લીલો ઉજાસ – પ્રકરણ – ૨૫ – તાંત્રિક રતુકાકાની વિધિઓ

      મનીષા અને સોનલ થોડી વાર શાંત અને મૌન બેસી રહ્યાં. જાણે બંને પોતાની તરંગ લંબાઈ ગોઠવતાં હોય એમ થોડી થોડી વારે એકબીજા સામે જોઈ લેતાં હતાં. મનીષાએ એક ઊંડો શ્વાસ લીધો અને નજીકના જ ભૂતકાળમાં લટાર મારવી શરૂ કરી. સોનલ એના શબ્દે શબ્દને ધ્યાનપૂર્વક સાંભળતી હતી અને પોતાના મનમાં એક સુરેખ ચિત્ર ઉપસાવતી હતી.

       સુરત આવ્યું એટલે મનીષાએ જોયું તો ઉદય હજુ પણ ગુમસુમ બેઠો હતો. એની આંખોમાં જાણે શૂન્યાવકાશ છવાઈ ગયો હતો. મનીષા કેટલીય વાર સુધી એને જોઈ રહી. ઉદયે મનીષા તરફ નજર પણ ન નાંખી. સુરતથી ગાડી ઊપડી એ પછી ઉદયની આંખો ઘેરાવા લાગી. પરંતુ એણે જાગતાં જાગતા જ ઝોકાં ખાધાં. સવારે લગભગ છ વાગ્યે વડોદરા ગાડી ઊભી રહી. ઊતર્યા પછી પિનાકીનભાઈએ બંનેને કહ્યું, ચાલો, તમે બંને મારી સાથે ઘેર આવો! ચા-નાસ્તો કરીને ફ્રેશ થઈને ઉદયકુમારને ઑફિસે જવું હોય તો ઑફિસે જાય. મનીષા, તું ઘરે રહેજે. સાંજે ઉદયકુમાર તને લઈ જશે!

     પરંતુ ઉદય તરત જ બોલ્યો હતો. ના, આપણે ઘેર જ જઈએ. મારે ઑફિસ જતા પહેલાં ઘેર જવું પડે એમ છે. મનીષા, તારે કાકા સાથે જવું હોય તો જા, સાંજે આવી જજે.

    “ના, હું આવું જ છું… કાકા, પછી નિરાંતે આવીશું. મનીષાએ તરત જ જવાબ આપ્યો હતો.

     ઘરે આવ્યા પછી ઉદયે ચા-નાસ્તો કર્યો અને એક પુસ્તક લઈને પલંગમાં બેસી ગયો. વાંચતા વાંચતાં જ ઊંઘી ગયો. દસ વાગી ગયા તો પણ ઉદય ઊંઘતો હતો એથી મનીષાએ એને જગાડયો અને પૂછયું. “દસ વાગી ગયા… ઑફિસે નથી જવું?”

     “ના”, ઉદયે એકાક્ષરી જવાબ આપ્યો.

     ઑફિસે જાણ કરવાની નથી?” મનીષાએ પૂછયું.

     ના, આજની રજા મૂકેલી જ છે!ઉદયે પડખું ફેરવતાં કહ્યું.

     તો પછી તેં મને એમ કેમ કહ્યું કે ત્રણ જ દિવસની રજા મળી છે. પહેલાં કહ્યું હોત તો આજનો દિવસ રોકાઈ જાત ને? પપ્પાને કદાચ આજે ઘરે લાવવાના હતા. આવું ખોટું બોલવાનો કોઈ અર્થ ખરો?” મનીષાએ થોડા ગુસ્સા સાથે કહ્યું.

     ઉદયે માથું ઊંચું કરીને મનીષા સામે આંખો કાઢીને જોયું. કંઈક બોલવા જતો હતો. પરંતુ બોલ્યો નહિ, મનીષાએ એવા જ ગુસ્સાવાળા સ્વરમાં કહ્યું, “બોલી નાંખ ને! મનમાં શા માટે રાખે છે?”

     ઉદય તિરસ્કારના ભાવ સાથે બોલ્યો. મને ખબર છે મારી નબળાઈનો તું લાભ ઉઠાવે છે અને મારા પર માલિકી સ્થાપે છે. પણ ડૉક્ટરે કહ્યું હતું એ ભૂલી ગઈ કે આ કંઈ મર્દાનગીનો અભાવ નથી. મારે બધું જ સાચું જ બોલવું કે તને સાચું જ કહી દેવું એવું લખી આપ્યું છે? મારી સાથે ન ફાવે તો તું મુંબઈ તારે ઘેર જઈ શકે છે. અત્યારે જવું હોય તો પણ મને વાંધો નથી. પિનુકાકાને ત્યાં જતી રહે.

     મનીષા એના શબ્દો સાંભળીને છેડાઈ ગઈ. એણે પણ ગુસ્સામાં આવીને કહી દીધુ, “હવે તો ગમે ત્યારે જતી જ રહીશ. આમેય તને ક્યાં મારી જરૂર છે? બે ટાઈમ ખાવાનું તો હોટેલમાં પણ મળી રહેશે. હું તો તારા માટે એક શૉ પીસ જ છું. હોઉં તો પણ શું અને ન હોઉં તો પણ શું?”

      ઉદય કંઈ જવાબ આપ્યા વિના જ જમણી બાજુ પડખું ફરીને સૂઈ ગયો. ખરેખર તો મનીષાની વાતનો એની પાસે જવાબ જ ન હતો. મનીષા રસોડામાં ગઈ. એને સહેજ રડવું આવી ગયું. આજે પહેલી વાર પત્ની તરીકેનો નૈસર્ગિક અધિકાર નહિ મળ્યાનો એને અફસોસ થયો. મન થોડું શાંત થયું એટલે એને પોતે જે કંઈ બોલી ગઈ એનો પણ અફસોસ થયો. એણે મનોમન નક્કી કર્યુ કે થોડી વાર પછી એ ઉદયને મનાવી લેશે.

      લગભગ સાડા બારે રસોઈ થઈ ગઈ એટલે એણે ઉદયના માથે હાથ ફેરવી પ્રેમથી એને જગાડયો અને જમવાનું તૈયાર છે એ કહ્યું. મનીષા સોગંદ આપીને એને જમવા લઈ આવી. ઉદય જમવા તો આવ્યો, પરંતુ એક પણ અક્ષર બોલ્યા વિના ચૂપચાપ ખાઈને ઊભો થયો અને પાછો પલંગમાં પડયો. વચ્ચે મનીષાએ કંઈક પૂછયું તો માત્ર હુંકારા વડે જ જવાબ આપ્યો. રસોડાનું કામ પરવારીને મનીષા પણ બેડરૂમમાં ગઈ. જેવી એ ઉદયને વળગીને સૂતી કે તરત ઉદય ઝાટકો મારીને ઊભો થઈ ગયો અને બહાર સોફામાં જતો રહ્યો. મનીષા થોડી વાર પડી રહી. પછી ઊભી થઈને બહારના રૂમમાં આવી અને ઉદયને હચમચાવતાં બોલી, કેમ મારી સાથે આવું વર્તન કરે છે? મારો કંઈ વાંક છે? તારી જાતને પૂછી જો કે આ તું બરાબર કરે છે?”

      ઉદયે હતાશા મિશ્રિત ગુસ્સાથી કહ્યું, મારો જ વાંક છે! મારી જાતને પૂછું છું તો એક જ જવાબ મળે છે!

     “શું જવાબ મળે છે?” મનીષાએ સહેજ જગ્યા કરીને સોફા પર બેસતાં પૂછયું.

      “એ જ કે હવે મને જીવવાનો જ અધિકાર નથી. મને ખબર છે કે હું જીવીશ ત્યાં સુધી તું મને છોડવાની નથી!ઉદયે અકળામણ સાથે કહ્યું.

     મનીષાએ એની છાતી પર હાથ મૂકીને કહ્યું, તું અહીંથી, તારા હૃદયથી ઈચ્છે છે કે હું તને છોડીને જતી રહું? તને ખાતરી છે કે મારા જવાથી તું સુખી થઈશ?”

     એક ક્ષણ તો ઉદયે કંઈ જવાબ ન આપ્યો. પરંતુ મનીષાએ ફરીને આંખથી જ આ જ વાત પૂછી એટલે એ બોલ્યો, “હું તને સુખી કરી શકું એમ નથી. એટલે જ તું મને છોડીને જતી રહે એમ ઈચ્છું છું! તારા જવાથી મને આનંદનો નથી જ થવાનો. કદાચ હું વધારે દુઃખી થઈશ..

    “ઉદય, મેં તને વારંવાર કહ્યું છે કે તું જેને સુખ માને છે એ જ મારા માટે સુખ નથી. પણ તું મારા સુખને પણ તારી જ નજરે જુએ છે! પુરુષ માટે સેક્સનો સંતોષ ક્ષણિક હોય છે. સ્ત્રી માટે ક્ષણિક હોતો નથી. આ હું તને કેવી રીતે સમજાવું એ જ મને સમજાતું નથી. એમ કહે કે તને તારા સંતોષની જ ચિંતા છે અને એ નહીં મળવાનું જ તને સૌથી વધુ દુઃખ છે!મનીષાએ એને સમજાવવા પ્રયત્ન કર્યો.

       “સો વાતની એક વાત… હવે મારાથી તારી ધીરજ સહન નથી થતી અને તારો આશાવાદ જીરવાતો નથી…ઉદયે અત્યંત વ્યથિત થઈને કહ્યું.

      “જો, ખૂટી જાય એ ધીરજ નહિ અને તૂટી જાય એ આશા નહિ. હું તો એટલું જ શીખી છું કે વ્હેર ધેર ઈઝ એ વિલ, ધેર ઈઝ એ વે. આશા હોય તો જ આશા કોઈક દિવસ પણ ફળે. મને હજુય આશા છે!મનીષાએ ખૂબ ગંભીરતા સાથે કહ્યું.

      મેં તો આશા જ મૂકી દીધી છે. મને તો જીવનમાં જ હવે આશા દેખાતી નથી. તેને કેવી રીતે દેખાય છે એ જ મને સમજાતું નથી.ઉદયે ઉદાસ થઈ જતાં કહ્યું.

      “એક કામ કર. મારી આંખે જો… તને બધે જ આશાવાદ દેખાશે.મનીષાએ એના કપાળ પર ચૂમી ભરતાં કહ્યું.

     ઉદયને વારંવાર એવો અનુભવ થયો હતો કે એ તર્ક કરવામાં મનીષાને પહોંચી શકતો નથી. એથી એણે હવે મનીષા સાથે દલીલબાજી નહિ કરવાનું મનોમન નક્કી કરી નાંખ્યું. એથી જ હવે તો બોલવાનું પણ ઓછું કરી નાખ્યું હતું. એ ઑફિસેથી આવીને ચૂપચાપ જમી લેતો અને તરત બેડરૂમમાં જતો રહેતો. ક્યારેક વહેલો ઊંધી જતો તો ક્યારેક મોડા સુધી જાસૂસી નવલકથા વાંચતો. મનીષા કંઈ પૂછે તો સરખો જવાબ પણ આપતો નહિ. નયન આવે તો એની સાથે સરસ રીતે વાત કરતો. ક્યારેક પિનાકીનભાઈને ત્યાં જવાનું થાય તો પણ સરસ રીતે વાત કરતો. માત્ર મનીષા સાથે જ એ વાત કરવાનું ટાળતો હતો. મનીષા પણ એને બહુ છંછેડતી નહિ …

     આવું લગભગ પંદરેક દિવસ સુધી ચાલ્યું. મનીષાએ એક દિવસ જમતાં જમતાં જ એને પૂછયું, “મારી કંઈ ભૂલ થઈ ગઈ છે? કેમ મારી સાથે બોલતો નથી… 

     “બોલું છું ને! બોલ, શું બોલું?” ઉદયે શુષ્ક અવાજે કહ્યું.

       એવું બોલવાનો અર્થ નથી. તને મારા માટે અભાવ થઈ ગયો હોય એવું લાગે છે. ચાલ, તું કહે તેમ કરીશ. તું કહે તો ક્યાંક જતી રહીશ.”

      “ક્યાં જઈશ?” ઉદયે પૂછયું.

      ગમે ત્યાં! મુંબઈ મારાં મા-બાપ પાસે તો નહિ જ જાઉં… બસ, તારાથી દૂર જતી રહીશ. એવી જગ્યાએ જતી રહીશ કે તું તો મને દેખાય. પણ હું તને ન દેખાઉં.મનીષાએ હળવાશ તથા ગંભીરતાના મિશ્ર ભાવ સાથે કહ્યું.

      એક વાત કહું? મને ખાતરી છે કે તું મને કોઈ પણ સંજોગોમાં છોડીને જવાની નથી. મારે જ કોઈક ઉપાય કરવો પડશે! ઉદયે એકદમ ઊંડાણમાંથી કહ્યું.

      કેવો ઉપાય? સાધુ થઈ જવાનું વિચારે છે?” મનીષાએ આંખો ઝીણી કરતાં કહ્યું.

      કદાચ! પણ હજુ વિચાર્યું નથી!ઉદયે કહ્યું.

      હવે ઉદય થોડો હળવો થયો હતો. પણ એના મન પરનો ભાર તો હજુય અદ્રશ્ય થયો નહોતો. છતાં હવે મનીષા સાથે થોડી થોડી વાત કરતો હતો. એવામાં એક દિવસ ઑફિસેથી એ થોડો મોડો આવ્યો. મનીષાએ મોડા આવવાનું કારણ પૂછયું તો ઉદયે કહ્યું, મારા મૅનેજર છે ને. કાપડિયા સાહેબ, એમને મળવા એક કાકા આવ્યા હતા. હું નીકળતો હતો ત્યારે સાહેબે મને કહ્યું કે વ્યાસ, તમે આ રતુકાકાને ન્યાયમંદિરથી બસમાં બેસાડી દેશો. મને આજે જરા મોડું થાય એમ છે. એટલે એમને મૂકવા ગયો હતો!”

    પણ આટલી બધી વાર?” મનીષાએ પૂછયું.”

    “એમની બસને વાર હતી. એટલી વાર એમની સાથે વાતો કરી… એક વાત કહું, એ કાકા આપણને પણ ઉપયોગી થાય એવા છે.ઉદયે ધીમે રહીને કહ્યું.

    એ કેવી રીતે? તો પછી એમને બોલાવવા હતા ને!મનીષાએ સાહજિકતાથી કહ્યું.

    સાંભળ તો ખરી, એ કાકા તાંત્રિક છે. કાપડિયા સાહેબને એમના પર ખૂબ શ્રદ્ધા છે. મેં એમને વાત કરી તો એમણે કહ્યું કે તંત્રની એક વિધિ છે. એ તમને મદદરૂપ થશે. મેં એમને આવતે અઠવાડિયે આપણે ઘેર બોલાવ્યા છે.ઉદયે મુદ્દાની વાત કરી.

જ્યારે વિજ્ઞાનથી માણસ હારી જાય ત્યારે અંધશ્રદ્ધા પર વિશ્વાસ કરવા લાગે છે.
જ્યારે વિજ્ઞાનથી માણસ હારી જાય ત્યારે અંધશ્રદ્ધા પર વિશ્વાસ કરવા લાગે છે.

      મનીષાએ સહેજ ગંભીર થતાં કહ્યું , ઉદય, ડૉ. સાગર અને ડૉ. પ્રભારી જેવા પણ હજુ કંઈ કરી શક્યા નથી, તો તંત્ર-મંત્રથી શું થવાનું તું? અને તું તો સાયન્ટિસ્ટ છે….

      “તારી વાત સાચી… પણ આ દુનિયામાં એવું ઘણું બધું છે જેનો જવાબ વિજ્ઞાન પાસે નથી. અર્ચુ નાની હતી ત્યારે અને પાંચ-સાત વર્ષની થઈ ત્યાં સુધી એ લાલ ફ્રોક પહેરે કે તરત એને તાવ આવી જતો. મારાં દાદીમા એની નજર ઉતારે કે તરત એનો તાવ ઊતરી જાય. આ તો મેં અનેક વખત નજરે જોયું છે!ઉદયે પોતાનો તર્ક આપ્યો.

      હશે, કદાચ! પણ સાચું કહું તો મને મંત્ર-તંત્ર અને જાદુ-ટોણામાં બહુ વિશ્વાસ નથી. છતાં તારું મન કહેતું હોય તો વિધિ કરાવ. “મનીષાએ સમાધાનકારી અભિગમ દર્શાવ્યો.

        “હું એ જ તો કહું છું…. એ કાકા કહે છે કે તમારે બંને પતિ-પત્નીએ સાથે વિધિમાં બેસવું પડે. એક જ વખત વિધિમાં બેસવાનો સવાલ છે ને!ઉદય જાણે મનીષાને માનસિક રીતે તૈયાર કરતો હોય એમ બોલ્યો.

       “જોઈએ, એમને આવવા તો દે!મનીષાએ કહ્યું.

       અઠવાડિયા પછી રતુકાકા ઉદયને ઘેર આવ્યા. ધોતી-ઝભ્ભો માથે ફાળિયું. એક હાથમાં થેલી અને બીજા હાથમાં કળિયાળી ડાંગ, કદાવર શરીર, મોટી મૂછો અને કપાળે લાલ કંકુનો લાંબો ચાંલ્લો. એમની હથેળીઓમાં પણ લાલ કંકુના મોટા ચાંલ્લા હતા. એમણે પહેલાં તો આખા ઘરમાં નજર કરી. એ પછી બેડરૂમમાં ગયા અને પલંગની દિશા બદલાવી. પછી બહાર આવીને બેઠા અને મનીષા પાસે પાણી ભરેલા એક લોટો મંગાવ્યો. મનીષાએ કહ્યું કે લોટો તો નથી. એટલે પાણી ભરેલી એક નાની તપેલી મંગાવી.

એ પાણી સામે મૂકી કંઈક મંત્ર બોલ્યા અને પછી થેલીમાંથી એક નાળિયેર કાઢી તપેલી પર ગોઠવ્યું તથા એના પર કંકુ છાંટી મંત્ર બોલ્યા. એ પછી નાળિયેર સાથેની તપેલી મનીષાના હાથમાં મૂકતાં બોલ્યા, “આને સૂવાના ઓરડામાં ઉત્તર અને પૂર્વ દિશાની વચ્ચે એટલે કે ઈશાન ખૂણામાં મૂકી આવો. એક મહિના સુધી એને ત્યાંથી ખસેડશો નહિ. રોજ સવારે તમારે માથે ઓઢીને એને પગે લાગવાનું અને સુખી લગ્નજીવન માટે આશીર્વાદ માંગવાના. ભાઈ, તમારે નાહીને તરત અહીં પગે લાગવાનું તથા સુખી લગ્નજીવન માટે આશીર્વાદ માંગવાના.”

        મનીષા નાળિયેરવાળી તપેલી બેડરૂમમાં મૂકીને પાછી આવી એટલે રતુકાકાએ કહ્યું, “બહેન, તમારા માસિક ધર્મને કેટલા દિવસ બાકી છે, આશરે?”

        મનીષાએ કહ્યું, અનિયમિત છે. ક્યારેક દોઢ મહિને પણ આવે છે. તો ય પંદર-વીસ દિવસ તો સાચા જ!”

      કંઈ વાંધો નહિ. આપણે કામદેવ અને એની પત્ની રતિ તથા ભૈરવના આહ્વાહનની વિધિ કરવાની છે. માસિક ધર્મ પછીના પાંચમાં અથવા સાતમા દિવસે આ વિધિ કરવાની હોય છે. એ દિવસે તમે બંને મારે ઘેર સિલરવા ગામે આવો તો વધુ સારું.રતુકાકાએ કહ્યું.

      અમે આવીશું. બને તો એ પહેલાં પણ એક વાર આવીશું.” ઉદયે કહ્યું.

      “હવે બીજી વાત. આ વિધિ રાત્રે બાર વાગ્યાથી શરૂ થઈને ચાર વાગ્યા સુધી ચાલે છે. તમારે બંને એ ત્યાં જ ઠંડા પાણીએ સ્નાન કરીને તરત જ વિધિમાં બેસવાનું છે. બંનેએ શરીર પર એક જ વસ્ત્ર પહેરવાનું. ભાઈ, તમારે શરીરે ધોતિયું વીંટાળી દેવાનું અને તમારે શરીર પર સાડી વીંટી દેવાની. આમ તો અમારા ગુરુ આવી વિધિમાં યજમાનોને વસ્ત્ર પહેરવાની જ છૂટ આપતા નહોતા. એમના કહેવા મુજબ બંને નિર્વસ્ત્ર હોય તો કામદેવ અને રતિનો પ્રભાવ જલદી પડે છે. છતાં તમારી ઈચ્છાની વાત છે. હું એક વસ્ત્ર વીંટાળવાની છૂટ આપું છું.

       ઉદય અને મનીષા એકબીજાની સામે જોઈ રહ્યાં. રતુકાકાએ આગળ ચલાવ્યું, વિધિ પતી જાય એ પછી બંનેએ એકબીજાને એક એક શેર ખીર ખવડાવવાની અને એટલી જ એટલે કે બશેર ખીર ભૈરવને ધરાવવાની. તમે પૈસા આપશો તો હું ત્યાં બનાવડાવી લઈશ, નહિતર તમારે લેતા આવવાની…… અને હા, આખી વિધિનો ખર્ચ બે હજાર રૂપિયા થશે. એક હજાર પહેલાં આપશો અને બીજા એક હજાર પછી આપશો તો ચાલશે.

      મનીષાએ એમને એક ડીશમાં લીલી દ્રાક્ષ તથા ચીકુ સમારીને આપ્યાં તથા એમના માટે દૂધ બનાવી લાવી. ઉદયે એમને પૂછયું. “અડધા પૈસા ક્યારે આપવાના?”

       “ગમે ત્યારે, અત્યારે આપો તો પણ વાંધો નથી!રતુકાકાએ કહ્યું કે તરત ઉદયે એક હજાર રૂપિયા એમના હાથમાં મૂકી દીધા. એમણે “જય ભૈરવ દાદાકહીને ખિસ્સામાં મૂક્યા, જતાં જતાં એમણે કહ્યું, “પૂરેપૂરી શ્રદ્ધાથી જે વિધિ કરે એને ભૈરવદાદા અચૂક ફળ આપે જ છે, એવો મારો ચાલીસ વર્ષનો અનુભવ છે.” પછી જય ભૈરવદાદા કહીને એમણે વિદાય લીધી.

      એમના ગયા પછી મનીષાએ ઉદયને કહ્યું. પૈસા આપવાની શું ઉતાવળ હતી? આપણે થોડું વિચાર્યું હોત તો કંઈ વાંધો હતો?”

       “આપણે વિધિ કરાવવી જ છે તો પછી વિચારવાનો ક્યાં સવાલ આવે છે?” ઉદયે થોડા ઉત્તેજિત થઈને કહ્યું.

        “જો ઉદય, બેસ, તને મારા મનની વાત કહું. મેં તને અત્યાર સુધી સહેજ પણ ખચકાટ વિના સહકાર આપ્યો છે. તેને સારું થઈ જાય એમ તો હું પણ ઈચ્છું છું. પણ આ તાંત્રિકની વાતમાં મને બહુ શ્રદ્ધા બેસતી નથી.

       “પહેલાં જ કોળિયામાં માખી આવી ને!ઉદયે એકદમ અકળાઈને કહ્યું .

       “કેમ? શું થયું?” મનીષાએ પૂછયું.

       “જતાં જતાં રતુકાકાએ શું કહ્યું હતું? પૂરેપૂરી શ્રદ્ધા સાથે વિધિ કરે તો ફળ મળે જ! તેં તો શરૂઆત જે અશ્રદ્ધાથી કરી!” ઉદયે નિરાશા સાથે કહ્યું.

       “અશ્રદ્ધાનો સવાલ નથી. આમાં શ્રદ્ધા બેસે એવું જ કશું મને દેખાતું નથી.” મનીષાએ મક્કમતાથી કહ્યું.

          ઉદય એકદમ ગુસ્સે થઈને બોલ્યો, જેવાં મારાં નસીબ! આનાં કરતાં તોએ આગળ કંઈ બોલ્યો નહિ. ચંપલ પહેરીને બારણું પછાડીને બહાર નીકળી ગયો. લગભગ કલાકેક પછી આવ્યો. મનીષાએ એને મનાવવા માટે કહ્યું, હજુ તો પંદર-વીસ દિવસની વાર છે ને! અત્યારથી શું કામ ચિંતા કરે છે!

       અઠવાડિયા પછી પેલી તપેલીનું પાણી ગંધાઈ ઊઠયું. મનીષાએ પાણી બદલી કાઢ્યું. નાળિયેરના થોડા ભાગ પર ફૂગ લાગી ગઈ હતી. મનીષાએ ઉદયને કહ્યું, પાણી ગંધાઈ ગયું હતું. મેં બદલી કાઢ્યું છે અને નાળિયેરને પણ ફૂગ લાગી ગઈ છે.

       “તું પણ જુલમ કરે છે ને! એક મહિના સુધી પાણી બદલવાનું નહોતું…” ઉદય નારાજ થઈ ગયો.

        પંદર દિવસ થઈ ગયા. મનીષા રજસ્વલા થઈ નહોતી. લગભગ વીસ દિવસ પછી એ દિવસ આવ્યો. છેવટે એ દિવસે મનીષાએ કહ્યું, એ તાંત્રિકે કહ્યું છે એમ હું પૂજામાં બેસવાની નથી. તદ્દન મૂર્ખતાભરી વાત છે અને મને એ મૂર્ખતા પસંદ નથી.”

        ઉદય ધૂંઆપૂંઆ થઈ ગયો. પરંતુ કંઈ જ બોલ્યો નહિ. બીજે દિવસે એણે મનીષાને પૂછયું. આ તારો આખરી નિર્ણય છે ને?”

         “હા, મારી એટલી સ્વતંત્રતા તો રહેવા દે. તારે જે વિધિ કરાવવી હોય તે કરાવ. મારે તો ખરેખર કોઈ વિધિની જ ફેર નથી. તારે જરૂર છે તો તું કરાવ.મનીષા આંખ ફેરવીને બોલી.

         ઉદય ફરી ધૂંઆપૂંઆ થઈ ગયો. પણ કંઈ બોલ્યો નહિ. બે દિવસ એ આમને આમ ઉદાસ રહ્યો. એને ઊંડે ઊંડે કદાચ એવી આશા હતી કે પાંચમે અથવા સાતમે દિવસે મનીષા માની જશે. પરંતુ મનીષાની મક્કમતા પરથી લાગતું નહોતું કે એ માને.

        પાંચમે દિવસે છેલ્લી વખત એ મનીષાને મનાવવાનો વિચાર જ કરતો હતો અને અર્ચના આવી ગઈ. એને મ્યુઝિક કૉલેજમાં જોડાવું હતું. વળી અત્યારે કોઈ પ્રવૃત્તિ પણ નહોતી. એટલે એને થયું કે થોડા દિવસ ભાઈ-ભાભી સાથે રહી આવું.

        અર્ચના આવ્યા પછી ઉદય સહેજ મૂડમાં આવ્યો હોય એમ લાગતું હતું. પરંતુ એનો એ દેખાવ કૃત્રિમ જ હતો. એના મનમાં તો ઘમસાણ ચાલુ જ હતું.

       એ ઘમસાણ આત્મહત્યાનું હતું. એનો અણસાર પણ મનીષાને એ વખતે આવ્યો નહોતો. મનીષાએ સવારે ચાર વાગ્યે ઉદયને આત્મહત્યા પછી જોયો કે તરત જ એ આવેશમાં આવી ગઈ હતી. એને એ જ વાતનું દુઃખ હતું કે ઉદય એને સમજયો નહોતો અને એથી જ એને અન્યાય કર્યો હતો. મનીષાએ પણ એ આવેશમાં જ ઝેરી રસાયણ ગટગટાવ્યું હતું.

Credits to Images:

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: