૩. અભિશાપ અને ગાળના બૂમરેંગ

બિહારના મુખ્ય પ્રધાન લાલુપ્રસાદ યાદવ સામે ભ્રષ્ટાચારનો મજબૂત કેસ બનતો હોવા છતાં દેશના વડાપ્રધાન એમને સત્તા છોડવા ફરજ પડી શકયા નહીં. એમણે છેવટે રાજીનામું આપ્યું તે ય એવી રીતે આપ્યું કે છેવટે સત્તા એમની પાસે જ રહી. હજુ ય લાલુપ્રસાદને કશું જ કહી શકવાની કદાચ કોઈનામાં હિંમત નથી. થોડા દિવસ પહેલાં વડાપ્રધાન જેવી વ્યકિત જયારે પોતાની ‘લાચારી’ જાહેર કરે ત્યારે એમની દયા જ આવે. વડાપ્રધાન ગુજરાલ એક પીઢ રાજપુરુષ છે. તેઓ વિદ્વાન પણ છે અને એટલા જ સજજન પણ છે. સજજન માણસોનું એક લક્ષણ છે કે તેઓ મરતાને મર નથી કહેતા. ગાંધીજી કહેતા હતા તેમ આવા લોકો ગુનાને ધિક્કારે છે, પરંતુ ગુનેગારને ધિક્કારતા નથી. તેઓ દૃઢપણે માનતા હોય છે કે કોઈને ગાળ દેવાથી એ ગાળ પોતાને જ લાગે છે અને શાપ આપવાથી પોતે જ શાપિત થાય છે. શકય છે કે આવા કારણસર જ ગુજરાલ કોઈને કશું કહેતા ન હોય.

        કેટલાક લોકોને જો કે આ વાત ગળે ઊતરતી નથી. તેઓ કહે છે કે પોતાની જાતને સદગૃહસ્થ અને સજજન માનનારા લોકો જયારે આવું વલણ અખત્યાર કરે ત્યારે એ તેમની નબળાઈ જ હોય છે. એમના માટે આ એક બચાવ-પ્રયુકિત બની જાય છે અને તેઓ જવાબદારીમાંથી છટકી જવાનો પ્રયત્ન કરતાં હોય છે. માની લઈએ કે આવો આરોપ પણ સાચો છે, છતાં એ વાતનો ય ઇનકાર થઈ શકે તેમ નથી કે સતયુગમાં જેમ શાપ કામ કરતા હતા એવું આજે કામ કરતા નથી. બલકે આજના જમાનામાં શાપ આપનાર વ્યકિત શાપિત બને છે અને ગાળ દેનારને જ ગાળ ખમવી પડે છે. એ રીતે જાણ્યે-અજાણ્યે પણ ગુજરાલ સાચા ઠરે છે. કદાચ મરતાને મર નહિ કરવાની અને કાણાને કાણો નહિ કહેવાની એમની રીતભાત જ એમના ઉત્તમ સ્વાસ્થ્યનું રહસ્ય હશે. આ કોઈ તુક્કો નથી, મનોવિજ્ઞાને સાબિત કરેલી વાત છે.

        વિશ્વભરમાં વિજ્ઞાન ક્ષેત્રે અત્યંત માન અને આદર ધરાવતા બ્રિટનના પ્રતિષ્ઠિત તબીબી સામયિક લાન્સેટમાં તાજેતરમાં એક અભ્યાસના આધારે પ્રસિદ્ધ થયેલો અહેવાલા કહે છે કે શાપ આપનારને જ શાપ લાગે છે અને ગાળ દેનારને પોતે જ ગાળ ખાવાનો વખત આવે છે. આ અભ્યાસ કરનારા મનોવિજ્ઞાનીઓ કહે છે કે શાપ અને ગાળ બૂમરેંગ જેવાં છે. આપણામાં કહેવત છે કે ખાડો ખોદે તે પડે. પરંતુ આ મનોવિજ્ઞાનીઓ તો એક ડગલું આગળ વધીને કહે છે કે ખાડો ખોદવાની વાત તો પછી આવે છે. ખાડો ખોદવાની કલ્પના કરનાર પણ એમાં પડે છે. અલબત્ત, ખાડો ખોદવાનું કામ મનમાં થતું હોય તો પડવાનું પરિણામ પણ મનમાં જ આવે. પરંતુ અહીં વાત વધુ ગંભીર એટલા માટે બને છે કે મનમાં ખોદેલા ખાડામાં મનોમન પડયા પછી એની પીડા શરીરને જ ભોગવી પડે છે. મન અને શરીરનું અતૂટ અનુસંધાન અહીં કામ કરતું જોવા મળે છે.

        લંડનની યુનિવર્સિટી કૉલેજના ઈન્ટરનેશનલ સેન્ટર ફોર હેલ્થ એન્ડ સોસાયટીના વડા પ્રોફેસર માઈકેલ મર્મોટના નેતૃત્વ હેઠળની સંશોધકોની એક ટુકડીએ આવો એક અભ્યાસ હાથ ધર્યો હતો. ૧૯૮૫ થી ૧૯૯૩ દરમ્યાન બ્રિટનની સનદી સેવાઓમાં રોકાયેલાં ૭,૩૭ર સ્ત્રી-પુરુષોનો અભ્યાસ એમણે કર્યો હતો. આ સંશોધકો એવું માનતા હતા કે કામ કરતા એટલે કે નોકરી કરતા લોકો માટે એમના ઉપરી અધિકારીઓ વારંવાર માનસિક તનાવનું નિમિત્ત બનતા હોય છે. એમની ધારણા સાવ ખોટી પણ નથી. આજના તીવ્ર સ્પર્ધા અને પરિણામલક્ષી વ્યવસાયના યુગમાં અંતિમ જવાબ ઉપરી અધિકારીઓએ જ આપવાનો આવે છે. આથી તેઓ પોતાના હાથ નીચેના કર્મચારીઓ પર પરિણામલક્ષી બનવા માટે પુષ્કળ દબાણ લાવે છે. કેટલીક વાર હાથ નીચેના કર્મચારીઓ આવા દબાણથી અકળાઈ ઊઠે છે અને પોતાનાથી બનતા બધા જ પ્રયાસો કરવા છતાં ઉપરીની ઘોંસ ચાલુ જ રહે ત્યારે એમની અકળામણમાં હતાશા, નિરાશા અને તનાવ ભળે છે. આ એક સાહજિક પ્રક્રિયા છે. આપણા દેશમાં સનદી સેવાઓમાં રોકાયેલા લોકોની વાત જુદી છે. લાલુપ્રસાદ જેવા રાજકારણીઓ વડાપ્રધાન જેવા બોસને પણ ગણકારતા ન હોય ત્યારે ઉચ્ચ અધિકારીઓ પણ પોતાની પાસે જવાબ માગનારાઓને બિલકુલ ગણકારે નહિ એ બહુ સ્વાભાવિક છે. એથી આવા ઉપરીઓની હાથ નીચેના માણસોને પણ બ્રિટિશરો જેવી સમસ્યા નડે નહિ.

        અભ્યાસ કરનાર મનોવિજ્ઞાનીઓ કહે છે કે નોકરી કરતી દરેક વ્યકિત માટે પોતાની લાગણીઓ પર નિયંત્રણ ખૂબ મહત્ત્વનું હોય છે. જેનામાં આવું આત્મ-નિયંત્રણ ન હોય અથવા ઓછું હોય એને સૌથી વધુ સમસ્યાઓ નડે છે. આત્મ-નિયંત્રણનો ખ્યાલ આધુનિક મનોવિજ્ઞાનમાં પ્રમાણમાં નવો છે. પરંતુ એમ લાગે છે કે માનસિક સમતુલા અને સ્વાસ્થ્ય જાળવવામાં આ ખ્યાલ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. જે વ્યકિત પોતાની ખૂબીઓ અને ખામીઓથી પરિચિત હોય, પોતાની મર્યાદાઓનો ખુલ્લા દિલે સ્વીકાર કરતી હોય તથા પોતાના સ્થાન અને ભૂમિકા અંગે પૂરતી સભાન હોય એ જ આત્મ-નિયંત્રણ હાંસલ કરી શકે છે. મનોવિજ્ઞાનીઓના મત મુજબ આત્મ-નિયંત્રણ સામાજિક વ્યવસ્થા અને કેળવણીનું પરિણામ છે. એથી જ દરેક વ્યકિતમાં એનું પ્રમાણ અલગ અલગ જોવા મળે છે.

       બ્રિટિશ મનોવિજ્ઞાનીઓએ આ અભ્યાસ સૌ પ્રથમ છેક ૧૯૬૦માં હાથ ધર્યો હતો. પ્રાથમિક અભ્યાસમાં એમને જણાયું કે નિમ્ન સ્તરના કર્મચારીઓ, એટલે કે આપણે તેમને ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારીઓ ગણીએ છીએ તેઓનું સરેરાશ આરોગ્ય નબળું હતું. મનોવિજ્ઞાનીઓએ એ પણ નોંધ્યું કે આવા કર્મચારીઓ સૌથી વધુ મનોશારીરિક બીમારીઓથી પીડાતા હતા અને એમનામાં હૃદય રોગનું પ્રમાણ પણ ઊંચું હતું. આવા કર્મચારીઓ ખૂબ ઝડપથી ધૂમ્રપાન અને મદ્યપાન તરફ વળી જતા હતા અને દિવસે દિવસે એમની એ લત તીવ્ર બનતી હતી. આ અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું કે નિમ્ન સ્તરના કર્મચારીઓનું સરેરાશ આયુષ્ય ઓછું હતું. એનો અર્થ એ કે તેઓ જીવનથી જ વહેલા પરવારી જતા હતા.

ઓફિસનું તંગ વાતાવરણ માનસિક શાંતિને હણી જ લે ને!

       પ્રાથમિક અભ્યાસ પછી મનોવિજ્ઞાનીઓએ બીજા તબક્કે આ જ વર્ગના કર્મચારીઓનો સઘન અભ્યાસ હાથ ધર્યો. એમાં એમને જોવા મળ્યું કે આમાંના મોટા ભાગના કર્મચારીઓ નિરાશા અને હતાશાનો ભોગ બનતા હતા. માનસિક તનાવને કારણે તથા પોતાને શકિતહીન માનવાને લઈને તેઓ ધૂમ્રપાન અને મદ્યપાનની મર્યાદા ઓળંગી જતા હતા. આ કારણોસર આવા કર્મચારીઓમાં પેપ્ટીક અલ્સર તથા હાઈ બ્લડપ્રેશર જેવી તકલીફો સવિશેષ જોવા મળતી હતી. આવા કર્મચારીઓએ કબૂલ્યું હતું કે ઉપરી અધિકારીઓ દ્વારા વારંવાર ઊભા કરાતા અમર્યાદ દબાણને કારણે તેઓ સમતુલા ગુમાવી દેતા હતા અને મનમાં ને મનમાં ઉપરી અધિકારીને સખત ગાળો આપતા હતા. ઘણીવાર તો ઉપરી અધિકારીનું ગળું દબાવી દેવાનો કે ખૂન કરી નાખવાનો પણ વિચાર આવતો. પરંતુ કશું જ ન થઈ શકે ત્યારે મનમાં ને મનમાં ઉપરી અધિકારીને શાપ આપવા લાગતા. ‘એ આંધળો થઈ જાય, એને જીવલેણ અકસ્માત નડે, એના ઘરમાં આગ લાગે અને એ ભસ્મીભૂત થઈ જાય તથા એને કોઈક જીવલેણ રોગ લાગુ પડેવગેરે જેવા શાપ આપ્યો કરતા. પરંતુ આવું કશું જ ન થાય અને ઉપરી અધિકારી હેમખેમ રહે તથા માનસિક ત્રાસ ગુજારવાનું ચાલુ રાખે ત્યારે હતાશ થઈ જવાતું અને અકળામણનો પાર નહોતો રહેતો. મનોવિજ્ઞાનીઓએ આમાંથી કેટલાકને થોડો સમય આત્મ-નિયંત્રણની સઘન તાલીમ આપી. પરિણામે એમની માનસિક સમસ્યાઓમાં નોંધપાત્ર સુધારો થયો.

       અભ્યાસકારોએ નોંધ્યું કે સનદી સેવાઓના ઉપરી અધિકારીઓમાંથી પુરુષોમાં શક્તિહીનતા અને સત્તાહીનતાની લાગણી ૮.૭ ટકામાં અને સ્ત્રીઓમાં ૧૦.૧ ટકામાં જોવા મળી હતી. એની સામે નિમ્ન સ્તરના કર્મચારીઓમાં પુરુષોમાં આવી લાગણી ૭૭.૯ ટકા અને સ્ત્રીઓમાં ૭૫.૩ ટકામાં જોવા મળી હતી. સંશોધકોની આ ટુકડીમાં એક શરીરવિજ્ઞાની ડૉ, રોબર્ટ કાર્ની પણ હતા. એમણે નોંધ્યું છે કે નીચા આત્મ-નિયંત્રણને કારણે લોહીમાં પ્લાઝ્મા ફાઈબ્રીનોજીનનું પ્રમાણ વધી જતું હતું. આ એક એવું પ્રોટીન છે, જે લોહી ગંઠાવાની પ્રક્રિયામાં અગત્યનો ભાગ ભજવે છે અને લોહીના કોષોને નજીક લાવે છે. એમના કહેવા પ્રમાણે ફાઇબ્રીનોજીનનું ઊંચું પ્રમાણ હૃદયરોગના હુમલા માટે કારણભૂત બને છે. ડૉ. કાર્ની અગાઉ એ સાબિત કરી ચૂકયા છે કે તનાવ વધે ત્યારે લોહીમાં ફાઈબ્રીનોજીનનું પ્રમાણ પણ વધે છે અને એથી તનાવને હૃદયરોગનો કારક ગણવામાં આવે છે. ફાઈબ્રીનોજીનનું પ્રમાણ વધે ત્યારે હૃદય અને નાડીના ધબકારા વધી જતા હોય છે અને હૃદયની કામગીરી નબળી પડે છે.

     ડૉ. મર્મોટ કહે છે કે જેમનું આર્થિક અને સામાજિક ધોરણ નીચું હોય છે તેઓ આત્મ-નિયંત્રણની બાબતમાં નબળા પુરવાર થાય છે અને એને પરિણામે જ તેઓ ઝડપથી હૃદયરોગનો શિકાર બને છે.  નીચા આત્મ-નિયંત્રણને કારણે તેઓ પોતાને શક્તિહીન અને સત્તાહીન તરીકે જુએ છે. અણગમતી વ્યક્તિ કે બાબત સામે તેઓ કશું જ કરી શક્તા નથી ત્યારે ગાળો દઈને કે અભિશાપ આપીને તેઓ પોતાની જાતને સંતોષ તથા સધિયારો આપવાનો પ્રયાસ કરે છે. એનું ય કોઈ પરિણામ આવતું નથી ત્યારે વધુ હતાશા અને દુઃખી થાય છે. પરિણામે એમના લોહીમાં ફાઈબ્રીનોજીનનું પ્રમાણ વધે છે.      

આત્મ નિયંત્રણ વગર જિંદગી હાથમાંથી જ સરકી જાય છે.

તાત્પર્ય એટલું જ કે કોઈને ગાળ દેતાં પહેલાં કે શાપ આપતાં પહેલાં સો વાર વિચાર કરવો. નહિતર ગાળ અને અભિશાપ આપણને જ લાગે. આત્મ-નિયંત્રણ વિના ઉધ્ધાર નથી. બહુ મોટી સામાજિક અને આર્થિક ક્રાંતિ વિના પરિસ્થિતિ પલટાવાની નથી. કદાચ ગુજરાલ જેવા સજજનો આ વાત વધુ સારી રીતે સમજે છે. એટલે જ પોતાના હાથ નીચેના માણસો પર દબાણ નથી લાવતા અને બેફામ રાજ કરવા દે છે!

Credits to Images

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: