લીલો ઉજાસ – પ્રકરણ – ૧૮ ઉદયની હતાશ મનોદશા

મનીષાએ પાછળથી ઉદયના ગળામાં હાથ પરોવી દીધા અને કોઈ જુએ છે કે નહિ એની પરવા કર્યા વિના જ એના ગાલ ચૂમી લીધા. પછી એણે ઉદયનો હાથ ખેંચીને ઊભો કર્યો અને તાણીને અંદર લઈ ગઈ. અંદર આવીને બારણું બંધ કર્યું અને બંને પલંગ પર બેઠાં. મનીષાએ જોયું કે ઉદયના ચહેરા પર ઉદાસી છવાયેલી હતી અને એના પર હતાશાના ઓઘરાળા ઊપસી આવ્યા હતા. મનીષાએ મનોમન નક્કી કરી લીધું કે આમ અચાનક ઊભી થયેલી પરિસ્થિતિને સંભાળી લેવા માટે એણે શરમ મૂકીને પહેલ કરવી પડશે. એણે મનોમન એવો નિર્ણય કર્યો કે આ જ ક્ષણથી એ ઉદયને તુંકારાથી સંબોધન કરશે. એણે વાતની શરૂઆત કરતાં કહ્યું, “હું સાઇકોલૉજી ભણી છું અને થોડું વાંચ્યું પણ છે. આમાં નિરાશ કે હતાશ થઈ જવા જેવું કશું જ નથી.

લગ્નની પહેલી રાત્રે ઘણાને આવો અનુભવ થતો હોય છે. એક રાતમાં કંઈ આખી જિંદગી જતી રહેતી નથી. હજુ તો આખી જિંદગી પડી છે. સુખ કંઈ આપણા હાથમાંથી સરકી ગયું નથી… અને સાચું કહું? તારી ઉદાસી પણ વહાલી લાગે છે… પપ્પીઓ કરવાનું મન થઈ જાય છે…” એમ કહેતાં કહેતાં એણે ઉપરાઉપરી ઉદયના ચહેરા પર ચૂમીઓ ભરી લીધી. ઉદય થોડો સ્વસ્થ થતો હોય એવું લાગ્યું. મનીષાએ એને ફોસલાવતાં કહ્યું, “હવે જરા હસ… મેં તને તુંકારાથી બોલાવવાનું શરૂ કરી દીધું એ તને ના ગમ્યું?” ઉદયે હકારમાં ડોકું ધુણાવ્યું. એના હોઠ પર ફિકકું સ્મિત ફરી વળ્યું. એ મનીષાને જોઈ રહ્યો હતો. ગાઉનમાંથી દેખાતો મનીષાનો ગૌર દેહ એને એક બાજુ આનંદની લાગણી આપતો હતો તો બીજી બાજુ મનીષાને તૃપ્ત નહિ કરી શકવાનું એને દુઃખ પણ હતું. છતાં મનીષા સમજીને વાત કરતી હતી એથી એને સંતોષ થતો હતો.

પ્રેમમાં સફળતા – નિષ્ફળતાના ગણિત જુદાં હોય છે.

        મનીષાએ લાડ કરતી હોય એમ કહ્યું, “બોલ, તું મને શું કહીને બોલાવશે?”

       ઉદય કંઈ જવાબ આપવાને બદલે મનીષા તરફી તાકીને જોઈ રહ્યો. એટલે મનીષાએ જ કહ્યું. ઘરમાં બધા મને મોનુ કહીને બોલાવે છે. મારી ફ્રેન્ડ સોનુ… સોનલને કારણે કૉલેજમાં પણ મારું નામ જાણીતું થઈ ગયું હતું. તું પણ મને મોનુ કહીને બોલાવીશ તો મને બહુ જ ગમશે. બોલ, કહીશ ને?”

      પછી જવાબની રાહ જોયા વિના એ ઉદયને બાઝી પડી ક્યાંય સુધી બંને આમ ચૂપચાપ વળગેલાં રહ્યાં. થોડીવાર પછી ઉદયે કહ્યું, “મોનુ. તને મારા પ્રત્યે ફરિયાદ નથી? તને એવું નથી લાગતું કે મેં તને સંતોષ નથી આપ્યો?”

      તરત મનીષા એને અળગો કરતાં બોલી, “મારે ફરિયાદ કરવાનું કોઈ કારણ નથી… ઉદય, કદાચ તને ખબર નથી કે સ્ત્રી માટે સંતોષ શું ચીજ છે! મને તો તું પ્રેમ કરે અને પ્રેમથી મારા કાન પાસે આવીને મોનુએટલું જ બોલે અને પછી મારા વાળમાંથી સુગંધ લે એટલે બધું જ મળી જાય છે. એટલે મનમાં એવો તો વિચાર જ નહિ કરવાનો!

       ઉદયને પણ મનીષાની વાત સમજાતી હતી. એને પણ એ વાત સાચી લાગી કે એક નિષ્ફળતાથી કોઈ પણ વાતનો અંત આવી જતો નથી. એનામાં થોડી હળવાશ આવી, મનીષા મજાકમાં બોલી, “કરતાં જાળ કરોળિયો… વારંવાર ભોંય પર પછડાયા પછી પણ એ જાળું બાંધે છે અને ઉપર ચડે છે!ઉદય એની વાત સાંભળીને સહેજ હસ્યો… મનીષાએ કહ્યું, “બ્રશ કરી લઈએ. પછી રેસ્ટોરાંમાં જઈને જ નાસ્તો કરીએ… શું કહે છે? ” ઉદયે મૂક સંમતિ આપી.

     રેસ્ટોરાંમાં પહોંચ્યાં ત્યારે ઉદયને એકદમ વિચાર આવી ગયા કે રાતની ઘટના પછી મનીષા જાણે એકદમ ખૂલી ગઈ હતી. રેસ્ટોરાંમાંથી બારીની બહાર એક છોડ પર ફૂલની અધખીલી કળીને એ જોઈ રહ્યો હતો. મનીષાએ એને પૂછયું, “શું જુએ છે?”

      “પેલી કળી જોઉં છું. એ હજુ પૂરેપૂરી ખીલી નથી અને પછી તને જોઉં છું… તું એક રાતમાં પૂરેપૂરા ખીલી ગયેલા ફૂલ જેવી લાગે છે! ઉદયે એની સામે જોતાં કહ્યું.

       “યે હુઈ ન બાત… તું મૂડમાં આવી ગયો એ જોઈને મને તો કુબેરનો આખેઆખો ખજાનો મળી ગયો હોય એવું લાગે છે! મને વચન આપ કે, ગમે તે થાય. છતાં તું તારો મૂડ નહિ બગાડે… મારે ખાતર... પ્લીઝ!” ઉદય સહેજવાર તો ખચકાયો. પછી મનીષાએ ખૂબ જ આગ્રહ કર્યો એટલે એણે બોલ્યા વિના હાથ લંબાવ્યો. મનીષાએ એના હાથ પર હાથ મૂકીને જોરથી દબાવ્યો.

       બંને નાસ્તો કરીને પાછાં રૂમમાં આવ્યાં. મનીષાએ વાતનો વિષય બદલવાના આશયથી પહેલાં ખુશનુમા વાતાવરણની વાત કરી અને પછી અર્ચના વિષે પૂછયું. ઉદયે થોડા ઉત્સાહ સાથે ભાઈ-બહેનના મીઠા સંબંધોની વાત કરી અને ભવિષ્યમાં તે અર્ચના માટે શું શું કરવા માગે છે એ કહ્યું. વચ્ચે વચ્ચે જનાર્દનભાઈની પણ વાત આવી જતી હતી. થોડીવાર મનીષાએ કહ્યું, ઉદય, તમારાં ત્રણેય ભાઈ-બહેનો વચ્ચે ખૂબ પ્રેમ હોય એવું દેખાય છે. જ્યોતિભાભીની જેમ હું પણ એ પ્રેમમાં ભાગ નહિ પડાવું. પણ એ પ્રેમમાં ઉમેરો જ કરીશ.” આવે વખતે આનંદ વ્યક્ત કરવાની બે જ રીતો હોય છે; આલિંગન અને ચુંબન.

          લગભગ દસ વાગવા આવ્યા એટલે મનીષા ઊભી થઈ અને બેગમાંથી નહાઈને પહેરવા માટેના બંનેના કપડાં કાઢ્યાં. પછી ઉદય તરફ ફરીને બોલી, “હવે આપણે નાહી લઈશું?” એણે  ‘આપણે શબ્દ પર થોડો ભાર મૂક્યો. ઉદયે જાણે એના જવાબને ટાળવા પ્રયત્ન કરતો હોય એમ કહ્યું, “તું નાહી લે. ત્યાં સુધીમાં હું રિસેપ્શન પર પૂછી આવું-આટલામાં જોવા જેવું શું છે?”

        મનીષાએ સામો પ્રશ્ન કર્યો. મારા સવાલનો આ જવાબ છે? હું ફરીથી પૂછું છું કે, ‘આપણેનાહી લઈશું? અને બહાર પૂછવા જવાની જરૂર છે? કેમ, હું અહીં જોવા જેવી નથી?”

        મનીષાનો સવાલ ઉદયને થડકાવી ગયો. બાથરૂમનું બારણું ખોલી મનીષા ત્યાં જ ઊભી રહી અને ઉદયને જોતી રહી. થોડીવારે ઉદય ઊભો થયો. એ બાથરૂમ પાસે આવ્યો કે તરત મનીષા એને પોતાની પાસે ખેંચીને વળગી પડી. આશ્ચર્યજનક રીતે બંનેની ભૂમિકા બદલાઈ ગઈ હતી. મનીષાએ ઉદય સાથે ખૂબ સભાનતાપૂર્વક છેડછાડ કરી અને એની ઉત્તેજનાને ભડકાવવાનો પ્રયત્ન કર્યો. ઉદયના તન-મનમાં આગ ચંપાતી હતી અને ક્ષણવારમાં અંગારા પર પાણી પડે અને અંગારા ઓલવાઈ જાય એમ ઓલવાઈ જતી હતી. છતાં એ મર્યાદિત પ્રેમક્રીડાએ પણ થોડીવાર માટે તો મધુરપની લાગણીને આંદોલિત કરી દીધી હતી.

      બપોરે જમ્યા પછી બંને થોડીવાર સૂઈ ગયાં. એ વખતે પણ મનીષાના મનમાં હતું કે ઉદય કોઈક પહેલ કરશે! પરંતુ ઉદયે એવું કંઈ કર્યું નહિ. સાંજે બંને દરિયા કિનારે ફરવા ગયાં. કિનારાની રેતી કાંપવાળી હતી. મનીષાએ કહ્યું, “જૂહુનો બીચ તો ખૂબ સરસ છે. મને કોઈકે કહ્યું હતું કે ગોવામાં કોલવા બીચ અને મદ્રાસનો મરીના બીચ એથી પણ સરસ છે. આપણે એ બંને જગ્યાએ જઈશું. બોલ ને. જઈશું ને?” ઉદયે હકારમાં માથું ધુણાવ્યું એટલે મનીષાએ એનો હાથ પકડીને પૂછયું. ક્યારે?” ઉદયે કહ્યું, તું કહે ત્યારે!તરત મનીષા બોલી. અત્યારે જ!ઉદયે એની સામે જોયું અને બંને હસી પડયાં.

        એ રાત્રે પણ લગભગ આગલી રાતની જ ઘટનાનું પુનરાવર્તન થયું. ઉદય એકદમ નાસીપાસ થઈ ગયો અને એની હતાશા પણ બેવડાઈ ગઈ. એ હવે મનોમન પોતાની જાતને ધિક્કારવા લાગ્યો. એના મનમાં ગુનાઈત લાગણી થઈ. મનીષાએ તો પોતાની સમજ મુજબ માન્યું કે કોઈક માનસિક અવરોધને કારણે આવી કામચલાઉ અવસ્થા સર્જાઈ છે. એણે મનોમન નક્કી કર્યું કે વડોદરા ગયા પછી એ ઉદયને કોઈક મનોચિકિત્સક પાસે લઈ જશે. મનીષાએ ઉદયને હતાશ મનોદશામાંથી બહાર કાઢવાનો સારો એવો પ્રયાસ કર્યો. બાળપણમાં કોઈ વિપરીત ઘટના બની હોય, કોઈ ખરાબ અનુભવ થયો હોય, કોઈ શારીરિક રોગ કે બીમારીના ભોગ બનવું પડયું હોય અથવા કોઈક અકસ્માત થયો હોય તો એ વિષે જાણવા માગ્યું. પરંતુ એમાંથી ક્યાંય મનીષાને ગડ બેઠી નહિ. એણે પોતાની સમજના બધા જ ખૂણા તપાસી લીધા. એને લાગ્યું કે હવે મનોચિકિત્સક સિવાય બીજો કોઈ છૂટકો નથી. ઉદય માટે નિષ્ફળતાનો આ બીજો ઘા વધુ ઊંડો હતો. કેમે કરી એના મનનું સમાધાન થતું નહોતું.

     મનીષાએ એને સમજાવ્યું. મોટે ભાગે આવી બાબતોમાં માનસિક કારણો જ જવાબદાર હોય છે. હું તો જેટલું ભણી છું અને જેટલું સમજી છું એમાં મને કશું પકડાતું નથી. પરંતુ આપણે વડોદરા ગયા પછી કોઈ મનોવિજ્ઞાની કે મનોચિકિત્સકને મળીએ અને એની સારવાર લઈએ તો મને ચોક્કસ ખાતરી છે કે પ્રોબ્લેમ વિલ બી ઓવર!

       ઉદયે મન મનાવ્યું. છતાં એણે દહેશત વ્યક્ત કરી, “માનસિક કારણ હોય તો પણ ઉપરાઉપરી…

       એ આગળ ન બોલ્યો. મનીષા એના કહેવાનો અર્થ સમજી ગઈ એથી જ એણે કહ્યું, “હજુ તો બે જ દિવસ થયા છે. મેં નહોતું કહ્યું કે કરતાં જાળ કરોળિયો… ક્યારેક અઠવાડિયું પણ લાગે અને ક્યારેક મહિનો પણ લાગે… આપણે ક્યાં કશી ઉતાવળ છે? હજુ તો જિંદગી આખી પડી છે! મનીષાને પોતાને પણ આવું આશ્વાસન આકરું લાગતું હતું. છતાં આવા આશ્વાસન સિવાય ઈલાજ નહોતો. વધુ મહત્ત્વની વાત તો એ હતી કે, એના આવા આશ્વાસનથી ઉદય પણ થોડો આશ્વસ્ત થતો હતો.

        બપોરે જમીને બંને આડાં પડયાં. મનીષા તો તરત જ ઊંઘી ગઈ. પરંતુ ઉદયને ચેન પડતું નહોતું. એ ધીમે રહીને ઊભો થયો અને એના એ જ લેંઘા-ઝભ્ભાના વેશમાં રિક્ષા કરીને વલસાડ ગયો. એને છાપામાં જોયેલી ઘોડા અને સિંહના ચિત્રવાળી જાહેરાતો યાદ આવી ગઈ હતી. આવી જાહેરાતમાં કરાતા દાવા ખૂબ ઊંચા હતા. એ બજારમાં જઈને આવી બે શીઘ્ર કામોત્તેજનાની દાવો કરતી ગોળીઓ લઈને આવ્યો. એ પાછો આવ્યો ત્યારે પણ મનીષા જાગી ગઈ. એણે આ જોયું એટલે ઉદયને પૂછયું, “એ શું છે?” ઉદય એની પાસે જૂઠું બોલી શક્યો નહિ. એણે તરત જ પેકેટ મનીષાને આપ્યું. મનીષાએ પેકેટ આમથી તેમ ફેરવીને જોયું અને બોલી, “સારું થયું. એક અખતરો કરવામાં આપણું શું જાય છે? આની કોઈ સાઈડ-ઈફેક્ટ તો નથી ને?”

       ના, મેં પૂછી જોયું હતું!ઉદયે દબાતા અવાજે કહ્યું.

       ક્યારે લેવાની છે?” મનીષાએ જાણવા માગ્યું.

       રાત્રે જમી લીધા પછી અડધા કલાકે… દૂધ સાથે…..ઉદયે ફરી એવા જ દબાતા અવાજે જવાબ આપ્યો.

       આપણે રેસ્ટોરાંમાં વહેલા કહી દઈએ કે રાત્રે આપણને એક ગ્લાસ દૂધ આપી જાય.મનીષા આટલી ચિંતા કરતી હતી એ ઉદયને ગમતું પણ હતું અને એનાથી એને ગ્લાનિ પણ થતી હતી.

         પરંતુ એ રાત્રે બે ગોળીએ પણ કોઈ કામ ન કર્યું. નિષ્ફળતા દોહરાતી રહી. ઉદયની હતાશા અને એની અપરાધ-ભાવના એકદમ વધી ગઈ હતી. આજે મનીષાને પણ એનો મૂડ ઠેકાણે લાવવામાં તકલીફ પડી. ઉદય સ્વગત બબડ્યો, “ક્યાં સુધી આમ હું નિષ્ફળ જઈશ?” મનીષા એની આ સ્વગતોક્તિ સાંભળી ગઈ. એણે ઉદયનો હાથ હાથમાં લઈ એની આંગળીઓને રમાડતાં રમાડતાં કહ્યુંઉપરાઉપરી નિષ્ફળતા મળ્યા પછી જે સફળતા મળે છે એની મજા જ કંઈક જુદી છે… અને તને એક વાત કહું? આને તું નિષ્ફળતા શા માટે કહે છે? આપણી એવી ખોટી માન્યતા છે કે શરીર-સુખ એ જ સાચું સુખ છે, એ જ સાચો સંતોષ છે અને એ જ પ્રેમનો પુરાવો છે. આવું માનીને ચાલવું એ જ આપણી ભૂલ છે!

        ઉદયે એની વાત સાંભળી. પરંતુ એને સંતોષ ન થયો. મનીષા એના મનોભાવોને સમજી ગઈ હોય એમ બોલી, “આપણે સાથે છીએ.. એકબીજાનો સ્પર્શ કરીને આનંદ મેળવીએ છીએ એ જ આપણી વચ્ચેના પ્રેમનો પુરાવો છે… માન કે મારી આવી કોઈ તકલીફ હોત તો તું શું કરત? એનો સ્વીકાર કરત કે નહિ? કે પછી મને મુંબઈ પાછી મોકલી દેત?”

         મનીષાના વેધક સવાલોએ ઉદયને વિચારતો કરી મૂક્યો. એ થોડો સ્વસ્થ થયો અને એને મનીષાની પેલી વાત યાદ આવી-કરતાં  જાળ કરોળિયો-પણ પાછું એને થયું કે કરોળિયામાં હોય એટલી હિંમત પણ હવે એનામાં રહી નથી…

         હવે ઉદયનું જમવામાં પણ ચિત્ત ચોંટતું નહોતું. મનીષા એની સાથે હળવાશથી વર્તવાનો પ્રયત્ન કરે ત્યારે એ માંડ માંડ ફિક્કું હસતો. નાસ્તો કરીને આવ્યા પછી એણે મનીષાને કહ્યું, “આમ તો આપણે છ દિવસ અહીં રહેવાના હતાં. પણ મને થાય છે કે આપણે આજે નીકળી જઈએ અને વડોદરા જતાં રહીએ… હું કાલે સ્ટેશન પર ટ્રેનના ટાઈમ પણ જોઈ આવ્યો છું… સાંજે પોણા છએ સયાજીનગરી એક્સપ્રેસ આવે છે અને રાત્રે સવા નવે વડોદરા પહોંચાડે છે.”

        મનીષા એક ઊંડો શ્વાસ લઈને બોલી. જેવી તારી ઈચ્છા!પછી અટકીને બોલી, તીથલમાં પણ આપણે છીએ અને વડોદરામાં પણ આપણે જ હોઈશું… જગ્યા બદલાશે… આપણે થોડાં બદલાઈ જવાનાં છીએ? તો પણ હું તૈયાર છું…

       કન્ડક્ટરને સો રૂપિયા આપીને બંનેએ રિઝર્વેશન વિના જ બેસવાની જગ્યા મેળવી લીધી. આખા રસ્તે ઉદય લગભગ ગુમસુમ હતો. મુંબઈથી વલસાડ આવતાં જે ઉદય હતો એ જ ઉદય આજે વલસાડથી વડોદરા આવતી વખતે નહોતો. મનીષા આજે સૌથી વધુ બોલતી હતી. ઉદયને મૂડમાં રાખવાના એ સતત પ્રયત્નો પણ કરતી હતી. પરંતુ ઉદયના મન પરનો નિષ્ફળતાનો ભાર ઓછો થતો નહોતો. એને એ જ વાતનો અફસોસ હતો કે કોઈને પણ જોતાં જ ઈર્ષા થાય એવી પત્ની એને મળી હતી. એ પત્ની પર એનો સંપૂર્ણ અધિકાર હતો. છતાં એ એને ભોગવી પણ શકતો નહોતો અને એને તૃપ્ત પણ કરી શકતો નહોતો. પોતે શા માટે એકદમ આવો અશક્ત પુરવાર થયો છે એ એને સમજાતું નહોતું.

      એકવાર તો એને એવો વિચાર પણ આવી ગયો કે મનીષાને એ થોડા દિવસ મુંબઈ પાછી મોકલી દે. પણ પછી એને એ પણ ખ્યાલ આવ્યો કે મનીષાને મુંબઈ મોકલી દેવાથી એની સમસ્યા તો એમની એમ જ રહે છે. વળી બધાં લોકો મનીષાને લગ્ન પછી તરત પાછાં આવવાનું કારણ પૂછે અને મનીષા ભૂલેચૂકે સાચું કારણ જણાવી દે તો… એ રીતસર ધ્રૂજી ઊઠ્યો. એને થયું કે મનીષા સાથે હશે તો કદાચ એની સમસ્યા વહેલી ઊકલશે. એણે આવું વિચારવા બદલ, મનીષાની મનોમન માફી માગી અને એક નજર એના પર નાખી. મનીષાને એના મનના વિચારોનો અણસાર આવી ગયો હોય કે કેમ, પણ મનીષાએ એને કહ્યું, “જો ઉદય, આ સમસ્યા આપણી બંનેની છે અને એથી કોઈ ત્રીજી વ્યક્તિને આપણે એમાં લાવવી જોઈએ નહિ. આપણે ક્યારેય કોઈને આ વિષે વાત કરવાની નહિ.

       “એ તો બરાબર, પણ તે કહ્યું કે આ સમસ્યા આપણી બંનેની છે… પણ ખરેખર તો મારી એકલાની જ છે. એમાં તારો ક્યાં કોઈ વાંક છે?” ઉદયે દિલગીરીના ભાવ સાથે કહ્યું.

      “વાંક? વાંક કોઈનો નથી. મારો કે તારો. આ તો એક પરિસ્થિતિ છે અને આપણે એનો સામનો કરવાનો છે અને એમાંથી બહાર નીકળવાનું છે. અને બીજી વાત, તારી સમસ્યા હવે તારી એકલાની નથી, આપણી બંનેની છે. આપણે એકબીજાથી જુદાં થોડાં જ છીએ?” ઉદય જાણતો હતો કે મનીષાનું આ આશ્વાસન ખોટું છે. છતાં એ આશ્વાસન એને ગમતું હતું.

      રાત્રે બરાબર નવ ને દસે ગાડી વડોદરા આવી ગઈ. મુંબઈથી વલસાડના ત્રણ કલાક અને વલસાડથી વડોદરાના ત્રણ કલાક વચ્ચે બહુ મોટો તફાવત હતો. મનીષા કરતાં પણ ઉદયના માથા પર એ તફાવતનો ભાર વધુ હતો. પહેલાં ત્રણ કલાકમાં એક ઉમંગ હતો અને પછીના ત્રણ કલાકમાં એ ઉમંગ ચકનાચૂર થઈ ગયાની હતાશાની વેદના હતી.

      બહાર આવીને એમણે રિક્ષા કરી. રાતના ટ્રાફિક પ્રમાણમાં ઓછો હતો, છતાં ઘેર પહોંચ્યા ત્યારે સવા દસ થઈ ગયા હતા. નયન ઘરે હતો. નયન આગલા દિવસે સવારે જ આવ્યો હતો. એ મનીષાની બે બેગ સાથે લેતો આવ્યો હતો. એક બેગમાં મનીષાનાં કપડાં હતાં અને બીજી બેગમાં કેટલીક ચીજવસ્તુઓ ઉપરાંત મનીષાના દાગીના હતા. એથી નયને ઘર રેઢું મૂકવાને બદલે રાત્રે ત્યાં જ સૂઈ જવાનું રાખ્યું હતું. નયન મુંબઈથી બેગ લઈને આવવાનો હતો એની ઉદય અને મનીષાને તો ખબર હતી. પરંતુ એ બંને અત્યારે આમ એમનો પ્રવાસ ટૂંકાવીને પાછાં આવી જશે એવી નયનને ખબર નહોતી. એથી જ એને ઉદય અને મનીષાને એમના જ ઘરે આવેલાં જોઈને આશ્ચર્ય થયું. એણે તરત જ કહ્યું, “તમે બંને કેમ તીથલ રોકાયા નહિ? જનાર્દનભાઈ કાલે વડોદરા ઊતરીને સીધા જ ડભોઈ ગયા. જ્યોતિભાભી બે દિવસ પછી આવવાનાં છે. મનીષાનું સ્વાગત કરવા... અને પછી તમને બંનેને ડભોઈ લઈ જવાનાં છે…”

      ઉદયે જવાબ આપ્યો,  “ત્યાં બહુ મચ્છર છે!

      “મચ્છર હોય તો મચ્છરદાની માંગી ન લેવાય? શહેર ક્યાં દૂર છે? ઓડોમોસ જેવું કોઈ ક્રીમ ન લઈ અવાય?” નયને જાણો ઠપકો આપતો હોય એમ કહ્યું.

      ઉદયને લાગ્યું કે એણે જે કારણ આપ્યું એ ખરેખર હાસ્યાસ્પદ જ હતું. એથી એ કંઈ બોલ્યો નહિ. પણ મનીષા જ એની વહારે આવી અને બોલી, “ત્યાં કોઈ નહોતું. અમે બે જણ કેટલી વાતો કરીએ? અને મને તો ત્યાં બહુ ગમ્યું નહિ... એટલે મેં જ કહ્યું કે આપણે વડોદરા જતાં રહીએ..” મનીષાને જૂઠું બોલતાં તકલીફ પડતી હતી. પરંતુ ઉદયને હાશકારો થયો.

       નયને કહ્યું, “હવે તમે બંને આવી જ ગયાં છો, એટલે હું ઘેર જાઉં!

        “ના, અમે ના આવ્યાં હોત તો તું રોકાત ને? તો આજે રોકાઈ જ જા!” ઉદયે આગ્રહ પૂર્વક કહ્યું, મનીષાએ પણ સૂરમાં સૂર પુરાવ્યો.

      નયને કહ્યું, “તમારાં લગ્નને આજે માંડ ચોથો દિવસ છે. હું ક્યાં કબાબમાં હડ્ડી બનું!”

      મનીષા બોલી, “ના, આજે તો તમે રોકાઈ જ જાવ. ત્રણ દિવસથી મને ઊંઘવા દીધી નથી…મનીષા આંખો નચાવીને ઉદય તરફ જોવા લાગી. મનીષા અને નયન હસી પડયાં અને ઉદય એમાં પરાણે જોડાયો.

       નયને કહ્યું, “હું તમને ભાભી કહું કે મનીષા કહીને જ બોલાવું? આમ તો હું ઉદય કરતાં એક વર્ષ મોટો છું!

     “તમારે મને મનીષા જ કહેવાનું… મને એ વધારે ગમશે.” મનીષાએ નિખાલસ ભાવ લાવીને કહ્યું.

     “અરે હા, તમે ત્યાંથી ચાર-પાંચ વાગ્યે નીકળ્યાં હશો. કંઈ ખાધું નહિ હોય. હું કંઈક લઈ આવું!” નયને કહ્યું.

     “ના, મને બહુ ભૂખ નથી.ઉદય બોલ્યો.

     “કેમ કંઈ ભૂખ નથી?” અત્યારથી મારાથી ધરાઈ ગયા? મને તો ભૂખ છે. હું તમારાથી હજુ ધરાઈ ગઈ નથી!” મનીષાએ મજાકના સૂરમાં કહ્યું.

      નયન તરત બહાર કંઈક લેવા ઉપડ્યો. એ જેવો ગયો કે તરત ઉદય મનીષાને અંદરના બેડરૂમ બતાવવા લઈ ગયો. ત્યાં જઈને એણે મનીષાનો હાથ પકડી લીધો. એની આંખો આભારવશ હતી.

       મનીષા પણ ઈચ્છતી હતી કે ઉદય થોડો શાંત થાય અને એના મન પરનું નિષ્ફળતાનું ભારણ ઓછું થાય. થોડીવારમાં નયન ભાજી-પાઉં લઈને આવ્યો. ત્રણેય જમ્યા પછી વાતો કરવા બેઠાં. ઉદયનું મન વાતોમાં પરોવાતું નહોતું. નયને એકવાર ટકોર પણ કરી કે, “જોયું ને! મને એકવાર રોકાઈ જવાનો આગ્રહ કરીને હવે ભાઈ પસ્તાય છે! મનીષાએ જ ઉદયને બદલે જવાબ આપતાં કહ્યું, મચ્છરે એટલા હેરાન કર્યા છે કે નિરાંતે સૂઈ શકાયું જ નથી. એમને થાક પણ લાગ્યો છે.

       બીજે દિવસે સવારે નયન ગયો. ઉદય અને મનીષાએ પિનાકીનભાઈને ત્યાં જવાનો વિચાર કર્યો. પરંતુ પછી ત્યાં પણ કેમ વહેલાં આવ્યાં એવા નાહક સવાલ-જવાબ થશે એમ સમજીને વિચાર માંડી વાળ્યો.

      એ રાત્રે વધુ એક નિષ્ફળ પ્રયાસનું પુનરાવર્તન થયું. હવે ઉદયની હિંમત પણ ભાંગી ગઈ હોય એમ લાગતું હતું. મનીષાએ બીજે જ દિવસે કોઈક મનોચિકિત્સકને બતાવવાની વાત કરી. ઉદયે કહ્યું, “કાલે કદાચ ભાભી આવશે. આપણે બે-ત્રણ દિવસ ડભોઈ જઈ આવીએ એ પછી નક્કી કરીએ.

      મનીષાએ મૌન રહી ઉદયની વાતને સંમતિ આપી છતાં ઉદય શા માટે ટાળતો હતો એ એને સમજાતું નહોતું.

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: