૫. સ્વ સંકલ્પના – Self Concept

એક વખત એક વક્તાને કોઈએ પૂછ્યું કે ‘પ્રવચન કેવું રહ્યું?’ તો વક્તાએ જવાબ આપ્યો કે ‘કયું પ્રવચન? મેં જે પૂર્વતૈયારી વખતે વિચાર્યું હતું કે આમ બોલીશ તે, કે પછી જ્યારે મેં પ્રવચન આપ્યું અને તે સમયે જે બોલાયું તે પ્રવચન અને બોલ્યા પછી મને જે લાગ્યું કે આમ કહ્યું હોત તો ઠીક હતું તે પ્રવચન. એક જ ઘટનાને કેટકેટલા પરિમાણોથી જોઈ શકાય, સમજી શકાય કે મૂલવી શકાય. તો સ્વના સંદર્ભમાં જો વિચારીએ તો અસંખ્ય દ્રષ્ટિકોણો સામે આવે. આપણે ખુદ પ્રતિપળ બદલાતા હોઈએ છીએ. એક ક્ષણ પહેલાં જે હતાં તે આ ક્ષણે નથી.

પ્રતિપળ સમગ્ર અસ્તિત્ત્વ બદલાઈ રહ્યું છે અને આપણે પણ……

આપણે એક નદીમાં  આપણા એક પગને એક પળ માટે પણ મૂકી શકતા નથી, કેમ કે નદી સતત વહે છે. કદાચ એક અંગૂઠો પણ પલાળી શકતા નથી. તો પ્રતિ પળ બદલાતા સમયના આ વહેણમાં સ્વની ખોજ કરવી એને એના વાસ્તવિક અર્થમાં સમજવાનો પ્રયાસ કરવો એ એક કઠીન સાધના છે. આપણે ખુદ આપણને જ સમજી શકતા નથી. ક્યારેક તો સતત મૂંઝવણમાં જ હોઈએ છીએ. અને એટલે જ કદાચ પ્રવર્તમાન સમયમાં ‘સ્વ વિકાસ’ એ એક એવી ધીકતી કમાણી કરતી પ્રશાખા બની ચૂકી છે. વિશ્વભરમાં એને લગતાં પુસ્તકો, વિકાસલક્ષી કાર્યક્રમો/શિબિરો, વેબસાઈટસ્ વગેરે બિલાડીનાં ટોપની માફક ફૂટી નીકળ્યા છે. એક વ્યક્તિ એના જીવનમાં કેવો હોવો જોઈએ એ વિશેની સતત મિમાંસા થતી રહે છે અને સંશોધનો થતાં રહે છે.  

સ્વ સાથે જોડાયેલા માત્ર શબ્દોની યાદી બનાવીએ તો, સ્વ સંકલ્પના, સ્વ પ્રગટીકરણ, સ્વ છાપ, સ્વ નિયંત્રણ, સ્વ વ્યવસ્થાપન, સ્વ જ્ઞાન, સ્વ આકાંક્ષા, સ્વ પ્રત્યક્ષીકરણ, સ્વ જાગૃતિ, સ્વ સાક્ષાત્કાર, સ્વ સભાનતા વગેરે શબ્દોને તેની આગવી પરિભાષા છે. આપણને થાય કે ‘હું’ એટલે ‘હું’. એમાં આટલા બધા અર્થો પ્રયોજવાની શું જરૂર? પણ પ્રત્યેક શબ્દને તેની આગવી પરિભાષા અને અર્થ છે. એ બધા અર્થો છેવટે તો સ્વ સમજ પ્રતિ જ યાત્રા કરાવે છે, જેમ મુંબઈ જવા માટે કોઈ ટ્રેન, પ્લેન કે પછી બસ દ્વારા જાય પણ, પહોંચાય તો મુંબઈ જ. તેમ આ પરિભાષાઓ એક તબક્કે આપણને અસ્પષ્ટતાઓ કે મૂંઝવણ ઊભી કરતી હોય તેવું જણાય પણ જેમ જેમ તેના અર્થો સ્પષ્ટ થતા જાય તેમ તેમ સ્વ સમજની યાત્રા પણ સુખદ અને સફળ નીવડે. અત્રે સ્વ સંકલ્પના અને તેના ઘટકો વિશે સમજીએ.

સ્વ સંકલ્પના (Self-Concept)

સ્વ વિશેની સંકલ્પના એટલે સ્વ એટલે શું તેના વિશે વાત કરીએ છીએ, જ્યારે સ્વ સંકલ્પના વિશે વાત કરીએ છીએ ત્યારે વ્યક્તિ પોતાના સ્વ વિશે શું ધારે છે/વિચારે છે/માને છે તેના વિશે વાત કરીએ છીએ. 

રૉવેલ્સના મત મુજબ “Self-concept is an understanding of who you are as a person.”

“સ્વ સંકલ્પના એટલે વ્યક્તિની પોતાની જાત વિશેની સમજ”

“વ્યક્તિના પોતાનામાં રહેલાં ગુણ, અવગુણ, શક્તિઓ, મર્યાદાઓ વિશે પોતાનું સ્થિર વલણ એટલે સ્વ સંકલ્પના”

દેસાના મતાનુસાર “દરેક વ્યક્તિને પોતાની જાત માટેનો ખ્યાલ વિકસે છે, જેમાં તે પોતાના વિશેના મૂલ્યો અંગેના નિર્ણયોનો સમાવેશ કરે છે. અન્ય લોકો પોતાની કેવી કિંમત આંકે છે, લોકોને પોતાની ક બાબતો ગમશે વગેરે બાબતોને ધ્યાનમાં રાખીને પોતાની જાતને મૂલવે છે.”

અહીં સ્થિર શબ્દ અગત્યનો છે. દા.ત. સવારે કો પોતાના વિશે એમ કહે કે તે શાંત છે, અને સાંજે એમ કહે કે તે અત્યંત ક્રોધી સ્વભાવનો છે, તો આ વાત તેના પોતાના વિશે જ વિરોધી બાબત જણાવે છે. એનો અર્થ એ નથી કે વ્યક્તિ સમય જતાં બદલાતી નથી, પણ તે એકાએક બનતું નથી.   

સ્વ સંકલ્પના સ્વ વિશેનું એવું બૌદ્ધિક પાસું છે, જે વ્યક્તિની પોતાના વિશેની સમજને સ્પષ્ટ કરે છે. જ્યારે કો એમ કહે છે કે તે પ્રકૃતિપ્રેમી છે, તે સંવેદનશીલ છે ત્યારે તે પોતાના વિશેનો ખ્યાલ રજૂ કરે છે. અહીં તે પોતે શું છે અને તે બીજાથી ક રીતે અલગ છે તે જણાવે છે.

હ્યુટના મતાનુસાર સ્વ સંકલ્પનાના ચાર ઘટકો છે.

૧. ભૌતિક સ્વઃ (The physical self)

ભૌતિક સ્વ વ્યક્તિના બાહ્ય દેખાવ સાથે સંબંધ ધરાવે છે. દેહના સ્વરૂપમાં આપણે શું છીએ તેની સમજ પણ ખૂબ અગત્યની છે. બીજાઓ માટે પણ આપણે આપણા શરીર વિશે કેવો ખ્યાલ ધરાવીએ છીએ તે મહત્ત્વનું છે. દા.ત. હું ઠીંગણી છું, હું ગોરી દેખાવું છું, મારા વાળ વાંકડિયા છે, મને ખીલ થ જાય છે, આ સર્વ બાબતો ભૌતિક સ્વ ખ્યાલ રજૂ કરે છે. ટી.વી પર રજૂ થતી જાહેરાતોનું અવલોકન કરીએ તો ક્રિમ, તેલ, સાબુ, ટૂથપેસ્ટ વગેરે શારીરિક સ્વ ખ્યાલને મજબૂત કરવાના નૂસખાઓ જ દર્શાવે છે.

૨. સામાજિક સ્વઃ (The social self)

હું અતડી રહેવાનું પસંદ કરું છું/હું લોકો સાથે ઝડપથી હળીમળી શકું છું/મારે બહુ મિત્રો નથી/ એકાંતમાં મને બહુ ગભરામણ થાય છે. આ સર્વ બાબતો વ્યક્તિના સામાજિક સ્વના ખ્યાલને રજૂ કરે છે. કો વ્યક્તિ પોતાને બીજાઓ સાથે કેવી રીતે સાંકળે છે તે અંગેની તેની સમજ સ્વનો સામાજિક ખ્યાલ દર્શાવે છે. આપણે જોએ છીએ કે, કેટલાક લોકો બહુ સરળતાથી બીજાઓ સાથે વાતચીત કરી લે છે, કેટલાક જાણી જોને ચૂપ પણ રહેતા હોય છે. આ બધી બાબતો વ્યક્તિ પોતાના સામાજિક સ્વને ક રીતે સમજે છે તેના પર નિર્ભર કરે છે.

૩. સક્ષમ સ્વઃ (The competent self)

વ્યક્તિની પોતાની પાયાની જરૂરિયાતો પૂરી કરવા માટેની તૈયારી એટલે વ્યક્તિની ક્ષમતા. સાદું જ ઉદાહરણ લએ તો વ્યક્તિ પોતાના ખોરાક, પાણી, રહેઠાણ, કપડાં વગેરે જરૂરિયાતો પૂરી કરવા માટે સજ્જ છે કે નહીં તે તેની ક્ષમતા. અને આ ક્ષમતા વિશેની તેની પોતાની શું સમજ છે તેને સક્ષમ સ્વ કહેવાય છે. ગુજરાતીમાં એક કહેવત છે, ‘પથ્થરમાંથી પણ પાણી પેદા કરે એવો છે.’ એનો મતલબ કે વ્યક્તિ ગમે તેવા સંજોગોમાં પણ પોતાની જરુરિયાતો પૂરી કરવા માટે સક્ષમ છે. અહીં વ્યક્તિ પોતાની ક્ષમતાઓ વિશે શું સમજે છે તેનો ખ્યાલ તેના સક્ષમ સ્વને રજૂ કરે છે.

એક અન્ય ઉદાહરણથી સમજીએ તો એક માતા ભલે આર્થિક ઉપાર્જન નથી કરતી પણ કુટુંબની સારસંભાળ સરસ રીતે કરે છે, ઘરના સભ્યોનું ધ્યાન રાખે છે, ઘરની વસ્તુઓનો ખ્યાલ રાખે છે, તો માતા તરીકે એ સક્ષમ છે તેવું કહી શકાય. એ રીતે સમજીએ તો દરેક ભૂમિકાને પોતાની ક્ષમતાઓ છે. અને આ ખ્યાલ આપણા સામાજિક અનુભવોમાંથી જ વિકસ્યો છે. પણ તે વિશે વ્યક્તિ પોતે પોતાના વિશે કેવો મત ધરાવે છે તે અગત્યનું છે. અહીં વ્યક્તિ સક્ષમ હોય પણ તેની સમજમાં તે બાબત સ્પષ્ટ ન હોય તો તે સક્ષમ હોવા છતાં સક્ષમ બની રહેતો નથી.

૪. આંતરિક સ્વઃ (The inner self)

આને મનોવૈજ્ઞાનિક સ્વ તરીકે પણ ઓળખી શકાય. વ્યક્તિ પોતાના આંતરિક જગતમાં પોતાના વિશે કેવી લાગણીઓ અને વિચારો ધરાવે છે તે વિશેનો પોતાનો ખ્યાલ. દા.ત. કો વિદ્યાર્થી વર્ગમાં સરસ રીતે આદાન પ્રદાન કરી શકતી હોય, અસરકારક કથન કૌશલ્ય પણ કરી શકતી હોય, પણ એ જ વ્યક્તિ પોતાના મનમાં પોતાના વિશે શું માને છે, તે તેના આંતરિક સ્વને રજૂ કરે છે. આપણે ઘણી વખત કદાચ અનુભવ્યું છે કે વર્ગમાં સાચો જવાબ આવડતો હોય પણ ‘હું ખોટો પડીશ તો’ આ વિચારે ઘણી વખત આપણે ઉત્તર આપવાનું ટાળ્યું છે.

આંતરિક સ્વમાં વ્યક્તિ પોતે સ્વયં પ્રવેશ કરે તો જ એ શક્ય બને છે. આ સ્વ વિશે બીજી વ્યક્તિઓ ઝાઝું જાણતી હોતી નથી, કેમ કે આંતરિક સ્વ અને સામાજિક સ્વ અલગ હોય છે. જેમ કે વ્યક્તિને બીજાઓ સાથે ઝાઝું ભળવું ન ગમતું હોય પણ કુટુંબના લગ્ન પ્રસંગે તે બીજાઓ સાથે હળીમળીને રહેવાનો પ્રયત્ન કરતી હોય છે. મનથી તે અલિપ્ત હોય છે. અને બીજાઓ સાથે તે બહારથી અલગ છે. કોને ખ્યાલ ન પણ આવે કે આ વ્યક્તિ મનમાં શું વિચારે છે અને અહીં બધાં સાથે કેવું અલગ વર્તન કરી રહી છે.

સ્વ સંકલ્પના વ્યક્તિના જન્મ બાદ વિવિધ તબક્કાઓ અને અનુભવોમાંથી વિકસે છે. સ્વ સંકલ્પના શીખવામાં આવે છે, કો સ્વ સંક્લ્પનાના ખ્યાલ સાથે જન્મતું નથી, અનુભવોમાંથી તે ઘડાય છે. વ્યક્તિ પોતાના અસ્તિત્વ વિશે અગણિત ખ્યાલો ધરાવે છે, જેમાં એક બીજા સાથે સુસંગતતા અને ક્રમબધ્ધતા અને સાતત્ય હોય છે. અને આ એક સતત ચાલતી પ્રક્રિયા છે.  

વ્યક્તિની સ્વ સંકલ્પના થકી જ તે પોતાના જીવનમાં કેમ અને કેવી રીતે આગળ વધવું તે સુનિશ્ચિત કરી શકે છે.

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: