લીલો ઉજાસ – પ્રકરણ – ૨૮ – બૌદ્ધ દીક્ષા અને કાગળની હોડી –

      

પ્રેમનો સ્વીકાર થવો એ પણ નસીબની વાત છે!
પ્રેમનો સ્વીકાર થવો એ પણ નસીબની વાત છે!

મનીષા અને સોનલે હમણાં રોકાઈ જાવ એવો પ્રતિભાવ એક સાથે આપ્યો એથી મનહરભાઈ સહેજ આંચકો ખાઈ ગયા. એમણે સામે પૂછયું, “ક્યાં સુધી રોકાઈ જવાનું છે? મારે એમને કાલે જવાબ આપવાનો છે!”

      મનીષા અને સોનલ એક બીજા સામે જોવા લાગ્યાં. પછી મનીષાએ જ જૂનું કારણ આગળ કહ્યું, “હજુ થાવાણીસાહેબને આવતાં એક મહિનો લાગશે. એ આવે પછી જ…

      સોનલ વચ્ચે બોલી પડી, “એ આવે પછી પણ નહિ… હું મનીષાને કહું છું... પછી તમને પણ કહું છું. એ પછી પણ તમારે આગળ વધવું હોય તો મને વાંધો નથી…સોનલે સ્પષ્ટ કહ્યું.

      મનહરભાઈને સોનલની વાતથી આંચકો લાગ્યો. એમણે કહ્યું,  “એવી કોઈ ગંભીર વાત છે? મને કહે તો સમજ પડે!

       “કહું છું… તમને પણ કહું છું! પહેલાં મનીષા સાથે વાત કરી લઉં!સોનલે કહ્યું.

       મનહરભાઈનો ચહેરો તંગ થઈ ગયો. એમને કંઈ જ સમજાતું નહોતું. વિનોદિનીબહેન પણ મૂંઝવણમાં મુકાઈ ગયાં હતાં. મનીષા અને સોનલ અંદરના રૂમમાં જતાં હતાં ત્યાં ફોનની ઘંટડી વાગી. મનહરભાઈએ ફોન ઉઠાવ્યો અને તરત મનીષાને કહ્યું, મોનુ તારો ફોન છે. રીતેશકુમાર બોલે છે…”

       મનીષા એમ જ સ્થિર ઊભી રહી. પછી બોલી, “એને કહી દો મનીષા ઘેર નથી…

       “એવું તો કઈ રીતે કહેવાય?” મનહરભાઈએ ભવાં ચડાવતાં કહ્યું. 

       “તો એને કહી દો મારે વાત કરવી નથી!મનીષાએ આંખો ચડાવીને કહ્યું.

       સોનલ તરત જ બોલી, “એને એમ કહો કે મનીષા થોડી વાર પછી ફોન કરે છે! અને તરત એ મનીષાનો હાથ પકડી અંદર ખેંચી ગઈ.

      પલંગ પર બેસતાં જ સોનલે પૂછયું, “બોલ, તારે શું કહેવાનું હતું?”

      “પહેલાં તું કહે, તું શું કહેતી હતી?” મનીષાના ચહેરા પર હળવાશ હતી.

      આપણા બંનેની વાતનો સાર કદાચ એક જ છે. એટલે હું પહેલાં કહું કે તું પહેલાં કહે એથી કોઈ બહુ મોટો ફેર પડી જવાનો નથી. છતાં તું કહે તો વધારે સારું!સોનલે કહ્યું.

     મનીષાએ રીતેશ સાથેની મુલાકાત અને રીતેશે કરેલી માગણીની અને પોતાના એની સાથે લગ્ન નહિ કરવા અંગેના લીધેલા નિર્ણયની સોનલને વાત કરી. સોનલે કહ્યું, એણે તારી પાસે પુરાવો માગ્યો એ વાત તને સ્વીકાર્ય ન લાગે એ સ્વાભાવિક છે. બાકી એણે વહેલું હનિમૂન મનાવવાની વાત કરી હોત તો જુદી વાત હતી. એ સંજોગોમાં તો હું પણ તને એમ જ કહેત કે એની વાતનો સ્વીકાર કરી લે… ખેર, મારે તને જે કહેવું છે એ કદાચ આટલું જ, અથવા આથી પણ વધુ ગંભીર છે. આજે રીતેશે તને આવું ન કહ્યું હોત તો પણ એની સાથે લગ્ન કરવા અંગે વિચારવું પડે તેમ હતું!

      સોનલે સહેજ ગંભીર થતાં કહ્યું, “મેં મારા એક સોર્સ મારફતે તપાસ કરાવી હતી. આમ તો મેં મહિના પહેલાં આ કામ સોંપ્યું હતું. પણ મને કાલે જ બધી વિગતો મળી. મને થયું કે મારે આ જ ઘડીએ તને જણાવી દેવું જોઈએ. મેં ક્લાસ પર તપાસ કરી તો તું નીકળી ગઈ હતી.”

     શું વિગતો મળી છે?” મનીષાએ ઉત્સુકતાથી પૂછયું.

     “પહેલી વાત તો એ છે કે રીતેશની પહેલી પત્ની દાઝી જવાથી મૃત્યુ પામી છે એ ખોટી વાત છે… એ છોકરીનું નામ અલકા હતું અને એ રાજકોટની હતી. એ પરણીને આવી એ પછી થોડા દિવસોમાં ઘરમાં-ઝઘડો શરૂ થઈ ગયા હતા. ઝઘડાનું કારણ શું હતું એ ખબર નથી પડી. પણ એવી ધારણા છે કે રીતેશનાં મમ્મી સુશીલાબહેનની બહુ દાદાગીરી હતી અને એ કામની બાબતમાં રોજ એની સાથે ઝઘડા કરતાં હતાં. બધા જ લોકો એવું માને છે કે આ સુશીલાબહેનનું પરાક્રમ હોવું જોઈએ. અલકાના ભાઈએ પોલીસ ફરિયાદ કરી હતી અને પોલીસે સુશીલાબહેન, ચંપકભાઈ, રીતેશ અને એ વખતે ઘરમાં હાજર એની મોટી બહેન નિરંજનાની પણ ધરપકડ કરી હતી. ચંપકભાઈ અને રીતેશને તો બે દિવસ પછી છોડી દીધા હતા. પણ સુશીલાબહેન અને નિરંજનાને આઠ-દસ દિવસે છોડવામાં આવ્યાં હતાં. એમના પર કેસ પણ ચાલ્યો હતો. છ મહિના પહેલાં જ કેસનો ચુકાદો આવ્યો છે અને બંને નિર્દોષ છૂટ્યાં છે. પરંતુ આ કેસમાં ચંપકભાઈએ સારા એવા પૈસા વેર્યા છે!

       મનીષા તો આશ્ચર્યથી આંખો પહોળી કરીને સાંભળી રહી હતી. એનાથી બોલાઈ ગયું. બંને કેવી શાણી લાગે છે!

     “વાત આટલી જ હોત તો જુદી વાત હતી. હવે કુંવર રીતેશની વાત સાંભળ.સોનલે આગળ ચલાવ્યું. રીતેશ સ્વભાવે રંગીલો છે અને બહાર પણ એનાં ચક્કર ચાલે છે. મને એવું જાણવા મળ્યું છે કે એમાંની એક પણ છોકરી લગ્નને લાયક નથી… માણસ રંગીલો હોય એની સામે મને વાંધો નથી. પરંતુ લગ્ન કરે ત્યારે એની થોડી જવાબદારી બને છે. લગ્નની જવાબદારી અદા ન કરવી હોય તો લગ્ન જ ન કરવાં જોઈએ… મારી જેમ!સોનલે હળવાશભર્યા સૂરે કહ્યું.

        મનીષાએ સંમતિસૂચક ડોકું ધુણાવ્યું. સોનલે તરત આગળ ચલાવ્યું. આથી પણ ગંભીર વાત તો હવે આવે છે. રીતેશને કેટલાક ડ્રગ-પેડલર્સ સાથે, નશીલા પદાર્થોનો ધંધો કરનારાઓ સાથે સંબંધ છે. રીતેશ એની આજુબાજુના કેટલાક લોકોને તો ડ્રગ્સ પૂરી પાડે જ છે. ફિલ્મી દુનિયામાં પણ એના કેટલાક કાયમી ગ્રાહકો છે…

         “બસ કર! હવે નથી સાંભળવું. મારે તો નરકમાં જ જવાનું હતું. ભલું થજો થાવાણીસાહેબનું કે એ પરદેશ ગયા…મનીષા બંને હાથે માથું પકડી લેતાં બોલી.

         “હજુ તારે રીતેશ સાથે જ લગ્ન કરવાં હોય તો મને વાંધો નથી…” સોનલે મજાક કરી.

         “હા, તને તો શા માટે વાંધો હોય? નરકમાં તો મારે જ જવાનું છે ને!” મનીષા મોં વાંકું કરતાં બોલી.

         હવે જો સાંભળ, રીતેશ સાથે લગ્નની ના પાડવા માટે તને થયેલા એના અનુભવને બદલે મારી માહિતીનો જ ઉપયોગ કરવો પડશે.સોનલે મુદ્દાની વાત કરી.

        “પપ્પાને તારે જ સમજાવવા પડશે…મનીષાએ સોનલની મદદ માગી.

        “હું જ એમને કહીશ. હું તો એમને કહીશ કે આ રહી વિગતો. તમે તપાસ કરી જુઓ અને પછી તમે જ નિર્ણય કરો.સોનલે ધાર્યું કે રીતેશને ના પાડવા માટેનું કારણ જ એટલું જડબેસલાક છે કે આખરી નિર્ણય મનહરભાઈના માથે નાખવામાં વાંધો નથી.

         સોનલે એ જ રાત્રે મનહરભાઈને બધી વાત કરી. મનહરભાઈએ સોનલને પૂછયું કે આ બધી વિગત એણે કેવી રીતે મેળવી? સોનલે પોતે અજમાવેલા ઉપાયની પણ વાત કરી. મનહરભાઈ થોડી વાર વિચારમાં ખોવાયેલા રહ્યા. પછી બોલ્યા, “પણ ચંપકભાઈને મારે ના કેવી રીતે પાડવી?”

        સોનલે એનો ઉપાય બતાવતાં કહ્યું, “જુઓ અંકલ, આપણે એમનાથી કશું જ છુપાવ્યું નથી. એમણે જ આપણાથી છુપાવ્યું છે. એટલે એ લોકો જ રોંગ-બૉક્સમાં છે. આપણો ઑફેન્સિવ થવાનું!”

        “કેવી રીતે?”

         “તમારે જ કહેવાનું કે અલકાનું મૃત્યુ, પોલીસ કેસ, અદાલતી કેસ વગેરે બધું જ અમે જાણી લીધું છે. તમે કેમ અમને ન જણાવ્યું. લગ્ન જેવા નાજુક સંબંધમાં તમે અમારી સાથે વિશ્વાસઘાત કર્યો છે અને એથી અમે નિર્ણય બદલ્યો છે. મનીષા પણ હવે ના પાડે છે!”

         “પણ એ કંઈ દલીલ કરે તો?”

         “એમની દલીલ સાંભળવાની… પણ પછી આપણી વાતને પકડી રાખવાની.સોનલે કહ્યું.

         સોનલને થયું કે હવે એની પાસે બહુ સમય નથી અને એથી વહેલી તકે મનીષાને નયનની વાત કરી જ દેવી જોઈએ. છતાં આ ક્ષણે વાત કરવામાં થોડું જોખમ હતું. એમાં પણ મનીષાએ જયારે એને એમ કહ્યું કે, “હવે મારે લગ્ન વિષે વિચારવું જ નથી. હું મારાં મા-બાપ પાસે જ રહીને એમની કાળજી રાખીશ… મને લગ્ન શબ્દથી જ હવે નફરત થાય છે.ત્યારે તો મનીષાને હમણાં વાત કરવાનો અર્થ નથી એમ સોનલે મનોમન નક્કી કરી લીધું.

        બીજે દિવસે મનહરભાઈએ ચંપકભાઈને ફોન કર્યો અને સોનલે કહ્યું હતું એવી જ રીતે મનહરભાઈએ વાત કરી ત્યારે ચંપકભાઈએ એમ કહીને બચાવ કર્યો હતો કે અદાલતમાં કેસ ચાલી ગયો છે અને અદાલતે સુશીલા તથા નિરંજનાને નિર્દોષ જાહેર કર્યા છે.પરંતુ મનહરભાઈએ વિશ્વાસઘાત થયો હોવાનું કહીને વાત પતાવી દીધી.

     એ દિવસે સાંજે સોનલે નયનને ફોન કર્યો. સદ્દભાગ્યે નયન ફોન પર મળી ગયો. સોનલે નયનને રીતેશ સાથે લગ્ન નહિ કરવાનો મનીષાનો અને મનહરભાઈનો નિર્ણય જણાવ્યો અને પછી ઉમેર્યું. જો નયન, હું મનીષા સમક્ષ રજૂઆત કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. પણ મારી મુશ્કેલી એ છે કે મારી પાસે હવે બહુ સમય નથી અને અત્યારે મનીષાનો મૂડ જોતાં વાત કરવામાં જોખમ છે. જે ઘડીએ મને લાગશે કે હવે વાત થઈ શકે એમ છે એ ઘડીએ હું વાત કરીશ અને તને જાણ કરીશ.

    એ પછી સોનલે બે-ત્રણ વખત મનીષા સાથે વાત છેડવાનો પ્રયત્ન કર્યો. છેલ્લે તો મનીષાએ સ્પષ્ટ કહી દીધું કે, “હવે મારા માટે લગ્ન કરવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. ભૂલેચૂકે હું લગ્ન કરીને ક્યાંક જઈશ તો મારાં મા-બાપ એકલાં પડી જશે. મારી જગ્યાએ એમને છોકરો હોત તો?”

      આમ ને આમ ૨૯ તારીખ આવી ગઈ. સોનલના મનમાં એક જ વાતનો ખટકો હતો કે એ મનીષા અને નયનનો પ્રશ્ન અધ્ધર લટકતો રાખીને ક્યાંય જઈ શકે નહિ. આથી જ એણે ખૂબ વિચાર્યા પછી એ જ દિવસે સાંજે નયનને ફોન કરીને રાતની ટ્રેનમાં નીકળીને મુંબઈ આવી જવા કહ્યું. એણે નયનને સ્પષ્ટ કહ્યું કે હજુ સુધી મનીષા સાથે કોઈ પણ વાત થઈ નથી, કદાચ કાલે વાત થાય. સોનલે નયનને એ પણ કહ્યું હતું કે, તું ક્યાંક બીજે રોકાજે અને બપોરે ત્રણ વાગ્યે વૃંદાવન ગાર્ડન રેસ્ટોરાંમાં આવી જજે. હું અને મનીષા પણ ત્યાં આવી જઈશું.

      બીજે દિવસે એટલે કે ત્રીસમી તારીખે સોનલ અને મનીષા વૃંદાવન ગાર્ડન પર પહોંચ્યાં ત્યારે નયન ત્યાં આવી ગયો હતો. મનીષાએ એને જોતાં જ પૂછયું, “અરે તમે અહીં ક્યાંથી?”

      નયન જવાબ આપે એ પહેલાં જ સોનલ બોલી, “મેં જ એને બોલાવ્યો છે.ખુરશી પર બેસતાં બેસતાં એ બોલી, “આજે મારે તમને બંનેને છેલ્લે છેલ્લે બે વાતો કહેવાની છે!

        “છેલ્લે છેલ્લે એટલે? તું શું કહેવા માગે છે?” મનીષાને કંઈ ન સમજાયું હોય એમ પૂછયું.

        “શાંતિ રાખ! બહુ ઉતાવળી ન થા! તમે બંને મારાં સૌથી નિકટનાં મિત્રો છો. તમારે મારી બંને વાતો સ્વસ્થ અને શાંત ચિત્તે સાંભળવાની છે. મારો નિર્ણય મારે કરવાનો છે અને તમારો નિર્ણય તમારે કરવાનો છે. મેં મારો નિર્ણય કરી લીધો અને હું તમને જણાવું છું. તમે તમારે નિર્ણય કાલે સાંજે ચાર વાગ્યા સુધીમાં મને જણાવવો હોય તો જણાવજો. નહિતર તમારી મરજી!સોનલના બોલવાની ઢબ અત્યારે એકદમ બદલાઈ ગઈ હોય એમ લાગતું હતું.

      સોનલે ત્રણ કૉફી મંગાવી. કૉફી આવે ત્યાં સુધી એણે વાતની શરૂઆત કરી, “મોનુ. આપણે બાળપણનાં મિત્રો છીએ. છતાં આપણી વચ્ચે એવું ઘણું છે જે આપણે જાણતા ન હોઈએ…. આજે થોડું જણાવું છું. મને ખબર છે કે, નયનને તો એમાંની કશી જ વાત ખબર નથી… તમે જાણો છો કે મારા મનમાં કોધ, લોભ કે અહંકાર બહુ બચ્યાં નથી. હા, થોડો મોહ બચ્યો છે. કામ એટલે કે સેક્સને લાગેવળગે છે ત્યાં સુધી મને એની નિરર્થકતા પણ સમજાઈ ગઈ છે. હું એ બંધનમાંથી પણ મુક્ત થઈ ગઈ હોઉં એવું મને લાગે છે.. હું છેલ્લાં દસ વર્ષથી અંધેરીના નિત્ય નિકેતન ધ્યાન કેન્દ્રમાં ધીમે ધીમે સાધનામાં આગળ વધી રહી છું. દર રવિવારે હું આખો દિવસ ત્યાં જ ગાળતી હતી. પ્રવચનો અને ધાર્મિક સત્સંગમાં જ મારો આખો દિવસ પસાર થતો હતો. હું એ દિશામાં કઈ રીતે વળી એની થોડી લાંબી વાત છે. છતાં મને લાગ્યું કે હું જે જીવન જીવું છું એ પૂરતું નથી. એટલે હવે હું મહાજીવનની શોધમાં જાઉં છું!

     “તારી વાત કંઈ બરાબર સમજાતી નથી. જાઉં છું એટલે ક્યાં?” મનીષાએ પૂછયું. હું આવતીકાલે સાંજે રાજધાનીમાં દિલ્હી જાઉં છું. ત્યાંથી બૌધ્ધ સાધુ ભદંત આનંદ મૃદગાયન સાથે પરમ દિવસે પટણા જઈશ અને પાંચમી તારીખે બૌધ્ધ ધર્મની દીક્ષા ગ્રહણ કરીશ. એ પછીનું મારું નામ કદાચ રોહિણી હશે!સોનલ શૂન્યમાં તાકતાં તાકતાં બોલી.

       પણ કેમ તે આવો અચાનક નિર્ણય કર્યો? તારાં મમ્મી-પપ્પા…?” મનીષાએ આઘાતની લાગણી સાથે પૂછયું.

        અચાનક નથી. આમ તો હું સંસારમાં રહીને પણ મારે જે કરવું છે એ કરી શકી હોત. પણ એમાં ઘણા અવરોધ હતા. હું ચીન ગઈ ત્યારે એક ઝેન ગુરુ લી ચાંગ સાથે મારે મુલાકાત થઈ હતી. સાચું-ખોટું તો એ જાણે. પણ એમણે મને કહ્યું કે અગાઉના જન્મમાં હું બૌધ્ધ ભિક્ષુણી જ હતી. દસેક વર્ષની તપશ્ચર્યા પછી હું બુધ્ધત્વ પામવાની અણી પર હતી ત્યારે એક દિવસ મારા પૂર્વજન્મના પતિ આવીને મને ફોસલાવીને લઈ ગયા હતા. લી ચાંગના કહેવા પ્રમાણે મારી એ બાકીની યાત્રા પૂરી કરવા માટે જ મારો ફરી જન્મ થયો છે.

      “તું આ વાત માને છે?” મનીષાએ પૂછયું.

      માનું છું એમ પણ નથી કહેતી અને નથી માનતી એમ પણ નથી કહેતી. છતાં મને એમની વાતમાં થોડું તથ્ય તો લાગે જ છે. નહિતર હું આ માર્ગે વળી જ ન હોત.સોનલે અર્થસભર જવાબ આપ્યો.

       “તો પછી તેં અત્યાર સુધી મને પણ આ વાત કેમ કરી નહિ?” મનીષાએ ફરિયાદના સૂરમાં કહ્યું.

       “આ બાબતમાં હું સુફી સંતોની વાતને અનુસરી છું. સૂફી સંતો કહે છે કે, પ્રાર્થના, ભક્તિ કે મહાજીવનની શોધ એ વ્યક્તિની સંપૂર્ણ અંગત બાબત છે અને એથી એ કોઈને પણ જણાવવી જોઈએ નહિ.”

       “પણ તું તો જૈન છે! કેમ બૌધ્ધ ધર્મની દીક્ષા લે છે?” મનીષાએ સ્વાભાવિક સવાલ કર્યો.

       અંહ…  હું જૈન નથી. મારાં મા-બાપ જૈન છે. હું જૈન ધર્મની દીક્ષા લઈને સાધ્વી થઈ જાઉં તો મારાં મા-બાપ રાજી હતાં. એ મને એક મહારાજ સાહેબ પાસે પણ લઈ ગયાં હતાં. મેં મહારાજ સાહેબને એવા આડા-અવળા સવાલો કર્યા કે એ ઉશ્કેરાઈ ગયા અને મને દીક્ષા આપવાની ના પાડી. મેં એમને કહ્યું કે તમારો ધર્મ ખાબોચિયામાં સડી રહ્યો છે. હું જો સાધ્વી થઈશ તો એને આધુનિક બનાવીશ… અને સાચું કહું, મને બૌધ્ધ ધર્મમાં જ સૌથી વધુ રસ પડયો હતો. એનાં કારણોની ચર્ચા અત્યારે કરવા જેવી નથી. તમે બંને મારાં સ્વજનો છો. હવે હું તમારી રજા માગું છું… મારાં મા-બાપ પાસેથી તો મેં વિદાય લઈ જ લીધી છે. કાલે એમને ટ્રેન પર આવવાની પણ મેં ના પાડી છે…

       “પણ અમે તો આવીશું જ…નયન બોલી પડયો. મનીષાએ સંમતિ આપી.

       મનીષાની આંખમાં સોનલની વાત સાંભળીને આંસુ ધસી આવ્યાં. સોનલે એને કહ્યું, “આ રડવાનો પ્રસંગ નથી. આંખો લૂછી નાખ. હવે મારે તને બીજી વાત કહેવી છે.એમ કહીને એણે નયને આપેલું કવર હેન્ડબેગમાંથી કાઢીને મનીષાના હાથમાં મૂક્યું. નયનની ધડકન એકદમ વધી ગઈ. નયને એ જ વાત લખી હતી, જે એણે છેલ્લે સોનલને કહી હતી. એણે પોતાની અપરાધ-ગ્રંથિની કબૂલાત કરીને મનીષાની માફી માગી હતી અને પોતાનો તીવ્ર પ્રેમ પ્રગટ કર્યો હતો. એણે લખ્યું હતું કે મારી મમ્મી પણ માની ગઈ છે અને હવે મનીષા ક્યારે આવે એની રાહ જુએ છે.

      મનીષા બે વાર કાગળ વાંચી ગઈ. પરંતુ એણે કોઈ ભાવ પ્રગટ થવા દીધા નહિ. એનો ચહેરો શુષ્ક જ રહ્યો. એના મનમાં કોઈ ગડમથલ થતી હોય એવું પણ દેખાયું નહિ. એણે ત્રીજી વાર કાગળ વાંચ્યો.

 પ્રિય મનીષા,

         મને ખબર નથી આવું સંબોધન કરાય કે નહિ. પરંતુ પ્રિય હોય એને પ્રિય કહેવામાં વાંધો નહિ એવું હું સોનલ પાસેથી શીખ્યો છું. ઉદય સાથે તારાં લગ્ન થયાં એ ઘડીથી જ તું મને પ્રિય છે. મેં તને કવિતામાં કહ્યું છે એમ સહરાના રણની તરસથી ચાહી છે. તારા જીવનને મારી નજર લાગી હોય તો હું ક્ષમા માગું છું. પરંતુ સોનલે જ મને બે-ત્રણ વાર કહ્યું હતું કે પ્રેમ કરવો એ અપરાધ નથી. અને હોય તો મને એની સજા પણ મંજૂર છે.

       મમ્મી પહેલાં તો માની નહોતી. પણ મેં જ્યારે તારું નામ દીધું ત્યારે માની ગઈ. હવે તો એ પણ તારી રાહ જુએ છે. એને તું ગમે જ છે, એ તું જાણે છે.

      હવે એક વ્યવહારિક વાત. અર્ચના લગભગ છ મહિના પહેલાં એક ખ્રિસ્તી યુવાન સાથે પરણી ગઈ છે. જનાર્દનભાઈ મળ્યા હતા ત્યારે એ કહેતા હતા કે મનીષાને કહેજો કે એણે અર્ચનાને કંઈ આપવાનું નથી. એ અર્ચનાથી નારાજ હોય એવું લાગે છે.

      મેં મારા મનની વાત તને કહી દીધી છે. હવે નિર્ણય તારે કરવાનો છે. તું તારાં મમ્મી-પપ્પાની ચિંતા કરે છે એ સાચું છે. પરંતુ એક સમયે તારે પણ સહારો જોઈશે. મારી જવાબદારી જો તારી જવાબદારી બનતી હોય તો તારી જવાબદારી પણ મારી જવાબદારી બનવાની જ એ કહેવાની ભાગ્યે જ જરૂર રહે.

                       મારા મનના અરમાનોને

                       હું કાગળની જેમ વાળીને

                       એના પર મારું નામ લખું છું

                       અને એ કાગળની હોડી બનાવી

                       તારી આંખના સરોવરમાં

                       તરતી મૂકું છું. તાર કે ડુબાડ!

                                                 – નયન

          મનીષાએ કાગળની ગડી વાળી કવરમાં મૂકી દીધો. હજુ પણ એણે કોઈ પ્રતિભાવ આપ્યો નહિ. થોડી વારે ત્રણેય મૌન બેસી રહ્યાં. કૉફી આવી ગઈ અને પીવાઈ ગઈ.

        લગભગ કલાકેક પછી ત્રણેય છૂટાં પડયાં. કોઈએ કોઈને પૂછયું નહિ કે ‘ક્યાં જાય છે!

       બીજે દિવસે સાંજે ચાર વાગ્યે ત્રણેય મુંબઈ સેન્ટ્રલ પર ભેગાં થયાં. એક બાંકડા પર ત્રણેય બેઠાં. કોઈ કશું જ બોલતું નહોતું. ત્રણેય જાણે મૌનમાં જ વાત કરતાં હતાં. નયનના ગઈ કાલના પત્રનો પણ મનીષાએ કોઈ પ્રતિભાવ આપ્યો નહોતો. ટ્રેન પ્લેટફૉર્મ પર મુકાઈ અને સોનલ ટ્રેનમાં જઈને પોતાની જગ્યા જોઈને પાછી બહાર આવી. આટલી વારનું મૌન અસહજ હોવા છતાં ત્રણમાંથી એકેયને એ અસહજ હોય એવું લાગતું નહોતું. ટ્રેનની વહીસલ થઈ એટલે સોનલ મનીષાને ભેટી પડી. નયન સાથે ખૂબ જ ઉષ્માથી હાથ મિલાવ્યા અને ટ્રેનમાં ચડી ગઈ.

ધીમે ધીમે ટ્રેન ચાલવા લાગી. પ્લૅટફૉર્મ પર ઊભેલાં નયન અને મનીષા હાથ હલાવીને ‘આવજો’ કહેતાં હતાં અને સોનલ હાથ હલાવીને સામે આવજો કહેતી હતી. ટ્રેન પ્લેટફૉર્મની બહાર નીકળી ત્યાં સુધીમાં તો સોનલની આંખ પણ ભરાઈ આવી. અત્યાર સુધી સ્વસ્થતા ટકાવી રાખવામાં સફળ થયેલી સોનલની સ્વસ્થતાની ઈમારત તૂટવા લાગી હતી. આંખ પર આવી ગયેલાં આંસુના પારદર્શક પડદામાંથી એ છેક સુધી જોતી રહી. એને એવું લાગ્યું કે જાણે નયન અને મનીષાની બે અલગ અલગ આકૃતિઓ એકાકાર થઈ ગઈ હતી. એ દૃશ્ય પણ દેખાતું બંધ થયું ત્યારે એ ટ્રેનની અંદર આવી અને એન્ટ્રન્સનો સળિયો પકડીને એના પર માથું ઢાળી દઈ ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડી.

                                             (પૂર્વાર્ધ સમાપ્ત)

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: