લીલો ઉજાસ ભાગ – ૨ પ્રકરણ-૫ કારણ વિનાનો સંબંધ

મનીષા સાથેની મારી મૈત્રીનો ભૂતકાળ જેટલો લાંબો છે એટલો જ ઈતિહાસ પણ લાંબો છે. આ લાંબા ઈતિહાસને ફક્ત એક જ વાકયમાં પણ કહી શકાય તેમ છે. ‘હું મનીષા છું અને એ સોનલ છે.’ અમારાં બંનેના વ્યક્તિત્વ ભિન્ન છે. વિચારો જુદા છે અને રહેણીકરણીમાં પણ તફાવત છે. એ તફાવતને અમે ઝીલ્યો છે અને એથી જ અમારી મૈત્રી આટલી મજબૂત છે. મારા બહિર્મુખી અને બિન્ધાસ્ત સ્વભાવને કારણે મારા પરિચિતોની સંખ્યા ઘણી મોટી છે અને કહેવા ખાતર તો મિત્રો પણ ઘણા છે. પરંતુ એ બધામાં કેવળ ઔપચારિકતા જ છે. મને ઘણી વાર ઘણા લોકોએ પૂછયું છે કે મનીષાના અને મારા સ્વભાવમાં આભ-જમીનનો ફેર હોવા છતાં તમને બંનેને આટલું ફાવે છે કઈ રીતે? એનો મારો જવાબ એ છે કે અમારી વચ્ચેના સંબંધના પાયામાં સ્વભાવ, રસ-રુચિ, બુધ્ધિ, અપેક્ષાઓ વગેરે જેવું કશું જ નથી. કદાચ અમારા સંબંધોના પાયામાં શૂન્ય છે. કદાચ મનીષા એક જ એવી વ્યક્તિ છે જેની સાથે મારે કોઈ કારણ વિના સંબંધ છે. મારું તો એવું માનવું છે કે મૈત્રીમાં પણ કારણ પ્રવેશી જાય ત્યારે એ મૈત્રીની આપોઆપ અવસાનનોંધ લખાઈ જાય છે.

મૈત્રીમાં કોઈ જ સ્વાર્થ નથી હોતો. અને કોઈ અપેક્ષા પણ નહીં.
મૈત્રીમાં કોઈ જ સ્વાર્થ નથી હોતો. અને કોઈ અપેક્ષા પણ નહીં.

      મનીષા સાથેની મારી પહેલી મુલાકાત બહુ વિચિત્ર લાગે એવી હતી. હું પાંચમા ધોરણમાં ટર્મ શરૂ થઈ એ પછી લગભગ એક અઠવાડિયે ગોકળીબાઈ સ્કૂલમાં દાખલ થઈ હતી. હું થોડી વહેલી જઈને એક બેન્ચ બેસી ગઈ હતી. થોડી વારમાં બધા વિદ્યાર્થીઓ આવવા લાગ્યા. એક છોકરીએ આવીને મને સહેજ ધક્કો મારતાં કહ્યું, “ઊઠ, આ મારી જગ્યા છે!” મારે માટે એ પહેલો દિવસ હતો. એટલે મેં દલીલ ન કરી. પરંતુ બાજુ પર ખસી ગઈ. થોડીવાર પછી ક્લાસ શરૂ થયો. પણ મને એણે મારી જગ્યાએથી ખસેડી એને કારણે મને બહુ દુઃખ લાગી આવ્યું હતું. મનોમન, હું એને જવાબ આપતી હતી કે અહીં તો જે વહેલું આવીને બેસે એની જ જગ્યા ગણાય. કોઈએ પોતાની જગ્યા પર નામ થોડું લખ્યું છે? પરંતુ આ બધું મારા મનમાં ચાલતું હતું એથી થોડી વાર પછી મારા અહંકારને લાગેલી ચોટને કારણે મારી આંખમાં પાણી ધસી આવ્યાં. પિરિયડ પૂરો થયો અને ટીચર બહાર ગયાં. ત્યારે એણે આકસ્મિક જ મારી સામું જોયું. મારી આંખમાં પાણી ધસી આવેલાં જોઈને એ ઊભી થઈ ગઈ અને મને કહેવા લાગી, “આવતી રહે અહીં.” હું ખસી નહિ, પરંતુ એણે મને હાથ પકડીને ખેંચી અને પોતાની જગ્યાએ બેસાડી તથા એ પોતે મારી જગ્યાએ બેસી ગઈ.

      હું એ વખતે પણ બહુ સ્વમાની અને વધારે તો અભિમાની હતી. એ વખતે પણ મને સમજાયું હતું કે, એણે અભિમાન રાખ્યા વિના મને એની જગ્યાએ બેસાડીને પોતાનું અભિમાન જતું કર્યું હતું. મને એ સારું લાગ્યું હતું. મને એ વખતે વિચાર જ એવો આવી ગયો કે અભિમાન ન રાખીએ તો આપણે બીજાને ગમીએ. મને કદાચ અજાણતાં જે એની પાસેથી આ પાઠ શીખવા મળ્યો હતો એ રીતે એ મારી પહેલી ગુરુ ગણાય. જોકે એનાથી મારું અભિમાન ઓછું થઈ ગયું નહોતું. કારણ કે મારા મનમાં એ વખતે થયું હતું કે, આપણે અભિમાન ન કરીએ તો બીજાને ગમીએ, પણ આપણું પોતાનું શું?

     સાંજે છૂટતી વખતે મને એને થેંકયુ’ કહેવાનું મન થયું. પણ મારો અભિમાની સ્વભાવ પાછો આડે આવ્યો. છતાં હું એની સામે સહેજ હસી. એ પણ હસીને પૂછયું, “તારું નામ તો કહે!

      “સોનલ… સોનલ કે. શાહ…. તારું?” મેં પણ એનું નામ પૂછયું.

      મનીષા… મનીષા એમ. શુક્લ…એણે એ જ રીતે જવાબ આપ્યો અને પછી ઉમેર્યું, હું તો તને સોનુ જ કહીશ.

      મેં પણ સામે કહ્યું, તો હું તને મોનુ કહીશ. મને તો ઘરમાં આમેય બધાં સોનુ જ કહે છે!

     સોનુ અને મોનુ. આ બે જ શબ્દોએ અમારી વચ્ચે આત્મીયતાનો એક અદ્રશ્ય પુલ બાંધી દીધો. અમે ક્યારે ગાઢ મિત્રો બની ગયાં એની જ ખબર ન પડી. ઘરે જતાં મારું ઘર પહેલાં આવતું હતું. અમે બંને સ્કૂલેથી સાથે જ નીકળતાં અને મોનુ આવે એટલે અમે સાથે જ સ્કૂલે જતાં. રિસેસમાં અમે નાસ્તો પણ સાથે કરતાં. એ મને મૂકીને ખાતી નહિ અને હું એને મૂકીને ખાતી નહિ. એકવાર એ નાસ્તામાં બટાકા-પૌંઆ લાવી હતી. એ દિવસે હું કોઈક કારણસર સ્કૂલે ગઈ નહોતી. એણે એના ડબ્બામાં મારા માટે થોડા બટાકા-પૌંઆ રાખી મૂકયાં હતા. બીજે દિવસે એણે મને ડબ્બો આપતાં કહ્યું, “તારા માટે જ રાખ્યાં છે. આજે તું ન આવી હોત તો તારે ઘેર આપી જાત. કાલે સાંજે તારા ઘેર પણ તાળું હતું!”

       “મારા પપ્પાના એક મિત્રના ફલૅટનું વાસ્તુ હતું. એટલે અમે કાલે ગોરેગાંવ ગયાં હતાં.” એમ કહીને મેં ડબ્બો ખોલ્યો અને બટાકા-પૌંઆ ખાઈ ગઈ. એ વખતે મને સમજાયું નહોતું કે બટાકા-પૌંઆ વાસી થઈ ગયા હોય અને બગડી જ ગયા હોય. મારા માટે એ વખતે આ વાત પણ મહત્ત્વની નહોતી.

      આવી નાની નાની પ્રેમાળ આંતરક્રિયાઓએ જ અમારા સંબંધોને સીંચ્યા છે. આવા તો ઢગલાબંધ પ્રસંગો અત્યારે યાદ આવે છે. બધા પ્રસંગો કહેવા બેસું તો એક મોટો ગ્રંથ થાય. છતાં એક પ્રસંગ સાંભળવા જેવો છે. પાંચમા ધોરણની વાર્ષિક પરીક્ષામાં ગણિતનું પેપર ઝટઝટ આપીને હું દાદર પર મનીષાની રાહ જોતી ઊભી હતી. થોડી વારમાં મનીષા આવી અને મને જોતાં જ મારો હાથ પકડીને ધૂસકે ને ધ્રૂસકે રડવા માંડી. હું પૂછું તો જવાબ પણ ન આપે. એને રડતી જોઈને થોડી વાર પછી હુંય ૨ડવા માંડી. અમે બંને આમ રડતાં રડતાં ઊભાં હતાં ત્યાં અમારાં ક્લાસ ટીચર રંજનબહેને દાદર ઊતરતી વખતે અમને જોયાં. રંજનબહેને મને પૂછયું, “કેમ રડે છે, સોનલ?” મેં નિર્દોષભાવે કહ્યું, “આ મનીષા રડે છે ને એટલે!” એમણે તરત મનીષાને પૂછયું, “તું કેમ રડે છે. છોકરી?” મનીષાએ કંઈ જવાબ ન આપ્યો એટલે એમણે મનીષાના માથા પર હાથ મૂકીને ફરી એ જ સવાલ પૂછયો. મનીષા રડતાં રડતાં જ બોલી, “ગણિતનું પેપર અઘરું હતું. બહુ ખરાબ ગયું છે, એટલે!”

       રંજનબહેન કંઈ બોલે એ પહેલાં જ મેં કહ્યું, “ધત્તેરે કી! પેપર ખરાબ જાય એમાં તો રડાતું હશે? મને પણ ખોટી રડાવી ને?”

      રંજનબહેન હસવા લાગ્યાં. એમને હસતાં જોઈને અમે બંને પણ હસી પડયાં. પરિણામ આવ્યું ત્યારે મારા કરતાં મનીષાને ગણિતમાં ત્રણ માર્કસ વધારે મળ્યા હતા અને અમે બંને પાસ થઈ ગયાં હતાં.

      મનીષા ક્યારેક ક્યારેક મારે ઘરે આવતી અને હું પણ એને ઘેર જતી. પણ મારી મમ્મીનો સ્વભાવ બહુ કંજૂસ અને કૃપણ હતો. ક્યારેક તો એ મનીષાને પાણીનો પણ ભાવ ન પૂછતી. એની સામે હું જયારે જયારે મનીષાને ઘેર ગઈ છું ત્યારે એની મમ્મી વિની આન્ટીએ મને નાસ્તો કરાવ્યો છે. હું જાઉં ત્યારે મોટે ભાગે મનીષાના પપ્પા ઘરે ન હોય. એટલે એમને ભાગ્યે જ મળવાનું થતું.

      પછી તો એવું થયું કે, નીષાનું મારે ઘેર આવવાનું બહુ ઓછું થઈ ગયું. હું જ સૌથી વધુ એને ઘેર જતી. પરંતુ કોણ કોને ત્યાં કેટલી વાર આવ્યું એનો હિસાબ રાખવાનું અમારે મન બહુ મહત્ત્વનું નહોતું. અમારે મન તો અમારું મળવાનું જ મહત્ત્વનું હતું. પરંતુ આપણું સામાજિક માનસ એવું થઈ ગયું છે કે મિત્રો અને સગાં-સંબંધીઓ પણ કોણ કેટલી વાર આવ્યું એના ચોપડા રાખતા હોય છે. એના આધારે જ સંબંધોની મુલવણી કરે છે. મને કાયમ એવું લાગ્યું છે કે જ્યાં આવી ગણતરીઓ રાખવામાં આવતી હોય છે ત્યાં માત્ર ઔપચારિક અને દેખાવ ખાતરના જ સંબંધો હોય છે. હૃદયના સંબંધોમાં કોઈ ગણતરી કે કોઈ પૂર્વશરત હોઈ શકે જ નહિ.

      છેક બારમા ધોરણ સુધી અમે સાથે જ રહ્યાં. હવે તો બધાં જાણી ગયાં હતાં કે અમે બે ફાસ્ટ-ફ્રેન્ડ છીએ. અમારી વચ્ચે ક્યારેક કોઈક વાતે મતભેદ પડે કે એકબીજાથી નારાજ થયાં હોઈએ તો પણ એ ક્ષણિક જ હોય. સામાન્ય રીતે એવું કહેવાય છે કે મિત્રો વચ્ચે જ દુશ્મનાવટ પેદા થતી હોય છે અને જ્યાં પ્રેમ હોય ત્યાં ધૃણા પણ હોય જ. પરંતુ મારી અને મનીષા વચ્ચે છેક સુધી આવી સ્થિતિ સર્જાઈ નથી એનું કારણ કદાચ એ છે કે અમારી વચ્ચે અપેક્ષાઓ સંપૂર્ણ ગેરહાજર હતી અને અમે બંનેએ પરસ્પરનો પૂરેપૂરો સ્વીકાર કર્યો હતો. એક વાર તો મેં મનીષાને એમ પણ કહ્યું હતું કે, “જો આપણાં બેમાંથી એક છોકરો હોત તો આપણે બેએ જ લગ્ન કર્યા હોત.

      મનીષાએ તરત જ જવાબ આપ્યો હતો, “મારે તો સ્ત્રી જ રહેવું છે. હજુ તારાથી છોકરો બનાતું હોય તો બન. હું તને પતિ તરીકે સ્વીકારવા તૈયાર છું!

     અમે કૉલેજ પણ સાથે જ કરવાનું નક્કી કર્યું હતું. અમારા બંનેની જોડી એવી મજબૂત હતી કે એમાં ત્રીજા કોઈનું સ્થાન જ ન હોય. ક્લાસમાં મનીષા કદાચ સૌથી રૂપાળી અને દેખાવડી હતી. એના પછી મારો નંબર આવતો હતો. એટલે કેટલાય છોકરાઓ અમારા બંને પર લાઈન મારતા હતા. પરંતુ મનીષા કોઈને રિસ્પોન્સ નહોતી આપતી અને મારી તો છાપ જ એવી પડી ગઈ હતી કે કોઈ મારી નજીક આવવાની હિંમત જ કરતું નહોતું.

       એ વર્ષે ટેલેન્ટ ઈવનિંગ યોજાઈ ત્યારે અમારા ક્લાસના પંકજે માય લવફિલ્મનું જિક્ર હોતા હૈ જબ કયામત કાગીત ગાયું હતું. ગીત પોતે જ સરસ હતું અને પંકજે પ્રમાણમાં સરસ ગાયું હતું. એને ત્રણ વાર વન્સ મોરમળ્યું હતું. હું અને મનીષા હૉલમાં પણ સાથે જ બેઠાં હતાં. મેં જોયું કે આ ગીત ગાતી વખતે પંકજ વારંવાર મનીષા સામે જોઈ લેતો હતો અને ક્યારેક તો જોયા જ કરતો. મેં મનીષાને કહ્યું કે, “આ મજનૂ તારી પાછળ લટ્ટુ હોય એવું લાગે છે!

        મારું અનુમાન સાચું હતું. ટેલેન્ટ પછી એ આમથી તેમથી હું અને મનીષા ઊભાં હતાં ત્યાં આવ્યો અને હું કે મનીષા એના ગીતની પ્રશંસા કરીએ છીએ કે નહિ એ જોવા જ જાણે અમારી સામે ઊભો રહ્યો. અમે બેમાંથી એકેય કશું બોલ્યાં નહિ એટલે એણે જ કહ્યું, કયું ગીત ગમ્યું, એ ના કહો તો કંઈ નહિ, કયું ના ગમ્યું એ તો કહો! એમ કહીને એણે મનીષા સામે જોયું.

      તમારે આંખ બંધ રાખીને ગાવું જોઈએ. ઓડિયન્સ પર એટલી તો દયા ખાવી જોઈએ ને!મનીષાએ કહ્યું અને તરત મારી સામે જોયું. અમે બંને હસી પડયા. પંકજ પણ થેંક યુકહીને ચાલતો થયો.

      એ પછી જયારે પણ એ ક્લાસમાં આવે ત્યારે મનીષા સામે જોઈને આછું હસતો. મનીષા પણ પરાણે પરાણે હસી લેતી. એક વાર અમે બંને લૉબીમાં ઊભાં હતાં ત્યારે કંઈક વાત કરવાના આશયથી જ પંકજ અમારી પાસે આવ્યો અને બોલ્યો, “આ વખતે એપ્રિલમાં પરીક્ષા છે…”

      મેં કહ્યું, “વાસી સમાચાર છે…

     તરત જ એ વાતનો વિષય બદલીને મનીષાને કહ્યું, “કાલે સાંજે જૂહુ બિચ પર દૂરથી તમારા જેવી જ અસ્સલ છોકરી દેખાઈ… હું ઝડપથી એની નજીક પહોંચી ગયો. પણ બીજી જ કોઈક છોકરી નીકળી. હું તા રોજ સાંજે છ વાગ્યે જૂહું જાઉં છું. પ્રીતમની નાળિયેરની લારી પાસે જ બેઠો હોઉં છું!

     મેં મનીષા સામે જોયું. મને તો સમજાઈ જ ગયું હતું કે, આ મહાશય આડકતરી રીતે મનીષાને જૂહુ બિચ પર સાંજે છ વાગ્યે પ્રીતમની લારી પર આવવાનું નિમંત્રણ આપી રહ્યા છે. મનીષાને પણ એ વાત સમજાઈ ગઈ હતી. એ કંઈ બોલી નહિ એટલે એણે કહ્યું, “તમારા વાળ બહુ સરસ છે. મને તો તમારા આવા લાંબા વાળની ઈર્ષા આવે છે!

     મેં તરત કહ્યું, તમે પણ વધારવા માંડો. આઠ-દસ વર્ષમાં કદાચ તમારા વાળ પણ આટલા લાંબા થઈ જશે અને પછી તમારે મનીષાની ઈર્ષા નહિ કરવી પડે.” મેં આવું કહ્યું એ એને ગમ્યું નહિ. એ સીધો જ ક્લાસમાં જતો રહ્યો. કદાચ એની મુશ્કેલી એ હતી કે હું અને મનીષા હંમેશાં સાથે જ રહેતાં હતાં.

      નવું વર્ષ શરૂ થયા પછી એક દિવસ હું કૉલેજ નહોતી ગઈ. મનીષા એ દિવસે સહેજ મોડી કૉલેજ પહોંચી હતી. ક્લાસ શરૂ થઈ ગયા હતા. લૉબીમાં કે દાદર પર કોઈ નહોતું. મનીષા દાદર ચડતી હતી ત્યાં સામેથી પંકજ આવ્યો. મનીષાને આજે એકલી જોઈને એણે લાગ ઝડપી લીધો. એણે મનીષાને રોકીને કહ્યું,  “આખું વૅકેશન તમને ખૂબ યાદ કર્યા છે. મનીષા… આઈ લવ યુ… આઈ લવ યુ ટુ મચ…” હૃદય પર હાથ રાખીને એ બોલ્યો અને આજુબાજુ કોઈ જોતું નથી એની ખાતરી કરી લઈને એકદમ મનીષાની નજીક આવી ગયો. એના ચહેરા પરના હાવભાવ કહેતા હતા કે એ મનીષાને કિસ કરી લેવા એના તરફ ઝૂક્યો હતો. પરંતુ મનીષા ક્ષણનોય વિલંબ કર્યા વિના ત્યાંથી છટકી ગઈ.

     બીજે દિવસે મનીષાએ મને વાત કરી. અમે એમ ધાર્યું કે, મનીષાએ એની વાત સ્વીકારી નથી એટલે એ હવે ઠરી જશે. પરંતુ એ ઠર્યો નહિ. અમે જ્યારે પણ પસાર થતાં હોઈએ ત્યારે અમને સંભળાય એ રીતે એ મોટેથી બોલતો આઈ.એલ.વાય.” થોડા દિવસ પછી અમે ક્લાસમાં ગયાં ત્યારે મનીષાની બેંચ પર કોતરેલું હતું. આઈ લવ યુ.” મનીષાને ગુસ્સો તો આવ્યો, પરંતુ ઝઘડો કરવા જતાં ફજેતી થાય એ બીકે એ ચૂપ રહી.

       થોડા દિવસ પછી એ એક વાર મને રસ્તામાં મળી ગયો. મને ઊભી રાખીને કહ્યું, “સોનલ, હવે તારા સિવાય કોઈ આરો નથી!”

    કેમ? વાત શું છે?” મેં પૂછયું.

   “તું મનીષા સાથે મારું ગોઠવી આપ ને! હું એને બહુ જ ચાહું છું. એને ખુશ કરવા જેવું બધું જ છે મારી પાસે! મને રાત-દિવસ એ જ યાદ આવે છે!” પંકજ જાણે આજીજી કરતો હોય એમ બોલ્યો.

      “જો પંકજ, મનીષા તારી વાત સ્વીકારે એવું મને લાગતું નથી, તેં એક વાર એને ‘આઈ લવ યુ’ કહ્યું અને એણે જવાબ ન આપ્યો એ પછી તારે આખી વાત ભૂલી જવી જોઈએ. બળજબરીથી કદી પ્રેમ ન થાય!”

     મારી વાત સાંભળીને પંકજ ધૂંઆપૂંઆ થતાં બોલ્યો. “એને કહી દેજે કે પ્રેમથી મારી વાત નહિ માને તો મને બળજબરી કરતાં પણ આવડે છે. હું એને… હું એને ઉપાડી જઈશ… યે ઈજજત કા સવાલ હૈ!”

     મેં કહ્યું, “જો જે એવું કંઈ કરતો! એમાં મજા નહિ આવે!”

      પરંતુ મારી આવી ગર્ભિત ચેતવણીની એના પર કોઈ અસર થઈ નહિ. બીજે દિવસે અમે ક્લાસમાં ગયાં ત્યારે આખા બ્લેકબોર્ડ પર લખેલું હતુ: “ટુએમ. આઈ લવ યુ. ફ્રોમ પી.”

     મેં અને મનીષાએ બ્લેક બોર્ડ લૂછી નાખ્યું. હવે મનીષાને પણ ગુસ્સો આવતો હતો અને મને પણ એટલો જ ગુસ્સો આવતો હતો. અમને બંનેને પંકજને કોઈક પાઠ ભણાવવાની ઈચ્છા હતી. “મને ડર એ જ હતો કે પંકજે મને કહ્યું હતું તેમ મનીષાને ઉપાડી જવાનું એ પરાક્રમ ન કરે. એથી જ હું મનીષાને એક મિનિટ પણ એકલી પડવા દેતી નહોતી. ઘણી વાર પંકજ દૂર રહીને અમારી પાછળ પાછળ આવતો. સીટી મારતો. હું એની તરફ જોઉં એટલે એ નજર ફેરવી લેતો. એને કદાચ એના માલેદાર અને સ્થાનિક રાજકારણી એવા બાપનું જોર હતું. એક વાર એ પાછળ પાછળ આવતો હતો ત્યારે અમે અચાનક ઊભાં રહી ગયાં. એ પણ ઊભો જ રહ્યો. થોડી વાર પછી એ પાછો જતો રહ્યો.

        એ પછી જ્યારે પણ અમે પસાર થતાં હોઈએ ત્યારે મનીષાને ધ્યાનમાં રાખીને કોઈક કોમેન્ટ કરતો અથવા કોઈક ફિલ્મી ગીત ગાતો. એક વાર મનીષા સામે નજર રાખીને એણે ગાયું, “યે રેશમી ઝુલ્ફ, યે શરબતી આંખે.મનીષા ઊભી રહી ગઈ અને એની સામે વેધક નજરે જોવા લાગી. એણે તરત જ ગીતની ધૂન બદલી નાખી અને ગાવા માંડયું, “માફ કરો, બાબા માફ કરો, ઐસા ભી ક્યા ગુસ્સા મન સાફ કરો…

        એક દિવસ એણે દૂરથી મનીષા પર કાગળનું એક તીર નાખ્યું. એણે ચાલુ ક્લાસે આવું કર્યું હતું અને એ ઘણાં બધાંએ જોયું હતું. મેં એ તીરનો કાગળ ખોલીને વાંચ્યું. એમાં લખ્યું હતું. લાસ્ટ વોર્નિગ, આઈ લવ યુ… સે યુ લવ મી.

       પછીના પિરિયડમાં રિસેસ પડી. હું અને મનીષા જઈ રહ્યાં હતાં. ત્યાં એણે મોટેથી ગાવા માંડયું. તુમ ને કિસી કી જાન કો જાતે હુએ દેખા હૈ… વો દેખો મુઝ સે રૂઠ કર મેરી જાન જા રહી હૈ…

       મનીષા તરત પાછી ફરી. ઝડપથી એની પાસે ગઈ અને આજુબાજુમાં ત્રણ-ચાર છોકરાઓ ઊભા હતા એમને આંતરીને આગળ વધી અને જોરથી એને એક લાફો મારી દીધો. વાતાવરણમાં સોપો પડી ગયો. અમે તરત જ ત્યાંથી નીકળી ગયાં અને ઘેર આવ્યાં. એ દિવસે હું આખો દિવસ મનીષાની સાથે રહી. કદાચ પંકજ એ લાફાનો બદલો લે તો! મને એ જ ચિંતા હતી.

        એ દિવસ પછી પંકજે મનીષાને સતાવવાનું તો બંધ કરી દીધું પરંતુ એના મન પરથી મનીષાનું ભૂત સાવ ઊતરી ગયું નહોતું. એને ઊંડે ઊંડે એવી આશા હતી કે મનીષા આજે નહિ તો કાલે માની જશે. પરંતુ મનીષાના મનમાં એના માટે જરાય કૂણી લાગણી નહોતી.

       મને ફરી એક વાર લાગ્યું કે પૈસા, પ્રતિષ્ઠા કે એવી બાબતો હોય ત્યાં પ્રેમ જેવી વસ્તુ રહી જ શકતી નથી. મોટા ભાગના લોકો એમ માનતા હોય છે કે પૈસા અને પ્રતિષ્ઠાના જોરે તેઓ પ્રેમને પણ વશ કરી શકે છે. આને કારણે જ આવા લોકો પંકજ જેવા વાનરવેડા પર ઉતરી આવે છે અને પ્રેમ માટે બળજબરી પણ કરવા તૈયાર થઈ જાય છે. પરંતુ ખરેખર આ એમનો પ્રેમ નથી હોતો. આ તો આંધળો મોહ અને નરી વાસના જ હોય છે.

       એ પછી પંકજ મને જયારે જયારે એકલો મળી જાય ત્યારે કહેતો. “પ્લીઝ, મનીષાને સમજાવ ને! મારાથી જે કંઈ થયું છે એની હું માફી માગવા તૈયાર છું. આજ સુધી કોઈએ મને કશી જ વાતની ના પાડી નથી. મનીષાએ મને ના પાડીને મારા અહમ્ પર પ્રહાર કર્યો છે. હવે મને એના વિના કશું જ સૂઝતું નથી.”

     મનીષાનાં લગ્ન પછી તરત જ એક વાર મને એ મળ્યો ત્યારે એણે કહ્યું હતું. “ભલે એનાં લગ્ન થઈ ગયાં. હું એને મેળવીને જ જંપીશ.”

      ત્યાર પછી એક વાર મળ્યો ત્યારે મારી પાસે મનીષાનું સરનામું અને ફોન નંબર માગ્યાં. મેં એની સાથે મારાં લગ્નનો પ્રસ્તાવ મૂકીને આકરી શરતોમાં એવો તો ભડકાવી દીધો કે એ ત્યાંથી ઊભી પૂંછડીએ નાસી ગયો હતો!

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: