“એ પછીની વાતથી તો તું વાકેફ છે જ.” મનીષાએ કહ્યું અને ઘડિયાળમાં જોયું. હજુ એક વાગ્યો હતો. એણે સોનલને કહ્યું, “હવે મને કહે, તારો પ્રત્યાઘાત. તને વાત કર્યા પછી મને ઘણી હળવાશ અનુભવાય છે. એનું કારણ કદાચ એ છે કે, ઉદય સાથેના છ મહિનાના સહ-જીવનનો બધો જ સંઘર્ષ મારા મનમાં સંઘરાયેલો હતો. આ દિવસોમાં હું કોઈની પણ સાથે વાત કરી શકી નહોતી. કદાચ ઉદય હોત તો હજુ પણ મેં વાત ન જ કરી હોત. હું આ બધી વાત કોઈને પણ કરું એવું ઉદય ઈચ્છતો નહોતો. અમે પપ્પાની ખબર જેવા મુંબઈ આવ્યાં એ વખતે એણે તને પણ વાત કરવાની ના પાડી હતી. મને ખબર નથી હું ક્યાં સુધી એ ભાર સહી શકી હોત.” મનીષાએ એક ઊંડો શ્વાસ લીધો અને હવે સોનલ કંઈક બોલે એની રાહ જોવા લાગી.
થોડી વારે સોનલે કહ્યું, “એક વાગ્યો છે. હવે આપણે સૂઈ જઈએ.”
“કેમ, તારે આ બધી વાત સાંભળ્યા પછી કશું જ કહેવું નથી?” મનીષાએ સહેજ ગુસ્સા સાથે પૂછયું.
સોનલે હસીને જવાબ આપ્યો. “કહેવું છે ને! ઘણુંબધું કહેવું છે. પણ મને વિચારવા તો દે. અત્યારે હું કોઈ પ્રત્યાઘાત આપું તો એ કાચો ગણાય. તારી વાત મારા મનમાં ઘૂંટાય તો જ મારો પ્રત્યાઘાત સ્વસ્થ આવી શકે. આજે રાત્રે વિચારવા દે. કાલે સવારે કહીશ. અત્યારે સૂઈ જઈએ!”
“અત્યારે સૂઈ જવાનું કહે છે તો વિચારીશ ક્યારે અને મને કહીશ ક્યારે?” મનીષાએ પૂછયું.
“હું સૂઈ જવાની છું. મારું મન થોડું જ સૂઈ જવાનું છે?” એ આખી રાત વિચારશે અને મને સવારે કહેશે પછી હું તને જે કહેવા જેવું હશે તે કહીશ!” સોનલે સાહજિકતાથી કહ્યું.
થોડી વારમાં બંને સૂઈ ગયાં. સવારે ઊઠતાં વેંત મનીષાએ કહ્યું, સવાર પડી ગઈ. હવે બોલ, શું કહેતી હતી?”
“સવાર તો પડી. પણ મારે એક મહિનાના બાકી પડેલા કામ પણ કરવાનાં ને? હું સાંજે આવીશ. આપણે રાત્રે નિરાંતે વાત કરીશું. મારે આજે બને તો તારા પરના નનામા ફોનનું પણ ઑપરેશન કરવાનું છે!”
“હા, તને શું લાગે છે, એ કોણ હોઈ શકે?” મનીષાએ જિજ્ઞાસા સાથે પૂછયું.
“પહેલાં મને કન્ફર્મ તો કરવા દે. કન્ફર્મ થઈ જાય પછી તરત નિકાલ. તને પૂછવા પણ નહિ આવું!” સોનલે આત્મવિશ્વાસ સાથે કહ્યું. ચા-નાસ્તો કરીને એ નવ વાગ્યે મનહરભાઈની સાથે જ નીકળી ગઈ.
સવારે સોનલ નીકળી ત્યારે એણે સફેદ રંગનું ટી-શર્ટ પહેર્યું હતું. સાંજે આવી ત્યારે આસમાની રંગનું નવું ટી-શર્ટ પહેર્યું હતું. મનીષાએ તરત જ પૂછયું . “નવું ટી-શર્ટ લીધું?”
“એની જુદી જ કથા છે. હમણાં કહું છું. શાંતિ રાખ. અને હા, આજે તો પેલો ફોન નથી આવ્યો ને?”
“ના.”
“હવે આવશે પણ નહિ!”
“કેમ? કેમ? મને વાત તો કર!” મનીષાએ કહ્યું.
“મેં પતાવી દીધું છે. એ રાવણ પંકજ હતો. આજે અચાનક મને સવારે જ સ્ટેશન પર મળી ગયો. મેં એની પ્લેટફૉર્મ પર જ ધુલાઈ કરી. ઝપાઝપીમાં મારું ટી-શર્ટ ફાટી ગયું. મેં એનું શર્ટ કાઢીને પહેરી લીધું અને પછી નવું ટી-શર્ટ ખરીદી લીધું અને એનું શર્ટ એક ભિખારીને આપી દીધું. એ ઉઘાડો જ ઘેર ગયો હશે…” સોનલ વાળ સરખાં કરતાં બોલી.
“પણ તને કઈ રીતે ખબર પડી કે રાવણ એ જ છે?” મનીષાએ આશ્ચર્ય સાથે પૂછયું.
“મારું અનુમાન હતું અને એ સાચું પડયું!” સોનલે ચહેરા પર ગૌરવના ભાવ લાવીને કહ્યું.
“પણ એને આ બધી ખબર કઈ રીતે પડી? અને તને ખબર છે ને કે, એના પપ્પા વૉર્ડ પ્રમુખ છે અને હવે તો કાઉન્સિલર પણ થયા છે. બહુ માથાભારે માણસ છે. તને ક્યાંક હેરાન ન કરે…”
“એ માથાભારે છે તો હું ક્યાં ઓછી માથાભારે છું? મેં બધું પતાવી દીધું છે. હવે મને હેરાન કરવાનું તો બાજુએ રહ્યું. મને કંઈ થાય નહિ એની કાળજી પણ એ લેશે!” સોનલે પોતાનો ચહેરો ચમકાવતાં કહ્યું.
“સહેજ માંડીને વાત તો કર… કંઈક સમજ પડે!” મનીષાએ સહેજ અકળામણ સાથે કહ્યું.
“તારે એ જાણવાની જરૂર નથી. ક્યારેક જો ભવિષ્યમાં હું મારી આત્મકથા લખીશ તો એમાં એ વાત વિગતે લખીશ. એ વખતે વાંચી લેજે.” સોનલે વાત ઉડાવી દેતાં કહ્યું.
હવે આવા નનામા ફોન નહિ આવે એ જાણ્યા પછી મનીષાને રાહતની લાગણી થઈ. પરંતુ એને હજુ ય એ વાતની ચિંતા હતી કે એના પપ્પા નટવરલાલ માથાભારે માણસ છે અને કદાચ સોનલને હેરાન કરશે. પરંતુ એને સોનલની વાતમાં પણ એટલો જ વિશ્વાસ હતો. સોનલ કહેતી હતી કે એ મારું કશું જ બગાડી શકવાના નથી.
રાત્રે જમીને બંને એમના રૂમમાં ગયાં. મનીષાએ કહ્યું , “હવે બીજી મુદત ન પાડતી. બોલ, શું કહેતી હતી?”
સોનલે પલંગ પર આરામદાયક બેઠક લઈને એક ઊંડો શ્વાસ લીધો અને બોલવાનું શરૂ કર્યું. “મોનુ, પહેલી વાત તો એ કે તું ઠંડી છું અને એથી જ ઉદય આત્મહત્યા કરી છે એવી વાત ખોટી સાબિત થાય છે. તેમ છતાં ઉદયની આત્મહત્યા માટે હું તને જ જવાબદાર ગણું છું…”
“કેવી રીતે? મારો ક્યાં વાંક છે? મેં તો એને પૂરા હૃદયથી સહકાર આપ્યો છે અને એના પ્રત્યે સહાનુભૂતિ બતાવી છે. છેલ્લા એક જ તાંત્રિકવાળા પ્રસંગમાં મેં એને સાથ નહોતો આપ્યો. તો પછી તું મને જવાબદાર કઈ રીતે ગણાવે છે?” મનીષાએ પ્રચ્છન્ન આક્રોશ સાથે કહ્યું.

“આ જ રીતે! મારી દ્રષ્ટિએ તારી વધારે પડતી સહાનુભૂતિ જ એના માટે બોજ બની ગઈ હતી. તે એને બિનશરતી સહકાર આપીને એને પાંગળો બનાવી દીધો હતો. મોનુ, આપણે જયારે કોઈને મન મૂકીને મદદ કરીએ છીએ ત્યારે પણ એ વિચારતા નથી કે આપણે સામા માણસને દયામણો અને નિઃસહાય બનાવી દઈએ છીએ અને જાણ્યે-અજાણ્યે આપણે એને આપણો દેવાદાર બનાવી દઈએ છીએ. આમ જોવા જાવ તો આ આપણો સૂક્ષ્મ અહંકાર જ છે. સ્થૂળ અહંકાર કરતાં પણ સૂક્ષ્મ અહંકાર વધુ ખતરનાક સાબિત થતો હોય છે!” સોનલે પોતાની વિચારણા સ્પષ્ટ કરી.
“તારો કહેવાનો અર્થ એ છે કે મારે એને તાંત્રિક વિધિમાં પણ સહકાર આપવો જોઈતો હતો?” મનીષાએ ગર્ભિત પ્રશ્ન કર્યો.
“ના, પણ એ કામ તે પાછળથી કર્યું એને બદલે એકદમ શરૂઆતમાં કરવાની જરૂર હતી!” સોનલે કહ્યું.
“કેમ? એથી શું ફેર પડયો હોત?” મનીષાએ સવાલ કર્યો.
“ઘણો ફેર પડયો હોત. શરૂઆતથી તેં ઉદયને એટલો બધો સહકાર આપ્યો હતો કે હવે એને ટેવ પડી ગઈ હતી. એથી જ તે તાંત્રિકવિધિ માટે નામરજી દર્શાવી ત્યારે એ વાત એનાથી સહન ન થઈ શકી. અને એણે આત્મહત્યા જેવું જલદ પગલું લીધું!” સોનલે પોતાનો અભિપ્રાય આપ્યો.
મનીષાને લાગ્યું કે સોનલની વાત ઘણે અંશે સાચી હતી. તરત જ સોનલે આગળ ચલાવ્યું. “અને બીજી એક વાત… કદાચ તું ફરી વિચારીશ તો તને પણ સમજશે કે ઉદયે અવારનવાર એક યા બીજી રીતે આત્મહત્યાની વૃત્તિ-સ્યુસાઈડલ ટેન્ડન્સી પ્રગટ કરી હતી. પરંતુ એ વખતે તું લાગણીમાં અંધ હોવાથી તને એનો અર્થ સમજાયો નહોતો. મને લાગે છે કે, તારું પણ બધું જ ધ્યાન સેક્સની સમસ્યાના ઉપચાર પર હતું. એને લાગુ પડેલું ડિપ્રેશન તારી ધ્યાન બહાર રહી ગયું હતું. જો એનો પણ સમયસર ઈલાજ થયો હોત તો કદાચ આવી નોબત ન આવી હોત એવું મને લાગે છે!”
મનીષા ધીમે રહીને બોલી, “તારી વાત સાચી છે. પરંતુ કદાચ તું મારી જગ્યાએ હોત તો તને પણ આવું સૂઝયું ન હોત!”
“એ પાછો જુદી ચર્ચાનો વિષય છે એટલે એ વાત જવા દે… પણ તને બીજી એક વાત કહું… ઉદયે આત્મહત્યા કરી છે એ જાણ્યા પછી તેં પણ કેમિકલ ગટગટાવીને આત્મહત્યાનો પ્રયાસ કેમ કર્યો એ તને ખબર છે?” સોનલે પૂછયું.
“કેમ? તું શું કહે છે?”
“હું એનો અર્થ એવો નથી કરતી કે તને એના માટે અનહદ પ્રેમ હતો અને એની આત્મહત્યાથી તું નાસીપાસ થઈ ગઈ હતી એથી તે આવું કર્યું હતું. સાચી વાત તો એ છે કે ઉદયની આત્મહત્યાથી તારા ઈગોને-તારા અહંને જ ધક્કો વાગ્યો હતો અને એથી તું બેબાકળી બની ગઈ હતી. એમ આઈ રાઈટ?”
મનીષા ધીમે રહીને બોલી, “હા.”
“આ હું એટલા માટે કહું છું કે, જો ખરેખર પ્રેમને કારણે તે આઘાતથી આવું કર્યું હોત તો એક વાર બચી ગયા પછી પણ તેં બીજી વાર પ્રયત્ન કર્યો હોત. એનું કારણ એ છે કે સાચો પ્રેમ હંમેશાં બિનશરતી હોય છે… મારો મતલબ એ છે કે તું એને પતિ તરીકે જ ચાહતી હતી. પ્રેમી તરીકે નહિ. અગાઉ પણ આપણે આ જ સંદર્ભમાં વાત થઈ ચૂકી છે. સોનલે પોતાનું નિરીક્ષણ કહ્યું.
મનીષા કંઈ બોલી નહિ. પરંતુ એનો ચહેરો કહેતો હતો કે એને સોનલની વાત ગળે ઊતરતી હતી. એથી જ સોનલે મુદ્દાની વાત પર આવતા કહ્યું, “હું તો માનું છું કે ઉદય સાથેના તારા અલ્પજીવી લગ્નજીવનને તારે એક દુઃસ્વપ્ન ગણીને ભૂલવાનો પ્રયત્ન કરવો જોઈએ. જનારની પાછળ કદી આપણાથી ખુવાર થવાય નહિ… આઈ મીન… થોડા સમય પછી તારે નવેસરથી જિંદગી વસાવવા અંગે વિચારવું જોઈએ.”
તારી વાત તો સાચી છે. પણ મારા કપાળ પર એક લેબલ તો લાગી જ ગયું છે ‘ફ્રિજિડ વૂમન‘. કદાચ એ લેબલ ઝાંખું થઈ જાય તો પણ ‘વિધવા’નું બીજું લેબલ તો છે જ. છ મહિનાના લગ્નજીવન પછી પણ હું કુંવારી રહી હોઈશ એ કોણ માનશે?” મનીષાએ પોતાની મૂંઝવણ પ્રગટ કરી.
સોનલ છત પર તાકીને બોલી, “તારો સવાલ કદાચ વ્યવહારુ રીતે મહત્ત્વનો છે. પરંતુ મારી દ્રષ્ટિએ કુંવારા હોવું એ પણ એક માનસિક ખ્યાલ જ છે. એની જાહેરાત થોડી કરાય? એ તો જેની સાથે આપણે જીવન જોડીએ એને જ ખબર પડે!” એથી જ મારો તો સ્પષ્ટ મત એવો છે કે તારે ‘નોર્મલ લાઈફ’ શરૂ કરી દેવી જોઈએ. તો જ તું ભૂતકાળના પડછાયામાંથી બહાર નીકળી શકીશ.”
તારી વાત મને તો સમજાય છે. પરંતુ હું નોર્મલ લાઈફ જીવું એ માટે તારે જ મમ્મી-પપ્પાને માનસિક રીતે તૈયાર કરવાં પડશે!” મનીષા કહ્યું.
“હું પ્રયત્ન કરીશ.”
સોનલે મનહરભાઈ અને વિનોદિનીબહેનને સમજાવ્યાં. એ બંને સોનલની વાત સાથે સંમત થયાં. એ બંને ઈચ્છતાં હતાં કે મનીષા પાછી સામાન્ય જિંદગી શરૂ કરે. એમની છેવટની ઈચ્છા તો એ જ હતી કે એ ઝડપથી ભૂતકાળના અંધારામાંથી બહાર નીકળે તો ફરી વાર એને કોઈક યોગ્ય મુરતિયો જોઈને વળાવી શકાય. એમની પરંપરાગત સમજ કહેતી હતી કે છોકરી તો સાસરે જ શોભે.
લગભગ બે મહિના પછી એક દિવસે સોનલે મનીષાને કહ્યું. “અમારી બાજુના બિલ્ડિંગમાં એક સિંધી થાવાણીના કોચિંગ ક્લાસ ચાલે છે. એ મીરાં રોડ પર એમની એક શાખા ખોલે છે. એમણે મને કહ્યું કે, એ શાખા ચલાવવા માટે મને કોઈક વિશ્વાસુ વ્યક્તિ લાવી આપો. મેં એમને કહ્યું કે મીરાં રોડની શાખા માટે હું તમને મારી ખાસ ફ્રેન્ડ આપું. એ સંમત થયા છે. તારે એડમિશન અને એડમિનિસ્ટ્રેશન સંભાળવાનું. શરૂઆતમાં મહિને ત્રણ હજાર જેવું આપશે. આવતી પહેલી તારીખથી જોડાવાનું. કાલે મારી ઈન્સ્ટિટ્યૂટ પર આવી જા. તારી મુલાકાત કરાવી દઉં.”
થાવાણીને મનીષાની નિષ્ઠા અને પ્રામાણિકતાથી ખૂબ સંતોષ હતો. એમણે તો જાણે ક્લાસનો કારભાર જ મનીષાને સોંપી દીધો હતો. છ મહિના પછી એનો પગાર વધારીને મહિને ચાર હજાર કરી દીધો હતો. એક વખત તો મનહરભાઈએ મનીષાને એમ પણ કહ્યું કે, “આપણે સિંધીઓ સાથે સારી લેણાદેણી છે. મારા શેઠ પણ સિંધી અને તારા શેઠ પણ સિંધી!”
હવે તો મનીષા અને સોનલ લગભગ રોજ મળતાં. નયન પણ અવારનવાર મુંબઈ આવે ત્યારે અચૂક મનીષાને ક્લાસ પર મળવા જાય અને પછી જ ઘરે જાય. કોઈક વાર બીજે ક્યાંક રોકાયો હોય તો પણ મનીષાને મળવા તો અચૂક આવી જાય.
એક વાર નયન આ જ રીતે મળવા આવ્યો ત્યારે મનીષા અંગ્રેજીનો ક્લાસ લેતી હતી. એ દિવસે અંગ્રેજીના લેકચરર આવ્યા નહોતા. એટલી વાર બેસી રહેવાને બદલે નયન બાજુમાં સોનલને મળવા ગયો. સોનલ પાસે કંઈ ખાસ કામ નહોતું. એણે સોનલને કહ્યું, “સોનલ બહેન, મારે તમને એક ખાસ વાત કહેવી છે….”
“બોલો, નયનભાઈ! પણ હા, એ પહેલાં મારે તમને એક ખાસ વાત કરવી છે!” સોનલે ઠાવકાઈથી કહ્યું.
“કહો ને! પહેલાં તમે કહો!”
“હું, તમે અને મનીષા લગભગ એકસરખાં જ છીએ. આપણી મિત્રતાને ધ્યાનમાં લેતાં હજુ તમે તમે કરો એ જામતું નથી. મને સોનલ જ કહેવાનું અને તુંકારો જ કરવાનો. ‘તમે‘માં આત્મીયતાનું બાષ્પીભવન થઈ જતું હોય છે! સોનલે ઘણા વખત પછી એ જ વાતનો પુનરુચ્ચાર કર્યો. નયન કાનપટ્ટી પકડીને એની વાત સાથે સંમત થયો. તરત જ સોનલે કહ્યું, શું વાત હતી?”
“ઉદયને એક વર્ષ પૂરું થઈ ગયું. મનીષા હવે શું વિચારે છે?” નયને ગંભીર થતાં પૂછયું.
“શેનું?” સોનલે અજાણ્યા થવાનો ડોળ કરીને પૂછયું.
“એને ફરી જીવન શરૂ કરવું છે કે નહિ?” નયને મુદ્દાની વાત કરી.
“કેમ? એના માટે કોઈ છોકરો ધ્યાનમાં છે ખરો?” સોનલે વડીલની અદાથી પૂછયું.
“ધ્યાનમાં છે એટલે જ પૂછું છું. તમે પહેલાં-સૉરી, તું પહેલાં એને પૂછી જોજે કે એ શું વિચારે છે!” નયને સહેજ ખચકાટ સાથે કહ્યું.
સહેજ વાર તો સોનલને એવો વિચાર આવ્યો કે એમ કહી દે કે મનીષા આ અંગે વિચારી રહી છે. પરંતુ પછી સહેજ વિચારીને બોલી, “હું પૂછી જોઈશ. ઉતાવળ નથી ને?”
“ના રે! કદાચ એને વિચારવું હોય તો…” નયને કહ્યું. સોનલને પણ વિચાર આવ્યો કે આ વાત મનીષાને ખૂબ સાચવીને કરવી જોઈએ.
બીજે જ દિવસે બપોરના સમયે મનીષા સોનલની પાસે આવી. એના ચહેરા પર વ્યથા અને અકળામણના ભાવ હતા. સોનલે પૂછયું એટલે એણે કહ્યું, “પપ્પાની ઑફિસમાં એક પરાંજપેદાદા છે. એમને ત્રણ દીકરા અને એક દીકરી છે. સૌથી મોટી દીકરીને પરણાવી દીધી છે. મોટા છોકરાનાં અને નાના છોકરાનાં પણ લગ્ન થઈ ગયાં છે. વચેટવાળાનાં અને નાની દીકરીનાં હજુ લગ્ન થયાં નથી. એમણે એમના એ વચેટ દીકરા માટે પપ્પાને મારી વાત કરી છે… અને પપ્પા મને…”
“તો એમાં તને શું વાંધો છે? જોઈ આવ તો ખરી!” સોનલે સાહજિક્તાથી કહ્યું.
“પપ્પાએ મને કહ્યું કે એ છોકરો એક ફેક્ટરીમાં કામ કરતો હતો. ત્યાં અકસ્માત થવાથી એનો જમણો હાથ કપાઈ ગયો હતો. થોડો તોતડાય છે અને સહેજ મંદબુધ્ધિનો પણ છે….” પાછો મારાં કરતાં ઉંમરમાં દસ વર્ષ મોટો છે. આટલું ઓછું હોય એમ પાછો મહારાષ્ટ્રીયન… આપણું અને એમનું કલ્ચર….” મનીષા રડું રડું થઈ ગઈ.
સોનલ પણ વિચારમાં પડી ગઈ. એણે પૂછયું. “તેં એકલને શું જવાબ આપ્યો?”
“પપ્પા સાથે થોડો ઝઘડો થઈ ગયો. મેં એમને કહ્યું કે જરા વિચારીને તમારે વાત કરવી જોઈએ. મારે પરણવું એટલે ગમે એને પરણવું?”
“પછી એમણે શું કહ્યું?”
“પપ્પા મારા પર ગુસ્સે થઈને બોલ્યા કે શું તું એમ માને છે કે તને કોઈ ઇંગ્લેન્ડનો રાજકુમાર પરણવા આવશે? તમારો આ અહંકાર છોડો અને સમાધાન કરતાં શીખો. મને કહે કે તું એ ન ભૂલીશ કે તું એક વિધવા સ્ત્રી છે!” મનીષા નિસાસો નાંખતાં બોલી.
“હવે તો વાત પતી ગઈ ને?” સોનલે પૂછયું.
“ના, હજુ પપ્પાએ પરાંજપેદાદાને ના કહી નથી. મને કહે છે કે તું હજુય વિચારજે. સોનલ, સાચું કહું, મને તો હવે લગ્ન શબ્દથી જ નફરત થઈ ગઈ છે. મને એ જ સમજાતું નથી કે લગ્નની અનિવાર્યતા શું છે?” મનીષાએ કહ્યું.
“મને પૂછે તો કોઈ અનિવાર્યતા નથી. પણ એ મારા માટે જ. તારા માટે નહિ… કોઈ પણ વાતને ટાળવાનો શ્રેષ્ઠ ઉપાય સમય પસાર કરવાનો જ છે… અને હા, કાલે નયન આવ્યો હતો અને કહેતો હતો કે મનીષા હવે લગ્ન વિષે શું વિચારે છે એ એને પૂછી જોજો!”
“કેમ?”
“એના ધ્યાનમાં એક છોકરો છે એવું એણે કહ્યું.” સોનલે મમરો મૂક્યો.
“એને કહી દેજે કે મનીષાને પરણવું જ નથી….” મનીષાએ કૃત્રિમ ગુસ્સા સાથે કહ્યું.
મનીષાના ઈનકારથી મનહરભાઈ થોડા દિવસ ધૂંઆપૂંઆ રહ્યા. મનીષા સાથે બરાબર બોલતા પણ નહોતા. છતાં એમને પોતાને પણ એ વાત સમજાતી હતી કે પરાંજપેદાદાના છોકરા સાથે તો મનીષાનું કજોડું જ થાય.
મનહરભાઈ અને વિનોદિનીબહેન બંને માનતાં હતાં કે હવે એમની સ્થિતિ એવી નથી કે એ સામે ચાલીને કોઈને ઘેર મનીષાનું માંગું નાંખવા જાય. સામેથી કોઈક પૂછપરછ કરે તો જ વાત આગળ ચલાવાય. એમને એ વાતનો પણ અહેસાસ હતો કે મનીષા હજુ યુવાન છે. દેખાવડી છે અને કુંવારા છોકરાને પણ ગમી જાય એવી છે. છતાં એના કપાળ પર ‘વિધવા‘નું લેબલ લાગી ગયું છે એટલે એમનાથી સામે ચાલીને તો વાત કરાય જ નહિ .
બીજી બાજુ સમય પર સમય વીતતો હતો. ફરી એક વાર નયને આવીને મનીષાને પૂછવા માટે સોનલને એ જ વાત કહી. સોનલે પૂછયું, “એ છોકરામાં આટલી બધી ધીરજ છે?” ત્રણ વર્ષ પછી પણ એ મનીષાની રાહ જોઈને બેઠો છે?”
નયને ઊંડો શ્વાસ લઈને કહ્યું, “કદાચ એ જિંદગીભર રાહ જોવા તૈયાર છે!”
“મારે એને મળવું છે!” સોનલે કહ્યું. પરંતુ નયને કોઈ જવાબ આપ્યો નહિ.
આ વાતને પણ સારો એવો સમય વીતી ગયો. મનહરભાઈના મનમાંથી પણ પરાંજપેદાદાવાળી વાતનો ડંખ ઘણે અંશે નીકળી ગયો હતો. એક દિવસ રાત્રે મનહરભાઈએ ઘેર આવીને કહ્યું, “મોનુ, આ વખતે જરા શાંતિથી વિચારજે. જો તું ના કહેવાની હોય તો હવે પછી હું હવે પછી તારાં લગ્નની કોઈ વાત નહિ કરું!”
“પણ પપ્પા, મારે હવે લગ્ન કરવાં જ નથી. લગ્ન કર્યા વિના સ્ત્રી એકલી ના રહી શકે?” મનીષાએ અકળામણના ભાવ સાથે કહ્યું.
“આ જગતમાં કશું જ અશક્ય નથી. છતાં પહેલાં મારી વાત તો સાંભળ…”
“બોલો, શું કહેતા હતા?”
“વાત એમ છે કે નાગપાલ સાહેબના એક જૂના મિત્ર છે. ગુજરાતી છે, વાણિયા છે. કાપડના વેપારી છે. એમને એક છોકરો અને એક છોકરી છે. છોકરી પરણાવેલી છે અને એનું સાસરું જામનગર છે. છોકરાનાં રાજકોટની એક છોકરી સાથે લગ્ન થયાં હતાં, પરંતુ લગ્નના ત્રણ જ મહિના પછી છોકરી બિચારી રસોઈ કરતાં દાઝી ગઈ અને એનું અવસાન થયું. એ વાતને ત્રણ વર્ષ વીતી ગયાં. છોકરો તો ફરી લગ્ન કરવાની ના જ પાડતો હતો. હવે માંડ માંડ તૈયાર થયો છે…”
મનીષા સાંભળતી રહી. એ કંઈ બોલી નહિ એટલે મનહરભાઈએ કહ્યું, “આ રવિવારે મેં એ લોકોને અહીં બોલાવ્યાં છે. તને વાંધો તો નથી ને?”
મનીષાએ કોઈ જવાબ ન આપ્યો. મનહરભાઈએ એના મૌનને સંમતિ સમજી લીધી.