પહેલા વર્ષની વાર્ષિક પરીક્ષાના દિવસો નજીક આવતા જતા હતા. પ્રિલિમ પછી કૉલેજ જવાનું ઓછું થઈ ગયું હતું. લગભગ બધા જ લોકો વાંચવામાં પડયા હતા. હું ખાસ વાંચતી નહોતી. મારો આત્મવિશ્વાસ થોડો વધારે પડતો હતો. એનું કારણ એ હતું કે હું બહુ વાંચ્યા વિના પણ સારા માર્કે પાસ જતી હતી. આ કારણે જ મને પરીક્ષા ફારસ જેવી લાગતી હતી અને પરીક્ષાને હું બહુ ગંભીરતાથી લેતી નહોતી. મને એમ જ લાગતું હતું કે થોડી સામાન્ય બુધ્ધિનો ઉપયોગ કરો તો પરીક્ષામાં પાસ થવાનું અઘરું નથી. હું તો મારી પરીક્ષાની રિસિપ્ટ લેવા પણ છેલ્લા દિવસે જ જતી હતી. પરંતુ આ કૉલેજનું પહેલું વર્ષ હતું એટલે થોડા દિવસ વહેલી ગઈ હતી. મનીષાને ઘરે મહેમાન હતા એટલે એને મેં કહ્યું હતું કે, તારી રિસિપ્ટ હું લેતી આવીશ.
બનતાં સુધી એ જ દિવસે રિસિપ્ટ કૉલેજમાં આવી હતી અને ઘણા બધા ક્લાસમેટ્સ રિસિપ્ટ લેવા આવ્યા હતા. મારા જ ક્લાસમાં ભણતી એક છોકરીએ મને સમાચાર આપ્યા કે આપણા ક્લાસમાં ભણતી અંજનાએ બે દિવસ પહેલાં આત્મહત્યા કરી હતી. પોસ્ટમોર્ટમમાં એવું આવ્યું કે, અંજના ગર્ભવતી હતી.
આ સાંભળીને મને આંચકો લાગ્યો અને તરત જ લોનાવલા યાદ આવી ગયું. નક્કી પ્રણવે એને દગો કર્યો હોવો જોઈએ. પ્રણવ આવું કરે એ સમજી શકાય એવી વાત હતી, કારણ કે એ એક બહુ મોટા ઝવેરીનો દીકરો હતો. અત્યંત પૈસાદાર હતો અને અંજના ‘બેસ્ટ‘ની બસના એક ડ્રાઈવરની દીકરી હતી. એને એક ભાઈ અને બીજી બે બહેનો હતી. રૂપ કંઈ સમૃધ્ધિને જોઈને આવતું નથી. એટલે જ અંજના રૂપાળી અને નમણી હતી. પ્રણવ એ જ કારણે એની પાછળ પડયો હતો. અંજના પણ કદાચ એની સમૃદ્ધિના પ્રભાવમાં આવી ગઈ હોવી જોઈએ એવું મને લાગ્યું.
અંજના સાથે મારો સંબંધ મર્યાદિત હતો. પરંતુ લોનાવલાના એક જ દિવસે અને લગભગ એક જ સમયે અમારા બંનેના જીવનમાં બનેલા લગભગ એકસરખા પ્રસંગને કારણે મારો એની સાથેનો સંબંધ ભાવાત્મક બની ગયો હતો. હું મનોમન વિચારતી હતી કે હું પ્રેગ્નન્ટ ન થઈ અને અંજના પ્રેગ્નન્ટ થઈ ગઈ. હું પણ થઈ શકી હોત. આ વિચાર સાથે જ મારા તન-મનમાં એક હળવી ધ્રૂજારી પસાર થઈ ગઈ. મને થયું કે કદાચ હું પ્રેગ્નન્ટ થાઉં એ કુદરતને કે અસ્તિત્વને મંજૂર નહિ હોય.
હું આવું વિચારતી વિચારતી કૉલેજની બહાર નીકળતી હતી ત્યાં મેં પ્રણવને એની કારમાં આવતો જોયો. હું હાથ કરીને એને ઊભો રાખવાનો પ્રયત્ન કરું એ પહેલાં એ જ ઊભો રહી ગયો. હું બારણું ખોલીને બેસી ગઈ અને કહ્યું, “મારે સંન્યાસ આશ્રમ જવું છે. મને ઉતારી દે ને!”
અગાઉ ક્યારેય મેં લિફટ માગી નહોતી. એથી એ વાતનું એના મનમાં પણ આશ્ચર્ય હતું. સંન્યાસ આશ્રમ પાસે એણે ગાડી ઊભી રાખી. મેં તરત જ એને કહ્યું, “મારી સાથે ચાલ, મારે થોડી વાત કરવી છે!” એણે કોઈ દલીલ કરી નહિ અને કાર લોક કરી. કદાચ એને ખ્યાલ આવી ગયો હતો કે હું શેની વાત કરવાની છું. અંદર આવીને અમે પાસેના નાનકડા એક ઝાડ નીચે બેઠાં.
મેં એને પહેલો જ પ્રશ્ન પૂછયો, “અંજનાએ કેમ આવું કર્યું?”
“એણે મને વાત જ નથી કરી….” પ્રણવ નિર્દોષ થવાનો પ્રયત્ન કરીને બોલ્યો.
“જો પ્રણવ, હું એક છોકરી છું અને છોકરીના મનને સારી રીતે સમજું છું. એણે તને કશી જ વાત ન કરી હોય એ વાત માનવા હું તૈયાર નંથી!” મેં સહજ મક્કમ અવાજે કહ્યું.
“મહિના પહેલાં મળી ત્યારે એણે મને લગ્ન વિષે પૂછયું હતું. મેં એને કહી દીધું હતું કે મારે લગ્ન તો મારાં મા-બાપ કહે ત્યાં જ કરવાં પડશે. આપણાં બંને વચ્ચે જે તફાવત છે એને કારણે આપણાં લગ્ન થઈ શકે તેમ નથી.”
“શેનો તફાવત છે?”
“એ જ કે મારા પપ્પા ઝવેરી બજારના કિંગ છે અને એના પપ્પા ‘બેસ્ટ’ના ડ્રાઈવર છે… અમારા બંનેનું સ્ટેટસ જૂદું છે!”
“લોનાવલામાં તને સ્ટેટસ નહોતું સૂઝ્યું?” હું સહેજ ગુસ્સામાં બોલી.
“અરે યાર, ઈટ વોઝ એ ફન! એણે ધારી લીધું કે, હું એની સાથે લગ્ન કરીશ એ જ એની ભૂલ હતી!” પ્રણવે બેફિકરાઈથી કહ્યું.
“એની ભૂલ ગણાવે છે તો તારી ભૂલ નહોતી?” મેં એટલા જ ગુસ્સા સાથે કહ્યું.
“જો, મારી વાત સમજ. જે છોકરી મારા પર અકારણ ભરોસો રાખીને મારે તાબે થઈ ગઈ એ છોકરી એવી જ રીતે બીજા કોઈને હવાલે પણ નહિ જ થઈ હોય એવી કોઈ ખાતરી છે?” પ્રણવની બેફિકરાઈ વધી રહી હોય એવું લાગ્યું.

મને ખૂબ ગુસ્સો આવી ગયો. છતાં મેં મારા પર થોડું નિયંત્રણ રાખ્યું અને કહ્યું, “પ્રણવ, હવે મને સમજાવ કે પ્રતિષ્ઠા અને આબરૂની ચિંતા તો ગરીબ માણસને જ હોય છે, કારણ કે એની પાસે એ જ છે. અમીર તો એમ જ માનતો હોય છે કે અમીરી જ એની પ્રતિષ્ઠા છે. પરંતુ એની પાસે પ્રતિષ્ઠા કે આબરૂ જેવું કંઈ હોતું નથી એટલે એને ગુમાવવાનો પણ એને ડર લાગતો નથી. અને તને કહું, અંજના તો તારા પ્રેમમાં પાગલ હતી. એ કદાચ તને પ્રેમ કરતી હતી. તારા પૈસાને નહિ!” મેં ઘેરા અફસોસ સાથે કહ્યું.
“પ્રેમ-બ્રેમની વાતો બધી વાહિયાત છે. અને તને કહું, મારી સાથે એ આવી ત્યારે જ એણે એનાં પરિણામોની ચિંતા કરવાની હતી. મારે પ્રેગ્નન્ટ થવાનું નહોતું કે હું ચિંતા કરું!”
મને લાગ્યું કે પ્રણવ માણસ નથી, પણ એક પશુ છે અને એની સાથે ચર્ચા કરવાનો અર્થ નથી. મેં એટલું જ કહ્યું કે, “તું ભલે ન માનતો હોય. પણ અંજનાએ તારા જેવા પથ્થર પર વિશ્વાસ મૂકીને જ ભૂલ કરી હતી અને એ ભૂલની પણ એણે કિંમત ચૂકવી છે. પરંતુ આજે મારા શબ્દો યાદ રાખજે. તને એ શબ્દો જીવનભર સતાવશે. અંજનાના મોત માટે તું જ જવાબદાર છે. તું જ એનો હત્યારો છે!” હું ઉત્તેજિત થઈ ગઈ હતી.
“હવે એક પણ શબ્દ આગળ બોલીશ તો જોવા જેવી થશે.” એ ગુસ્સામાં આવીને બોલ્યો.
મેં તરત જ એનો કોલર પકડયો અને કહ્યું, “શું કરીશ તું? તારાથી થાય તે કરી લે! એક વાત યાદ રાખજે, હવે જો બીજી કોઈ છોકરી સાથે આવું કરીશ તો તને નાગો કરીને આખા પાર્લામાં ફેરવીશ. હજુ તું મને ઓળખતો નથી!”
મારું વિફરેલું રૂપ જોઈને એ સહેજ હેબતાઈ ગયો. એણે ઊભા થઈને ચાલવા માંડયું. એની ચાલ પરથી દેખાતું હતું કે એના પર મારી વાતની બહુ અસર થઈ નથી. હું કેટલીક વાર સુધી ત્યાં જ એકલી બેસી રહી. હજુ પણ મને એટલો ગુસ્સો આવતો હતો કે જઈને પ્રણવને ખૂબ મારું, એનાં કપડાં ફાડી નાખું, લોહીલુહાણ કરી નાંખું અને એની જ કાર પાછળ દોરડેથી બાંધીને નગ્ન હાલતમાં જ એને આખા પાર્લામાં ફેરવું અને રેડિયો-ટીવી પર જઈને જાહેરાત કરું કે પ્રણવ જ અંજનાનો હત્યારો છે.
મેં મારી કલ્પનામાં જ પ્રણવને ખૂબ સજા કરી. એ પછી ધીમે ધીમે હું હળવી થઈ ગઈ. પછી વિચારતાં લાગ્યું કે કદાચ પૈસો અને સમૃધ્ધિ માણસના સૌથી મોટા દુશ્મન છે. પૈસો હોય છે ત્યાં લાગણી અને હૃદય ગાયબ થઈ જાય છે. પૈસાદારને પ્રતિષ્ઠાની કે લાગણીની કોઈ કિંમત નથી હોતી અને એ દરેક ચીજને ખેલ સમજે છે. મને તો એવું લાગ્યું છે કે પૈસો માણસના અહંકારને એટલો બધો ભરી દે છે કે એને માણસની પણ કિંમત રહેતી નથી. એમાં પણ માણસ પૈસાની પાછળ દોટ મૂકે ત્યારે તો પ્રણવ જેવાઓ કરતાં પણ કદાચ વધુ હેવાન બની જતા હોવા જોઈએ. આકસ્મિક મારા મનમાં એવો સંકલ્પ જાગ્યો કે મારા જીવનમાં હું પૈસાને જરૂરિયાત કરતાં વધુ મહત્ત્વ નહિ આપું.
મને પ્રણવની એ વાત થોડી સાચી લાગી કે અંજનાએ એ વખતે વિચાર કરવાની જરૂર હતી કે આ પછી પ્રેગ્નન્ટ થઈ શકે છે. જોકે મેં પણ એ વખતે આવો કોઈ વિચાર નહોતો જ કર્યો, છતાં કરવો જોઈતો હતો એવું તો મને લાગ્યું જ. મારી દૃષ્ટિએ તો દરેક પરણેલી સ્ત્રીએ પણ આવો વિચાર કરવો જોઈએ. એનું કારણ એ છે કે, સ્ત્રી પ્રેગ્નન્ટ થઈ શકે છે એ એની એક વિશિષ્ટતા છે તો એક જવાબદારી પણ છે. આ કુદરતની વ્યવસ્થા છે. કામસુખની કોઈ જવાબદારી પુરુષે ઉઠાવવાની આવતી નથી. એ તો સ્ત્રીએ જ ઉઠાવવાની હોય છે. એથી હું તો માનું છું કે, પુરુષ કરતાં સ્ત્રીએ વધુ સભાન રહેવું જરૂરી છે.
બીજી પણ એક વાત મારા મનમાં આવી. કદાચ કુદરતે જ પુરુષની ભ્રમરવૃત્તિને પોષી છે. કામસુખનાં થોડાંક પરિણામો પુરુષે પણ ભોગવવાં પડે એવો કોઈ અવકાશ કુદરતે રાખ્યો હોત તો પુરુષ બેફિકર થઈને હરાયા ઢોર જેવું વર્તન ન કરતો હોત. કદાચ સ્ત્રીને વફાદારીનું મૂલ્ય સમજાવવામાં આ જ બાબતે મુખ્ય ભાગ ભજવ્યો હોવો જોઈએ.
મને આગળ વિચાર એવો આવ્યો કે આ કારણે જ પુરુષ ભ્રમરવૃત્તિ કરે છે અને સ્ત્રી રમકડું હોય એ રીતે એની સાથે વર્તન કરે છે. કુદરતે પુરુષને એવી સુવિધા કરી આપી છે કે એ એક વર્ષમાં એક હજાર બાળકોનો પિતા બની શકે છે. પરંતુ સ્ત્રી એક વર્ષમાં એક જ બાળકને જન્મ આપી શકે છે. વધુમાં વધુ સાત બાળકોને કોઈએ એક સાથે જન્મ આપ્યો હોય એવું સાંભળ્યું છે. પરંતુ એય અપવાદ છે. એની સામે અગણિત બાળકોને જન્મ આપી ચૂક્યા હોય એવા ઈદી અમીન જેવા પરાક્રમીઓના તો અનેક દાખલા છે.
અંજનાના આ પ્રસંગ પછી એની સાથે મારે કોઈ સીધો સંબંધ ન હોવા છતાં મારી હિંમત ખૂલી ગઈ હોય એવું મને લાગ્યું. મને હવે એવું સમજાય છે કે મારા સેક્સ પ્રત્યેના અભિગમમાં પુરુષો પ્રત્યેના એક પ્રકારના રોષ અને વૈમનસ્યએ ભાગ ભજવ્યો હતો. પુરુષ એના કામસુખની બધી જ જવાબદારી સ્ત્રી પર નાંખીને ઊભો થઈને ચાલવા માંડે એ વાત જ મને સ્વીકાર્ય બનતી નહોતી. એથી જ મા નહિ બનવાનો મારો નિર્ધાર પાકો થયો. લગ્ન નહિ કરવાની વાત પણ આ જ સંદર્ભમાં મજબૂત બની. લગ્ન કર્યા પછી સ્ત્રીએ પુરુષ પાસે એક સાધન બની જવું પડતું હોય છે અને પોતાની બધી જ સ્વતંત્રતા પુરુષને ચરણે ધરી દેવી પડે છે. એ પછી પણ પુરુષ તો સેક્સ માટે મુક્ત જ હોય છે, સ્ત્રી પર બંધનો લદાઈ જાય છે.
આ સમયગાળા દરમ્યાન મારે કબૂલવું જોઈએ કે, સેક્સ અંગેના મારાં પરાક્રમો પણ વધી ગયાં હતાં. એક તો હું એ વાતથી આશ્વસ્ત થઈ ગઈ હતી કે હું પ્રેગ્નન્ટ થતી નથી. મેં એમ ધારી લીધું કે કુદરત જ ઈચ્છતી નથી કે હું માતૃત્વ ધારણ કરું. મારા શરીરમાં કોઈ ખામી હશે કદાચ, ફેલોપિયન ટયુબ સંકોચાઈ ગઈ હોય. ગર્ભાશયની ખામી હોય કે હોર્મોન્સની ખામી હોય – પણ મેં એ અંગે દરકાર જ કરી નથી. મારે જે નૈસર્ગિક સ્વતંત્રતા જોઈતી હતી એ મને મળી જતી હતી. એટલે હું પેટ ચોળીને પીડા ઊભી કરવા માગતી નહોતી.
સેક્સનાં મારાં આ પરાક્રમોમાં કેટલીક વિશિષ્ટતા હતી અને કેટલુંક મને નવેસરથી સમજવા પણ મળ્યું હતું. પહેલી વાત તો એ છે કે સેક્સની બાબતમાં પણ સામાન્ય રીતે પુરુષ પહેલ કરતો હોય છે. બીજી રીતે કહીએ તો પુરુષ જ સેક્સ માટેના પાત્રની પસંદગી કરતો હોય છે. મારા કિસ્સામાં વાત ઊંધી હતી. કોઈ પુરુષ મને પસંદ કરતો હોય એ મારે માટે મહત્ત્વનું નહોતું. હું કોઈ પુરુષને પસંદ કરું એ મારા માટે મહત્ત્વનું હતું. પુરુષે જ્યારે કોઈ સ્ત્રીને પસંદ કરી હોય ત્યારે એ પોતે શ્રેષ્ઠ જ છે એમ માનીને ચાલે છે, પરંતુ જ્યાં સ્ત્રીએ એને પસંદ કર્યો હોય ત્યારે એણે પોતાની શ્રેષ્ઠતા પુરવાર કરવી પડે છે.
બીજી વાત એ છે કે સામાન્ય રીતે કોઈ પુરુષને કોઈ સ્ત્રી ગમી જાય ત્યારે એણે એને પલાળવા માટે એટલે કે આપણી ભાષામાં કહીએ તો લપેટવા ખૂબ મહેનત કરવી પડે છે. એમાં પણ ઘણીવાર નિરાશ થવું પડે છે. પરંતુ સ્ત્રી જ્યારે કોઈ પુરુષને મૂક આમંત્રણ આપે ત્યારે ભાગ્યે જ કોઈ પુરુષ એનો ઈનકાર કરે છે. મારું તો એવું નિરીક્ષણ છે કે મોટે ભાગે પુરુષ આ બાબતમાં લપસણો જ હોય છે.
એવી જ રીતે મારો અનુભવ અને મારું નિરીક્ષણ એવું છે કે, મોટા ભાગના પુરુષો એમના સેક્સના સંતોષની બાબતમાં સ્વાર્થી હોય છે. સ્ત્રીનું પણ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ છે અને એની પણ ભિન્ન જરૂરિયાતો છે એ વાત ભાગ્યે જ તેઓ સમજે છે. એને કારણે સેક્સ દ્વિમાર્ગી રસ્તો બની રહેવાને બદલે એકમાર્ગી વ્યવહાર-વન-વે ટ્રાફિક બની જાય છે. કમનસીબે મોટા ભાગની સ્ત્રીઓ પણ પોતાનો અસંતોષ કે પોતાની ઈરછાઓ જણાવતી નથી અને એથી પુરુષ એમની પરવા કરતો નથી.
એક તબક્કે મને એવું થયું કે સેક્સ જેવા પરસ્પરના વ્યવહારમાં પણ સ્ત્રીએ નિષ્ક્રિય ભાગીદાર એટલે કે, અક્ષરશઃ ‘સ્લિપિંગ પાર્ટનર’ જ બની રહેવાનું હોય તો એનો કોઈ અર્થ નથી. મને તો એવું લાગે છે કે પુરુષવર્ગ જો સ્ત્રીઓ તરફનું આવું જ વલણ ચાલુ રાખશે તો એક સમય એવો આવશે જ્યારે પુરુષોને સેક્સ માટે સહેલાઈથી સ્ત્રી મળશે નહિ અને એમણે કૃત્રિમ ઉપાયો કરવા પડશે.
આવી બધી વિચારણાએ મને સેક્સ વિષે જુદી રીતે વિચારતી કરી. મને અનેક અનુભવો પછી એમ પણ જણાયું કે સેક્સમાં જે ક્ષણિક સંતોષનો અનુભવ થાય છે એ જ ક્ષણને લંબાવી શકાય નહિ? જો લંબાવી શકાય તો એને શાશ્વત પણ બનાવી જ શકાય.
એ અરસામાં મેં ઓશોનું બહુ ચર્ચાયેલું પુસ્તક ‘ફ્રોમ સેક્સ ટુ સુપર કોન્શ્યસનેસ’ વાંચ્યું. ઓશોનાં આ પ્રવચનો ખરેખર અદ્ભુત છે. અગાઉ આ પુસ્તક વિષે છૂટક છૂટક સાંભળ્યું હતું. પરંતુ વાંચ્યા પછી મને લાગ્યું કે મોટા ભાગના ટીકાકારો વાંચ્યા વિના જ ટીકા કરતા હતા. એ પુસ્તક મેં બે વાર વાંચ્યું. એ પુસ્તકે સેક્સ પ્રત્યેનો મારો અભિગમ પાયામાંથી બદલી નાંખ્યો.
આ બાજુ હું ધ્યાનમાં ધીમે ધીમે આગળ વધતી હતી. ધ્યાનનું પરિણામ એ આવતું હતું કે, મારે કશું જ છોડવાની જરૂર નહોતી પડતી. એની મેળે જ છૂટતું જતું હતું. કોધ, લોભ, અહંકાર અને કામ એક પછી એક ધીમે ધીમે વિદાય થઈ રહ્યાં હોય એવું હું અનુભવતી હતી. એક અજબ પ્રકારની શાંતિ અને સ્વસ્થતાનો મને અનુભવ થતો હતો. જોકે એય સાચું કે સેક્સમાંથી મારો છુટકારો ખૂબ ધીમે ધીમે થઈ રહ્યો હતો. પરંતુ હું મારી જાત પર અવળો બળાત્કાર કરવા માગતી નહોતી. એનું કારણ એ હતું કે મારા મનમાં સેક્સ પ્રત્યે કોઈ સૂગ કે ગુનાની લાગણી નહોતી. હું એમ પણ માનતી હતી કે સેક્સનો આવેગ કદાચ બીજા બધા જ આવેગો કરતાં વધુ ઊંડો છે. આપણા અણુએ અણુમાં સેક્સ છે. છેવટે આપણો જન્મ જ બે વ્યક્તિઓ વચ્ચેના સેક્સને કારણે થયો છે ને!
મારા મનમાં બીજી એક વાત એ પણ સ્પષ્ટ હતી કે દમન કરીને સેક્સના આવેગમાંથી છુટકારો થઈ શકવાનો નથી. કદાચ છુટકારો થશે તોય એ પ્રામાણિક નહીં હોય. એથી મેં નિર્ણય કર્યો હતો કે, એની મેળે છૂટશે ત્યારે છૂટશે, હું એ માટે કોઈ સભાન પ્રયાસ નહિ કરું. મને એ વાત પણ ગળે ઊતરી ગઈ હતી કે સેક્સની ઊર્જાને દબાવવાની કે એનો આડેધડ નિકાલ કરવાની જરૂર નથી. પણ એ જ ઊર્જાનું રૂપાંતરણ કરવાની જરૂર છે. મેં રૂપાંતરણના પણ કોઈ વ્યવસ્થિત પ્રયાસો કર્યા નથી. માત્ર એ માટે મારું મન ખુલ્લું રહેવા દીધું છે.
બીજી એક વિચિત્ર લાગે એવી વાત કહું? હું ગ્રેજ્યુએટ થઈ અને ફેશન ડિઝાઈનિંગનો કોર્સ કર્યો ત્યાં સુધી હું બહુ મુક્ત હતી. એ વખતે મારું મન ભાગ્યે જ ક્યાંય રોકાયેલું રહેતું હતું. હું કોઈ રચનાત્મક ક્રિએટિવ કામ પણ કરતી નહોતી. એ વખતે મારી બે જ મુખ્ય પ્રવૃત્તિઓ હતી. એક નિત્ય ધ્યાન કેન્દ્રમાં જવું, ધ્યાન કરવું, વાંચવું, પ્રવચનો સાંભળવા અને બીજું સેક્સ. બંને વિરોધાભાસી લાગે એવાં હોય છતાં મારા માટે બંનેનું સહ-અસ્તિત્વ હતું. જોકે મોટા ભાગનો સમય નિત્ય ધ્યાન કેન્દ્રમાં જ પસાર થતો હતો.
ફેશન ડિઝાઈનિંગનો કોર્સ કરતી હતી ત્યારે મારી સાથે કોર્સ કરતી સિમરન નામની એક છોકરીના પરિચયમાં હું આવી હતી. સિમરને મને એક વાર એની માસી પરમજિતની વાત કરી. સિમરને કહ્યું કે હવે ટૂંક સમયમાં મારાં તો લગ્ન જઈ જશે અને મારે ક્યાંક જતાં રહેવું પડશે. માસીને તારા જેવી કોઈ ડાયનેમિક છોકરી મળે તો એની પાસે બહુ પૈસા છે અને એ પૈસા રોકીને એ એક ખાનગી ઈન્સ્ટિટયૂટ ખોલવા માંગે છે. સિમરને પરમજિત સાથે મારી મુલાકાત કરાવી. પરમજિત પણ ઉત્સાહી અને ડાયનેમિક હતી. અમારું ટયુનિંગ બેસી ગયું અને મેં કોર્સ પૂરો કર્યો કે તરત અમે ઈન્સ્ટિટયૂટ શરૂ કરી.
પહેલાં તો મેં બહુ ગંભીરતા દાખવી નહોતી, પરંતુ ટૂંક સમયમાં અમને જે રિસ્પોન્સ મળ્યો એને કારણે મારે આપોઆપ થોડા ગંભીર થવું પડયું. હું એકાએક વ્યસ્ત બની ગઈ અને મારી ક્રિએટિવ ફેકલ્ટી પણ ખૂલતી ગઈ. એનું એક આડ પરિણામ એ આવ્યું કે મારા જીવનમાંથી સેક્સનું મહત્ત્વ ઓર ઘટી ગયું.
આ વાત પણ મને ધીમે ધીમે સમજાવા લાગી. સેક્સ પણ મૂળભૂત રીતે તો આપણી ક્રિએટિવ એનર્જી-સર્જનાત્મક ઊર્જા જ છે. આપણે જ્યારે બીજું કોઈ સર્જનાત્મક કામ કરીએ છીએ ત્યારે સેક્સની આપણી આ જ ઊર્જા વપરાય છે. મેં ક્યાંક વાંચ્યું હતું કે, મહાન સંગીતકારો, ચિત્રકારો, લેખકો, કવિઓ વગેરે સર્જનાત્મક ક્ષેત્રોમાં કામ કરનારાઓનાં સેક્સની ઊર્જાની આપમેળે તૃપ્તિ થઈ જતી હોય છે. નવરો બેઠો નખ્ખોદવાળે એમ જેને કોઈ સર્જનાત્મક કામ ન હોય એ સેક્સને શરણે જતો હોય છે. મેં મનોમન એવું નક્કી કર્યું કે હું મારો શક્ય તેટલો સમય સર્જનાત્મક કામો પાછળ જ ખર્ચીશ. મારી આવી સમજનું પણ મને પરિણામ મળ્યું છે.
સામાન્ય રીતે એવું બનતું હોય છે કે રચનાત્મક કામ કરનારા અને ધ્યાન-સાધના કરનારા લોકો ગંભીર બની જતા હોય છે, પરંતુ હું એવી ગંભીર બની નહોતી. ઊલટું મારા નિખાલસ સ્વભાવમાં ઓર નિખાલસતા આવી હતી. હું વધુ પારદર્શક અને મારી જાત પ્રત્યે વધુ પ્રામાણિક બની હતી. આવી પારદર્શકતા અને પ્રામાણિકતા આવે એ પછી તમામ બંધનો એની મેળે જ છૂટવા લાગે છે. જો કે એમ આપણું સામાજિક અસ્તિત્વ સાવ છૂટી જતું નથી. એથી કેટલાંક બંધનો સહેલાઈથી છૂટતાં નથી. મનીષા સાથેનો મારો સંબંધ આવું જ એક વિશિષ્ટ બંધન હતું.