લીલો ઉજાસ – ભાગ ૨- પ્રકરણ -૨ અમારી છોકરી કાબૂમાં નથી –

      કોલેજમાં આવ્યા પછી એક વાર હું અને મનીષા ફિલ્મ જોવા ગયાં હતાં. એ પછી મનીષાને ઘેર વાતો કરતાં બેઠાં હતાં. મેં એને ઘેર જ જમી લીધું હતું. વાતોમાં ને વાતોમાં ક્યારે રાતના અગિયાર વાગી ગયા એ જ ખબર પડી નહિ. હું ઘરે જવા તૈયાર થઈ એટલે મનીષાએ મને કહ્યું, ઘરે ફોન કરી દે અને આજે અહીં જ રોકાઈ જા!” “હું ફોન કરવા ગઈ. રિસિવર હાથમાં લીધું અને પછી તરત જ પાછું મૂકી દીધું. મને વિચાર આવ્યો કે હું આજે કહ્યા વિના ઘેર ન જાઉં. જોઉં છું. એના શું પ્રત્યાઘાત આવે છે. હું મનીષાને ત્યાં જ રોકાઈ ગઈ. સવારે તેની સાથે જ કૉલેજ ગઈ. કલાકેકમાં મારા પપ્પા મારી તપાસ કરવા કૉલેજ આવ્યા. મને ચાલુ ક્લાસમાંથી બહાર બોલાવી. બહાર આવતાં જ એમણે મને કહ્યું, આખી રાત ક્યાં હતી? કેટલી ચિંતા કરાવી? હવે ઘેર ચાલ, ઘરે જઈને વાત કરીએ.

        મેં એમને કહ્યું, “તમે જાવ! કૉલેજથી છૂટીને હું ઘરે આવું છું…

        “પણ મારે ઑફિસે જવાનું છે… તું અત્યારે જ ચાલ પપ્પાએ કહ્યું.

        “તમે તમારે ઑફિસે જાવ. હું છૂટીને ઘરે આવું છું. રાત્રે વાત કરીશું.હું મારી વાતને વળગી રહી.

      પપ્પાને લાગ્યું કે આ છોકરી માનવાની નથી. છતાં એમણે જતાં જતાં કહ્યું, “કૉલેજથી છૂટીને ઘરે જ જજે. હું બનશે તો સાંજે વહેલો આવીશ.

      મને લાગ્યું કે મારા પપ્પાએ મારી એક દિવસની ગેરહાજરીનું એવું અર્થઘટન કર્યું છે કે હું કોઈક વાતે રિસાઈ છું અને કદાચ ખોટું દબાણ કરવા જતાં છોકરી હાથથી ગુમાવવી પડશે.

       કૉલેજથી છૂટીને હું સીધી ઘેર ગઈ. મને જોતાં જ મારી મમ્મી તાડૂકી, “કંઈ લાજ-શરમ છે કે નહિ? આવા સ્વચ્છંદીવેડા મને નહિ પોસાય. સમાજમાં અમારી આબરૂના કાંકરા કરવા છે? કોઈ પૂછે તો અમારે શો જવાબ આપવો? તારી નફ્ફટાઈ દિવસે દિવસે વધતી જાય છે. તારા પપ્પા જ તને બગાડે છે. પારકે ઘેર જઈશ ત્યારે ગાળો તો મારે જ ખાવાની આવશે.  

      મમ્મી બોલતી રહી, પણ મેં કોઈ જવાબ ન આપ્યો એટલે એ ઓર ઉશ્કેરાઈને બોલી, મોંમાં મગ ભર્યા છે? કેમ મારા સવાલનો જવાબ આપતી નથી? ક્યાં હતી કાલે રાત્રે અમને કેટલી ચિંતા કરાવી એ ખબર છે તને?”

        મેં ધીમેથી કહ્યું, “તું એક વાર બોલી લે પછી હું જવાબ આપું છું.”

        “મા-બાપને કેવી ચિંતા થાય છે એ તમને અત્યારે નહિ સમજાય. મા-બાપ થશો ને ત્યારે જ ખબર પડશે! એણે એટલા જ ગુસ્સા સાથે કહ્યું.

        મેં એને કહ્યું, “પહેલાં શાંત થઈ જા. અહીં બેસ અને મારી વાત સાંભળ.”

       એ ધૂંઆપૂંઆ થતી ડાઈનિંગ ટેબલની ખુરશી પર બેઠી. એની સામેની ખુરશી પર હું બેઠી. સહેજ વાર હું કંઈ બોલી નહિ એટલે એણે કહ્યું, “હવે બોલ ને! ક્યાં હતી? શું કામ અકળામણ કરાવે છે?”

     મેં શાંત ચિત્તે જવાબ આપ્યો, હું મારી ફ્રેન્ડ મોનુના ઘેર હતી…”

     “તો ફોન ના કરાય?”

     “ફોન કરવાની જ હતી, પણ પછી માંડી વાળ્યું. જો મમ્મી, તને ચિંતા થાય એ તારો સવાલ છે. હવે હું પારણામાં ઝૂલતી નાની કિકલી નથી. મારા હિત-અહિતનો વિચાર હું કરી શકું છું. તું મારી મા છે એ સાચું, પરંતુ હવે તારે મને કેડમાં લઈને ફરવાની જરૂર નથી. હું સ્વતંત્ર છું અને મને સ્વતંત્ર રીતે જીવવા દે!” મેં કહ્યું.

છોકરીની જાતને સમાજમાં સ્વતંત્ર થવું ખૂબ અઘરું છે.
છોકરીની જાતને સમાજમાં સ્વતંત્ર થવું ખૂબ અઘરું છે.

    “તું શું બોલે છે એ તને ખબર છે? છોકરીની જાતને મર્યાદામાં રહેવું પડે. અમે કયા મોંઢે તારા માટે સારું ઘર શોધવા જઈશું?”

    “મેં એવું કશું જ કર્યું નથી કે તારે શરમાવું પડે. અને તને જો એવું લાગતું હોય કે હું તારા માટે અને પપ્પા માટે મુસીબત છું તો મને કહી દે… હું ગમે ત્યાં જતી રહીશ.”

    ક્યાં જઈશ? કયો કાકો તને સંઘરવાનો છે?”

    “એની ચિંતા હું જ નથી કરતી તો તું શા માટે કરે છે? ગમે ત્યાં જઈશ, અનાથાશ્રમમાં જઈશ, સંન્યાસ લઈ લઈશ… સાધ્વી થઈ જઈશ… રેલવેના પ્લેટફૉર્મ પર કચરો વાળીશ અથવા હૉસ્પિટલમાં નર્સ થઈ જઈશ…”

    મારા અવાજની મક્કમતા જોઈને કદાચ એ થોડી ડરી ગઈ. એણે ઢીલા અવાજે કહ્યું, “આવું ના કરતી. તારે કંઈ જોઈતું હોય તો કહે, તને કોઈ વાતે ખોટું લાગ્યું હોય તો કહે, પણ મહેરબાની કરીને હવે આવું ના કરીશ.

      સાંજે પપ્પાએ વહેલા આવવાનું કહ્યું હતું છતાં રોજની જેમ આઠ વાગ્યે જ આવ્યા. બપોરે એમણે ફોન કરીને પૂછી લીધું હતું કે સોનલ આવી કે નહિ. આવીને એમણે મને બોલાવી. એ કંઈ પૂછે એ પહેલાં જ મેં કહી દીધું, “પહેલાં જમી લો. પછી વાત કરીએ. ચિંતા જેવી કોઈ વાત નથી.એ હાથ-પગ-મોં ધોઈને જમવા બેસી ગયા. હું પણ સાથે જ જમવા બેસી ગઈ. જમતાં જમતાં હું વિચારતી હતી કે મમ્મીની સંવેદનશીલતા તો થોડી પણ બચી છે, પરંતુ પપ્પાની સંવેદનશીલતા ઓછી થઈ ગઈ છે. આવું વિચારવા માટે પહેલાં પણ મને કેટલાક અનુભવો થયા હતા-જેમ કે મારાં ફોઈનો પ્રસંગ.

      જમ્યા પછી એ ડ્રોઇંગ રૂમમાં જઈને બેઠા અને મને બોલાવી. મારી સામે જોઈને મને પૂછયું. હવે મને કહે, કાલે ક્યાં હતી?”

      “મારી ફ્રેન્ડ મનીષાના ઘરે હતી. વાતોમાં મોડું થઈ ગયું પછી એણે કહ્યું કે અહીં રોકાઈ જા.મેં બહુ સ્વસ્થતાથી જવાબ આપ્યો.

     બસ, મારે એટલું જ જાણવું હતું કે તું ક્યાં હતી? આવું કંઈ હોય તો ફૉન કરી દેવો જોઈએ!” એમણે એટલી જ સ્વસ્થતા સાથે કહ્યું.

      “પપ્પા, મારે તમને એક વાત કહેવી છે… હવે હું નાની નથી અને મારા હિત-અહિતને સમજું છું. મને મારી સ્વતંત્રતાને અહેસાસ છે અને હું સ્વતંત્રતાથી જ જીવવા માગું છું… મેં મમ્મીને પણ આ જ વાત કહી છે.મેં સ્પષ્ટ કહ્યું.

    સ્વતંત્રતાનો તું શું અર્થ કરે છે? સોનલ, સ્વતંત્રતા એટલે સ્વચ્છંદતા નહિ. અમારે પણ સમાજમાં રહેવાનું છે અને સમાજમાં અમારી થોડી આબરૂ છે. અમને અમારી આબરૂની પડી છે!પપ્પા સહેજ ગુસ્સામાં બોલ્યા.

       મેં વળતો ગુસ્સો કર્યા વિના જ ટોણો માર્યો, “તમને તમારી આબરૂની પડી છે એટલી છોકરીની પડી નથી… અને સમાજની ચિંતા તમારે કરવી હોય તો કરો….. હું સમાજને મહત્ત્વ આપતી નથી.

      મારા શબ્દો સાંભળીને પપ્પા ઊભા થઈ ગયા અને મને મારવા આવતા હોય એમ મારી તરફ ધસી આવ્યા. મેં એમને કહ્યું, ઊભા રહો! આજે મારે જે કહેવું છે એ સાંભળી લો. હું તમારા કારણે આ દુનિયામાં આવી છું એ સાચું. પરંતુ તમેય મારા માલિક નથી. મારી માલિક તો હું જ છું. મારી સાથે ચાવીવાળાં રમકડાં જેવો વ્યવહાર કરશો નહિ. હું સમાજ માટે નથી, સમાજ મારા માટે છે. મારું પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ છે અને મને મારી જિંદગી બનાવવાનો જેટલો અધિકાર છે એટલો જ મને મારી જિંદગી બગાડવાનો પણ હક છે. હું જિંદગી બગાડતી નથી એટલું જ તમારા માટે પૂરતું છે!

      મારા અવાજમાં કોઈક અનોખી મક્કમતા હતી. છતાં એમનો ગુસ્સો તો સાવ ઠંડો નહોતો જ થયો. એમણે કહ્યું, “અમે તારાં મા-બાપ છીએ. અમારો કોઈ હક કે કોઈ ફરજ ખરી કે નહિ? કે પછી અમારે પણ તમે કહો તેમ જ જીવવાનું?”

      તમારી ફરજ કે હક જે કહો તે, તમને જ્યાં મને કહેવા જેવું લાગે ત્યાં કહેવાનું. પણ હા, એય માનવું કે નહિ એ મારે નક્કી કરવાનું છે. એ મારો અધિકાર છે.” મેં એ જ મક્કમતા જાળવી રાખીને કહ્યું.”

       માનવું કે ન માનવું એ જો તારે જ નક્કી કરવાનું હોય તો તને કહેવાનો પણ અર્થ શો?” પપ્પાએ દલીલ કરી.

     “તમે જે કહો છો એ બધું જ આ દુનિયામાં બધા જ માને છે? તો પછી મારી એકલી માટે એવો આગ્રહ શા માટે રાખો છો?” મેં સહેજ ઊંચા અવાજે કહ્યું.

       એમ કહે ને કે તારે સ્વચ્છંદી જીવન જીવવું છે અને તારે અમારી કોઈ જરૂર નથી!” પપ્પા સહેજ ઉશ્કેરાઈને બોલ્યા.

     “મેં એવું કહ્યું નથી. છતાં એ સાચી વાત છે. કોઈને કોઈની અનિવાર્યતા નથી!” મેં જવાબ આપ્યો.

     “તો હવે અમે જ ક્યાંક વૃદ્ધાશ્રમમાં જતાં રહીએ. તારા ભાઈને મેહુલને ઉછેરજે અને મોટો કરજે.” પપ્પાએ અકળામણ સાથે કહ્યું.

     “પપ્પા, એવું કરવાની જરૂર નથી. તમે તો એવું માનો જ છો કે આ તમારું ઘર છે અને તમે એના માલિક છો. એટલે તમારે જવાની જરૂર નથી. હું ક્યાં માલિક છું? તમે કહેતા હો તો હું જ ક્યાંક જતી રહું…” એ કંઈક બોલવા જતા હતા. પણ મેં એમને અટકાવીને કહ્યું, “મેહુલ મારો ભાઈ છે એ ખરું, પરંતુ એને ઉછેરવાની મારી જવાબદારી નથી. હું કે તમે એને મોટો કરતાં નથી. એની મેળે જ એ મોટો થાય છે.”

     પપ્પાને હવે આગળ ચર્ચા કરવા જેવું ન લાગ્યું. એમને થયું કે આ છોકરી આટલું તડ ને ફડ કરે છે તો ગમે ત્યારે ગમે તે પગલું ભરી બેસશે. અને એને બહુ છંછેડવા જેવી નથી. પરંતુ એ દિવસ પછી મારો અને મારા પપ્પાનો વ્યવહાર પણ કૃત્રિમ અને ઔપચારિક બની ગયો. એક વાર મેં એમને મારી મમ્મીને કહેતા સાંભળ્યા હતા કે સોનલ સાથે બહુ માથાકૂટ ન કરીશ. એ સ્વચ્છંદી થઈ ગઈ છે અને વહેલી તકે એનું ક્યાંક ગોઠવી કાઢવામાં જ સાર છે. મમ્મી પણ એમની સાથે સંમત થઈ હતી અને કહ્યું હતું કે, હજુ એકાદ વાર તમે એને સમજાવો.

       આ દિવસો દરમ્યાન મને એવી સ્પષ્ટ લાગણી થવા માંડી હતી કે આ ઘરમાં હું મહેમાન જ છું. મારી સાથેનો મમ્મી-પપ્પાનો વ્યવહાર પણ એવો જ થઈ ગયો હતો. હું જોઈ રહી હતી કે મારા મમ્મી-પપ્પા મારા ભાઈ મેહુલને બહુ લાડ લડાવતાં હતાં. એમાંય મારી મમ્મી તો ખાસ. કદાચ એનું કારણ એ હતું કે એમની બધી જ આશાઓ હવે એનામાં કેન્દ્રિત થઈ ગઈ હતી. મનોમન એમણે મારા નામ પર તો ચોકડી મારી જ દીધી હતી. મને એ પણ સમજાયું કે મારા થકી એમનો મા-બાપ તરીકેનો અહંકાર સંતોષાતો નહોતો અને મહુલ એમના અધિકારને સંતોષતો હતો. એટલું જ નહિ, પોરસાવતો પણ હતો. મને તો ત્યાં સુધી લાગણી થઈ કે મારા મા-બાપ વહેલી તકે મને ક્યાંક પરણાવી દઈને મારા બોજમાંથી મુક્ત થઈ જવા માગતાં હતાં. મારે એમને એ વિષે પણ સ્પષ્ટ કહેવું હતું. પરંતુ હું એ માટેનો લાગ શોધતી હતી.

      એ દિવસોમાં મારી કોલેજની પરીક્ષા નજીક આવી રહી હતી. હું લગભગ રોજ મનીષાને ઘેર જ વાંચવા જતી હતી. એક દિવસ હું મનીષાને ઘેર જવા નીકળતી હતી અને પપ્પા ઑફિસેથી આવ્યા. એમણે મને પૂછયું નહિ કે તું ક્યાં જાય છે? પરંતુ મને જતી જોઈને બોલ્યા, “ઉતાવળ ન હોય તો થોડી વાર બેસ. મની જરા વાત કરવી છે.”

     મેં કહ્યું, “ઉતાવળ તો છે, છતાં બેસું છું!”

     હું અંદર જઈને વાંચવા બેઠી. થોડી વારમાં પપ્પા જમીને આવ્યા અને પલંગ પર મારી સામે આવીને બેઠા. પહેલાં એમણે મને પૂછયું,  “પરીક્ષા ક્યારે છે?”

     “સોળમીથી શરૂ થાય છે!

     “કેટલા દિવસ ચાલવાની?”

     “ખબર નથી!”

      મારો જવાબ કદાચ એમને ગમ્યો નહિ. છતાં એ કંઈ બોલ્યા નહિ. પછી એમણે ધીમે રહીને કહ્યું, “તું સ્વતંત્ર જીવન જીવવા માગે છે એવું તે કહી કીધું એ પછી અમે તને ખાસ ટોકતાં નથી. છતાં મા-બાપ તરીકે અમારી કેટલીક ફરજ છે. મને ખબર છે કે તું સ્વમાની છે અને તારું ધાર્યું કરવા ટેવાયેલી છે. છતાં આજે મારે તને એટલું કહેવું છે કે આપણા સમાજમાં સ્ત્રીની અને યુવાન છોકરીની કેટલીક મર્યાદાઓ છે… આપણી ઈરછા ન હોય તો પણ એનું થોડું પાલન કરવું પડે!”

       “કઈ મર્યાદાઓ?” એક તો વેળા- કવેળાએ બહાર જવું. રાત્રે મોડા ઘરે આવવું, ઘરનું કોઈ કામ ન કરવું… આ જીન્સ અને ટી-શર્ટ પહેરવાં વગેરે…” પપ્પાએ આડકતરી રીતે સ્વચ્છંદતાની રૂપરેખા આપી. મને મૌન જોઈ એમણે કહ્યું, “હવે તું નાની બાળકી રહી નથી. થોડા સમયમાં તારાં લગ્ન કરવાં પડશે. આમ તું કશાની પરવા ન કરે અને બિન્ધાસ્ત જીવન જીવે તો લોકો શું કહે? સમાજ શું કહે? અમારા વિષે પણ લોકો કેવી વાત કરે?”

       મેં એમને તરત જ કહી દીધું હતું, “પહેલી વાત તો એ કે મારાં લગ્ન-ફગ્નની વાત તમે વિચારતા નહિ. લગ્ન કરું તો પણ મારે જ એ જિંદગી જીવવાની છે. એટલે લગ્ન તો હું જાતે જ નક્કી કરીશ. હવે દીકરી ને ગાય દોરે ત્યાં જાય એવો જમાનો નથી. અને હમણાં ઓછામાં ઓછાં પાંચ-સાત વર્ષ તો મારે લગ્ન વિષે વિચારવું જ નથી.” પપ્પા મારી સામે ફાટી આંખે જોઈ રહ્યા એટલે મેં આગળ ચલાવ્યું, “હવે બીજી વાત એ કે તમે કયા લોકોની અને કયા સમાજની વાત કરો છો? લોકો અને સમાજનું મારે મન કોઈ મહત્વ નથી. અને અસ્તિત્વ પણ નથી. લોકો શું કહેશે એની તમને બહુ પરવા હોય તો એ તમારો વિષય છે. કોઈ પૂછે તો કહી દેજો કે અમારી છોકરી અમારા કાબૂમાં નથી. પછી જેને ગાળો દેવી હશે એ મને દેશે અને નિંદા કરવી હશે એ મારી કરશે. તમારે એની બિલકુલ ચિંતા કરવાની નહિ.”

     હવે ધીમે ધીમે મારી હિંમત ખૂલી ગઈ હતી. મમ્મી-પપ્પાએ પણ મારા વિશિષ્ટ સ્વભાવને સ્વીકારી લીધો હતો. મારાં મમ્મી-પપ્પાના પ્રોત્સાહનને કારણે મારો નાનો ભાઈ મેહુલ થોડો વધારે ‘સ્માર્ટ’ થવાનો પ્રયત્ન કરતો હતો. એક વાર હું અને મનીષા ફિલ્મ જોવા ગયાં હતા. ફિલ્મની ટિકિટનું અડધિયું મેં કપડાં ધોવા નાખતી વખતે પેન્ટના ખિસ્સામાંથી કાઢીને ટેબલ પર મૂક્યું હતું. એ મારા ભાઈના હાથમાં આવ્યું. એણે જાણે અમેરિકા ખંડ શોધી કાઢયો હોય એમ એ કોલંબસની અદાથી બોલ્યો હતો, “સોનુબહેન, બોલો તમે કાલે પિક્સર જોવા ગયાં હતાં ને?”

     મેં કંઈ જવાબ ન આપ્યો એટલે એણે આગળ પૂછયું. “તમે બે જણ કોણ કોણ હતા? તમારી સાથે બીજું કોણ હતું?”

     એણે આવો સવાલ કયો એ સાથે જ મેં એના કાન પકડયા અને કહ્યું, “આજ પછી મારી કોઈ પણ વાતમાં માથું મારીશ તો તારી હાલત બગાડી નાખીશ.” એ નાનકડા પ્રસંગ પછી મમ્મી-પપ્પાની જેમ જ એનો પણ મારી સાથેનો વ્યવહાર કૃત્રિમ અને ઔપચારિક બની ગયો.

      મમ્મી-પપ્પા, ભાઈ અને ઘર સાથેની મારી માયા સતત ઓછી થવા લાગી હતી, હું ઘરે આવતી અને બધા સાથે વાત કરતી છતાં મને એવું જ લાગતું કે જાણે હું કોઈ ધર્મશાળામાં આવું છું અને બીજા મુલાકાતીઓ સાથે વાતો કરું છું.

      એ દરમ્યાન એક વખત મેં છાપામાં વાંચ્યું કે અંધેરીના નિત્ય નિકેતન ધ્યાન કેન્દ્રમાં આધ્યાત્મિક પુસ્તકોનું પ્રદર્શન યોજાયું છે. મેં મનીષાને એ પ્રદર્શનમાં જવાનું કહ્યું ત્યારે એણે કોઈક કારણોસર ના પાડી. આજે મને થાય છે કે, જેમ એ દિવસની મારી નિત્ય નિકેતનની મુલાકાત મારા માટે એક જુદી દિશાનું નિમિત્ત બની એમ જો મનીષા એ દિવસે આવી હોત તો કદાચ એના માટે પણ દ્વાર ખૂલ્યું હોત. એથી જ મને ઘણી વાર લાગ્યું છે કે જીવનની કોઈ ઘટના આકસ્મિક નથી હોતી. એવરીથિંગ હેઝ એ ડિઝાઈન. ક્યારે કઈ ઘટના કેવું કામ કરી જશે એની ખુદ આપણને ખબર નથી હોતી. એથી જ હું કોઈ પણ ઘટનાને ટાળવાને બદલે એનો સામનો કરું છું.

       પુસ્તકપ્રદર્શન જોતાં જોતાં હું કેન્દ્રમાં પણ લટાર મારી આવી. એના સંચાલક ગોપાલાનંદને મળી. તેઓ સંન્યાસી હતા અને નહોતા. એમણે મને એ દિવસે વાત વાતમાં કહ્યું હતું કે મન રંગાઈ જાય એ પછી કપડાં રંગવાની જરૂર પડતી નથી. મેં એમને પૂછયું હતું કે મન રંગવા માટે શું કરવું જોઈએ? એમણે મને કહ્યું હતું કે, ઈચ્છા થાય ત્યારે અહીં આવવાનું. અહીં કોઈ ગુરુ-પરંપરા નથી. દરેક વ્યક્તિ પોતે જ પોતાની ગુરુ. અહીંના સત્સંગમાં દરેક વ્યક્તિ એકબીજાની માર્ગદર્શક બને છે. આપણી પાસે નાનકડી લાઈબ્રેરી છે. સવારે નવથી રાત્રે નવ સુધી કેન્દ્ર ખુલ્લું રહે છે અને આરામ કરવો હોય તો નાની અમથી ડોર્મિટરી પણ છે. રવિવારે ધ્યાનની નાનકડી શિબિર થાય છે. કોઈ ચોક્કસ ફી રાખી નથી. દરેક યથાશક્તિ ફાળો આપે છે. બહેનો પણ આવે છે અને તમે આવી શકો છો.

    મને તો ઘડીભર માટે એમ જ થયું કે આવી કોઈક જગ્યાએ રહી જવું જોઈએ. પછી તો હું અવારનવાર અહીં આવતી, વાંચતી અને ધ્યાન કરતી. રવિવારની ઘણી શિબિરો પણ કરી.

       બે વર્ષમાં તો નિત્ય નિકેતન મારા માટે ઘર જેવું બની ગયું. સામાન્ય રીતે મારો સ્વભાવ બોલકણો અને વાતોડિયો છે. પરંતુ અહીં આવું એટલે અચાનક જ મૌન થઈ જતી. કદાચ મારે જેવું જોઈએ એવું વાતાવરણ મને મળ્યું હતું. પછી તો ક્યારેક કેન્દ્રમાં જ રોકાઈ જતી. હું મારી અંદર આવી રહેલા પરિવર્તનને નજરે જોઈ રહી હતી.

       મને એટલી વાત સમજાઈ ગઈ હતી કે કામ, ક્રોધ, લોભ અને અહંકાર માણસના સૌથી મોટા દુશ્મનો છે અને એ દુશ્મનો પર વિજય મેળવ્યા વિના પ્રગતિ થઈ શકતી નથી. મારા કોધ ઉપર અનાયાસ જ કાબૂ આવી ગયો હતો. હવે હું ક્યારેક જ ક્રોધ કરતી હતી. ક્રોધ કરું તો પણ જાગ્રત રહીને ક્રોધ કરતી હતી. મારા ઘરના વાતાવરણને કારણે મારો લોભ પણ શમી ગયો હતો. મારી જીવનશૈલી જ એવી થઈ ગઈ હતી કે એમાં લોભને બહુ સ્થાન નહોતું. પરંતુ હજુ હું કામ અને અહંકારને જીતી શકી નહોતી. મારા અહંકારને મેં ઓળખી લીધો હતો. છતાં એમાંથી હું છૂટી શકી નહોતી. પહેલાં તો હું બીજા લોકોને જોઉં ત્યારે મને એમના પર ગુસ્સો આવતો અને મને થતું કે આ લોકો પામર છે, એમની જિંદગી નાહક વેડફે છે. પરંતુ ધીમે ધીમે હું એ લાગણીમાંથી બહાર આવી અને એ પછી મને ગુસ્સો આવવાને બદલે એમની દયા આવવા માંડી. બીજી વાત એ હતી કે, મારા આધ્યાત્મિક અભિયાન વિષે હું કોઈને કહેવા માગતી નહોતી. મને એ વાતનો પણ અહેસાસ હતો કે આજના યુગમાં એક છોકરીએ સ્વતંત્ર અને બિન્ધાસ્ત જીવન જીવવું હોય તો એણે દેખાવ ખાતર પણ પોતાનો અહંકાર જાળવી રાખવો પડે. કદાચ આ કારણે હું ઝટ અહંકાર પર વિજય મેળવી શકી નહોતી.

    વચ્ચે એક વાત કહી દઉં. હું જ્યારે પહેલી વખત નિત્ય નિકેતનમાં ગોપાલાનંદને મળી અને એમણે મને કેન્દ્રમાં આવવાનું કહ્યું ત્યારે મેં એમને સ્પષ્ટ કહ્યું હતું કે મને ધ્યાન કરવામાં રસ છે. પરંતુ હું હજુ ઈશ્વરના અસ્તિત્વમાં માનતી થઈ હોઉં એવું મને લાગતું નથી. એ વખતે એમણે તરત જ મને કહ્યું હતું કે, જે લોકો ફક્ત ઈશ્વરમાં જ માને છે એમના માટે તો અનેક મંદિરો, મરિજદો, ચર્ચ,  ગુરુદ્વારા વગેરે છે. અહીં તો જે લોકો પોતાની જાતમાં માને છે એ જ આવે છે. એમ તો ભગવાન બુદ્ધ અને મહાવીર સ્વામી પણ ક્યાં ભગવાનની વાત કરતા હતા?

     આવો જ એક મોટો અવરોધ કામ એટલે કે સેક્સનો હતો. એ અવરોધ પાર કર્યા પછી જ આધ્યાત્મિક પ્રગતિ થઈ શકશે એ સમજાયું હોવા છતાં મારા માટે એ અવરોધ ઘણો મજબૂત હતો. એ માટે મારા કેટલાક અનુભવો પણ જવાબદાર હતા. આ અનુભવો અને એ પછીના વિવિધ પ્રસંગોને કારણે મને જે અર્થબોધ થયો અને દરમ્યાનમાં મેં જે કંઈ વાંચ્યું અને સેક્સના સ્વરૂપને સમજી એના કારણે જ એ અવરોધ પાર કરી શકી છું એવું મને લાગે છે. હવે તો એમ પણ લાગે છે કે જો પૂરેપુરા અનુભવ વિના જ મેં એ અવરોધ પાર કરવાનું સાહસ કર્યું હોત તો કદાચ વૃત્તિનું દમન થયું હોત અને એને કારણે હું સ્વસ્થચિત્ત બનવાને બદલે વિકૃત બની ગઈ હોત. મનીષાએ મને એના લગ્નજીવન વિષે માંડીને વાત કહી ત્યારે એક તબક્કે એણે ખ્રિસ્તી સાધ્વી થઈ જવાની વાત કરી હતી. એ વખતે પણ મેં એને આ જ વાત કરી હતી કે સંસારને ભોગવ્યા વિના સંસાર છોડવાનો વિચાર કરીશ તો ઊલમાંથી ચૂલમાં પડીશ.

       કામનો અવરોધ મેં કઈ રીતે પાર કયોં એ મારે કહેવું છે. એનું કારણ એ છે કે એ બધા જ અનુભવો મારી ચેતનામાં વણાઈ ગયા છે.

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

2 comments

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: