સાઈકોગ્રાફ ૫. ટેલિફોન રોમિયો – રોષ કરવો કે દયા ખાવી?

ટેલિફોન આપણા માટે એક ઉપયોગી સાધન છે.  ટેલિફોનને કારણે સમયનો અભુત બચાવ થાય છે અને વાહનવ્યવહાર પરનું દબાણ ઘટે છે. અનેક વખત કટોકટીઓને પણ ટાળી શકાય છે.  આર્થિક દૃષ્ટિએ ટેલિફોન વિકાસનું સાધન છે. પરંતુ આપણે સંક્રાંતિના એવા તબક્કામાંથી પસાર થઈ રહ્યા છીએ કે હજુ પણ ટેલિફોન જેવા ઉપયોગી સાધનનું પૂરેપુરું મહત્ત્વ સમજીને એને ખપમાં લેતાં શીખ્યા નથી. ટેલિફોન સેવા આપનાર તંત્ર પાસે ઈજારશાહી છે અને એને એ કમાણીનું સાધન જ માને છે. સામે પક્ષે ઉપયોગ કરનારાઓ પણ સજાગ નથી. લાંબી લાંબી અને નિરર્થક વાતો કરીને તેઓ ટેલિફોનનું મહત્ત્વ ઘટાડે છે. કેટલાક વળી ટેલિફોનનો ટીખળ અને મનોરંજનના સાધન તરીકે ઉપયોગ કરે છે. કયારેક એમાં નિર્દોષ મનોરંજનનો જ હેતુ હોય છે તો ઘણી વાર માનસિક વિકૃતિઓ કામ કરતી જોવા મળે છે.

મોટાં શહેરો અને મહાનગરોમાં અનેક ટેલિફોન ધારકો રોંગ નંબર, બે-ત્રણ લાઈનોનું જોડાણ, ડેડ ફોન, ઓવરબિલિંગ, વિચિત્ર અવાજો અને એવી વિવિધ સમસ્યાઓનો સામનો કરતા જ હોય છે. એમાં ઘણી વાર તોફાની કોલનો ત્રાસ ભળે છે. ટેલિફોન-રોમિયોનો એક છૂટોછવાયો છતાં મોટો વર્ગ ઊભો થયો છે, જે કસમયે ફોન કરીને આડીઅવળી વાતો કરે છે, બિભત્સ શાબ્દિક ચેનચાળા કરે છે અને અઘટિત માગણીઓ કરીને ખાસ કરીને મહિલાઓને પરેશાન કરે છે. એક અંદાજ પ્રમાણે મોટાં શહેરોમાં ૬૦ ટકા જેટલા ટેલિફોન ધારકો એવા હશે, જેમને એક યા બીજા સમયે આવો અનુભવ થયો હશે.

         આપણે ટેલિફોન સેવાઓની બાબતમાં સારી એવી પ્રગતિ કરી હોવા છતાં પશ્ચિમની ટેકનોલોજીની સરખામણીએ આપણે હજુય બીજી વીસ-પચીસ વર્ષ જેટલા પાછળ છીએ. આપણા દેશમાં હજુ આજેય ટેલિફોન સેવાઓને લગતો ટેલિગ્રાફ એકટ જરીપુરાણો જ છે. જે છેક ૧૮૯૬ની આસપાસ ઘડાયો હતો. આ કાયદો શોભાનો ગાંઠિયો જ બની રહ્યો છે. પરિણામે ટેલિફોન દ્વારા થતી વિવિધ પ્રકારની હેરાનગતિનો ઈલાજ શોધવાનું અઘરું થઈ પડે છે. શાણા ગ્રાહકો આવો કોઈ તોફાની કોલ આવે ત્યારે લાંબી વાત કરવાને બદલે લાઈન કટ કરી નાખે છે. આવું વારંવાર કર્યા પછી આવા ફોન મોટે ભાગે બંધ થઈ જતા હોય છે.

તોફાની કોલ કરનારા બહુધા આશરે જ નંબર જોડતા હોવાથી બહુ પ્રોત્સાહન ન મળે ત્યારે બીજો કોઈક નંબર અજમાવતા હોય છે. બહુ ઓછા કિસ્સામાં ટેલિફોન-રોમિયો ચોક્કસ નંબર શોધીએ આવું કરતા હોય છે. અલબત્ત, આવા કિસ્સામાં ટેલિફોનને નિરીક્ષણ હેઠળ મુકાવીને પોલીસની મદદ વડે છટકું ગોઠવી એનાં મૂળ સુધી પહોંચી શકાતું હોય છે. પરંતુ એ આખી વિધિ ઘણી અટપટી અને પીડાજનક બનતી હોય છે. ઘણા અનુભવોમાંથી એવું પણ જોવા મળ્યું છે કે આ આખી પ્રક્રિયામાં ટેલિફોન તંત્ર અને પોલીસ તરફથી પૂરતો સહકાર મળતો નથી.   

ટેલિફૉન પર પરેશાન કરનાર રોમિયોની સંખ્યા વધતી જાય છે.

         ટેલિફોન પર ટીખળ કે તોફાન કરનારા કેટલાક નવરા બેઠા નખ્ખોદ વાળતા હોય છે. ખાલી મગજ સંતાનનું કારખાનું બને છે. અડધી રાત્રે ગમે તેને ફોન કરીને આડીઅવળી વાતો કરીને કે ઘડ-માથા વગરના સવાલો પૂછીને સામી વ્યકિતને હેરાન કરવામાં અને ગુસ્સે કરવામાં આવા લોકોને આનંદ મળે છે. એક વાર કોઈકે અડધી રાત્રે યુનિવર્સિટીના કુલપતિનો ફોન ખખડાવ્યો, કુલપતિએ ફોન ઉપાડયો એટલે પૂછયું, “ભાવનગરની બસ કેટલા વાગ્યે જાય છે?” કુલપતિ સમજયા કે કોઈકે ભૂલથી આ નંબર લગાવ્યો હશે એટલે તેમણે અડધી રાત્રે પણ ખૂબ વિવેકપૂર્વક કહ્યું, “ભાઈ, તમારાથી રોંગ નંબર લાગ્યો છે. આ એસ. ટી. ઈનકવાયરીનો નંબર નથી. પરંતુ કુલપતિના નિવાસનો નંબર છે.

          તો પેલા ફોન કરનારે કહ્યું, ખબર છે! પણ ભાવનગરની બસનો ટાઈમ ખબર નથી તો કુલપતિ શા માટે થયા છો?” 

         આવી જ રીતે દિલ્હીની એક પ્રતિષ્ઠિત કૉલેજનાં એક અધ્યાપિકાને કોઈક અડધી રાત્રે ફોન કરીને ખૂબ નાટકીય સ્વરે કહ્યું કે તમારી કલાસની ફલાણી છોકરી પર બળાત્કાર થયો છે અને એ અત્યારે કણસે છે. પ્રાધ્યાપિકા સ્તબ્ધ થઈ ગયાં. એ વધુ પૂછપરછ કરવા ગયાં ત્યાં એમને હસાહસનો અવાજ આવ્યો અને એ સમજી ગયા કે કોઈક મશ્કરી કરી રહ્યું છે. મુંબઈના એક કિસ્સામાં એક બહેન પર દરરોજ રાત્રે આવો કોન આવતો હતો. કોઇક વ્યકિત ખૂબ ધીમાં અને દબાયેલા અવાજે બિભત્સ વાતો કરીને એમની પાસે અઘટિત માગણી કરતી હતી. ફોન નિરીક્ષણ હેઠળ મુકાવી પોલીસની મદદથી તપાસ કરાવી તો એ બહેનને આશ્ચર્ય સાથે આંચકો લાગ્યો.  ફોન કરનાર વ્યકિત એ બહેનની ખાસ મિત્રનો પતિ હતો. સામાન્ય વ્યવહારમાં એનું વર્તન કદી અજુગતું લાગ્યું નહોતું. ફોન પર જ એ વિકૃત વર્તના કરતો હતો.

       કાયદાની પરિભાષામાં ટેલિફોન પર કોઈને હેરાન કરવું, બિભત્સ વાતો કરવી, અઘટિત માગણીઓ કરવી કે ધમકી આપવી એ ગુનો બને છે. અપૂરતી કાનૂની જોગવાઈઓ છતાં આ રીતે તોફાન કરતાં પકડાય તેને ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનેગાર ઠરાવીને જેલ કે કેદની સજા પણ થઈ શકે છે. પરંતુ મોટા ભાગના લોકો આવી લાંબી પળોજણમાં પડવાનું ટાળે છે.  ભવિષ્યમાં આપણા ફોનના ડાયલ પર ફોન કરનારનો નંબર પણ તરત આવે એવી ટેકનિકલ વ્યવસ્થા થાય ત્યાં સુધી આવું બનતું રહેવાનું છે. પરંતુ અહીં અગત્યની વાત એ છે કે આવી પ્રવૃત્તિ કરનારા બધા જ ગુનેગારો કે ગુનાખોર માનસ ધરાવનારાઓ નથી હોતા. આવા માણસો મોટે ભાગે એમના રોજબરોજના જીવનમાં અને સામાન્ય વ્યવહારમાં અત્યંત સ્વસ્થ અને સદ્ગૃહસ્થ જેવા દેખાતા હોય છે.

કેટલાકને એમના મનમાં પડેલી પરપીડન વૃત્તિ આવું કરવા પ્રેરતી હોય છે. તો કેટલાક અમુક ચોક્કસ મનોવિકૃતિનો શિકાર બનતા હોય છે. આ બન્ને માનસિક બીમારીઓ જ છે. જેનાં મૂળ વ્યકિતના ઉછેર, કેટલાક કટુ અનુભવો અને તંગ કૌટુંબિક કે સામાજિક મનોદશામાં હોય છે. પરંતુ આપણે હજુય વ્યક્તિની માનસિક રૂગ્ણતાની કરુણતાનો વાજબી સ્વીકાર કર્યો નથી. અને એથી આવી વિકૃતિઓને સાદા ગુના ગણીને એની સજા ફરમાવીએ છીએ. હકીકતે આવી વિકૃતિઓ માટે માનસિક સારવાર અને મનોવિજ્ઞાનીઓની મદદની જરૂર હોય છે. પશ્ચિમના દેશોની જેલોમાં મનોવિજ્ઞાનીઓની સેવાઓ આ કારણે જ લે છે. છેવટે આશય ખોટું કરનારને ‘ખૂન કા બદલા ખૂન’ ગણીને સજા કરવાનો નહિ, પરંતુ વ્યકિતની ઊણપો સુધારીને સ્વસ્થ સમાજના નિર્માણમાં યોગદાન કરવાનો હોવો જોઈએ. એક વખતનો ગુનેગાર હંમેશ માટે ગુનેગાર જ હોય એવી સમજ ભૂલ ભરેલી છે.

         ટેલિફોન પર સામી વ્યકિતને નિરર્થક હેરાન કરનાર કે ગુસ્સે કરનાર સામાન્ય રીતે પરપીડનથી પીડાય છે. સામી વ્યકિતને પીડા આપવામાં એને આનંદ મળે છે. પરંતુ બિભત્સ વાતો કરનાર કે જાતીય સતામણી કરનાર એક પ્રકારે જાતીય વિકૃતિનો શિકાર હોય છે. મનોવિજ્ઞાનીઓ આ માટે Perversion શબ્દ વાપરે છે. આધુનિક મનોવિજ્ઞાન અને Impulse Neurosis તરીકે ઓળખાવે છે. એક ખ્યાલ એવો પણ છે કે આવું વર્તન સતત થતું નથી અને ઘણી વાર કેટલીક વૃત્તિઓનું મનોદબાણ વધે ત્યારે જ થતું હોવાથી એને વર્તનવિકૃતિ કે ચારિત્ર્યવિકૃતિ જ કહેવું જોઈએ. મનોવિજ્ઞાની ડૉ. સિગ્મંડ ફ્રોઈડનો મત એવો છે કે આવાં વૃત્તિશીલ વિકૃત વર્તનો પાછળ કામુક ભાવના જ કામ કરતી હોય છે. ફ્રોઈડના કહેવા મુજબ આવાં વર્તનો બાલ્યાવસ્થાના કેટલાક અનુભવોની અસરને કારણે થાય છે. બાળપણમાં થયેલા કેટલાક જાતીય અનુભવો, અતૃપ્ત રહેલી ઇચ્છાઓ કે સ્થગિત થઈ ગયેલી લાગણીઓ આ રીતે આગળ જતાં બહાર આવે છે.

મનોવૈજ્ઞાનિક સલાહ હવે રોજબરોજની જિંદગીમાં માનસિક સ્વાસ્થ્ય માટે જરૂરી બની ગઈ છે.

         આધુનિક મનોવિજ્ઞાન તો ત્યાં સુધી કહે છે કે આ જગતના તમામે તમામ માણસોનો ઉછેર અને બાળપણનું વાતાવરણ સંપૂર્ણ સ્વસ્થ, તંદુરસ્ત અને વૈજ્ઞાનિક હોય એવી અપેક્ષા વધુ પડતી છે. આથી આ અને આવાં વિકૃત વર્તનો લગભગ સર્વવ્યાપી અને સર્વકાલીન સ્વરૂપે જોવા મળે છે. જુદા જુદા સમાજો પોતપોતાનાં ધોરણો અનુસાર આવાં કેટલાંક વર્તનોને માન્ય ગણે છે તો કેટલાંક વર્તનોને નિષેધ્ય માને છે. માણસની એક વિચિત્ર ખાસિયત એ છે કે જે વર્તન પ્રતિબંધિત હોય છે એ કરવા માટે તે ઝટ લલચાય છે.  

         મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ બાળપણમાં જાતીય વૃત્તિની પ્રેરણાઓમાં જે વ્યકિત એક યા બીજા કારણે નિષ્ફળ ગઈ હોય છે એ ઊંડે ઊંડે હતાશા અનુભવે છે. સમય જતાં શારીરિક અને માનસિક પુખ્તતા વધે છે. પરંતુ પેલી હતાશા તો મનમાં એક ભારણ બનીને જ રહે છે. આવી વ્યકિત વખતોવખત ખુદ પોતાની જ જાણ બહાર આવા મનોદબાણમાંથી સમતુલા પ્રાપ્ત કરવા માટે બચાવ-પ્રયુક્તિઓ કે અન્ય સામાજિક વર્તનો દ્રારા પ્રયાસો કરે છે. એમાં એ સફળ થાય ત્યાં સુધી તો ઠીક, પરંતુ નિષ્ફળ જાય ત્યારે એ વિકૃત વર્તનનો આશરો લે છે. આવી મનોવિકૃતિ હળવા પ્રકારની હોય છે અને હળવી મનોવિકૃતિની વિશેષતા એ છે કે આવી વ્યકિત પ્રથમ નજરે તદ્દન સામાન્ય જ લાગતી હોય છે અને એનાં અન્ય વર્તનોમાં ભાગ્યે જ કશું અજુગતું દેખાતું હોવાથી એને માટે હૉસ્પિટલની સધન સારવાર જરૂરી બનતી નથી. મોટે ભાગે તો આવી વ્યકિત પોતાની વિકૃતિનો સ્વીકાર કરે ત્યારે જ એ સારવારક્ષમ બને છે.

       વિકૃત વર્તન હતાશા અને અતૃપ્તિને કારણે હોય ત્યારે વ્યકિત ઘણી વાર ખૂબ આક્રમક અને અધીરી બની જાય છે. આવે વખતે પણ એ સ્વસ્થ તો રહે જ છે અને પોતાનું જે તે વર્તન કોઈની આંખે ન ચડી જાય એની પણ કાળજી રાખે છે.  એક વખત આવું વર્તન અમલમાં મૂકયા પછી એને આનંદ અને રાહતનો અનુભવ થાય છે અને પછી તો આ રીતે મેળવાતા આનંદનો એને ચસકો લાગે છે. એના માટે એ વ્યસન જેવું બની જાય છે.

       વિકૃત વર્તનો પાછળ જાતીય પ્રેરણા કામ કરતી હોય એવા કેટલાક કિસ્સાઓમાં જાતીય અસંતોષ પણ ભાગ ભજવતો હોય એવું જોવા મળ્યું છે. કેટલાક શાહિદક બિભત્સ વર્તના કરે છે તો કેટલાક વિકૃત પ્રદર્શન, વિકૃત દર્શન, ટ્રાન્સવેસ્ટીઝમ, ફેરીઝમ વગેરે જેવાં વર્તનો દ્વારા સંતોષ મેળવે છે. એક વખત આવા કોઈક વર્તન માટેનું મનોદબાણ ઊભું થાય પછી વ્યકિત એ દબાણ સહન કરી શકતી નથી. સૌથી અગત્યની વાત એ છે કે આવાં વર્તનો કરી બેસનારનો હેતુ આવું કોઈક ધ્યેય પ્રાપ્ત કરીને આનંદ લૂંટવા કરતાં પોતાનો મનોભાર ઘટાડવા પૂરતો જ સીમિત હોય છે. આવું થાય ત્યારે ગુસ્સો કરવો કે દયા ખાવી? વિચારવા જેવું છે.

Credits to Images

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: