી લીધો અને બધાંએ ત્યાં જવાનું નક્કી કરી લીધું. જેથી જનાર્દનભાઈ સાથે પણ વિગતે વાત થઈ જાય.

        રાત્રે લગભગ આઠ વાગ્યાથી લગભગ બધાં કાગડોળે સોનુના ફોનની રાહ જોઈ રહ્યા હતા. અગિયાર વાગ્યા તો ય હજુ સોનુનો ફોન આવ્યો. વચ્ચે બે વખત નયનનો જાણવા માટે ફોન આવી ગયો કે સોનુનો ફોન આવ્યો કે નહિ. મનહરભાઈએ એને પણ કહ્યું, “ છોકરી ભરોસાપાત્ર નથી. એનો ફોન આવે પણ ખરો અને ના પણ આવે. ભલું હોય તો રાત્રે બાર વાગ્યે પણ ફોન કરે! જેવો એનો ફોન આવશે કે તરત હું તને ફોન કરીશ…”

     મનહરભાઈ, વિનોદિનીબહેન, પિનાકીનભાઈ અને સરોજબહેન રાત્રે એક વાગ્યા સુધી ફોન પાસે બેસી રહ્યાં. પરંતુ સોનુનો ફોન ન આવ્યો મનહરભાઈ વચ્ચે એક વાર બોલ્યા પણ ખરા, “તદ્દન રેઢિયાળ છોકરી છે… તમને બધાંને એમ છે કે… પણ, એ કોઈ કામની નથી!”

      વિનોદિનીબહેનને એમની આવી ટકોર ગમી નહિ. એમણે કહ્યું, “આપણે એને ક્યાં ખબર આપી છે? આપણે એને બોલાવી હોય અને એ ના આવે તો બરાબર….

      “તું ખોટી એની વકીલાત કરે છે. અહીં આવવાનો કે ફોન કરવાનો પ્રશ્ન નથી. હું તો એના સ્વભાવ વિષે કહું છું.” મનહરભાઈએ પોતાનો બચાવ કર્યો.

        “એના સ્વભાવ વિશે આપણે શું? જે હશે તે. ભેંસના શિંગડાં ભેંસને જ ભારે પડે છે…” આટલું બોલતાં બોલતાં એ મનીષાના રૂમમાં ગયા. મનીષા જાગતી પડી રહી હતી. વિનોદિનીબહેન એની પાસે ગયાં અને માથે હાથ ફેરવતાં ફેરવતાં પૂછયું, “મોનુ બેટા, ઊંઘ નથી આવતી?”

     મનીષાએ કંઈ જવાબ ન આપ્યો અને આંખો બંધ કરી દીધી. વિનોદિનીબહેને પૂછયું, “લાઈટ બંધ કરું?”

        “ના,” મનીષાએ એકાક્ષરી જવાબ આપ્યો.

       મનહરભાઈ વિચારવા લાગ્યા કે તેઓ પોતે પણ સોનુની મદદ લેવા ઉત્સુક છે. એથી આટલા અકળાય છે. ઘણી વાર માણસ પ્રગટ રીતે જે વસ્તુ ઈચ્છતો હોય એની પ્રચ્છન્ન ઈચ્છા કરે છે.

      લગભગ દોઢ વાગ્યે બધાં સૂતાં તો પણ સવારે વાગ્યે તો મનહરભાઈ જાગી ગયા. બહારના રૂમમાં આવીને છાપું જોવા લાગ્યા. પછી બ્રશ કર્યું અને ચા પીધી. નહાવા જતા હતા ત્યાં પિનાકીનભાઈએ એમને બેસાડયા. એમણે કહ્યું , “મારી ઈચ્છા હતી કે આપણે શ્રદ્ધાંજલિયજ્ઞ પછી મનીષાના હાથે કંઈક દાનપુણ્ય કરાવીએ. તને શું લાગે છે?”

      મનહરભાઈ કંઈક વિચારીને બોલ્યા, “સાચું પૂછે તો શ્રદ્ધાંજલિયજ્ઞની વાત બરાબર છે. પરંતુ દાનપુણ્યની વાત આપણે મનીષા પર છોડી દેવી જોઈએ. આજે નહિ તો કાલે અને કાલે નહિ તો પરમ દિવસે એને ઠીક લાગશે ત્યારે અને ત્યાં દાન આપી દેશે.

     “તારી વાત પણ સાચી છે. અત્યારે એ કોઈ નિર્ણય લે એમ નથી. એટલે અત્યારે આ વાત ભવિષ્ય પર જ છોડી દઈએ… અને હા,  તું મુંબઈ જાય ત્યારે મનીષાને તો લઈ જ જાય છે ને?”

     “હાસ્તો! અહીં એને એકલી થોડી રાખવાની છે?” મનહરભાઈ આ બાબતમાં સ્પષ્ટ હતા. 

       “ઉદયનો ફ્લૅટ અને એના જે કંઈ પૈસા આવે ને…” પિનાકીનભાઈ આગળ બોલે તે પહેલાં મનહરભાઈ બોલી ઊઠયા, “એકવાર મનીષા ઠેકાણે આવે એ પછી જ એ વાત કરવી જોઈએ. જનાર્દનભાઈએ તો કહી દીધું છે કે ઉદયનું અમારે કંઈ રાખવું નથી…”

      એટલામાં ફોનની ઘંટડી વાગી. પિનાકીનભાઈએ ફોન ઉપાડયો. સામેથી નયન બોલતો હતો, “કાકા, પછી રાત્રે મોડા પણ સોનલનો ફોન આવ્યો ખરો?”

       “ના, ભાઈ ના! કોઈ ફોન આવ્યો નથી…. હવે તો અમે એના ફોનની રાહ જોવાનું પણ મૂકી દીધું છે. મનહર કાકા કહે છે તેમ એ છોકરી રેઢિયાળ જ હોવી જોઈએ. એના પર ભરોસો રખાય તેમ નથી.”

         “હલ્લો, કાકા! આજે મારું કંઈ કામ છે? હું કદાચ પપ્પાના કામે આણંદ જવાનો છું. સાંજે તો પાછો આવી જઈશ. બનશે તો રાત્રે આવીશ… ચાલશે?” નયને કહ્યું.

         “હા, હા વાંધો નથી… ઊભો રહે, એક મિનિટ! હું મનહરને જરા પૂછી જોઉં.” એમણે મનહરભાઈને નયનની વાત કરી. મનહરભાઈએ પણ કહ્યું કે, વાંધો નથી.

       એટલામાં અંદરથી સરોજબહેને બૂમ પાડી, “સાંભળો તો! મને ગેસનો બાટલો બદલી આપોને! ખલાસ થઈ ગયો છે!”

     પિનાકીનભાઈ મજાકમાં બોલ્યા, “ચાલો ભાઈ, ઘરના માલિક કારસેવા માટે બોલાવે છે એટલે જવું જ પડશે.”

        પિનાકીનભાઈ અંદર ગયા એટલે મનહરભાઈ નહાવા જવા માટે ઊભા થવા જતા ત્યાં જ બેલ વાગ્યો. એમણે બારણું ખોલ્યું તો એ અવાક જ થઈ ગયા. એક ક્ષણ જાણે થીજી ગયા અને કોઈ સપનું જોતા હોય એવું એમને લાગ્યું.

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: