માણસ એક એવી વિડંબના વચ્ચે જીવી રહ્યો છે, જેમાં એ ‘જે નથી’ એને એણે ‘પોતાની ઓળખાણ’ બનાવી લીધી છે અને હકીકતમાં એ ‘જે છે’ તેને તે ભૂલી ગયો છે. ખુદનું ‘હોવાપણું’ (Being) વિસરાઇ ગયું છે, અને ‘કશુંક બની જવાની’ (Becoming) દોટમાં જીવનને ઘસડ્યા કરે છે. એને લાગે છે કે, ‘એ’ બધું પ્રાપ્ત કરીને પોતે સુખી થઈ જશે, પણ એ ઘડી જીવનના અંત સુધી આવતી જ નથી.
જીવન વિશેના વિવિધ આયામોને સમજતાં આપણને સમજાયું જ હશે કે, આપણી ભીતર ડોકિયું કરીએ તો, પહાડ જેટલી ઊંચાઇઓની સંભાવનાઓ છે, અને સાગર જેટલી ગહેરાઇ ધરાવતું મન પણ છે. આપણી પાસે જીવનની સમસ્યાઓ, તેના કારણો, ઉપાયો અને તેનો અમલ કેવી રીતે કરી શકાય તેની લાંબી યાદી મોજૂદ છે. પણ હજીય કશું ક ખૂટે છે. અને તે છે, ‘યોગ’. યોગ જ આપણા ‘હોવા’ અને’ ‘બનવા’ વચ્ચેના અવકાશને પૂરીને આપણને એક વૈજ્ઞાનિક અને પ્રબુદ્ધ જીવન શૈલી તરફ લઇ જઈ શકે તેમ છે.
૨૧ જૂનના દિવસને ભારત દેશે ‘વિશ્વ યોગ’ દિવસ તરીકે જાહેર કર્યો છે. વર્તમાન સમાજમાં તેના તરફનું આકર્ષણ સમગ્ર વિશ્વમાં ચોક્કસ વધી રહ્યું છે, પણ તેને એક મર્યાદિત અર્થ ‘યોગાસનો’ અને/અથવા ‘ધ્યાન કરવું’ એવા અર્થમાં પ્રયોજાય છે. વાસ્તવમાં યોગ એ ‘જીવન શૈલી’ છે. પ્રત્યેક ક્ષણે વ્યક્તિ જે પણ કંઇ કરે છે તે યોગ છે. અને તે સભાનતા સાથે જીવવું એ યોગ છે. માટે જ ઋષિ વસિષ્ઠ કહે છે કે, ‘યોગ એ સુંદર કળા છે.’
‘યોગ’ સંસ્કૃત મૂળ શબ્દ ‘યુજ્’માંથી ઉતરી આવ્યો છે. જેનો અર્થ ‘જોડવું’, ‘એકત્ર કરવું’ એવો થાય છે. આમ જે એક છે તેની સાથે જોડાવું અથવા ઐક્ય સાથે, એકાત્મતા સાથે જીવવું એટલે યોગ. અધ્યાત્મની પરિભાષામાં ‘જીવ’ અને ‘શિવ’નું મિલન એટલે યોગ.
- योगः कर्मसु कौशलम – યોગ એટલે કર્મમાં કુશળતા – ભગવાન શ્રી કૃષ્ણ
- योगश्चित्तवृध्धि निरोधः – યોગ એટલે ચિત્તની વૃત્તિઓનો નિરોધ
- યોગ એ જીવાત્માનું પરમાત્મા સાથેનું પુનર્મિલન છે. – મુનિ યાજ્ઞવલ્ક્ય.
મનમાં ઉદ્ભવતાં નિરંતર તરંગો મનની સ્થિતિને ડહોળી નાંખે છે, તેને સ્થિર કરવાથી મન નિર્મળ અને શાંત બને છે. આ અર્થમાં યોગ એટલે પરમ સત્યની પ્રાપ્તિ માટેની સાધન પધ્ધતિ. અને એટલે જ યોગને ‘અધ્યાત્મનું વિજ્ઞાન’ પણ કહેવામાં આવે છે. તે વ્યક્તિને બ્રહ્માંડ અને સૃષ્ટિ સાથે જોડવાનું કામ કરે છે. જે કોઇ પણ આ રીતે જીવે છે તે યોગી છે. તે માટે સંન્યાસી બનવાની જરૂર નથી. પ્રત્યેક સંસારી વ્યક્તિ જો આ રીતે જીવે તો તે યોગી છે.

મહર્ષિ પતંજલિએ ઈ.સ. પૂર્વે ૫૦૦-૩૦૦ વચ્ચે ‘યોગ સૂત્ર’ના નામે જાણીતી ક્રમિક માર્ગદર્શિકા આપીને યોગ વિજ્ઞાનની સ્થાપના કરી. ૧૯૫ સૂત્રોમાં તેઓએ યોગના આઠ અંગો જણાવ્યા છે. જેના દ્વારા સ્વનો વિકાસ થાય છે. એ આઠ સોપાનો યોગને એક વિજ્ઞાન તરીકે જ પ્રસ્થાપિત કરે છે.
પતંજલિ યોગના પ્રથમ સૂત્રમાં જ જણાવે છે કે, ‘यथः योगानुशाशनम्।’ અહીં ‘यथः’ એટલે કે ‘હવે’ શબ્દ અગત્યનો છે. તેઓ જણાવે છે કે હવે તમે યોગનું અનુશાસન કરવા પ્રતિબધ્ધ થયા છો. આવી માનસિક તૈયારી પછી તેઓ યોગનો પરિચય કરાવે છે. આવી તૈયારી જ કડક શિસ્ત માંગી લેતા આ પથ પર આગળ વધવાની પ્રેરણા આપે છે. યોગ એ સ્વૈચ્છિક રીતે નિયંત્રણ પ્રાપ્ત કરવાની કળા છે. તેના આઠ અંગોનો સ્વાભાવિક રીતે જ ટૂંક પરિચય કેળવી લઈએ.
૧. યમઃ
યોગનું પ્રથમ પગથિયું છે. ‘યમ’ એટલે વર્તનમાં નિષેધક બાબતોને સામેલ ન કરવી. જેમાં નીચેના વ્રતોનો સમાવેશ થાય છે.
- અહિંસાઃ મન,વચન અને કર્મ દ્વારા કોઇપણ પ્રાણીને હિંસા કે કષ્ટ ન પહોંચાડવું.
- સત્યઃ મનથી જે સમજ્યા, આંખથી જે જોયું અને કાનથી જે સાંભળ્યું તેને તે રીતે જ રજૂ કરવું તેનું નામ સત્ય
- અસ્તેયઃ મન,વચન,કર્મથી ચોરી ન કરવી.
- બ્રહ્મચર્યઃ સમસ્ત ઇન્દ્રિયો સહિત શુધ્ધ વર્તનનો આગ્રહ.
- અપરિગ્રહઃ વાસ્તવિક જરૂરિયાતો કરતાં વધારે વસ્તુઓનો સંગ્રહ ન કરવો.
કોઇ પણ માનવીમાં જો આ વ્રતોનો ત્યાગ થઇ જાય તો તે પોતે જ એક હળવાશનો અનુભવ કરશે અને વિધાયક બાબતોને આવકારતો થઇ જશે.
૨. નિયમઃ
યોગનું બીજું પગથિયું ‘નિયમ’ એટલે કે, વર્તનમાં વિધાયક બાબતોનું પાલન કરવું. નકારાત્મક બાબતો દૂર થતાં હકારાત્મક બાબતોનો પ્રવેશ સરળ બની જાય છે. તેમાં નીચેના પાંચ નિયમોનો સમાવેશ થાય છે.
- શૌચઃ શરીર અને મનની પ્રવિત્રતા કેળવવી
- સંતોષઃ અનુકૂળ અને પ્રતિકૂળ સંજોગોમાં પ્રસન્નચિત્ત રહેવાનો સદ્ગુણ. જે પણ પ્રાપ્ત થયું છે તેને પૂરતું માનવું.
- તપઃ શરીરને અમુક પ્રકારના કાર્યો કરવા સક્ષમ બનાવવાનો પ્રયાસ અને સર્વ ઇન્દ્રિયોનો સમજણપૂર્વકનો ઉપયોગ કરવો.
- સ્વાધ્યાયઃ વ્યક્તિએ પોતાની જાતે અભ્યાસ કરવો. નિયમિત તાલીમ લેવાની આદત કેળવી. જ્ઞાનપ્રાપ્તિ માટે થતું વિચારોનું આદાન –પ્રદાન કરવું.
- ઇશ્વરપ્રણિધાનઃ મન, વાણી અને કર્મથી પોતાની જાતને સર્વશક્તિમાન સત્તા પ્રત્યે સમર્પણ કરવું.
આ નિયમો વ્યક્તિના અહંકારને ઓગાળી નાંખે છે. પરિણામે સ્વનો વિકાસ વધુ ગતિમાન બને છે.
૩. આસનઃ
- ‘આસ’ શબ્દનો અર્થ- બેસવું
- વિશિષ્ટ સ્થિતિમાં સ્થિરતા પ્રાપ્ત કરવી
- स्थिरसुखामासनम्। – મનને સુખ પ્રાપ્ત થાય તેવી શરીરની સ્થિતિ
- “આસન એક એવી સુખપ્રદ મનોશારીરિક અવસ્થા છે જે શરીરને દ્રઢતા, મનને સ્થિરતા અને આધ્યાત્મિક વિકાસ માટે તૈયાર કરે છે.”
આસન મન અને શરીરને સ્થિર કરનાર ચોક્કસ પ્રકારની શારીરિક સ્થિતિની તરેહ છે. જુદાં જુદાં પશુ, પક્ષીઓ અને જીવોની સ્થિતિમાંથી પ્રેરણા લઇને આસનોની સ્થિતિ રચવામાં આવી છે. તેના દ્વારા શરીરની મનોશારીરિક ક્રિયાઓ સક્રિય બને છે. શરીરના અવયવોને આરામ અને સુખ મળે એટલા સમય સુધી પોતાની અનુકૂળતા પ્રમાણે આસનો કરવાના હોય છે. તેમાં ‘શારીરિક ખેંચાણ, તણાવ મુક્તિ અને ધ્યાન માટે’ એમ ત્રણ પ્રકારના આસનોનો સમાવેશ થાય છે.
૪. પ્રાણાયામઃ
- પ્રાણ એટલે શ્વાસોચ્છવાસ (પ્રાણશક્તિ) અને આયામ એટલે કાબૂ
- શરીરમાં વ્યાપ્ત પ્રાણ શક્તિને ઉત્પ્રેરિત, સંચરિત, નિયમિત અને સંતુલિત કરવાનો છે.
શ્વાસોશ્વાસની ક્રિયા દ્વારા શરીરમાં ઉત્પન્ન થતી શક્તિ પર સંયમ કેળવી તેનો યથેચ્છ ઉપયોગ કરવાનો છે. જેમાં પૂરક, રેચક અને કુંભક એમ ત્રણ પ્રક્રિયાનો સમાવેશ થાય છે. શ્વાસોચ્છવાસ પરના નિયંત્રણથી સ્વયંસંચાલિત ચેતાતંત્ર ઉપર અને અંતે મન ઉપર કાબૂ મેળવી શકાય છે. માનસિક ક્રિયાઓનું નિયંત્રણ થઇ શકે છે.
૫. પ્રત્યાહારઃ
- બાહ્ય વિષયોમાંથી મુક્ત થઇ અંતર્મુખી બનવાની અવસ્થા એટલે પ્રત્યાહાર.
- પાંચમા સોપાન પર શરીર સ્વસ્થ થતાં અને મન પર નિયંત્રણ સિધ્ધ થતાં પ્રત્યાહારની સિધ્ધિ પ્રાપ્ત થાય છે.
આ સંપૂર્ણ મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા છે. બાહ્ય અને આંતરિક ઉદ્દિપકો પરથી મન હઠાવી લેવાથી પ્રતિક્રિયાઓ આપોઆપ ઘટી જાય છે.
૬.ધારણાઃ
- ધારણા એટલે એકાગ્રતા
- ચિત્તની એકાગ્રતા વધારવા માટેની સાધના એટલે ધારણા
- અંતર્જગતમાં પ્રવેશી મનને સ્થિર કરવાનું સાધન
- નકારાત્મક લાગણી દૂર થતાં દ્રઢ મનોબળની પ્રાપ્તિ
અહીં મનની સ્થિરતા પ્રાપ્ત કરી શકાય છે. પોતાના મનને ખાલી રાખી સતત અને લાંબા સમય સુધી એક જ વસ્તુ કે બાબત પર તેને ટકાવી રાખવાનું છે.
૭. ધ્યાનઃ
- જે વિષયમાં ચિત્તને સ્થિર રાખવું હોય તેમાં ધારણાને સતત ચાલુ રાખવાની શક્તિ પ્રાપ્ત થવી એટલે ધ્યાન
- રજસ્ અને તમસ્ ગુણોથી આગળ સત્વ ગુણોનો વિકાસ.
- સત્ય અને અસત્યનો ભેદ પારખવાની બુધ્ધિનો વિકાસ.
અહીં આંતરિક અને બાહ્ય સ્થાન પર મન કેન્દ્રિત થઇ શકતું હોવાથી વ્યક્તિની કાર્યક્ષમતા, સફળતા અને સ્વસ્થતામાં વધારો થઇ શકે છે. વિશ્વના અનેક દેશોમાં આજે આ સોપાનનો એક અલગ ઉપચાર પધ્ધતિ તરીકે વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થઇ રહ્યો છે.
ધ્યાનમાં અંતઃસ્ફૂરણા દ્વારા ઉત્કૃષ્ટ સમજણનો વિકાસ કરી શકાય છે. તે દર્શાવે છે કે આપણે આપણી જરૂરિયાતોને મઠારી શકીએ છીએ.
૮. સમાધિઃ
- આઠમું અને અંતિમ સોપાન
- મન અને આત્માનું ઐક્ય – અદ્વૈતની અનુભૂતિ
- ધ્યાતા, ધ્યાન અને ધ્યેયનું ઐક્ય સધાવું
- મનની શૂન્ય અવસ્થા
સમાધિમાં ધ્યાન કરનાર અને ધ્યાનના ઉદ્દીપક બંનેનું એકીકરણ થઇ જાય છે. જ્યાં કશું પણ જુદાંપણું રહેતું નથી એવી અવસ્થાની પ્રાપ્તિ થાય છે. જ્યાં બધાં જ દ્વંદ્વ સમાપ્ત થઇ જાય છે અને તમામ પ્રશ્નો શમી જાય છે.

આ આઠ સોપાનોને સમજતાં એવું જ લાગે કે જાણે આપણે એક સંપૂર્ણ વિજ્ઞાનને જાણી અને ભણી રહ્યા છીએ. પણ માણસ પોતે સુખને પ્રાપ્ત કરવા જતાં દુખી જ થાય છે, કેમ કે માર્ગ ખોટો પસંદ કરાય છે. જો યોગના સોપાનોને અનુસરીને સ્વના વિકાસને અપનાવીએ તો વ્યક્તિત્વનું રુપાંતરણ થઇ શકે. અને એ સંજોગોમાં સ્વસ્થ અનુકૂલનનો અવકાશ સર્જાય. સંઘર્ષનું નિવારણ સરળતાથી કરી શકાય. આજે ચોતરફ ચિંતા, તણાવ, વ્યસનો અને બીમારીના પ્રશ્નોના વધતાં પ્રમાણને હળવું કરી શકાય અને માનસિક સ્વાસ્થ્યને પ્રસ્થાપિત કરી શકાય.
એવું નથી કે માણસ આ બધી બાબતોથી અનભિજ્ઞ છે. તેની પાસે આ બધી માહિતી છે, પણ તે તરફ પ્રવૃત્ત થતો નથી. તેને હજુ કોઇ બાહ્ય ધક્કા કે પ્રેરણાની જરૂર પડે છે, અને એટલા માટે આ પ્રકારના દિવસોની ઉજવણી આપણને ફરીથી આત્મ બોધ તરફ પ્રવૃત્ત કરે છે. એ જ પ્રાર્થના કરીએ કે આજનો દિવસ મંગલમય રહે અને આત્મ જાગૃતિ તરફ રૂપાંતરણ કરાવે.
Credits to Images:
યોગ સાથે સાથે સાથે સ્વ નો વિકાસ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ સમજ આમાં સરસ રીતે વર્ણવી છે.
LikeLiked by 1 person
Thank you so much for your feedback.
LikeLike