સાધ્વીથી આત્મકથા લખાય કે નહિ એ વિષે મેં વિચાર્યું નથી. ઘણા સમય પહેલાં યોગાનંદજી કૃત ‘એન ઓટોબાયોગ્રાફી ઓફ એ યોગી’ વાંચી હતી. એટલે મને થયું કે એ યોગી જો આત્મકથા લખી શક્તા હોય તો હું પણ લખી જ શકું છું. મને એમ પણ લાગે છે કે ધર્મને શરણે આવ્યા પછી મારી નજર થોડી વધુ શુદ્ધ થઈ છે અને એથી આત્મકથા લખવાનો પણ આ જ અવસર છે. સંસારમાં રહીને આત્મકથા લખવામાં જોખમ એ છે કે સાંસારિક બાબતોની, સંબંધોની અને જુદી જુદી આંતરક્રિયાઓની આમન્યા રાખવી પડે છે. સંસાર છોડી દીધા પછી એવી ચિંતા કરવી પડતી નથી. કદાચ એથી જ હું મારી વાત થોડી વધુ નિખાલસતાપૂર્વક કરી શકીશ એવું મને લાગે છે.
હજુ મને માંડ ત્રીસ વર્ષ થયાં છે. પરંતુ મને લાગે છે કે હું ત્રીસ વર્ષમાં સાઠ વર્ષનું જીવન જીવી ચૂકી છું. એનું કારણ એ છે કે સરવાળે આપણે કેટલું લાંબુ જીવીએ છીએ એ વાત બહુ મહત્ત્વની બનતી નથી. આપણે જીવનને કેટલી ત્વરા અને તીવ્રતાથી-ઈન્ટેન્સીટીથી જીવીએ છીએ એ વાત જ મહત્ત્વની બની જતી હોય છે. હું જેટલું પણ જીવી છું એટલું ત્વરા અને તીવ્રતાથી જીવી છું. જીવનની દરેક ક્ષણનો મેં સ્વીકાર કર્યો છે. ખુલ્લા દિલથી સ્વીકાર કર્યો છે. વળી એ દરેક ક્ષણ હું જાગ્રત રહીને જીવી છું. સામાન્ય રીતે આપણે આપણું લગભગ આખું જીવન સુષુપ્તાવસ્થામાં જ પ્રસાર કરતાં હોઈએ છીએ.

બૌધ્ધ ધર્મ તરફના મારા આકર્ષણનું આ એક મહત્ત્વનું કારણ હોઈ શકે છે. ભગવાન બુદ્ધ હંમેશાં કહેતા હતા કે જાગ્રત રહીને ક્ષણ ક્ષણ જીવો. આ વાત મને માફક આવતી હતી. એમ તો જૈન ધર્મના તીર્થંકર મહાવીર સ્વામી પણ આવું જ કહેતા હતા. એમણે તો ‘અસુતા મુનિ‘ કહીને જાગ્રત વ્યક્તિને જ મુનિ કહી છે. હું એક જૈન કુટુંબમાં જન્મી હોવાથી જૈન ધર્મને થોડો નજીકથી નિહાળવા મળ્યો છે. મારી છાપ એવી છે કે આજના જૈન ધર્મીઓએ જ મહાવીર સ્વામીના આગ્રહોની સૌથી વધુ દુર્દશા કરી છે.
મારી આ વાત કદાચ સ્વીકાર્ય ન લાગે એ સ્વાભાવિક છે. પરંતુ એ માટે પૂર્વગ્રહરહિત નિરીક્ષણ કરવું પડે. જો કે મારે એ કબૂલવું જોઈએ કે મને ધર્મ તરફ વાળવામાં આડકતરી રીતે જૈન ધર્મ જ નિમિત્ત બન્યો છે. મારાં માતા-પિતા કુમારપાળ શાહ અને લીલાવતી શાહને તમે જુઓ તો એ ચુસ્ત લાગે. નિયમિત દેરાસર દર્શને જવાનું. પૂજા કરવાની, ધાર્મિક કાર્યક્રમોમાં હાજરી આપવાની, પ્રતિક્રમણ કરવાનું, સામાયિક કરવાનું, બીજાં વ્રત-ઉપવાસ કરવાનાં, નિયમિત જૈન તીર્થોનાં દર્શને જવાનું, મહારાજ સાહેબોના પ્રવચનો પણ સાંભળવાનાં, સાધુ સાધ્વીઓની વૈયાવચ્ચ કરવાની, ધાર્મિક પ્રવૃત્તિઓમાં આર્થિક યોગદાન કરવાનું વગેરેમાં એ બંને કોઈ કચાશ રાખતાં નહિ. આ બધું જોયા પછી મારા મન પર એની સારી અસર પડવી જ જોઈએ અને મારે બૌધ્ધ ભિક્ષુણીને બદલે જૈન સાધ્વી જ હોવું જોઈએ એમ તમને લાગશે પરંતુ મેં એક તરફ આ બધું જોયું હતું તો બીજી તરફ આનાથી વિરુધ્ધ પણ કેટલુંક જાયું હતું.
મારા પપ્પા કુમારપાળ શાહે ઈન્કમટૅક્સ-સેલ્સ ટૅક્સના વકીલ અને સલાહકાર છે. મને ખૂબ જલદી સમજાઈ ગયું હતું કે, અમારી આર્થિક સમૃધ્ધિ મારા પપ્પાના અપ્રામાણિક વ્યવસાયને કારણે જ હતી. ઈન્કમ-ટૅક્સ અને સેલ્સ ટૅક્સના વકીલ તરીકે એ ભ્રષ્ટાચારી રીતરસમો અપનાવતા હતા. ખોટા ચોપડા ચીતરાવતા હતા અને એટલું જ જૂઠાણું પણ ચલાવતા હતા. એ વખતથી જ મેં નક્કી કર્યું હતું કે હું ખૂબ જલદી પગભર થઈશ. જયાં સુધી એમના આશરે જીવવાનું થશે ત્યાં સુધી હું ઓછામાં ઓછી જરૂરિયાત સાથે જીવીશ. આથી જ કૉલેજમાં આવ્યા પછી મેં જીન્સ અને ટી-શર્ટનો કાયમી ડ્રેસ અપનાવી લીધો. આ ડ્રેસ સાથે ઘરેણાં મેચ ન થાય. એથી હું ઘરેણાં પહેરતી નહોતી અને હું સુંદર દેખાઉં છું એવું મેં જુદા જુદા લોકો પાસેથી સાંભળ્યું હોવાથી મને વિચાર આવ્યો હતો કે હું સુંદર દેખાઉં છું તો પછી મારે મેક-અપની શી જરૂર છે? હવે મને એ સમજાઈ ગયું છે કે જેની પાસે નૈસર્ગિક સૌંદર્ય હોય એમણે ઘરેણાં અને મેક-અપનો આશરો લઈને પોતાના સૌંદર્યને કૃત્રિમ આવરણ ચડાવવું જોઈએ નહિ.
મારા પપ્પા સાથેનો એક ‘ધાર્મિક’ પ્રસંગ તમને કહું છું. હું ત્યારે લગભગ અગિયાર વર્ષની હોઈશ. એ દિવસે સંવત્સરી હતી. હું મારાં મમ્મી-પપ્પા સાથે દેરાસર ગઈ હતી. પ્રતિક્રમણ કર્યું હતું અને મહારાજસાહેબનું ‘ક્ષમાયાચના‘ વિષે પ્રવચન પણ સાંભળ્યું હતું મને એ વખતે બહુ સમજાયું નહોતું. પરંતુ એટલો અર્થબોધ થયો હતો કે આપણી ભૂલ કબૂલ કરવામાં કે માફી માગવામાં સંકોચ ન રાખવો જોઈએ. બહાર નીકળ્યા પછી મને યાદ આવ્યું કે આગલા જ દિવસે હું અને મારાથી ચાર વર્ષ નાનો મારો ભાઈ કોઈ વાતે ઝઘડયાં હતાં અને મેં એને માર્યો હતો. બહાર નીકળીને હું મારા નાના ભાઈને પગે લાગી હતી અને એની માફી માગી હતી. મારા મમ્મી-પપ્પા એ જોઈને ખુશ થયાં હતાં અને મારી પીઠ થાબડી હતી. થોડી વાર પછી મારા મનમાં સવાલ થયો કે મેં તો મારા ભાઈની માફી માગી લીધી-એ મારાથી નાનો હોવા છતાં-પણ મમ્મીએ મને કાલે માર્યું હતું તો મમ્મીએ પણ મારી માફી માગવી જોઈએ ને? સાચું કહું, મમ્મીએ એ પછી પણ ક્યારેય મને ઔપચારિક રીતે પણ ‘મિચ્છામિ દુક્કડમ્‘ કહ્યું નથી અને મેં આજ સુધી મારા મનથી મારી મમ્મીને માફ કરી નથી.
ત્યાંથી પાછાં ફરતાં અમે મારા પપ્પાના ઓળખીતા એક વેપારી રમણીકભાઈને ત્યાં ગયા. મારા પપ્પાએ બે હાથ જોડી એમને ‘મિચ્છામિ દુક્કડમ્‘ કહ્યાં અને ગઈ ગુજરી ભૂલી જવા કહ્યું. મને એ ક્ષણે તો મારા પપ્પા માટે અહોભાવ જન્મ્યો. પરંતુ એમને ત્યાંથી નીકળ્યા પછી રસ્તામાં મારી મમ્મીએ એમને પૂછયું. “આ માણસ હવે તમારો ક્લાયન્ટ નથી રહ્યો, તો પણ તમે એને “મિચ્છામિ દુક્કડમ્‘ કહેવા ગયા?” મારા પપ્પાએ જવાબ આપ્યો, “એટલે જ તો એને મળવા ગયો હતો! એનું કામ મોટું છે. એટલે એની સાથે સંબંધ સુધારી લેવો જરૂરી હતો!”
મને તરત જ થયું કે મારા પપ્પાએ મહારાજસાહેબની ધાર્મિક શિખામણાનો પણ પોતાના લાભ માટે જ ઉપયોગ કર્યો છે. ત્યાંથી અમે ઘેર ગયાં. મારા મનમાં ગડમથલ ચાલતી જ હતી. ત્યાં મારાં ફોઈનો કલકત્તાથી ફોન આવ્યો. મારી ફોઈએ કોઈક બંગાળી સાથે લગ્ન કર્યા હતાં. મારા પપ્પાએ એ જ દિવસે મારાં ફોઈ સાથે સંબંધ કાપી નાખ્યો હતો. એમનાં લગ્ન પછીની આ પહેલી જ સંવત્સરી હતી. લગ્ન પછી એમને કલકત્તા જતા રહેવું પડયું હતું. એમના મનમાં કદાચ એમ હશે કે સંવત્સરીને કારણે ભાઈ મને માફ કરી દેશે. પરંતુ મારા પપ્પાએ ફોન પર વાત પણ ન કરી અને મારી પાસે કહેવડાવી દીધું કે, મારે તારી સાથે કોઈ સંબંધ નથી. હવે ફોન ન કરીશ અને તને કંઈક થઈ જાય તો પણ મને ખબર ન આપીશ.
મને પાછળથી ખબર પડી કે મારાં ફોઈ મારા દાદાની મિલકતમાંથી મારા પપ્પા પાસેથી કોઈ ભાગ ન માગે એટલે જ એમણે ફોઈ સાથેના સંબંધ કાપી નાખવા માટે આ નિમિત્તનો ઉપયોગ કર્યો હતો. મારાં ફોઈ પણ સ્વમાની હતાં. ત્રણ વર્ષ પછી પહેલી ડિલિવરી વખતે જ એમને કોઈક ગંભીર તકલીફ થઈ. એમને એમ લાગ્યું કે હવે હું નહિ જીવું એટલે એમણે એમના પતિને એટલે કે મારી ફુઆને તાકીદ કરી કે ભાઈને ખબર ન આપશો. છતાં મારા ફુઆએ ફોન કર્યો તો મારા પપ્પાએ કહી દીધું કે મારા અને એના સંબંધો તો પૂરા થઈ ગયા છે. તું એનું બેસણું રાખીશ અને પૂજા કરાવીશ, પરંતુ હું આવી શકું એમ નથી.
આવા નાના મોટા પ્રસંગો બનતા ગયા અને અને મારા મનમાં મારા પપ્પાનું સ્થાન નીચું ને નીચું ઊતરતું ગયું. એમના પ્રત્યેની મારી ઘૃણા એમની ધાર્મિકતા પ્રત્યેની પણ ઘૃણા બનતી ગઈ.
મારી મમ્મી એટલી જ ધાર્મિક અને કર્મકાંડી હોવા છતાં એનો ધર્મ પણ સાવ ખોખલો જ હતો. એક સ્ત્રી થઈને પણ એ સ્વાર્થી અને દયાહીન હતી. અમારી કામવાળી સાથેના એના નિર્દયી વર્તાવ પછી અને પપ્પા ઘરમાં જે કંઈ પૈસા આપે એના હિસાબોમાં ગરબડ-ગોટાળા કરીને કમીશન કાઢી લેવાની એની પ્રવૃત્તિને કારણે મેં એને પણ મારા પપ્પાની કેટેગરીમાં જ મૂકી દીધી.
મેં ક્યાંક વાંચ્યું હતું કે, આધ્યાત્મિક-ગુરુ ગુર્જીએફે એમના આશ્રમની ભીંત પર લખ્યું હોત કે મા-બાપ તો પોતાના બાળકને પ્રેમ કરે છે. પરંતુ જે માણસ પોતાનાં મા-બાપને પ્રેમ ન કરે એને હું માણસ ગણતો નથી. ગુર્જીએફ્ને જો ભૂલેચૂકે મારાં મા-બાપનો નજીકથી પરિચય થયો હોત તો કદાચ એણે આવું વિધાન ભીંત પરથી ભૂંસી કઢાવ્યું હોત એની મને ખાતરી છે.
પહેલાં તો મેં એમ ધાર્યું કે ધર્મના નામે ચરી ખાવામાં મારાં મા-બાપ કદાચ અપવાદ હશે, કારણકે, સાચો ધાર્મિક માણસ જૂઠો, લબાડ, દ્વેષી, મોહાંધ, લોભી કે ચરિત્રહીન હોઈ જ શકે નહિ એટલી વાત તો એ વખતે પણ મને સમજાતી હતી. પછી તો મેં આવા કહેવાતા ધાર્મિકોનું નિરીક્ષણ કરવા માંડયું. મને એવું લાગ્યું કે બધા જ કહેવાતા ધાર્મિકો એમના સ્વાર્થ અને એમના અહંકારને પોષવા માટે જ ધર્મનો ઉપયોગ કરે છે. ધાર્મિક અભિગમ સમજવા માટે જ હું અવારનવાર દેરાસર અને ઉપાશ્રયમાં પણ જતી. અને સાધુ-સાધ્વીઓ સાથે વાતો કરતી. કેટલાક સાધુ મહારાજો તો મને અતિશય અહંકારી લાગ્યા અને કેટલીક સાધ્વીજી મહારાજો મને અત્યંત દમિત અને પીડિત પણ દેખાયા.
મને લાગે છે કે એમાં એમનો વાંક પણ નથી. મેં જોયું કે ઘણાં સાધુ-સાધ્વીઓએ કુમળી વયે અથવા કાચી ઉંમરમાં દીક્ષા લીધી હતી. આથી સ્વાભાવિક રીતે જ એમને સાંસારિક જીવનનો કોઈ અનુભવ નહોતો. મેં એવા ત્યાગીઓ જોયા કે જેમણે જે વસ્તુનો ત્યાગ કર્યો હતો એ વસ્તુઓનો કોઈ અનુભવ જ કર્યો નહોતો. જે વસ્તુ હજુ મેળવી જ નથી એનો ત્યાગ કરવાની વાત બેહૂદી છે. એક તો મનના ખૂણે એ મેળવી લેવાની સતત ઝંખના રહે છે અને બીજી બાજુ એનો ત્યાગ કરાઈ ચૂકયો છે એ વાત દમનકારી બને છે.
મેં ઘણી વાર સાધુ-મહારાજો અને સાધ્વીજી મહારાજો સમક્ષ મારા મનમાં ઉઠતી શંકાઓ પ્રગટ કરી છે. પરંતુ એમણે ક્યારેય મને સંતોષ થાય એવો જવાબ આપ્યો નથી. હું કાયમ એમને કહેતી હતી કે સાચો જૈન ધર્મ તો મહાવીર સ્વામી વિદાય થયા એની સાથે જ વિદાય થઈ ગયો છે. મહાવીર સ્વામીના મનમાં જે ધર્મ હતો અને આજે જે ધર્મ છે એ બે વચ્ચે કોઈ સંબંધ જળવાયો નથી. તમે જૈન ધર્મને અવૈજ્ઞાનિક, અવ્યવહારુ અને અતાર્કિક કર્મકાંડોમાં કેદ કરી દીધો છે. તમે સમજયા વિના જ એનું આંધળું અનુકરણ કરો છો. તમે જૈન ધર્મને બંધિયાર ખાબોચિયું બનાવી દીધો છે. એટલે એમાંથી તાજગીની હવા આવવાને બદલે દુર્ગધ આવે છે. બદલાતા સમય સાથે તમારે પણ વ્યાવહારિક બનવાની જરૂર છે.
આવું થોડો વખત ચાલ્યું એ પછી સાધુ-મહારાજો અને સાધ્વીજી મહારાજો એ મને ટાળવા માંડી, મારી સાથે તેઓ બને ત્યાં સુધી વાત પણ કરતાં નહિ. આથી સ્વાભાવિક રીતે જ મારા મનમાં પણ એમના માટે અભાવ થવા લાગ્યો. અને મેં દેરાસર જવાનું લગભગ બંધ જ કરી દીધું. તો પણ મેં દીક્ષા લેવાનો વિચાર કર્યો. ત્યારે મારાં મમ્મી-પપ્પાએ મને કહ્યું કે, જો તું જૈન ધર્મની દીક્ષા લે તો આપણે ભવ્ય ઉત્સવ ઊજવીશું. અને શાનદાર વરઘોડો કાઢીશું. મને અફસોસ એ જ વાતનો હતો કે મારાં મા-બાપ હજુયે મને સમજયાં નહોતાં અને ધર્મ વિષેની મારી સમજને પામી શક્યાં નહોતાં. છતાં છેલ્લી વખત એમની ઈચ્છાને માન આપીને હું દીક્ષા લેવાના હેતુથી જ એક મહારાજસાહેબ પાસે ગઈ હતી. પરંતુ મેં એમને થોડાક આડા-અવળા સવાલો પૂછયા એટલે એ ઉશ્કેરાઈ ગયા અને કહેવા લાગ્યા કે ‘તું નરકમાં સબડીશ.‘ એ મહારાજ સાહેબ સાથેની વાત ફરી ક્યારેક.
એક વાત મારે કબૂલવી જોઈએ કે આવું બધું જોયા પછી જ ધર્મ વિષેની મારી જિજ્ઞાસા જાગ્રત થઈ. મારી એ જિજ્ઞાસા ભટકતી-ભટકતી અંધેરીના નિત્ય નિકેતન ધ્યાન કેન્દ્ર સુધી મને લઈ ગઈ. જેને સાચા અર્થમાં ધર્મ કહી શકાય એનો મને પરિચય થયો. ધીમે ધીમે હું વાંચતી થઈ. ગુર્જીએફ, કૃષ્ણમૂર્તિ, રમણ મહર્ષિ અને ઓશોનાં કેટલાંક પુસ્તકો મેં વાંચ્યા. કૃષ્ણમૂર્તિની એક વાત મને સ્પર્શી ગઈ કે તમે જાતે જ તમારી આધ્યાત્મિક પ્રવૃત્તિ અને પ્રગતિનો નકશો દોરી શકો છો. તમારામાં એ શક્તિ પડેલી જ છે. ઓશોનાં ‘ભગવદ્ ગીતા’ અને ‘અષ્ટાવક્ર મહાગીતા’ પરનાં પ્રવચનોથી હું અભિભૂત થઈ ગઈ હતી. એમાં પણ મેં ઓશોનાં ‘ધમ્મ પદ‘ પરનાં પ્રવચનોના બારેબાર ભાગ વાંચ્યા ત્યારે તો મારું મન પોકારી ઊઠયું, ‘બુધ્ધં શરણં ગચ્છામિ… ધમ્મં શરણં ગચ્છામિ… સંઘં શરણં ગચ્છામિ.’
ઓશોને વાંચતાં વાંચતાં જ મેં ક્યાંક વાંચ્યું હતું કે, સૂફી સંતો પ્રાર્થના પણ એકાંતમાં કરતા હોય છે અને પોતાની ભક્તિ-યાત્રા વિષે ક્યારેક તો પોતાની પત્નીને પણ વાત કરતા નથી. એમને મન આ એક સાવ અંગત બાબત હોય છે. મને એ વાત ગમી ગઈ અને મેં પણ નક્કી કર્યું કે હું આ માર્ગે આગળ ચાલી રહી છું એવું કોઈને કહીશ નહિ. એથી જ એક વાર વડોદરામાં નયને મને કહ્યું કે તમે બહુ વાંચતા લાગો છો ત્યારે મેં હસીને મજાકમાં વાત ઉડાવી દીધી હતી.
ધ્યાન તો મને આકસ્મિક હાથે લાગ્યું હતું. હું ધ્યાનને સમજયા વિના જ ધ્યાન કરતી હતી. મારા એક દૂરના કાકાએ મને કહ્યું ત્યારે જ મને ખબર પડી કે આ ધ્યાન છે. એ પછી તો હું ક્યારેક કૈવલ્યધામમાં પણ જતી હતી અને નિત્ય નિકેતનમાં જવાનું શરૂ કર્યા પછી ધ્યાન મારા જીવનનો એક ભાગ બની ગયું હતું. ધ્યાન જ મને અહીં ભગવાન બુદ્ધના ધામ સુધી ખેંચી લાવ્યું છે.
આધ્યાત્મિક માર્ગે આગળ વધતી વખતે પણ મારા મનમાં એક વાત વિષે હું સ્પષ્ટ હતી કે જે બાબતોમાં મને પહેલેથી જ રસ પડયો નથી અથવા રસ ઊડી ગયો છે એની ઉપેક્ષા કરવી, પરંતુ ધાર્મિક લાગણીના નામે ખુદ મારા મનનું શોષણ તો ન જ કરવું. મતલબ કે જે ઈચ્છા થાય એ પૂરી કરવી અને ઈચ્છાઓનું ધ્યાન ન કરવું. શક્ય છે કે ઈચ્છા પૂરી કરવામાં જ અથવા એ ઈચ્છા પૂરી થતાં જ મને એની નિરર્થકતા સમજાઈ જાય અને એમાંથી મારો છુટકારો થઈ જાય. છુટકારો ન થાય ત્યાં સુધી ઈચ્છા તૃપ્ત થવા દેવી. એ અધૂરી તો ન જ રહેવા દેવી.
મારું આવું વલણ હજુ પૂરતી સમજ નહોતી આવી ત્યારે જ વિકસવા માંડયું હતું. એથી જ હું બહુ વહેલી મારાં મમ્મી-પપ્પાની આંખે ચડી ગઈ હતી. એ લોકો મને સ્વચ્છંદી ગણતાં હતાં. પરંતુ મારો પોતાનો આગવો છંદ છે એ વાત એમને કદી સમજાતી નહોતી. મજા તો એ વાતની છે કે એ લોકો જેમ જેમ મને વધુ ને વધુ સ્વચ્છંદી માનતાં જતાં હતાં તેમ તેમ હું વધારે ને વધારે સ્વચ્છંદી થતી જતી હતી. મારા આવા સ્વભાવ માટે મારા પપ્પા મારી મમ્મીને દોષ દેતા હતા અને મારી મમ્મી-મારા પપ્પાને દોષ દેતી હતી. મને સમજાઈ ગયું હતું કે મારા વર્તનની જવાબદારી સ્વીકારવા બેમાંથી એકેય તૈયાર નથી.
શરૂઆતમાં તો મમ્મી કે પપ્પા કંઈ પણ બોલે તો હું ચૂપચાપ સાંભળી લેતી પણ મારા મનનું ધાર્યું જ કરતી. પછી તો હું એમની સાથે દલીલો પણ કરતી. એક વાર આવી દલીલબાજીમાં મારી મમ્મીને મારી દલીલનો જવાબ ન જડયો એટલે એ ઉશકેરાઈને મને મારવા ગઈ. મેં એનો હાથ પકડી લીધો અને કહ્યું, “તું મારી માં છે, મારી માલિક નથી. હું આ ચાલી.” કહીને મેં ચાલવા માંડયું. આમેય ઘર સાથેનો મારો ભાવાત્મક નાતો તો ક્યારનો તૂટી ગયો હતો. બહાર નીકળીને હું કંઈક વિચારીને પાછી આવી અને બારણામાં ઊભી રહીને જ બોલી, “મને શોધવાની કોશિશ કરીશ નહિ. જો કોશિશ કરી છે તો ક્યારેય પાછી નહિ આવું. મને ઈચ્છા થશે ત્યારે મારી મેળે પાછી આવીશ.”
એ દિવસે હું ક્યાંય સુધી ધાબા પર એકલી બેસી રહી. કદાચ ચાર-પાંચ કલાક બેઠી હોઈશ. આ દરમ્યાન મેં ભૂખ અને તરસની પણ પરવા કરી નહોતી. રાત્રે હું ઘરમાં પાછી આવી ત્યારે બાર વાગવા આવ્યા હતા. પપ્પા અને મમ્મી બંને જાગતાં હતાં. હું ક્યાં હતી એવું એમણે પૂછયું, પણ મેં કંઈ જવાબ ન આપ્યો. મમ્મીએ મને જમી લેવાનું કહ્યું તો એનો પણ મેં કોઈ જવાબ ન આપ્યો અને ચૂપચાપ જઈને સૂઈ ગઈ.
એ દિવસના અનુભવ પરથી મને એ વાત સમજાઈ. એક તો એ કે મમ્મી-પપ્પા પર મારી ધમકીની અસર થાય છે અને એમણે મનોમન સ્વીકારી લીધું છે કે આ છોકરી સ્વચ્છંદી છે અને અમારા કહ્યામાં નથી. બીજી વાત જે સમજાઈ એ મારા માટે વધુ મહત્ત્વની હતી. ચાર-પાંચ કલાક ભૂખ અને તરસ સહન કરવાથી મને કંઈક એવો અનુભવ થયો હતો કે ભૂખ અને તરસ કદાચ મારા શરીરને લાગે છે, મને તો લાગતી જ નથી. મતલબ કે હું કોઈક જુદી જ વ્યક્તિ છું. આ શરીર હું નથી!
Credits to Images: