લીલો ઉજાસ – પ્રકરણ – ૨૭ – લગ્નના નામ પર ચોકડી

મનીષાની ઈચ્છા હતી કે છોકરાવાળા મનીષાને જોવા આવે ત્યારે સોનલ હાજર રહે તો સારું. એણે સોનલને વાત કરી. સોનલે કહ્યું, “અનિવાર્ય હોય તો મને વાંધો નથી. પણ લગભગ રવિવારે હું બીજે એક ઠેકાણે રોકાયેલી હોઉં છું. એટલે એક વાર તું મળી લે અને જો તમારી વાત જામે તો પછી ક્યાં મળાતું નથી. ખરું પૂછે તો એ વખતે તારે મારા અભિપ્રાયને નહિ, પણ તારા મનના જ અવાજને સાંભળવાનો છે. એ વખતે તારું મન તને શું કહે છે એ વાત જ મહત્ત્વની બની જવાની છે. મારા કે ફોર ધેટ મેટર, કોઈના પણ અભિપ્રાયનું બહુ મૂલ્ય નથી.”

         એ દિવસે સોનલ ન આવી. મનીષાને મનમાં થયું તો ખરું કે એ સોનલની આટલી નજીક હોવા છતાં લગભગ દર રવિવારે એ આખો દિવસ ક્યાં જાય છે એની હજુ સુધી એને ખબર પડી નથી. સોનલે કોઈ દિવસ ફોડ પાડયો નથી અને મનીષાએ ક્યારેક પૂછયું છે તો એણે વાતને ઉડાવી દીધી છે. મનીષાએ વિચાર્યું કે હશે કંઈક એવું, જે મને કહેવા જેવું એને લાગતું નહિ હોય. આમ એણે મન તો મનાવી લીધું, પરંતુ એને એ વાત ગમી તો નહિ જ.

       મનીષાના મનમાં હજુ મૂંઝવણ તો હતી જ કે ફરી લગ્ન કરવાં કે નહિ, જોકે આટલા સમય દરમ્યાન લગ્ન નહિ કરવાનો એનો નિર્ણય પણ થોડો મોળો પડયો હતો. એણે આ વિષેની પોતાની મૂંઝવણ સોનલ સમક્ષ પ્રગટ કરી ત્યારે સોનલે એને સાચી અને વ્યવહારુ સલાહ આપી હતી. એણે કહ્યું હતું, “જો તું મળવાની જ ના પાડી દઈશ તો તારા પપ્પાને ખરાબ લાગશે અને એમની તારા વિષેની ગેરસમજ તથા ચિંતા પણ વધશે. અને કોઈ છોકરો જોવા આવે કે એની સાથે વાત કરીએ એટલે થોડાં લગ્ન થઈ જાય છે? મારો તો નિયમ છે કે જે કોઈ પરિસ્થિતિ આપણી સામે આવે એનો સ્વસ્થતાથી મુકાબલો કરવો. પરિસ્થિતિથી ભાગવામાં મોટે ભાગે તો આપણને જ નુક્સાન થતું હોય છે. તું એક વાર એ લોકોને મળ તો ખરી. પછી આગળની વાત આગળ!”

       રવિવારે સવારે એમનો ફોન આવ્યો કે અમે બપોરે ચારેક વાગે આવીએ છીએ. મનીષાને એ લોકોને મળવાની ભીતરથી બહુ ઉત્સુકતા નહોતી. છતાં એનું મન વારંવાર ઘડિયાળ જોવા જતું હતું. સાડા ત્રણે વિનોદિનીબહેને કહ્યું ત્યારે માંડ માંડ એ તૈયાર થવા ઊભી થઈ. બહુ જ સાદગીપૂર્ણ રીતે તૈયાર થઈ. પીળી સાડીમાં સજજ થઈને એ કબાટ સામેના પૂરા કદના આઈના સામે ઊભી રહીને પોતાની જાતને જોવા લાગી. એને લાગ્યું કે હજુ એનું યૌવન જળવાયું છે. એક વાર એનાં લગ્ન થઈ ચૂક્યાં છે એ વાતની જેને ખબર જ ન હોય એને તો એ પરણવા જેવી આકર્ષક છોકરી લાગ્યા વિના રહે નહિ. એણે સહેજ પાવડરનો ડબ્બો હાથમાં લીધો ત્યાં જ એને અચાનક સોનલ યાદ આવી ગઈ.

સુંદરતા એ માનસિક ખ્યાલ છે.
સુંદરતા એ માનસિક ખ્યાલ છે.

એક વાર એણે સોનલને પૂછયું હતું. “તું મેક-અપ કેમ કરતી નથી? તને કોઈ વાર બ્યુટી-પાર્લરની મુલાકાત લેવાની ઈચ્છા નથી થતી?” સોનલે તરત હસીને જવાબ આપ્યો હતો, “બ્યુટી પાર્લર અને મેક-અપ તો જે સુંદર દેખાતાં ન હોય એમને સુંદર દેખાડવા માટે છે. આઈ એમ બ્યુટીફૂલ… એટલે જ મારે મેક-અપની જરૂર નથી. હું તો માનું છે કે જે કુદરતી રીતે જ સુંદર હોય એણે મેક- અપ કરવો જ ન જોઈએ.” મનીષાએ આઈનામાં જોઈને જ પોતાની જાત સામે મલકી લીધું હતું અને પાવડરનો ડબ્બો પાછો મૂકી દીધો હતો. એ જાણે પોતાની જાતને કહી રહી હતી કે હું પણ સુંદર છું, મારે મેક-અપની જરૂર નથી.

     મનહરભાઈ પોણા ચાર વાગ્યાના ઊંચા-નીચા થતા હતા. વારે વારે ગેલેરીમાં જઈને જોઈ આવતાં હતા. એ લોકો છેક સાડા ચારે આવ્યાં. મનહરભાઈએ એમને આવકાર્યા અને વિનોદિનીબહેનને તથા આડકતરી રીતે મનીષાને ઓળખાણ આપતાં બોલ્યા, આ ચંપકભાઈ, સુશીલાબહેન અને આ રીતેશકુમાર.” મનહરભાઈએ રીતેશકુમારકહ્યું એ મનીષાને બહુ ગમ્યું નહિ. એને એવું લાગ્યું કે જાણે મનહરભાઈએ એને મનોમન પરણાવી જ દીધી છે.

        થોડી ઔપચારિક વાતો થઈ. સુશીલાબહેનની નજર આખા ઘરમાં ચકળવકળ ફરતી હતી. થોડી થોડીવારે એ મનીષાને પણ જોઈ લેતાં હતાં. પછી ચંપકભાઈએ મૂળ વાત પર આવતાં કહ્યું,  ભગવાનની દયાથી અમારી પાસે બધું જ છે. અમારે કશું જ જોઈતું નથી. અમારે તો સુશીલ અને ઘરરખ્ખુ વહુ જ જોઈએ છે. તમે કંકુ અને કન્યા આપો એટલે બસ… તમારી છોકરી અમારા ઘેર આવીને રાજ કરશે… તમારે એની બિલકુલ ચિંતા કરવાની નહિ… અમારો રીતેશ પણ સીધી લાઈનનો છે. મહત્ત્વાકાંક્ષી છે.  દોડાદોડ પણ બહુ કરે છે… અમે એને કહીએ છીએ કે બેટા, ભગવાને આપણને પૂરતું આપ્યું છે. આથી વધારે જોઈતું નથી… પણ એ અમને કહે છે કે આ જ ઉંમર છે. થોડું દોડી લેવાની… અત્યારે દોડી લેવા દો.” પછી સહેજ અટકીને ચંપકભાઈએ સુશીલાબહેન તરફ જોયું.

એ તરત જ બોલી ઊઠયાં. “રીતેશ, તમારે વાત કરી લેવી હોય તો કરી લો!” એમ કહી એમણે બાજુના રૂમ તરફ નજર નાખી.

        રીતેશ અને મનીષા બાજુના રૂમમાં ગયાં. થોડી વાર તો બંને મૌન રહ્યાં. મનીષા નીચું જોઈને બેસી રહી અને રીતેશ એનું તથા રૂમનું નિરીક્ષણ કરતો રહ્યો. થોડીવારે એણે મનીષાને કહ્યું, “તમે દેખાવ છો સુંદર.

       મનીષા નીચું જોઈને જ ધીમે રહીને બોલી, “થેંક યૂ!

       રીતેશ તરત જ બોલ્યો, “હું કદાચ તમારા જેટલો સુંદર કે આકર્ષક દેખાતો નથી. 

       “માણસ બહારથી નહિ, પણ ભીતરથી સુંદર હોવો જોઈએ.મનીષાએ બિનશરતી વિધાન કર્યું.

         મારી બહેન જામનગર છે અને હું અહીં મારાં મા-બાપનો એકનો એક છું… મેં પપ્પાની બધી જ જવાબદારી ઉપાડી લીધી છે. તમારે મમ્મીની જવાબદારી ઉપાડી લેવાની છે…” રીતેશે વ્યવહારની વાત કરી.

         “હું પપ્પાના વ્યવસાયનો વિકાસ કરવા માગું છું. અને એ માટેની મહેનત પણ કરું છું. મારે તો અવારનવાર બહાર રહેવું પડે છે. એટલું ચલાવી લેવું પડશે…” રીતેશે થોડા ઊંડા ઊતરતા કહ્યું.

        મનીષાએ કંઈ જવાબ ન આપ્યો. પછી રીતેશે કહ્યું, “આવતા અઠવાડિયે કદાચ મારી મોટીબહેન નિરંજના અહીં આવવાની છે. એ પણ તમને મળવા ઈચ્છે છે. તમારે એને મળવા મારે ઘેર આવવું પડશે!”

         બહાર ચંપકભાઈએ પણ મનહરભાઈને આ જ વાત કરી. રીતેશ અને મનીષાએ આમ ઔપચારિક વાતો કરી અને લગભગ પંદર મિનિટે બંને બહાર આવ્યાં. નિરંજના આવે ત્યારે જાણ કરવાનું કહીને ચંપકભાઈ વિદાય થયા. રીતેશે તો કહી દીધું કે છોકરી પસંદ છે. પરંતુ એ લોકોના ગયા પછી મનહરભાઈએ પૂછયું ત્યારે મનીષાએ એમને એટલું જ કહ્યું, “મને જરા વિચારવા તો દો!મનહરભાઈને એનો આવો પ્રતિભાવ બહુ ગમ્યો નહિ.

      અઠવાડિયા પછી નિરંજના આવી અને મનહરભાઈ, વિનોદિનીબહેન તથા મનીષા ચંપકભાઈને ત્યાં સાંતાક્રૂઝ એમના ફૂલૅટ પર મળવા ગયાં. નિંરજનાને પણ મનીષા ગમી ગઈ. બંને કુટુંબોએ ઔપચારિક વિધિ કરીને રીતેશ અને મનીષાનું પાકું કરી દીધું. મનીષાએ પ્રતિકાર કર્યો નહોતો, પણ એ માનસિક રીતે પૂરેપૂરી તૈયાર પણ થઈ નહોતી.

        પછી તો રીતેશ અવારનવાર મનીષાને ક્લાસ પર મળવા પણ આવતો હતો. એક વાર મનીષા એને સોનલને મળવા લઈ ગઈ. સોનલ વાતચીતમાં એનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરતી હતી. મનીષાએ હવે મન સાથે સમાધાન કરી લીધું હતું અને રીતેશને જીવનસાથી તરીકે સ્વીકારી લીધો હતો. ત્રણ -ચાર મહિનામાં એ લોકો અવારનવાર મળ્યાં હતાં. ક્યારેક એકાંતમાં રીતેશ મનીષાને શારીરિક છેડછાડ કે અડપલું મહેનત પણ કરી લેતો. છું. મનીષા ખાસ પ્રતિભાવ આપતી નહિ.

      એક દિવસ રીતેશે મનીષાને કહ્યું, “આપણે લગ્ન માટે શાની રાહ જોઈએ છીએ? મારાં મમ્મી-પપ્પા હવે ઉતાવળ કરે છે કે અને મોટી બહેને પણ કહેવડાવ્યું છે કે આ માગશર મહિને લગ્ન લઈ જ લો. મારા પપ્પા તારા પપ્પાને ફોન કરવાના છે. અગાઉ તારા પપ્પાએ કહ્યું હતું કે મનીષા હમણાં થોડા દિવસ રોકાઈ જવાનું કહે છે. તારે શું કારણ છે એ મને કહીશ?”

     મનીષાએ જવાબ આપ્યો હતો, “મારા શેઠ થાવાણીસાહેબ પરદેશ ગયા છે. બધી જ જવાબદારી મારા માથા પર છે. એ આવી જાય ત્યાં સુધી તો રાહ જોવી જ પડે.

       એ જ દિવસે નયન આવ્યો. એ આવ્યો ત્યારે રીતેશ મનીષા પાસે બેઠો જ હતો. મનીષાએ ઓળખાણ કરાવી, “આ નયનભાઈ છે. સોનલ પછી મારા સૌથી મોટા શુભેચ્છક. એમની સાથેના અમારા સંબંધો કોઈ નામમાં સમાય એવા નથી. અને નયનભાઈ આ રીતેશ છે. મારાં મમ્મી-પપ્પાના હવે એ જમાઈ થવાના છે…

       નયન તો આંખો ફાડીને જોઈ જ રહ્યો. એણે બે-ત્રણ વાર રીતેશ સામે જોયું. એને એવું લાગ્યું કે રીતેશ બધી જ રીતે મનીષા કરતાં ઊતરતો છે. એને તો એમ પણ લાગ્યું કે એની પોતાની સરખામણીમાં પણ રીતેશ ઘણો ઊતરતો છે. નયન કેટલીય વાર સુધી કંઈ જ બોલ્યો નહિ. થોડી વાર પછી બોલ્યો, “સોનલ હશે? હું જરા મળી આવું! પછી કદાચ આજે રાત્રે મારે પાછા જવું છે એટલે નહિ મળાય!

        નયન ગયો ત્યારે સોનલ બેઠી જ હતી. સોનલે એને જોતાં જ પૂછયું. કેમ આટલા બધા દિવસે દેખાયો? મનીષાનું તો નક્કી પણ થઈ ગયું. મારે પેલા મનીષાની રાહ જોનારા દેવદાસને મળવાનું હતું. હવે શું? હવે તો વાત પતી ગઈ!” સોનલે એના કાયમના મિજાજ અનુસાર કહ્યું.

      નયન જાણે છેક વડોદરાથી ચાલતો ચાલતો આવ્યો હોય અને થાકીને ઢગલો થઈ ગયો હોય એમ બેસી પડ્યો અને કંઈ બોલ્યો નહિ. થોડી વાર રહીને એણે કહ્યું, “સોનલ, આપણે જરા બહાર જઈએ તો?”

       સોનલ તરત જ ઊભી થઈ. બંને જઈને બહાર મ્હૈસૂર કાફેમાં બેઠાં. નયન ઊંડો શ્વાસ લઈને બોલ્યો, “સોનલ, મિત્રતાના દાવે એક વાત કહેવી છે…. તું જે છોકરાને મળવાનું કહેતી હતી એ હું જ છું!

         “સ્ટુપીડ… મને ખબર જ હતી કે એ તું જ છે. તારામાં આટલી પણ હિંમત નહોતી?” સોનલ સહેજ ખિજાઈને બોલી.

         સોનલ ભવાં ચડાવીને એની તરફ જોવા લાગી. એણે ધીમે રહીને શરૂ કર્યું. હું અને ઉદય જૂના મિત્રો હતા. મેં એને એક વાર મજાક મજાકમાં કહ્યું હતું. ઉદય, તું મારા પહેલાં લગ્ન કરજે…

        એણે કારણ પૂછયું તો મેં કહ્યું હતું કે, “મારે તારી પત્ની કરતાં પણ સુંદર પત્ની લાવવી છે. તારી પત્ની આવે પછી જ મને છોકરી શોધવાની સમજ પડશે.

        “પરંતુ ઉદયનાં લગ્ન વખતે મેં મનીષાને જોઈ ત્યારે હું એને જોતાં જ થીજી ગયો હતો. હું એની પત્ની કરતાં પણ સરસ પત્ની લાવવાની તો વાત જ ભૂલી ગયો. મને થયું કે હું દીવો લઈને દુનિયા આખીમાં શોધવા જઈશ તો પણ કદાચ મને મનીષા કરતાં સારી છોકરી તો નહિ જ મળે. મને એવો વિચાર પણ આવી ગયો કે ઉદય ભલે મારો મિત્ર છે. પરંતુ મારા જેટલો હેન્ડસમ, વેલ-ટુ-ડુ અને સ્માર્ટ નથી. છતાં એને…  સાચું કહું તો મને એની ઈર્ષા થઈ. મેં આજ સુધી મનીષા સાથે અઘટિત વર્તન કર્યું નથી… પણ મારા હદયમાં એ વસી ગઈ હતી. મને ઘણી વાર એમ પણ થતું કે ઉદયનો ખાસ મિત્ર થઈને હું આવું વિચારું એ સારું ન કહેવાય. ઉદયે જ્યારે આપઘાત કર્યો ત્યારે મને ગિલ્ટી ફિલિંગ થઈ કે એ બંનેના લગ્નજીવન પર મારી ઈર્ષાની નજર લાગી ગઈ હોવી જોઈએ. આજે પાંચ વર્ષ પછી યે હું એ પીડામાંથી બહાર નીકળી શક્યો નથી. મને એવું પણ લાગે છે કે જાણે હું ઉદયનો ગુનેગાર છું…  એથી જ મેં મારી લાગણી મનીષા સુધી પહોંચાડી નથી.” એની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં.

        સોનલે એને સધિયારો આપતાં કહ્યું, “તારે ગિલ્ટી ફીલ કરવાની જરૂર નથી. એનું એક કારણ તો એ છે કે કોઈ પણ વ્યક્તિ પર આસક્તિ જાગે એ કંઈ ગુનો નથી. બીજી વાત એ છે કે ઉદય અને મનીષાના લગ્નજીવનને તારી નજર હરગિઝ નથી લાગી. ઉદયની આત્મહત્યાનું કારણ હું જાણું છું… હા, તેં મને પણ કહેવામાં આટલું મોડું કર્યું એ બદલ તું ગિલ્ટી જ છે. મને નથી લાગતું કે હવે આમાં કંઈ થઈ શકે.પછી સહેજ અટકીને સોનલ બોલી, “મને એક વાતનું આશ્ચર્ય છે. મનીષા અને રીતેશનું નક્કી થયાને ત્રણ-સાડા ત્રણ મહિના થયા છતાં મનીષા લગ્નની વાત ટાળ્યા કરે છે. મને પણ કશું કહેતી નથી. એની અત્યાર સુધીની વાત પરથી તો એવું જ લાગે છે કે રીતેશની બાબતમાં હજુ એનું મને પૂરેપૂરું માન્યું નથી.

          “એનો અર્થ એ કે…નયન કહેવા ગયો, પણ સોનલે એને વચ્ચેથી જ કાપીને કહ્યું, “હું કોઈ અનુમાન કરવા માગતી નથી. હું એને આજકાલમાં જ પૂછવાની છું.

         નયનના ચહેરા પર સહેજ રાહતની લાગણી દેખાઈ. સોનલે એને પૂછયું, “એક-બે દિવસ રોકાવાનો છે ને?”

         “ના, આજે કદાચ નીકળી જઈશ. વડોદરામાં જ એક એસાઈનમેન્ટ મળ્યું છે. એટલું બધું કામ મળ્યું છે કે ન પૂછો વાત!” નયને કહ્યું.

         સોનલ સહેજ વિચારમાં પડી. એને આમ વિચારતી જોઈને નયને પૂછયું, “શું વિચારે છે? મારે રોકાઈ જવું જોઈએ?” નયનના અવાજમાં સહેજ ખચકાટ હતો.

       સોનલે કહ્યું, “ખાસ કંઈ નહિ… ચાલ ને, એવું કંઈ જરૂરી લાગશે તો હું તને ફોન કરીશ… પણ કદાચ આ આપણી છેલ્લી મુલાકાત હશે… પહેલી તારીખ પછી આપણે ન પણ મળી શકીએ…”

       “ કેમ? કેમ? ક્યાં જાય છે?” નયને ઉત્સુક્તાથી પૂછયું.

       “અત્યારે એ કહેવાય એવું નથી…”

       “તો ક્યારે કહેવાય એવું બનશે!”

       “ખબર નથી. કદાચ જાઉં ત્યારે જ કહીશ.” સોનલ ઊંડાણમાંથી બોલતી હતી. નયનને ખબર હતી કે સોનલ જે નહિ કહેવા માગતી હોય એ નહિ જ કહે. એટલે ખોટી મહેનત કરવાનો અર્થ નથી. એથી જ એ કહ્યું, તો પછી હું પહેલી તારીખ પહેલાં આવીશ.પછી એણે ડાયરીમાંથી એક કવર કાઢયું અને સોનલના હાથમાં મૂકતાં કહ્યું, આમાં મેં બધું જ કહ્યું છે. યોગ્ય લાગે તો અને યોગ્ય લાગે ત્યારે આ મનીષાને આપજે. ન યોગ્ય લાગે તો મને પાછું આપજે.

        સોનલે કવર ઉપર નીચે ફેરવ્યું અને પોતાની હેન્ડબેગમાં મૂકી દીધું.

        એ દિવસે ચંપકભાઈએ મનહરભાઈને ફોન કર્યો અને લગ્ન માટે પંદર દિવસ પછીની બે-ત્રણ તારીખો પણ સૂચવી. એમણે પ્રમાણમાં સાદાઈથી લગ્ન કરવાનું પણ સૂચન કર્યું. મનહરભાઈએ એમને કહ્યું કે આજે જ મનીષા સાથે વાત કરી નક્કી કરી લેશે અને સામે કાલે જણાવી દેશે.

       એ દિવસે સાંજે મનીષા ઘરે જવા નીકળતી હતી અને એ જ વખતે રીતેશ એના ક્લાસ પર આવ્યો. એણે મનીષાને કહ્યું,  આજે પપ્પાએ તારા પપ્પા સાથે વાત કરી છે અને લગ્ન માટે બે-ત્રણ તારીખો પણ સૂચવી છે. તારા પપ્પા આજે તારી સાથે વાત કરીને કાલે જવાબ આપવાના છે. પરંતુ લગ્નની તારીખ નક્કી થાય એ પહેલાં મારે તારી સાથે થોડી વાત કરવી છે. ચાલ, ક્યાંક બહાર જઈએ!

       મનીષા સહેજ ખચકાઈ. પછી એણે કહ્યું, “મારે જરા ઘરે ફોન કરી દેવો પડશે.

      ફોન કરીને બંને નીચે ઊતર્યા. નજીકમાં જ જઈને મ્હૈસૂર કાફેના બે જ બેઠકોવાળા નાનકડા ફેમિલી રૂમમાં બેઠાં. બેસતાંની સાથે જ રીતેશે  મનીષાને ભીંસી લીધી અને એક પ્રગાઢ ચુંબન ચોડી દીધું. મનીષા જરા સ્વસ્થ થઈ એટલે એણે પૂછયું. તારા પપ્પા આજે તને લગ્નની તારીખ અંગે પૂછશે. તું શું કહીશ?

    “થાવાણી સાહેબને આવતાં હજુ કદાચ એક મહિનો લાગશે. એ આવી જાય પછી જ વિચારી શકાય.” મનીષાએ શુષ્ક જવાબ આપ્યો.

     રીતેશ સહેજ વાર કંઈ બોલ્યો નહિ. પછી એક ઊંડો શ્વાસ લઈને બોલ્યો, “મેં તને તારા ભૂતકાળ વિષે કશું જ પૂછયું નથી. આજે પૂછું છું…!”

     મનીષાની ધડકન અચાનક જ થોડી તેજ થઈ ગઈ. રીતેશે કહ્યું,  “મેં બે વાત સાંભળી છે. એક તો એ કે તારો પતિ ઈમ્પોટેન્ટ હતો અને બીજી એ કે…

     મનીષા જ એનું વાક્ય કાપીને બોલીએ કે હું ફિજિડ છું

     “હા, એવું જ…રીતેશે કહ્યું. મનીષાએ જોયું કે, રીતેશની ધડકન પણ તેજ થઈ ગઈ હતી.

     તો હવે શું પૂછવું છે?” મનીષાએ રૂક્ષ અવાજે પૂછયું.

     હું બીજી વાત માનતો નથી… પણ હવે આપણાં લગ્ન નકામા જ ખેંચાય છે ત્યારે મારી એક ઈચ્છા છે…!રીતેશે ફરી ઊંડો શ્વાસ લઈને કહ્યું.

      શું ઈચ્છા છે?” મનીષાએ જાણે કંઈક પામી ગઈ હોય એમ પૂછયું.

      “એ જ કે આવતા રવિવારે આપણે બે દિવસ મહાબળેશ્વર જઈએ…રીતેશ આટલું બોલીને અટક્યો.

      અને પછી …?” મનીષાએ સહેજ ગુસ્સા સાથે પૂછયું.

      અને પછી તું સાબિત કરી આપ કે તું…

      “વ્હોટ ડુ યુ મીન?” મનીષા રીતસર દબાતા અવાજે બરાડી. રીતેશ કંઈ બોલ્યો નહિ. સહેજ વાર રહીને મનીષાએ કહ્યું, તેં માત્ર એમ કહ્યું હોત કે આપણે થોડા વહેલા હનિમૂન મનાવવા જઈએ તો હજુય જુદી વાત હતી. બહુ બહુ તો હું તને ના પાડત. પણ તું તો હું ફિજિડ નથી એનો પુરાવો માંગે છે… આઈ હેટ ઈટ… આઈ ડોન્ટ વોન્ટ ટુ મેરી યુ… મારે તારી સાથે લગ્ન કરવાં જ નથી…” એમ કહીને એ ગુસ્સામાં ઊભી થઈ ગઈ. રીતેશે એને હાથ પકડીને બેસાડવાનો પ્રયત્ન કરતાં કહ્યું, આઈ એમ સૉરી! હું તો મજાક કરતો હતો!”

       મનીષાએ કહ્યું, મજાક હોય તો પણ મને કોઈ ફેર પડતો નથી… તારી આ મજાક નથી, માનસિક વિકૃતિ જ છે…કહીને એ ચાલી નીકળી.

       રીતેશ એની પાછળ પાછળ થોડે સુધી ગયો. પરંતુ મનીષા આગળ એક રિક્ષામાં બેસી ગઈ. રિક્ષામાં બેસતાં જ એની આંખો આંસુથી ઊભાઈ આવી. એણે મનોમન નક્કી કરી નાખ્યું કે હવે લગ્નના નામ પર ચોકડી. એને તરત જ વિચાર આવ્યો કે હું લગ્ન કરીશ તો મમ્મી-પપ્પા એકલાં પડી જશે. હું લગ્ન નહિ કરું તો એમની સાથે જ રહી શકીશ અને એમની કાળજી લઈ શકીશ.

        ઘરે આવી ત્યારે સોનલ બેઠેલી જ હતી. વિનોદિનીબહેને કહ્યું કે, રીતેશકુમાર આવ્યા હતા અને એમની સાથે બહાર ગઈ છે. હમણાં આવવી જ જોઈએ. એથી જ સોનલ એની રાહ જોઈને બેઠી હતી. મનીષાએ એને જોતાં જ કહ્યું, “સારું થયું તું આવી તે! મારે તને એક ખાસ વાત કરવાની છે!

      “લે, મારે પણ તને એક ખાસ વાત કરવાની છે. એટલે જ તો હું આવી છું… પહેલાં તું વાત કર…  પછી હું વાત કરું!સોનલે ગંભીર થઈને રમતિયાળ અદામાં કહ્યું.

       એમની આવી વાત ચાલતી હતી ત્યાં જ મનહરભાઈ આવ્યા. એમણે આવતાં જ કહ્યું, “આજે ચંપકભાઈનો ફોન આવ્યો હતો. એમણે બે-ત્રણ….

       “મને ખબર છે…મનીષાએ કહ્યું.

        તો હું એમને શું જવાબ આપું?” મનહરભાઈએ પૂછયું.

        હમણાં રોકાઈ જાવમનીષા અને સોનલ બંને એકસાથે બોલ્યાં. મનીષાએ તરત સોનલ સામે જોયું  એના મનમાં સવાલ થયો કે સોનલને પણ એવી જ વાત કહેવી હશે જેનો અર્થ ‘હમણાં રોકાઈ જાવએવો જ થતો હશે?

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: