લીલો ઉજાસ – પ્રકરણ – ૨૪ – નનામા ફૉનથી પરેશાન મનીષા

       મનીષાની વિચારયાત્રા અટકી ગઈ. એણે ઘડિયાળ તરફ નજર કરી. સવારના સાડા પાંચ થવા આવ્યા હતા. હજુ થોડી વાત કરવાની બાકી રહી ગઈ હતી. પરંતુ આટલું ઠલવાયા પછી એ ઘણી હળવાશ અનુભવી રહી હતી. એણે સોનલ સામે જોયું. સોનલ ઓશીકું ખોળામાં રાખીને ભીંતને અઢેલીને બેઠી હતી. એનો ચહેરો શાંત હતો અને આંખો બંધ હતી. મનીષાને લાગ્યું કે સોનલની આંખ લાગી ગઈ છે. એણે સોનલનો હાથ ખેંચ્યો અને એને ધમકાવતી હોય એમ બોલી, “હું અહીં બકબક કરું છું અને તું ઊંઘે છે! હવે મારે તને ફરી વાત કરવાની?”

      “હું ઊંઘતી નથી. તને સાંભળું જ છું. હજુ તમે પાછાં વડોદરા પહોંચ્યા નથી. ઉદય હજુય જાગે છે… બોલ, બરાબર ને?” સોનલે છેક સુધી વાત સાંભળી હતી એનો પુરાવો આપ્યો.

      મને તો એમ કે તું ઊંઘી ગઈ!મનીષાએ રાહતની લાગણી સાથે કહ્યું.

      “હું ધ્યાન કરતી હતી અને તને સાંભળતી પણ હતી?” સોનલે સ્પષ્ટતા કરી.

      બંને સાથે કેવી રીતે થાય?” મનીષાને આશ્ચર્ય થયું. સોનલે કહ્યું, ધ્યાન કરતાં કરતાં વાત ન સંભળાય. પણ વાત સાંભળતાં સાંભળતાં ધ્યાન થાય. સમજી?”

      “એક જ વાત છે ને”

      ના, બંને જુદી વાત છે. સાંભળતાં ધ્યાન કરીએ તો જ બરાબર સંભળાય. ધ્યાન કરતાં કરતાં સાંભળીએ તો ન ધ્યાન થાય કે ન બરાબર સંભળાય!સોનલે બંને વચ્ચે તફાવત સમજાવ્યો.

     ચાલ, હવે તે આટલી વાત સાંભળી. તું શું કહે છે?” મનીષાએ એનો પ્રત્યાઘાત જાણવા માંગ્યો.

     “મોનુ, મેં તને માત્ર સાંભળી જ છે. ધ્યાનથી સાંભળવાનો અર્થ એ જ છે કે મારી બધી જ ઊર્જા તારા શબ્દો પર કેન્દ્રિત થયેલી હતી. મેં તને શુધ્ધ રીતે સાંભળી જ છે. મારા વિચારો, અભિપ્રાયો, તારા શબ્દોનું પૃથક્કરણ, મારા અનુમાનો કે મારા નિર્ણયો ક્યાંય વચ્ચે આવ્યાં જ નથી. મારી દ્રષ્ટિએ સાંભળવાની આ જ કળા છે. મોટા ભાગના લોકો સાંભળતી વખતે પણ મનમાં બોલ્યા કરે છે અને પોતાને ગમે એટલું જ સાંભળે છે. ન ગમે એટલું કાઢી નાખે છે. એટ લિસ્ટ, હું એવું કરતી નથી… અને હજુ તો તારી વાત અધૂરી છે. એ પૂરી થશે પછી જ મારો પ્રત્યાઘાત આપીશ.સોનલે મક્કમતાથી કહ્યું.

     “જેટલું સાંભળ્યું એટલા પર તો કંઈક કહે…મનીષાએ જાણે વિનંતી કરતી હોય એમ કહ્યું.

      “ના, અધૂરી વાત છે અને એથી મારો પ્રત્યાઘાત પણ અધૂરો જ હોય. થોડી ધીરજ રાખ ને! પંદર દિવસ પછી, હું પાછી આવું એ પછી…સોનલે મનીષાના ઢીંચણ પર હાથ મૂકીને કહ્યું.

      મનીષાએ પણ વધુ આગ્રહ ન કર્યો. સોનલ ઊભી થઈ અને મોં ધોઈ આવી. એ પાછી આવી ત્યારે મનીષા તો બેઠી બેઠી ઊંઘતી હતી. સોનલે એને એમ જ ઊંઘવા દીધી. સોનલને પણ કલાકેક ઊંઘી જવાની ઈચ્છા થઈ. પરંતુ આખી રાતનો ઉજાગરો હતો એટલે કદાચ ઊંઘ લાંબી ચાલે તો જોખમ થઈ જાય એવું હતું. એટલે એ ઊભી થઈને બહાર ગેલેરીમાં આવી. થોડીવાર મનહરભાઈ અને એમની પાછળ વિનોદિનીબહેન પણ ઊઠયાં. મનહરભાઈએ સોનલને પૂછયું. આખી રાત જાગ્યા? શું વાતો કરી? મનીષા શું કહે છે?”

        “હજુ તો અમારી વાત અધૂરી છે. હવે બીજો અધ્યાય પંદર દિવસ પછી. વાત પૂરી થાય પછી કહું. ત્યાં સુધી ચાલે છે એમ જ ચાલવા દેજો.સોનલે કોઈ અભિપ્રાય આપ્યા વિના કહ્યું.

       એણે અને મનહરભાઈએ ચા પીધી. વિનોદિનીબહેને એને થોડો નાસ્તો પણ કરાવ્યો. થોડીવારમાં મનીષા બહાર આવી. એની આંખો ઊંઘથી ઘેરાઈ ગઈ હતી. છતાં એ બહાર આવી અને સોનલને કહ્યું, તારો શું પ્રોગ્રામ નક્કી થાય છે એ જણાવજે. ફોન કરજે જ. મને સખત ઊંઘ ચડી છે. હું સૂઈ જાઉં છું.

       સોનલ સાડા સાતે નીકળી ગઈ. પહેલાં એણે મલાડ પરમજિતને ત્યાં જવાનું હતું. ત્યાંથી કોન્સ્યુલેટ જઈ જરૂરી પેપર્સ અને કઈ ટ્રેનમાં દિલ્હી જવાનું છે એ જાણી લેવાનું હતું. એને ખાસ કરી તૈયારી કરવાની નહોતી એટલે એને બહુ ચિંતા નહોતી. બપોરે બે વાગ્યે મનીષા પર એનો ફોન આવ્યો. સાંજે પાંચ વાગ્યે મુંબઈ સેન્ટ્રલથી ઊપડતી રાજધાની એક્સપ્રેસમાં નીકળવાનું હતું. આ ટ્રેન બીજે દિવસે સવારે દસ વાગ્યે દિલ્હી પહોંચી જતી હતી. બપોરે બાર વાગ્યે રીમા સેનની ઑફિસમાં મિટિંગ હતી. મનીષાએ એને ફોનમાં કહ્યું, “તું આટલે બધે દૂર પરદેશમાં જાય છે તો તને ટ્રેન પર મૂકવા આવવાની ઈચ્છા હતી… પણ…”

       “અરે યાર! મારે માટે તો દેશ અને પરદેશ સરખું જ છે. હું તો વડોદરા કે સુરત જતી હોઉં એમ જ ચીન જાઉં છું…સોનલ સાહજિકતાથી કહ્યું.

      “પણ કદાચ પાછી ન આવું તો….?” મનીષાએ મજાક કરી.

      “ખોટો રૂપિયો એના માલિક પાસે પાછો આવે તેમ હું પંદર દિવસમાં પાછી… મને કોઈ સંઘરવા તૈયાર થાય એમ નથી!સોનલે બેફિકરાઈથી કહ્યું.

     બીજે દિવસે રાત્રે સોનલનો દિલ્હીથી ફોન આવ્યો. પ્રતિનિધિ મંડળમાં જેમનો સમાવેશ કરાયો એમાંથી એકને બાદ કરતાં બધા જ દિલ્હી પહોંચી ગયા હતા. સોનલ સિવાય દરેક પાસે ઓછામાં ઓછી એક મોટી બેગ હતી. માત્ર સોનલ પાસે જ એક મધ્યમ કદની હેન્ડબેગ હતી. એ બધાંને જોઈને સોનલને આશ્ચર્ય થતું નહોતું. પરંતુ એ બધાંને સોનલ પાસે માત્ર એક હેન્ડબેગ જોઈને આશ્ચર્ય થતું હતું. સોનલના કહેવા મુજબ કદાચ બે-ત્રણ દિવસ દિલ્હી જ રોકાવું પડશે. એ પછી ચીન પ્રયાણ થશે. મનીષાને થયું કે એનો અર્થ એ કે સોનલ વીસ-બાવીસ દિવસે પાછી આવશે.

       સોનલને ગયાને અઠવાડિયું થયું હશે ત્યાં એક દિવસ નયન આવ્યો. જનાર્દનભાઈએ એને સ્કૂટરના ટ્રાન્સફરના કાગળ પર મનીષાની, સહી લેવાની જવાબદારી સોંપી હતી. મનહરભાઈએ ઔપચારિકતા ખાતર કહ્યું, આંગડિયામાં કાગળો મોકલી આપ્યા હોત તો મનીષાની સહી કરાવીને અમે પાછા મોકલી આપ્યા હોત. તારે ધક્કો ખાવો પડયો…

     “ના કાકા. એવું નથી. સહી કરાવવાનું તો ગૌણ હતું. એ બહાને તમને બધાંને મળવાની પણ ઈચ્છા હતી. અને મારે પણ થોડું કામ હતું. મેં હવે ઈન્ડસ્ટ્રિયલ ફોટોગ્રાફી શરૂ કરી છે અને કદાચ અહીંની એક મોટી કંપનીનું કામ મળે એવું છે. કાલે મારે એમને મળવા કોલાબા જવાનું છે.પછી એણે ખિસ્સામાંથી એક કાર્ડ કાઢ્યું અને એમાં જોતાં બોલ્યો, પેરેમાઉન્ટ લિમિટેડ, હાજી અલી પાસે…” અને હવે તો કદાચ વારંવાર આવવાનું થશે.

      તરત જ વિનોદિનીબહેન બોલી ઊઠયા. તારે જયારે પણ આવવાનું થાય ત્યારે અહીં જ આવવાનું. આ તારું જ ઘર છે….

      નયને મનીષાને સોનલના સમાચાર પૂછ્યા. મનીષાએ એના ચીન પ્રવાસની વાત કરી. નયને કહ્યું, એમને પણ મળવાની ઈચ્છા હતી. પણ હવે બીજી વાર…!

     બીજે દિવસે નયન કોલાબા મળવા ગયો ત્યારે ટેબલ પર એક પુસ્તક મૂકીને ગયો હતો. પુસ્તક ફોટોગ્રાફીને લગતું હતું. એમાં સરસ તસવીરો હતી. બપોરે બેઠાં બેઠાં મનીષા અનાયાસે જ એ પુસ્તક જોવા માંડી. પુસ્તકમાંથી એક કાગળ નીકળ્યો, જેના પર નયને એક કવિતા લખી હતી. મનીષાએ એ કવિતા વાંચીઃ

આંખો સમગ્ર વ્યક્તિત્વનો અરીસો છે.
આંખો સમગ્ર વ્યક્તિત્વનો અરીસો છે.

          તારી આંખના આઈનામાં હું

          મારા રૂંવે રૂંવે ફૂટી નીકળ્યા છે

          નિઃશબ્દતાના ચહેરા

          આજે મને લાગે છે કે

          હું

         અનંગનો સૌથી મહાન

         અભિશાપ છું!

        મનીષા ત્રણેક વાર આ કવિતા વાંચી ગઈ. એને કંઈ સ્પષ્ટ સમજાયું નહિ. પરંતુ કવિતા ગમી. સાંજે નયન આવ્યો એટલે તેણે નયનને પૂછયું, “તમે કવિતા ક્યારથી લખો છો? સરસ લખો છો!

        “પહેલાં ક્યારેક ક્યારેક લખતો હતો. હમણાં હમણાં ઠીક ઠીક લખાય છે!નયને જવાબ આપ્યો.

      મનીષાએ કહ્યું: આલ્બમમાં લખેલી તમારી કવિતા વાંચીને સોનલે કહ્યું હતું કે નયનભાઈને પ્રેમ થઈ ગયો લાગે છે!

      “કેમ? એવું એમને શેના પરથી લાગ્યું?” નયને આશ્ચર્ય મિશ્રિત ભાવ સાથે પૂછયું.

      એનું કહેવું એવું છે કે જે માણસ પ્રેમમાં પડે એને જ કવિતા સૂઝે...મનીષાએ હસતાં હસતાં કહ્યું.

       “કદાચ એમની વાત સાચી છે!નયને સહેજ ગંભીર થતાં કહ્યું.

       “એનો અર્થ એ કે તમે પ્રેમમાં પડયા છો… ખરું ને? કોણ છે એ? અમને મુલાકાત તો કરાવો!” મનીષાએ કહ્યું.

      નયને એક ઊંડો શ્વાસ લઈને કહ્યું, “હજુ તો હું જ એને મળ્યો નથી…

      “એટલે વન-સાઈડેડ લવ છે એમ જ ને?” મનીષાએ વેધક નજર કરીને કહ્યું.

      “એવું જ! મારું મન તો કહે છે કે ઊંડે ઊંડે એને પણ હશે જ… કદાચ એને ખબર પણ નહિ હોય…” નયને રહસ્ય જાળવી રાખ્યું.

       “તો પછી એને કહી દો ને!મનીષાએ સલાહ આપી.

       “ના, કહી દઉં અને એ ના પાડી દે તો? એના કરતાં ના કહેવું સારું!” નયને એનો તર્ક કર્યો.

       “તો ક્યાં સુધી રાહ જોશો?” મનીષાએ પૂછયું.

       “મારામાં ખૂબ ધીરજ છે. જોવાય ત્યાં સુધી રાહ જોઈશ. અને કદાચ તક મળશે તો એને કહી પણ દઈશ.નયને જવાબ આપ્યો.

       હું તો ભગવાનને પ્રાર્થના કરીશ કે એ તમને એવી તક ખૂબ જલદી આપે!મનીષાએ કહ્યું અને બંને હસી પડયા.

      સોનલને ગયે પંદર દિવસ થઈ ગયા હતા. હજુ સુધી એના કોઈ સમાચાર નહોતા. જોકે મનીષાને એ વાતની નવાઈ લાગે તેમ નહોતું. એનું કારણ એ હતું કે મનીષા સોનલનો સ્વભાવ સારી રીતે જાણતી હતી. સોનલ જે સમયે જે સ્થળે હોય એમાં જ પૂરેપૂરી ખોવાઈ જતી હતી અને ઓતપ્રોત થઈ જતી હતી. બીજું ભાગ્યે જ એને કશું યાદ આવતું. સોનલ ઘણીવાર કહેતી કે આપણે કાં તો ગઈકાલને યાદ કરવામાં જીવીએ છીએ અથવા આવતીકાલની કલ્પના કરવામાં જીવીએ છીએ. એમાં આજની અને અત્યારની ઘડીનો ભોગ લેવાઈ જાય છે.

      સોનલ મનીષાની બાળપણની મિત્ર હતી અને સોનલે મનીષાના જીવનની ગતિને નજરે જોઈ હતી. એને સોનલની સમજદારી અને શાણપણ પ્રત્યે અહોભાવ હતો. છતાં ઘણીવાર એના મનમાં એવો સવાલ પણ થતો કે સોનલમાં આવી સમજદારી અને શાણપણ આવ્યાં ક્યાંથી? આટલા પૂરતી હજુ સોનલ એના માટે રહસ્યમય હતી.

     મનીષાએ સોનલને પોતાના ઉદય સાથેના સહજીવનની લગભગ મોટા ભાગની વાત કરી દીધી હતી. હવે જે છેલ્લી છેલ્લી કેટલીક વાત બાકી હતી એ પણ ઝટ ઝટ સોનલને કહેવાની એને ઉત્સુકતા હતી. એને એકવાર તો એવો વિચાર પણ આવ્યો કે એ બાકીની વાત પત્રના રૂપમાં સોનલને લખે અને સોનલ આવે ત્યારે એ પત્ર એને આપી દે. પરંતુ પછી થયું કે કદાચ સોનલ પત્ર કરતાં એને રૂબરૂ વાત કરવાની જે મજા આવશે અને જે સંતોષ થશે એ પત્ર લખવામાં નહિ થાય.

      એ દિવસે મનીષા બપોરે સોનલના જ વિચાર કરતી હતી ત્યાં ફોનની ઘંટડી વાગી. વિનોદિનીબહેન અંદર આડે પડખે થયાં હતાં. મનીષાએ ફોન ઉપાડયો. સામેથી કોઈ અપરિચિત અવાજ હતો. મનીષાએ ‘હલ્લો’ કહ્યું એટલે સામેથી બોલનાર પુરુષ અવાજે કહ્યું, આ મનીષાનો નંબર છે?”

     “હા.

     “મનીષાને આપો ને!

     “હું મનીષા જ બોલું છું. તમે કોણ?” મનીષાએ પૂછયું.

     હલ્લો, મનીષા! તું મને નહિ ઓળખે, પણ હું તને ઓળખું છું. મારે તને એક વાત પૂછવી છે…

     “પૂછો, પણ પહેલાં તમે કોણ બોલો છો, એ તો કહો!મનીષાએ સહેજ રૂક્ષ અવાજે પૂછયું.

     “મારું નામ જાણવું છે? મારું નામ… વિભીપણ… મને ના ઓળખ્યો? હું રાવણનો ભાઈ...ફોનની બાજુમાં ત્રણ-ચાર જણા મોટેથી હસ્યા હોય એવું લાગ્યું.

      “ખોટી મજાક ન કરો! તમે કોણ છો અને શું કામ છે એ કહી દો,  નહિતર હું ફોન મૂકી દઉં છું!મનીષાએ જરા કડકાઈથી કહ્યું.

      “અં હં … ફોન મૂકીશ નહિ. મારે તો તને એટલું જ પૂછવું છે કે તારા હસબન્ડે સુસાઈડ કેમ કર્યો?”

    “શટ-અપ! માઈન્ડ યોર બિઝનેસ!” કહીને મનીષાએ ફોન મૂકી દીધો. એનું માથું ભમી ગયું હતું. આ વળી કોણ હશે? આવો ફોન શા માટે કર્યો હશે?

    મનીષા આમ વિચારતી હતી ત્યાં ફરી ફોનની ઘંટડી વાગી. મનીષાએ ફોન ઉપાડયો અને એ કંઈ બોલવા જાય એ પહેલાં જ સામેથી અવાજ આવ્યો.હું કુંભકર્ણ, રાવણનો પેલો ઊંઘણશી ભાઈ, તેં કહ્યું નહિ કે તારા હસબન્ડે કેમ આપઘાત કર્યો?”    

      મનીષાને ફોન પટકી દેવાનું મન થયું. પરંતુ આવો ફોન કરનાર કોણ હોઈ શકે એ જાણવાની તાલાવેલી પણ જાગી. એથી એણે કહ્યું, “મને ખબર નથી. તમે જાણતા હો તો કહો!”

      “વેરી રાઈટ, મને ખબર છે... મને ખબર છે… બોલ, કહું?” સામેથી અવાજ આવ્યો.

      “હા, કહો…મનીષા આટલું બોલી ત્યાં સામેથી ફોન કટ થઈ ગયો.

      મનીષાએ થોડીવાર રાહ જોઈ કદાચ ફરી ફોન આવે તો. પણ ફરી ફોન ન આવ્યો. પરંતુ બીજે દિવસે બપોરે પાછો ફોન આવ્યો સામેથી બોલનારે કહ્યું, હું રાવણનો પુત્ર મેઘનાદ બોલું છું. કેમ કાલે ફોન કાપી નાખ્યો?”

     “મેં ફોન નથી કાપ્યો. તમે જ ફોન કટ કર્યો છે. તમારે શું કહેવું છે એ કહી નાંખો….અને તમારી ઓળખાણ આપો…” “મનીષાએ સહેજ કરડાકી સાથે કહ્યું.

    અરે, તું તો ગરમ પણ થાય છે ને! ઠંડી સ્ત્રી ગરમ થાય ખરી?” ફરી ત્રણ-ચાર જણનો હસવાનો અવાજ આવ્યો. મનીષા એકદમ રોષે ભરાઈને બોલી, “યુ રાસ્કલ! હવે ફોન કરીશ તો… આગળ એને કંઈ સૂઝયું નહિ એટલે એણે ફોન મૂકી દીધો.

      એ સાંજે ફરી ફોન આવ્યો. સામેથી પુરુષ અવાજ હતો. પણ એણે કહ્યું,  હું મંદોદરી બોલું છું. રાવણની ગર્લફ્રેન્ડ… આ તો મેં કેસ્ટર ઓઈલ પીધું છે એટલે મારો અવાજ જાડો થઈ ગયો છે… અમને ખબર પડી ગઈ છે કે તું સાવ ઠંડી છે અને એટલે જ તારો હસબંડ થીજી ગયો હતો!

     મનીષાએ ફોન મૂકી દીધો અને સહેજવાર તો રડું રડું થઈ ગઈ. એ પછી પણ ચાર-પાંચ વખત આવા જ ફોન આવ્યા. ભૂલેચૂકે મનહરભાઈ કે વિનોદિનીબહેન ફોન ઉપાડે તો તરત સામેથી ફોન કટ થઈ જતો. મનીષાને એ જ વાતની નવાઈ લાગતી હતી કે આવા ફોન કરનાર કોણ હોઈ શકે અને એને આવી માહિતી કઈ રીતે મળી હોય?

       એક વખત તો ફોન કરનારે કહ્યું, “હું રાવણ પોતે બોલું છું. તું ખરેખર ઠંડી છે કે નહિ એ મારે જાણવું છે. મને પ્રત્યક્ષ ખાતરી કરાવ, નહીંતર એક અઠવાડિયા પછી ઈસ્ટ અને વેસ્ટ પાર્લાની ભીંતો પર તારા ફોટા સાથે ઠંડી સ્ત્રીની જાહેરાત કરતાં પોસ્ટરો ચોંટી જશે!” મનીષા એ વખતે ફોન મૂકીને ધૂસ્કે ધ્રૂસ્કે રડી પડી હતી.

     વીસ દિવસ થઈ ગયા છતાં સોનલના કંઈ સમાચાર નહોતા. મનીષાને ઉચાટ થવા માંડયો હતો. હવે આ નનામા ફોનને કારણે એની અકળામણ વધી ગઈ હતી. સોનલના કંઈ સમાચાર હોય તો એ જાણવા એણે પરમજિતને ત્યાં ફોન કર્યો. પરમજિતે એને કહ્યું કે સોનલ સાથે તો વાત થઈ નથી. પરંતુ દિલ્હીથી રીમા સેનની ઑફિસમાંથી એને જાણવા મળ્યું હતું કે પ્રવાસ એક સપ્તાહ લંબાવાઈ ગયો છે. એટલે સોનલ કદાચ આઠ-દસ દિવસ પછી આવશે.

       એ દરમ્યાન પેલા નનામા ફોન તો ચાલુ જ હતા. જોકે હવે સંખ્યા ઘટી હતી. હવે મનીષા ફોન લેવાનું ટાળતી હતી. કદાચ એથી પણ ફોનની સંખ્યા ઘટી હોય.

       લગભગ દસ દિવસ પસાર થઈ ગયા. એક દિવસ સાંજે છ વાગ્યાના સુમારે સોનલનો ફોન આવ્યો. એ દિલ્હીથી બોલતી હતી. એણે કહ્યું કે, કાલે સાંજે ચાર વાગ્યે રાજધાનીમાં નીકળીને પરમ દિવસે સવારે આઠ વાગ્યે મુંબઈ આવીશ. પહેલાં સીધી ઘેર જઈશ અને સાંજે ચારેક વાગ્યે તારે ત્યાં આવીશ. રાત્રે આપણે વાતો કરીશું અને બાકીનો છેલ્લો અધ્યાય પૂરો કરીશું.

     સોનલનો ફોન આવી ગયા પછી મનીષામાં જાણે એક પ્રકારની અનોખી ઊર્જાનો સંચાર થયો. માતા-પિતા પાસે જ હતાં, પરંતુ સોનલ હવે જાણે એના માટે એક અવલંબન બની રહી હતી. છેલ્લા લગભગ એક મહિના જેટલા સમયથી એ સોનલને મળી નહોતી એથી કંઈક ખૂટતું હોય એમ લાગતું હતું. છેવટે સોનલ આવી. પહેલાં પરમજિતને ત્યાં ગઈ. એ પછી પોતાને ઘેર ગઈ અને સાડા ત્રણ વાગ્યે તો મનીષાને ઘેર આવી ગઈ.

     પહેલાં તો એણે ચીનના પ્રવાસની, ત્યાંના અનુભવોની,  ત્યાંના લોકોની, એમની રહેણીકરણીની અને ત્યાં જોવા જેવું શું શું હતું એની વાત કરી. પ્રવાસમાં એક દક્ષિણ ભારતની મિસિસ જયા લક્ષ્મી હતી એની કેવી ઉડાવતાં હતા એની પણ વાતો કરી અને કેટલાક રમૂજી પ્રસંગો કહ્યા. એમની ટુકડી માટે ખાસ ખાવાનું બનતું હોવા છતાં ત્યાંના અને અહીંના સ્વાદમાં ભેદ હતો. ચીનાઓ પોતાનું કામ ખૂબ જ વફાદારીથી કરે છે એ વાત સોનલને ખાસ સ્પર્શી ગઈ હતી.

     વિનોદિનીબહેને પૂછયું. તે આટલા બધા દિવસ તું બધે જીન્સ પહેરીને જ ફરી?”

     “હાસ્તો! આ તો મારો નેશનલ ડ્રેસ છે. એટલું બધું કમ્ફર્ટેબલ લાગ્યું ને!સોનલે હળવાશથી કહ્યું.

     “ત્યાંથી કંઈ ખરીદી કરી કે નહિ?” વિનોદિનીબહેને સ્ત્રીઓનો સ્વભાવગત સવાલ પૂછ્યો.

     આન્ટી, ત્યાં જ મળે છે એ બધું જ અહીં પણ મળે છે. ત્યાં કદાચ સસ્તું હશે. પણ અહીં લાવીએ એટલે મોઘું થઈ જાય. પાછું ઊંચકીને લાવવાનું! પાછી મારી તો જરૂરિયાત કેટલી?” સોનલે ખભા ઉલાળતાં કહ્યું.

     રાત્રે મનહરભાઈ સાથે થોડી વાતચીત કર્યા પછી સોનલ અને મનીષા એમના રૂમમાં ગયાં. મનીષાએ પેલા રાવણ અને એના કુટુંબીજનોના નનામા ફોનની વાત કરી. સોનલ વાત સાંભળીને થોડી વિચારમાં પડી. પછી મનોમન કંઈક નક્કી કરી લીધું હોય એમ ડોકું ધુણાવતાં બોલી, “કાલે જ વાત છે!

      મનીષા કંઈ સમજી નહિ. એણે પ્રશ્નસૂચક નજરે સોનલ તરફ જોયું. સોનલે કહ્યું , ડોન્ટ વરી! આઈ વિલ ટેકલ!” મનીષાએ આગળ કંઈ પૂછયું નહિ.

      થોડીવાર રહીને સોનલ બોલી, “હવે જ્યાંથી વાત અધૂરી રહી હતી ત્યાંથી શરૂ કરીએ. તમે લોકો ટ્રેનમાં હતાં… પિનાકીન અંકલ અને તું ઊંઘી ગયાં હતાં અને ઉદય જાગતો હતો… વિચારોમાં ખોવાયેલો હતો… જાણે એનાં અરમાનો ગાડીના અવાજમાં વહેરાતાં હતાં…”

Credits to an Image:

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: