લીલો ઉજાસ – પ્રકરણ – ૧૫ – સાધ્વી થવાનો મનીષાનો વિચાર કેટલો વાજબી?

સોનલ ચૂપચાપ મનીષાને જોઈ રહી હતી. મનીષા તકિયામાં મોં સંતાડીને હજુય ધ્રૂસકે ને ધ્રૂસકે રડતી હતી. એનો અવાજ સાંભળીને મનહરભાઈ અને વિનોદિનીબહેન પણ દોડી આવ્યાં હતાં. એ બંને સોનલ સામે તાકી રહ્યાં હતાં. એમની આંખો જાણે સોનલને પૂછી રહી હતી કે શું થયું? સોનલે એમને ઈશારાથી ચૂપ રહેવા કહ્યું. મનહરભાઈએ સોનલને ઈશારાથી બહાર બોલાવી. બંને રસોડામાં ગયાં. ત્યાં સોનલે એમને કહ્યું, “ચિંતા કરશો નહિ. એને બોલતી કરતાં વાર લાગશે. અત્યારે એ ઉશ્કેરાઈ ગઈ છે. મને લાગે છે કે અર્ચનાએ ઉદયની વાતમાં કંઈક ગેરસમજ કરી છે અને સાચી વાત કંઈક જુદી જ છે. મનીષા કંઈ કહેવા તૈયાર નથી એ ઉપરથી લાગે છે કે મૂળ વાત આપણે સમજીએ છીએ એ કરતાં વધારે ગંભીર છે. થોડી ધીરજ રાખવી પડશે.મનહરભાઈ પણ એની સાથે સંમત થયા.

         મનહરભાઈ અને વિનોદિનીબહેન થોડીવાર પછી એમના રૂમમાં ગયાં અને સૂઈ ગયાં. સોનલ ત્યાં જ મનીષાની બાજુમાં પલંગ પર બેસી રહી. એને લાગ્યું કે મનીષા રડતાં રડતાં જ ઊંઘી ગઈ છે. લગભગ કલાકેક આમ જ પસાર થઈ ગયા પછી સોનલ ધીમે રહીને ઊઠી અને રસોડામાં જઈને ભાખરી અને છૂંદો લઈ આવી. પલંગ પર બેસીને એણે ખાધું અને ડીશ બાજુમાં જ ટિપોય પર મૂકી દીધી. ટિપોય પર પાણીનો જગ હતો. ગ્લાસમાં પાણી કાઢીને લેવાને બદલે જગ વડે જ પાણી પીધું. એને એક હળવો ઓડકાર આવી ગયો.

           સોનલ મનીષાને જોઈ રહી. એ ઓશીકામાં મોં નાખીને ઊંધી સૂઈ ગઈ હતી. એના શરીરમાં સહેજ પણ હલનચલન થતું નહોતું. થોડીવાર થઈ ત્યાં મનીષાએ માથું ઊંચું કરીને સોનલને કહ્યું, “સૂઈ જા.” સોનલે કંઈ જવાબ ન આપ્યો. મનીષા પાછી સૂઈ ગઈ. લગભગ અડધો કલાક થયો હશે ત્યાં મનીષાએ ફરી માથું ઊંચું કર્યું અને બોલી, “તેં ખાધું?” સોનલે જવાબ આપવાને બદલે હાથના ઈશારાથી ટિપોય પર પડેલી ડીશ બતાવી અને પછી ભીંત તરફ જોવા લાગી. મનીષા થોડીવાર જોઈ રહી અને પછી બોલી, “હવે સૂઈ જા ને!સોનલે કંઈ જ જવાબ ન આપ્યો. એટલે મનીષાએ એનો હાથ પકડીને એને ખેંચી. સોનલે તેની સામે જોયા વિના જ ઝટકો મારીને હાથ છોડાવ્યો અને તિરસ્કારના ભાવ સાથે ધીમેથી બોલી, ‘ઈડિયટ!

          મનીષા એની સામું જોઈ રહી અને પછી તરત બેઠી થઈ ગઈ. એ બોલ્યા વિના પોતાના બંને હાથ હડપચી પર ટેકવીને બેઠી. થોડીવાર આમ મૌન પથરાયેલું રહ્યું પછી મનીષાએ એને હાથ પકડીને ઝકઝોરી અને કહ્યું, બોલ, કંઈક તો બોલ!”

         સોનલ એની સામે જોઈ રહી. પછી ધીમા અવાજે એણે કહ્યું, હવે મારે બોલવાનું નથી. તારે બોલવાનું છે. તું નહિ બોલે ત્યાં સુધી હું રાહ જોઈશ અને બેસી રહીશ.

       “ક્યાં સુધી બેસી રહીશ?” મનીષાએ આંખો ઝીણી કરતાં પૂછયું.

       કહ્યું તો ખરું કે તું નહિ બોલે ત્યાં સુધી. અનંત સમય સુધી નહિ બોલે તો અનંત સમય સુધી બેસી રહીશ.સોનલે ચહેરા પર મક્કમતાના ભાવ લાવીને કહ્યું.

      “તું ખોટી જીદ કરે છે… મને સમજવાનો પ્રયત્ન જ નથી કરતી…” મનીષાએ મોં બગાડીને કહ્યું.

      “હું ખોટી જીદ કરું છું કે તું ખોટી જીદ કરે છે? અને હું તને સમજવાનો પ્રયત્ન કરતી નથી કે હું તને સમજવાનો પ્રયત્ન કરું છું એ તું સમજતી નથી?” સોનલે ગુસ્સા સાથે કહ્યું.

      મનીષા સહેજ વાર વિચારવા લાગી. પછી નીચું જોઈને બોલી, સોનુ, મારી એક વાત સમજ. હવે ઉદય નથી અને એથી એ બધી ચર્ચા કરવાનો અર્થ નથી. કદાચ અમારી સમસ્યા કઈ હતી એ હું તને કહું તો પણ શું લાભ થવાનો છે? મને તો લાગે છે કે તારી આ જીદ ખોટી જ છે.”

     “તારી વાત બરાબર. ઉદયની સમસ્યાનો હવે કોઈ ઈલાજ નથી. પણ જો એ ખરેખ૨ ઉદયની સમસ્યા હોય તો. અને તેં જ કહ્યું હતું કે સમસ્યા તમારા બંનેની હતી. તો પછી તને એ કહેતાં કેમ આટલું બધું જોર આવે છે? તને કહેતાં શું થાય છે?” સોનલે સહેજ ગુસ્સો લાવીને કહ્યું.

        “હું કબૂલ કરું છું કે મેં આવું કહ્યું હતું. પરંતુ હજુય મારી વાતને સમજ. અમારી બંનેની સમસ્યા હોય તો પણ જયારે હવે બેમાંથી એક જણ હાજર નથી ત્યારે એની ચર્ચા નકામી છે.મનીષા એની વાતને વળગી રહી.

         “એ ચર્ચા નકામી નથી. મેં તને પહેલાં જ કહ્યું હતું કે, જો તું સાચી વાત નહિ કહે તો હજુ બધાં લોકો જાણતાં નથી અને વાત ચહેરાશે તો તને જ નુકસાન થશે.સોનલ મૂળ મુદ્દા પર આવી.

       મેં તને કહી દીધું કે એ વાત ખોટી છે. હું ઠંડી છું. ફ્રિજિડ છું અને મેં જ ઉદયને શરીરસુખ નથી આપ્યું એથી અકળાઈને ઉદયે આવું પગલું ભર્યું એ વાત તદ્દન ખોટી છે. એવું તું કહે તો હું તને લખી આપું. ટેલિવિઝન પર બોલી આપું અથવા માઈક લઈને બધે કહી આવું…મનીષાના અવાજમાં આક્રોશ હતો.

        મોનુ, તું કહે છે કે આ વાત ખોટી છે તો હું એ માની પણ લઉં છું. પરંતુ કોઈક વાત ખોટી છે એવું સાબિત કરવા માત્રથી એ સાચી સાબિત થઈ જતી નથી.સોનલે તર્ક કર્યો.

        “તો હું શું કરું કે જેથી સાચી સાબિત થાય? તું કહે તો આપણે કોઈક એકસ્પર્ટ ડૉક્ટર પાસે જઈએ અથવા કોઈક સેક્સોલોજિસ્ટ પાસે જઈએ અને એનું સર્ટિફિકેટ લખાવી લઈએ જેમાં એ લખી આપે કે મનીષા ફ્રિજિડ નથી.મનીષા થોડી ચીડ સાથે બોલી.

      હં…. સાવ ઈડિયટ જેવી વાત કરે છે. આ કંઈ મલેરિયા જેવી તકલીફ નથી કે બ્લડ ટેસ્ટ કરાવીએ એટલે ખબર પડી જાય કે મલેરિયા છે કે નહિ. હા, પરદેશોમાં એવી સેક્સ લેબોરેટરીઝ છે. જયાં સ્ત્રીને કૃત્રિમ રાતે ઉત્તેજિત કરીને એની ઉત્તેજનાને ઈન્ડેક્સ યંત્રો વડે માપવામાં આવે છે. પરંતુ આપણે તો હજુય અંધાર- યુગમાં જ જીવીએ છીએ. એટલે આવું સર્ટિફિકેટ કોઈ આપવાનું નથી અને આપે તો શું તું એ તારા ગળામાં લટકાવીને ફરવાની છું?” સોનલે ચીડ સાથે ગુસ્સો મિશ્રિત કરીને કહ્યું, અને ઉમેર્યું. આપણા દેશમાં તો આજકાલ લેભાગુ અને બની બેઠેલા સેક્સોલોજિસ્ટોની જ બોલબાલા છે. જેને આપણે સાચા અર્થમાં એકસ્પર્ટ સેક્સોલોજિસ્ટ કહીએ એવાં તો આંગળીને વેઢે ગણાય એટલા પણ નથી!

        “તો પછી હું શું કરું?” મનીષાએ અકળાઈને કહ્યું.

        “હું એ જ કહું છું. આ વાત ખોટી છે. એવું પણ ત્યારે જ સાબિત થાય જ્યારે સાચું શું છે એની ખબર પડે!સોનલે ભારપૂર્વક પોતાનો અભિપ્રાય આપ્યો.

       મનીષાએ કંઈ જવાબ ન આપ્યો. એ થોડીવાર સુધી વિચારતી રહી. પછી એણે પૂછયું. હું ફ્રિજિડ છું અને ઉદયને શારીરિક સુખ આપી શકી નથી એવું તને કોણે કહ્યું? અર્ચનાએ?”

      “ના. અર્ચનાએ તો મને એટલું જ કહ્યું હતું કે, બંને વચ્ચે સેક્સને લગતો કોઈક પ્રોબ્લેમ હતો!સોનલે એના પૂરતી સાચી વાત કરી.

      તો પછી હું ફ્રિજિડ છું અને એને શારીરિક સુખ આપતી નહોતી એ તારી કલ્પના જ છે ને?” મનીષાએ વેધક આંખો કરીને કહ્યું.

       મારી કલ્પના છે એમ માની લે, તો પણ તેં એને શારીરિક સુખ આપ્યું નથી એટલું તો સ્વીકારે જ છે ને?” સોનલે પણ એવા જ હાવભાવ સાથે કહ્યું.

       ના, એ પણ ખોટું છે. હું તારી વાત સ્વીકારતી નથી. મેં એને શારીરિક સુખ નથી આપ્યું એમ કહેવા કરતાં એમ કહેવું જોઈએ કે, અમે શારીરિક સુખ ભોગવી શક્યાં નથી!” મનીષાએ સ્પષ્ટતા કરતાં કહ્યું.

      એમાં બિલકુલશબ્દ ઉમેર અને એમ કહે કે અમે બિલકુલ શારીરિક સુખ ભોગવી શક્યાં નથી. “સોનલે જાણે રહસ્ય પરથી પડદો ઉઠાવતી હોય એમ કહ્યું.

      “હું તને એમ પૂછું છું કે આવું બધું તને કહ્યું કોણે?” મનીષાએ અકળામણ સાથે પૂછયું.

       ગમે તેણે કહ્યું હોય. એ પણ ખોટું છે એમ તું કહે છે?” સોનલે એટલા જ જુસ્સા સાથે પૂછયું.

      મનીષા ચૂપ થઈ ગઈ. ક્યાંય સુધી નીચું જોઈને બેસી રહી. એટલે સોનલે ફરી પૂછયું. તમે છ મહિનામાં એક પણ વખત શારીરિક સુખ ભોગવી શક્યાં નથી એટલે કે સમાગમનું સુખ માણી શક્યાં નથી એ વાત ખોટી છે?”

     મનીષાએ કોઈ જવાબ ન આપ્યો. થોડીવાર રહીને એણે તીરછી નજરે સોનલ તરફ જોયું એટલે સોનલે આંખથી જ એ પ્રશ્ન દોહરાવ્યો. છેવટે મનીષા દબાતાં અવાજે બોલી, “હા, સાચી વાત છે.

     “તો પછી મને એનું કારણ કહે.સોનલે આગ્રહ કર્યો.

     મેં તારા સવાલનો જવાબ આપ્યો. હવે તું મારા સવાલનો જવાબ આપ અને મને કહે કે આ બધી વાત તને કોણે કરી? અને તું જે કહે છે એ બધું મમ્મી-પપ્પા જાણે છે? બીજું કોણ કોણ જાણે છે?” મનીષાના મનમાં આ જ મૂંઝવણ હતી.

     “મને આ બધું ક્યાંથી જાણવા મળ્યું એ વાત મહત્ત્વની નથી. આ બધું સાચું છે કે નહિ એ જ વાત મહત્ત્વની છે. અને તને સાચું કહું તો આ વાત બધા જ જાણે છે. અંકલ, આન્ટી, પિનાકીન અંકલ, સરોજ આન્ટી, જનાર્દનભાઈ, જ્યોતિભાભી અને અર્ચના… અને હવે કદાચ પિનાકીન અંકલના દીકરા-દીકરી પણ જાણતાં હોય તો નવાઈ નહિ… અને કદાચ નયન પણ…સોનલે વિસ્મયના ભાવ સાથે કહ્યું.

      “ઓહ! માય ગોડ! એનો અર્થ એ કે તમે બધાએ મારા કપાળ પર ફ્રિજિડ વુમનનો સિક્કો મારી જ દીધો છે. આના કરતાં તો હું મરી ગઈ હોત તો સારું હતું!” મનીષા અકળાઈ ઊઠી અને રડમસ ચહેરો કરીને બોલી પડી.

      “તું અમને બધાંને ખાસ તો મને ખોટો દોષ દે છે. આ વાત જ્યાંથી આવી હોય ત્યાંથી, પણ મારાથી તો નથી જ આવી. એ વાત સાંભળનારાઓમાં હું પણ એક છું અને તારી પાસે સત્ય જાણવાનો આગ્રહ કરનાર હું એકલી જ છું… અફ કોર્સ, સત્ય જાણવાની તાલાવેલી બીજાં ઘણાને છે.સોનલે કહ્યું.

        તું કહે છે નયન પણ આ બધું જાણે છે…મનીષાએ દહેશતના ભાવ સાથે કહ્યું.

         મેં ક્યાં કહ્યું છે કે નયન બધું જાણે છે… મારો કહેવાનો અર્થ તો એ છે કે કદાચ નયન જાણતો પણ હોય… ઉદયનો એ ખૂબ જ નજીકનો મિત્ર હતો અને આપણા બધાના સંપર્કમાં છે એટલે…સોનલે સ્પષ્ટતા કરી.

       “મારું માથું ફાટી જાય છે… આ બધું શું થઈ રહ્યું છે?” મનીષાએ બંને હાથ લમણાં પર મૂકી દેતાં કહ્યું.

        હું તને જે કહેવા માગું છું એ આ જ છે… તું કોઈ વાતની સ્પષ્ટતા નહિ કરે ત્યાં સુધી બીજી વાતો ઘોળાયા કરશે અને વધારે ને વધારે લોકો સુધી એ પહોંચશે. જોકે અત્યારે પણ મોડું તો થઈ જ ગયું છે…સોનલે દહેશત સાથે કહ્યું.

        “કેમ?”

        “એટલા માટે કે જૂના જમાનામાં પણ કોઈ એક વાતને પ્રસરતા વાર નહોતી લાગતી. આજે તો જમાનો બદલાઈ ગયો છે. આજે તો કોઈ પણ વાત હવાની પાંખો પર સવાર થઈને ચારેબાજુ ફેલાઈ જાય છે. પાંખવાળા પંખી કરતાં પણ હવાનું પંખી ઝડપથી ઊડે છે… વડોદરામાં શું બન્યું એની અહીં બધાંને કેવી ખબર પડી ગઈ હતી? અરે, મારી મમ્મીએ પણ મને પૂછયું કે મનીષાના હસબંડને શું થયું હતું? આટલા દિવસ તું એને ત્યાં જ હતી ને? મારી મમ્મી ભક્તાણી છે એ તો તને ખબર છે. એ રોજ દેરાસર દર્શન કરવા જાય છે અને પાછી આવે છે ત્યારે પાંચ-પંદર જણની વાતો લઈને આવે છે. આજકાલ મંદિરો અને દેરાસરોમાં લોકો આજુબાજુ શું બની રહ્યું છે. કોણ પરણ્યું અને કોની જોડી ખંડિત થઈ તથા કોણે કોની સાથે નાસી ગયું અને કોણે કોને ઘરમાંથી કાઢી મૂક્યા એની જ ચર્ચા હોય છે.

      “તેં તારા મમ્મીને શું કહ્યું?” મનીષાએ જિજ્ઞાસાથી પૂછ્યું.

      મેં ખાલી ડોકું ધુણાવી હા પાડી. એની સાથે કશી વાત કરું તો પાછી કાલે એ વાત દેરાસરમાં પહોંચી જાય. એ મને કહેતી હતી કે તું મને મનીષાને ઘેર લઈ જા. મારે એને એક વાર મળી આવવું જોઈએ.

       “તો લઈ આવજે ને!મનીષાએ કહ્યું.

        એને આવવું હશે તો એની મેળે આવશે. મારે કંઈ એને ખભે બેસાડીને થોડી લાવવાની છે?” સોનલે સાવ બેફિકરાઈથી કહ્યું. અને પાછી મૂળ વાત પર આવી જતાં બોલી, “મારા કહેવાનો અર્થ તું સમજે છે ને?” જેમ જેમ સમય જશે તેમ તેમ આ વાત ચહેરાશે અને પછી તને જ તકલીફ પડશે.

       “મને શું તકલીફ પડશે?” મનીષાએ આંખો ચડાવીને પૂછયું.

       “જો, એક વાત સમજ. તું અને ઉદય કંઈ લૈલા-મજનૂ નહોતાં. અરે, તમે સામાન્ય પ્રેમી પણ નહોતાં. તમે માત્ર છ મહિના માટે પતિ-પત્ની હતાં અને તમારું લગ્નજીવન પણ નામનું જ હતું. એટલે તું ઉદયની યાદમાં જોગણ બનીને જિંદગી પસાર કરવાની નથી. મારી વાત થોડી કડવી લાગશે.  પણ આજે નહિ તો કાલે, અંકલ અને આન્ટી તને ક્યાંક પરણાવવાનો પ્રયત્ન કરશે. એ વખતે જો આ વાત પ્રચલિત થઈ ગઈ હશે તો એનું કેવું પરિણામ આવશે એની તને કલ્પના છે? કોઈ છોકરો તારો હાથ પકડવા તૈયાર નહિ થાય.

આપણે જે કંઈ વિચારીએ છીએ તે સમાજને ધ્યાનમાં રાખીને જ વિચારીએ છીએ.

       “સોનલ, મારા મનમાં બે વિચાર આવે છે. પહેલો વિચાર એવો આવે છે કે હું સાધ્વી થઈ જાઉં. ખ્રિસ્તી ધર્મ અપનાવી લઉં અને નન બની જાઉં. બીજો વિચાર એવો આવે છે કે મારાં મા-બાપની હું એકની એક છોકરી છું. એમની વૃધ્ધાવસ્થાનો કોઈ સહારો નથી. મારે માટે અનાયાસ એવી તક ઊભી થઈ છે કે હું હવે લગ્ન ન કરું અને એમને સાચવું. મારી જગ્યાએ એમને છોકરો હોત તો…” મનીષા કોઈક કલ્પનામાં ખોવાઈ ગઈ. પછી એકદમ એણે પૂછયું. બોલ, તને શું લાગે છે?”

        સોનલ સહેજ વિચારીને ઊંડો શ્વાસ લેતાં બોલી, “તારા બંને વિચારો સારા છે એમ પણ હું નહિ કહું અને ખરાબ છે એમ પણ હું નહિ કહું. પણ મને લાગે છે કે આવા વિચારો વિષે જ તેં વિચાર્યું નથી….

      “એટલે?”

       “જો, સમજ. તું ખ્રિસ્તી ધર્મ અપનાવીને સાધ્વી એટલે કે નન થઈ જવાનું કહે છે. પહેલી વાત તો એ છે કે ખ્રિસ્તી ધર્મ અપનાવવા પાછળનો કે નન બની જવા પાછળનો તારો આશય ધર્મ પ્રત્યેનો તારો લગાવ કે તારી જિજ્ઞાસા નથી. એનો અર્થ એ કે તું ધર્મનો ઉપયોગ વસ્ત્ર તરીકે જ કરવા માગે છે. આજે સાડી પહેરી છે. કાલે જીન્સ પહેરીશ. આજે ઘરમાં છું. કાલે મોન્ટેસરીમાં કે ચર્ચમાં કે કોઈક કોન્વેન્ટમાં રહીશ. એટલે સાચી રીતે તો તું જે અપેક્ષાઓ સાથે નન થઈશ એ અપેક્ષાઓ જ તને છેતરશે…

       મનીષા એને અપલક સાંભળી રહી હતી. સોનલે આગળ ચલાવ્યું, “હવે બીજી વાત. સાધ્વી થવું એટલે માત્ર કપડાં બદલી નાંખવા એવું નથી. હું તો સ્પષ્ટપણે માનું છું કે સાધ્વી થવું એટલે દુનિયાનો ત્યાગ કરવો અને આપણે એ જ વસ્તુનો ત્યાગ કરી શકીએ જે ખરેખર આપણી પાસે હોય! મને કહીશ કે તારી પાસે શું છે?”

      મનીષા પાસે જવાબ નહોતો. એથી સોનલે વાતનો દોર ચાલુ રાખ્યો, “મારો કહેવાનો મતલબ એ છે કે ત્યાગ કરતાં પહેલાં પણ ભોગવવું પડે. તે હજુ જીવનને ભોગવ્યું જ નથી. મારું માને તો પહેલાં મારી જેમ જીવનનો મન મૂકીને ભોગ માણી લે અને પછી જ સાધ્વી થવાનો વિચાર કરજે.

     “તું જીવનને કઈ રીતે ભોગવે છે એની મને કઈ રીતે ખબર ૫ડે? અને ભોગવી લીધા પછી તું પણ જીવનનો ત્યાગ કરવા માગે છે?” મનીષાએ ગહન પ્રશ્ન પૂછ્યો.

      પરંતુ સોનલે એનો સાહજિક ઉત્તર આપ્યો, “હું કઈ રીતે જીવનને ભોગવું છું એ વિચારવા કરતાં તું કઈ રીતે ભોગવવા માગે છે એનો વિચાર કર. મારું જીવન એ મારું જીવન છે અને તારું જીવન એ તારું જીવન છે. અને જીવનને ભોગવી લીધા પછી હું શું કરીશ એ તો આજે મનેય ખબર નથી. સવાલ એ છે કે, જીવનના ભોગથી હું તૃપ્ત થાઉં છું કે અતૃપ્ત રહી જાઉં છું એના પર જ બધો આધાર છે.

        “હવે મારા બીજા વિચાર માટે કહે કે તારો શું અભિપ્રાય છે ?” મનીષાએ ફરી મુદ્દાની વાત પર આવતાં કહ્યું.

        “બીજો વિચાર એક રીતે લાગે છે અને કદાચ કોઈને પણ ગમી જાય એવો છે. પરંતુ મને લાગે છે કે, અંકલ અને આન્ટી જ એ વિચાર સાથે સંમત નહિ થાય!

       “કેમ ન થાય? મારી વાત ખોટી છે?” મનીષાએ આત્મવિશ્વાસ સાથે પૂછયું.

       ખોટી નથી. પણ આપણું સામાજિક માનસ એવું છે કે, દીકરી તો પારકે ઘેર જ હોય અને મા-બાપે દીકરી પર આધાર રાખવો જોઈએ નહીં. વળી આપણો સમાજ એક બીમાર સમાજ છે. એ સ્વસ્થ રીતે વિચારી જ શકતો નથી. તારી ઉંમર કંઈ વિધવા થવાની ઉંમર નથી. તારા નામ સાથે આવું વિશેષણ લગાડવું હોય તો પણ ક્રૂર બનવું પડે. પાછી તું દેખાવડી અને આકર્ષક છે. તારા જેવી સ્ત્રી પુરુષ વિના રહેતી હોય એ આપણા સમાજને ગળે જ ન ઊતરે. એટલે એમનું મન વિકૃત વિચારો કરવા માંડે અને તારા વિષે ગમે તેવી ધારણાઓ બાંધવા માંડે. આથી અંકલ અને આન્ટી સુખી થવાને બદલે વધુ દુઃખી થાય. મા-બાપનું સામાજિક માનસ જ એવું છે કે એ દીકરી પર આધાર રાખવાને બદલે નિઃસંતાન હોય એ રીતે બાકીનું જીવન પસાર કરવાનું પસંદ કરે!” સોનલનો સમાજ-વ્યવસ્થા પ્રત્યેનો રોષ પ્રગટ થતો હતો.

      મનીષાએ એને તરત પૂછયું, “સોનુડી, તું આવું બધું ઊંડું વિચારતી કેવી રીતે થઈ? તારામાં આવી બુદ્ધિ ક્યાંથી આવી અને આવું ડહાપણ ક્યાંથી આવ્યું?”

      સોનલે હોઠ પર આંગળી મૂકીને સિસકારો કરતાં કહ્યું, એ સિક્રેટ છે. તારે માનવું હોય તો માન કે આ મારું આત્મજ્ઞાન છે! સોનલે ગૌરવના ભાવ લાવતાં કહ્યું, અને પછી બોલી, “મારી વાત ખોટી લાગતી હોય તો નહિ માનવાની!

        “તારી વાતો સાચી પણ લાગે છે અને સારી પણ લાગે છે.. .”

        “અં …હં…. મારી વાત સાચી હોય નહિ અને સાચી વાત સારી પણ હોય નહિ. બંનેમાં એક કોમાનો એટલે કે અલ્પવિરામનો જ તફાવત છે.” નથી હોતી સારી, વાત સાચી, અલ્પવિરામ એક શબ્દ આગળ જતું રહે એટલે ‘નથી હોતી સારી વાત, સાચી.’ સમજ પડી?”

        “તું કહે છે એ બરાબર, પણ મને તો જે લાગ્યું એ મેં કહ્યું.” મનીષાએ જવાબ આપ્યો અને તરત ઘડિયાળ સામે જોઈને બોલી, “આપણે ધાર્યું છે શું? અઢી વાગ્યા, કંઈ ખબર પડે છે?”

        “ઘડિયાળના કાંટા ફરે એથી સમય વહે છે એવું આપણને લાગે, પણ આપણો સમય તો ઘણીવાર થંભી જતો હોય છે!” સોનલે ફિલોસોફરની અદાથી કહ્યું.

       “જો ને, અગિયાર વાગ્યે આપણે જ્યાં હતાં ત્યાં જ છીએ. આટલી બધી વાતો કર્યા પછી પણ મૂળ વાત તો બાકી જ રહી જાય છે.” આટલું બોલતાં બોલતાં સોનલ સહેજ ગંભીર થઈને બોલી, “મોનુ, હવે આ છેલ્લી વાર. તારે ન જ કહેવું હોય તો મને સ્પષ્ટ ના કહી દે. હું પછી જીવનભર તને નહિ પૂછું.”

        મનીષાએ એની સામે જોયું અને બોલી. “હવે આપણે સૂઈ જવું જોઈએ… સોનું. હું તને બધું જ કહીશ. અથથી ઈતિ સુધી… કશું જ નહિ છુપાવું, બસ!”

     “ક્યારે કહીશ?” સોનલે સહેજ ઉત્સાહ સાથે પૂછયું.

     “કહીશ એટલું નક્કી … ક્યારે એવું ન પૂછીશ!”  મનીષાએ એની આંખમાં આંખ પરોવતાં કહ્યું.

      “ઓ.કે., હવે લાઈટ બંધ કર… સવારે મારે વહેલા જવાનું છે!” કહીને સોનલ તરત ઓશીકું બે પગ વચ્ચે દબાવીને લાંબી થઈ ગઈ.

લીલો ઉજાસ – પ્રકરણ – ૧૪ અને મનીષા ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડી!

સોનલ દેખાતી બંધ થઈ ત્યાં સુધી મનીષા બહાર જ ઊભી રહી. સોનલ એની સાથે સ્કૂલમાં ભણતી હતી અને કૉલેજમાં પણ બંને સાથે હતાં. છતાં આ વખતે બંને ખૂબ નજીક આવ્યાં હોય એવું લાગતું હતું. મનીષાને આજે એકદમ સૂનું સૂનું લાગતું હતું. એ અંદર આવીને બેઠી. એને કંઈ ચેન પડતું નહોતું. વિનોદિનીબહેન રસોડું અવેરવાં ગયાં હતાં. મનીષા પણ ઊભી થઈને રસોડામાં ગઈ. એને જોતાં જ વિનોદિનીબહેન બોલી ઊઠયાં. તું તારે શાંતિથી બેસ. બહુ કામ નથી. હું ફટાફટ અવેરીને આવું છું.તો પણ મનીષાએ થોડું કામ કર્યું. કામ પતી ગયું એટલે બંને બહાર આવ્યાં. વિનોદિનીબહેનના મનમાં તો થયું કે મનીષા સાથે કંઈક વાત કરવી જોઈએ. પરંતુ એમને થયું કે મનીષાનું મન પણ આળું થઈ ગયું હશે. એની સાથે તો સોનલ જ વાત કરે એ ઠીક રહેશે. એટલે એ ચૂપ રહ્યાં.

     મનીષા ઊભી થઈ અને આલ્બમ લઈ આવી તથા વિનોદિનીબહેનના ખોળામાં મૂક્યું. વિનોદિનીબહેને તરત પૂછયું, “આ શું છે?” પછી પ્રશ્નના જવાબની રાહ જોયા વિના જ એમણે આલ્બમ ઉઘાડ્યું. પહેલા પાના પર મનીષાનું અને નયનનું નામ વાંચીને બોલ્યાં. ‘નયને આપ્યું? ક્યારે આપ્યું?” મનીષાએ નવાઈ પામતી હોય એમ કહ્યું, કેમ? તેં જોયું નહોતું? ટ્રેન ઊપડી ત્યારે જ આપ્યું હતું…વિનોદિનીબહેન કંઈક યાદ કરતાં હોય એમ બોલ્યાં, “અમારી નજર પિનાકીનભાઈ અને સરોજબહેન પર જ હતી… તારા પપ્પા નસીબદાર છે કે એમને આવો સરસ મિત્ર મળ્યો છે…વિનોદિનીબહેન સહેજ વાર માટે જાણે વડોદરા પહોંચી ગયાં. મનીષા તરત બોલી, અને તારા જેવી પત્ની મળી છે એય એમનું નસીબ જ છે ને!” પછી સહેજ અટકીને બોલી. એક છોકરી જ નસીબદાર નથી…આમ કહીને એ સહેજ ઉદાસ થઈ ગઈ.

     “એવું કેમ બોલે છે, બેટા? અમારા માટે તો તું પણ નસીબદાર જ છે… દરેકના જીવનમાં કંઈક ને કંઈક તો ખરાબ બનતું જ હોય છે. ઈશ્વરની મરજી આગળ કોઈનું ચાલતું નથી. એટલે મનમાં જરાય ઓછું ન લાવીશ. તને ખબર છે? તારા જન્મ પછી અમે કેટલાં સુખી થયાં છીએ…” વિનોદિનીબહેન થોડા ભાવાવેશમાં આવી ગયાં. પછી આલ્બમ જોવા લાગ્યાં.

      વિનોદિનીબહેન જેમ જેમ આલ્બમ ઉથલાવતાં ગયાં તેમ તેમ એમના ચહેરા પર વિસ્મય અને આનંદની રેખાઓ ઊપસી આવતી હતી. લગભગ અડધું આલ્બમ જોયું હશે ત્યાં એ બોલ્યાં, “આ બધા ફોટા એણે જ પાડયા છે?”

       “હાસ્તો! બહુ સારા ફોટોગ્રાફર છે. એમણે ઉદયને પણ એના જન્મદિવસે આવું જ આલ્બમ ભેટ આપ્યું હતું અને મને પણ મારા જન્મદિવસે જ ભેટ આપવાના હતા. પણ..” મનીષા અટકી ગઈ…

      વિનોદિનીબહેને વાતને વાળી લેતાં આગળ ચલાવ્યું. તો એને સ્ટુડિયો છે? ફોટા પાડવાનું કામ કરે છે? ”

     “ના, રે ના! ઘરના બહુ સુખી છે. એમના પપ્પા તો લખપતિ છે. ફોટોગ્રાફી તો એ શોખથી કરે છે… મમ્મી, એ નેચર-લવર છે. પ્રકૃતિ પ્રેમી છે અને પાછા કવિતાઓ પણ લખે છે. વચ્ચે એમણે ગીરના જંગલમાં જઈને સરસ ફોટા પાડયા હતા. એક સિંહનો ફોટો તો એટલા નજીકથી પાડ્યો હતો કે આપણને એમ જ લાગે કે સિંહ હમણાં આપણી ઉપર તરાપ મારશે…”

       વિનોદિનીબહેન વિસ્મયથી હાથ હોઠ પર દબાવીને સાંભળી રહ્યાં. આલ્બમ જોઈ લીધા પછી વિનોદિનીબહેને પૂછયું, નયને હજુ લગ્ન કેમ નથી કર્યા?”

      “એમને કોઈ છોકરી જ પસંદ પડતી નથી. એક વાર અમે એમના ઘેર ગયાં હતાં ત્યારે એમનાં મમ્મીએ જ મને કહ્યું હતું કે, તું નયન માટે તારા જેવી જ કોઈક છોકરી શોધી કાઢ… હવે તું જ કહે, મારા જેવી છોકરી હું ક્યાંથી શોધું?”

     “સોનલ કેવી?” વિનોદિનીબહેનથી સહજ પૂછાઈ ગયું.

      “સોનલની વાત કહે છે? નયનભાઈનું કામ નહિ. સોનલ એમને ઊભા ઊભા નચાવે એવી છે… અને નયનભાઈનાં મમ્મીને પણ સોનલ પસંદ ન પડે… એ વાત જ કરવા જેવી નથી…મનીષાએ પોતાનો સ્પષ્ટ અભિપ્રાય આપી દીધો.

      બંને થોડીવાર સૂઈ ગયાં. મનીષાને ઊંઘ નહોતી આવતી. પણ બીજું કંઈ સૂઝતું પણ નહોતું. એટલે આંખ બંધ કરીને પડી રહી અને એમાં ને એમાં ક્યારે ઊંઘ આવી ગઈ એ પણ ખબર ન પડી. લગભગ સાડા પાંચે તો મનહરભાઈ પણ આવી ગયા. એમની ફેકટરીના લગભગ બધા જ માણસો એક પછી એક એમને મળવા આવી ગયા. ત્રણ-ચાર જણા તો ઘરે આવવાનું પણ કહેતા હતા. મનહરભાઈએ એમને ના પાડી હોવા છતાં એ લોકો આવશે જ એવી એમને ખાતરી હતી.

      રાત્રે જમ્યા પછી મનીષા ગુમસુમ ખુરશીમાં બેઠી હતી. મનહરભાઈએ એને પૂછયું. શું વિચારે છે. બેટા? હવે વડોદરાથી મુંબઈ આવી જા… ઘરમાં અમે બંને એકલાં પડી ગયાં હતાં. હવે તારે કારણે વસ્તી રહેશે…

       મનીષા એક  ઊંડો નિસાસો નાખીને બોલી, “પપ્પા, કંઈ જ ગમતું નથી. આમ ને આમ તો હું કંટાળી જઈશ. હું તમારી સાથે ફેક્ટરી પર આવું?” મનહરભાઈ સહેજ ખચકાયા, પછી બોલ્યા, “આવે એનો વાંધો નથી, પણ હમણાં આવે તો સારું ન લાગે! થોડા દિવસ પછી એકાદ દિવસ આવવું હોય તો આવજે.”

      મનીષા એમની વાત સમજી ગઈ. થોડીવાર રહીને બોલી, “પપ્પા, બે-ત્રણ મહિના પછી મારા માટે કોઈ જોબ શોધી કાઢો ને! મારો ટાઈમ તો પાસ થાય ને?”

      “એ વિષે વિચારીએ… પણ જયાં સુધી જોબ ન મળે ત્યાં સુધી સોનલની ઇન્સ્ટિટ્યૂટ પર જઈને બેસને! એને એના કામમાં મદદ કરજે અને એની કંપની પણ રહેશે!

       મનીષા કંઈ બોલી નહિ. પછી અચાનક કંઈક યાદ આવ્યું હોય એમ બોલી, “પપ્પા, હું કોઈક કોર્સ કરું?”

      “શેનો કોર્સ કરીશ?”

      “મ્પ્યુટરનો… અથવા ફોટોગ્રાફીનો…મનીષા સહેજ ઉત્સાહ સાથે બોલી ગઈ.

     નયન યાદ આવ્યો એટલે ફોટોગ્રાફી સૂઝયું કે ફોટોગ્રાફી સૂઝયું એટલે નયન યાદ આવ્યો એ મનીષાને પણ સમજાયું નહિ. એને તો પણ એટલું તો સમજાયું જ કે નયને એના અર્ધજાગ્રત અને અજાગ્રત મનમાં તો પ્રવેશ કરી જ લીધો છે. નયન યાદ આવતાં જ એને આલ્બમ યાદ આવ્યું. એ ઊભી થઈને આલ્બમ લઈ આવી અને મનહરભાઈના હાથમાં મૂકતાં બોલી. પપ્પા, તમે તો આ નથી જોયું ને!

       મનહરભાઈ આલ્બમ ઉથલાવતા હતા ત્યાં જ ફોનની ઘંટડી વાગી. મનહરભાઈએ ફોન ઉપાડયો. સામેથી પિનાકીનભાઈ બોલતા હતા. પ્રાચી સવારે જ આવી હતી અને મનીષાને મળી શકાયું નહિ એ માટે અફસોસ વ્યક્ત કરતી હતી. એને જાણ ન કરી એ બદલ પિનાકીનભાઈ પર નારાજ હતી. પિનાકીનભાઈએ બધાંના ખબરઅંતર પૂછ્યા અને ખાસ તો સોનલના સમાચાર પૂછ્યા. સોનલને ખાસ યાદ આપવા કહ્યું.

       બપોરે ઊંઘ ખેંચી હતી એટલે મનીષાને મોડી રાત સુધી ઊંઘ ન આવી. એ બે-ત્રણ વાર પાણી પીવા અને બાથરૂમ જવા ઊભી થઈ. મનહરભાઈ તો સૂઈ ગયા હતા, પરંતુ વિનોદિનીબહેન જાગતાં હતાં. થોડીવારે મનીષા ઊઠી અને બહાર ગેલેરીમાં જઈને ઊભી રહી. રસ્તા પર ખાસ અવરજવર નહોતી. રસ્તો સાવ ભેંકાર લાગતો હતો. મનીષા જાણે શૂન્યમાં તાકી રહી હતી.

    મનીષાને બહાર વાર લાગી એટલે વિનોદિનીબહેન હળવે રહીને ઊભાં થયાં અને બહાર ગેલેરીમાં આવ્યાં. એમણે મનીષાની પીઠ પર હાથ મૂક્યો એટલે જાણે મનીષા ચમકી ગઈ હોય એમ એણે વિનોદિનીબહેન તરફ જોયું અને પછી એમને વળગી પડી. વિનોદિનીબહેને એના માથા પર હાથ મૂક્યો અને ધીમેથી પૂછયું, “ઊંઘ નથી આવતી? વિચારે ચડી ગઈ છું?”

     મનીષા કંઈ બોલી નહિ. વિનોદિનીબહેને એમનો અનુભવ સિધ્ધ ઉપચાર બતાવતાં કહ્યું, “ગાયત્રી મંત્ર બોલતાં બોલતાં સૂઈ જા, ઊંઘ આવી જશે!”

    સવારે ઊઠતાંવેંત જ મનીષાએ કહ્યુંઆજે તો સોનુડી આવશે જ!

    “કહ્યું છે તો આવશે જ! પણ એ તો રાત્રે જ આવશે. હજુ તો આખો દિવસ પડયો છે!” વિનોદિનીબહેને કહ્યું. પછી બોલ્યાં, “કાલે તો એ એને ઘેર ગઈ હશે. મા-બાપને મળવાનું એનેય મન થાય ને?”

        “જોજે વહેમમાં રહેતી. એને મન ના થાય. એનાં મમ્મી-પપ્પાને એને મળવાનું મન થાય એ બરાબર છે!મનીષાએ સોનલના વ્યવહાર વિષે સ્પષ્ટતા કરી.

       મને તો એ જ સમજાતું નથી કે એનાં મા-બાપ કઈ રીતે આવું ચલાવે છે? જવાન છોકરી મન ફાવે ત્યારે ઘેર આવે અને મન ફાવે ત્યારે ન આવે તો પણ એનાં મા-બાપ એને કંઈ કહેતાં નહિ હોય?” વિનોદિનીબહેનને આખી વાતનું આશ્ચર્ય હતું.

     “કહેતાં તો હોય જ ને! પણ આ નમૂનો સાંભળે તો ને?” મનીષાએ મોં વાંકું કરીને કહ્યું.

     “આજે તો હું એને પૂછીશ જ કે….” વિનોદિનીબહેન વાક્ય પૂરું કરે એ પહેલાં જ મનીષા બોલી ઊઠી, “જોજે, એવી ભૂલ ન કરતી. તું એક જ સવાલ પૂછીશ અને એ એક કલાકનું લેક્ચર આપી દેશે!મનીષાએ હાથ વડે નકારનો ઈશારો કરતાં કહ્યું.

        સાંજે ચાર વાગ્યે સોનલનો ફોન આવ્યો. વિનોદિનીબહેને ફોન ઉપાડયો. સોનલે કહ્યું,  આન્ટી, કેમ છો? હું સોનલ બોલું છું. મોનુ શું કરે છે?”

      મનીષાએ ફોન લીધો અને તરત એકી શ્વાસે બોલી ગઈ, “હું આજે નથી આવવાની એ સિવાયની બીજી કોઈ પણ વાત કરજે. બોલ, શું કહે છે?”

       “હું વાત કરું એ પહેલાં જ આદેશ આપી દે છે. પહેલાં મારી વાત તો સાંભળ… પરમજિતે એની લેડિઝ ક્લબમાં આજે કોઈક સુધા કુલકર્ણીનું લેક્ચર રાખ્યું છે. એ મને પણ સાથે આવવા આગ્રહ કરે છે… મલાડ જવાનું છે અને લેક્ચર કેટલા વાગ્યે પૂરું થાય એ ખબર નથી. તો હું કાલે આવું તો?” સોનલ જાણે ડરતાં ડરતાં કહેતી હોય તેમ બોલી.

       મેં તને પહેલાં જ કહી દીધું છે. કાલની વાત નહિ, આજે એટલે આજે જ… અને તારે વળી લૅક્ચર સાંભળવાની શી જરૂર છે? પરમજિતને જવા દે ને…મનીષાએ પોતાની વાતને વળગી રહેતાં કહ્યું.

       “પણ પરમજિત બહુ આગ્રહ કરે છે…  કહે છે કે, સોનલ, આ લેક્ચરમાં તારી ખાસ જરૂર છે…પછી હસીને બોલી, “એની ફીરકી ઉતારવાની છે!

      “એની એટલે કોની? પરમજિતની?” મનીષાએ નિર્દોષ થઈને પૂછયું.

      ના, ઈડિયટ! સુધા કુલકર્ણીની! સોનલે ભારપૂર્વક કહ્યું.

      એ કેવું? પરમજિતે લૅક્ચર ગોઠવ્યું અને એ જ એની ફીરકી ઉતારે?” મનીષાને આશ્ચર્ય થયું.

      એ બધી વાત તને પછી કરીશ… એ પરમજિતની પાછળ પડી હતી કે લેડિઝ ક્લબમાં મારું લૅક્ચર ગોઠવ. પરમજિત એનાથી કાયમ માટે જાન છોડાવવા માગે છે!સોનલે વાતનો ફોડ પાડ્યો.

      તો એમ કહે ને કે તને એની ફીરકી ઉતારવામાં રસ છે? જો તને કહી દઉં… ગમે એટલું મોડું થાય તો પણ તારે આવવાનું છે. રાત્રે અહીં રોકાઈ જજે, બસ!” મનીષા અધિકાર સાથે જાણે આશ્વાસન આપતી હોય એમ બોલી.

        “મોડું થાય તો મારો જીવ ના લઈ લેતી.. બસ, હું આવું છું!કહીને સોનલે ફોન મૂકી દીધો.

         મનહરભાઈ ફેક્ટરી પરથી આવ્યા ત્યારે આઠ વાગી ગયા હતા. એમણે આવતાંની સાથે જ પૂછયું, “સોનલ નથી આવી?”

          “મોડી આવવાની છે! મનીષાએ જવાબ આપ્યો.

          આઠ તો વાગ્યા… હજુ કેટલી મોડી આવવાની છે?” મનહરભાઈએ કાંડા પરની ઘડિયાળ જોતાં કહ્યું.

         એને માટે મોડા વહેલાનો ક્યાં હિસાબ છે? એ તો રાત્રે બાર વાગ્યે પણ આવે!” મનીષા એને બરાબર ઓળખતી હતી.

         “એટલે રાત્રે બાર વાગ્યે આવવાની છે?” મનહરભાઈએ આંખો ઝીણી કરતાં પૂછયું.

         ના.. આ તો જસ્ટ કહું છું!મનીષાએ નકારમાં ડોકું ધુણાવીને જવાબ આપ્યો.

      જમવામાં આપણે એની રાહ જોવાની છે? તારા પપ્પાને પણ ભૂખ લાગી હશે.વિનોદિનીબહેને કહ્યું.

       એક કામ કર, તું પપ્પાને જમાડી લે… આપણે નવ વાગ્યા સુધી રાહ જોઈએ. નહિતર પછી જમી લઈશું…મનીષાએ જવાબ આપ્યો.

       મને ઉતાવળ નથી. નવ વાગ્યે જ જમીશું!મનહરભાઈએ કહ્યું.

      નવ વાગ્યા છતાં સોનલ ન આવી. સવા નવે ત્રણેય જણ જમવા બેઠાં. દસ વાગ્યા, સાડા દસ વાગ્યા છતાં સોનલ ન આવી એટલે મનહરભાઈએ કહ્યું, કદાચ હવે નહિ આવે! ક્યાંક અટવાઈ ગઈ હશે.

        “કહ્યું છે એટલે આવશે જ! ન આવે એવું તો બને જ નહિ.મનીષા આટલું બોલી ત્યાં જ સોનલનો વાવાઝોડાની જેમ પ્રવેશ થયો. જાણે દોડતી આવી હોય એમ એના શ્વાસ ઝડપથી ચાલતા હતા. એણે કહ્યું, નાસ્તો કરવા પણ રોકાઈ નથી… બિચારી આજે તો તારે કારણે બચી ગઈ. નહિતર આજે હું એને છોડવાની નહોતી…સોનલે ચહેરા પર ખુમારીના ભાવ સાથે કહ્યું.

        તેં શું નામ કહ્યું? સુધા કુલકર્ણીને….? “મનીષાએ પૂછયું.

        “હા, કહે છે કે બહુ મોટી વિમેન્સ એક્ટિવિસ્ટ છે અને કોઈક સંસ્થા પણ ચલાવે છે…

        “જાડી છે? કાળી છે? સોનેરી ફ્રેમનાં ચશ્માં પહેરે છે? વારે વારે ઘડિયાળ જુએ છે?” મનીષાએ એક સામટા સવાલ પૂછી નાંખ્યા.

         “હા, બિલકુલ બરાબર, પણ તને ક્યાંથી ખબર?” સોનલે આશ્ચર્યના ભાવ સાથે કહ્યું.

         “યાદ છે તને, આપણે કૉલેજના ફર્સ્ટ ઈયરમાં હતાં એ વખતે ગર્લ્સ સ્ટડી સર્કલમાં પણ આ સુધા કુલકર્ણીનું જ લૅક્ચર રાખ્યું હતું અને તું થોડીવાર પછી નોટ ઉતારવાની હતી એટલે બહાર જતી રહી હતી…મનીષા જાણે બધું યાદ અપાવતી હોય એમ બોલી ગઈ.

       “હા, હા, યાદ આવ્યું! મને થતું તો હતું કે આ નમૂનાને કયાંક જોઈ છે!સોનલ હસતાં હસતાં બોલી.

       તે એની શું ફીરકી ઉતારી?” મનીષાએ પૂછયું.

સ્વતંત્રતા માટે સ્ત્રીની ઈચ્છાશક્તિ હોવી જરૂરી છે.

       “જવા દેને! લાંબી વાત છે! એ મહિલા સ્વાતંત્ર્યની વાત કરતી હતી. મેં એને કહ્યું કે, વાતો કરવાથી મહિલાઓ સ્વતંત્ર નહિ થાય. વાત તો એ છે કે, મહિલાઓને જ સ્વતંત્ર થવું નથી. એમને ગુલામી ગમે છે. જે મહિલાને સ્વતંત્ર થવું હોય છે એને કોઈ રોકી શકતું નથી. મેં તો એમ પણ કહ્યું કે સુરક્ષા માટે પતિ જોઈએ છે. પ્રેમ માટે બાળક જોઈએ છે. સમાજમાં મોભો જોઈએ છે અને પાછા સ્વતંત્ર પણ થવું છે. આવી વિરોધાભાસી વાતો રહેવા દો. મેં એને કહ્યું કે, મહિલા-સ્વાતંત્ર્યની સૌથી વધુ જરૂર મુંબઈમાં નથી. ગામડાંમાં છે. ત્યાં જાવ અને મેં જ્યારે એમ કહ્યું કે સ્ત્રી સ્વાતંત્ર્યના નામે ચળવળ ચલાવનારાઓ મોટી મોટી આદર્શવાદી વાતો કરે છે અને એમની દુકાન ચલાવે છે ત્યારે તો તે એ મારા પર બગડી. પણ કશું બોલવા જેવું હતું નહિ. એટલે સમસમીને બેસી રહી…મને તો આવા દંભ કરનારા લોકોને જોઉં છું ત્યારે ભયંકર ગુસ્સો આવે છે…. અને હા, આજે સવારે મેં નયનભાઈને ફોન કર્યો હતો અને તારા વતી આલ્બમ માટે ‘થેંક યૂ’ કહ્યું છે.”

     તરત જ મનહરભાઈ બોલી ઊઠયા, “ગઈકાલે વડોદરાથી પિનાકીનભાઈનો પણ ફોન આવ્યો હતો. એ તને ખૂબ યાદ કરતો હતો. આજે જ એની દીકરી પ્રાચી આવી છે!

       “અંકલ, મને એમનો નંબર આપજો. હું એમને ફોન કરીશ.સોનલે કહ્યું.

       વિનોદિનીબહેન બોલ્યાં. સોનલ, તે કંઈ ખાધું છે કે નહિ? તને આપી દઉં?”

       “આન્ટી, મારી ખાવાની ચિંતા કરશો નહિ. તમે અને અંકલ સૂઈ જવું હોય તો સૂઈ જજો. અમે બંને વાતો કરીએ છીએ. ખાવાની ઈચ્છા થશે તો હું જાતે લઈ લઈશ.

       થોડીવાર પછી મનહરભાઈ અને વિનોદિનીબહેન સૂવા જતાં રહ્યાં. એમના ગયા પછી મનીષા બોલી, “યાર, તારા વગર એકદમ સૂનું સૂનું લાગે છે. ટાઈમ પાસ નથી થતો અને કંટાળો આવે છે… મેં પપ્પાને કહ્યું કે મારે કોઈક જોબ કરવી છે…..”

       સોનલ મનીષાનો હાથ હાથમાં લઈ આંગળીઓ વડે રમાડતાં રમાડતાં બોલી, “મોનુ? એક વાત પૂછું?”

         “પૂછે ને!મનીષાએ સાહજિકતાથી કહ્યું.

       “આમ તો હું તને પૂછવાની નહોતી. પણ હવે પૂછવું જરૂરી છે. એટલે પૂછું છું!” સોનલે ગંભીરતાથી કહ્યું.

       મોનુ, ઉદયની આત્મહત્યાનું કારણ તું જાણે છે. બોલ, જાણે છે ને?” સોનલે ભાર દઈને કહ્યું.

       હા,મનીષાએ એકાક્ષરી જવાબ આપ્યો.

       શું કારણ હતું એ મને કહીશ?” સોનલે એની આંખમાં આંખ મેળવતા પૂછયું.

       “મને કહેવામાં તને કોઈ વાંધો છે?” સોનલે વાત ફેરવીને પૂછયું.

       પરંતુ મનીષા નીચું જોઈને ચૂપચાપ બેસી રહી.

       “અચ્છા ચલ, મને એ કહે કે સમસ્યા કયા પ્રકારની હતી?”

       “… … …”     

       “ઓ.કે. હું જ પૂછું છું. સેકસની સમસ્યા હતી?” સોનલે સીધો સવાલ કર્યો.

       મેં તને આ સવાલનો જવાબ આપ્યો જ છે.મનીષા ભવાં ખેંચતાં બોલી.

       ઓ.કે. એ સમસ્યા તારી હતી કે એની હતી?” સોનલ મૂળ મુદ્દા તરફ આગળ વધતી હતી. મનીષાએ કોઈ જવાબ ન આપ્યો એટલે સોનલે એ જ પ્રશ્ન દોહરાવ્યો.

      સહેજ વિચારીને મનીષા બોલી, “સેક્સની સમસ્યા કોઈ એક જણની ના હોય. અમારા બંનેની હતી.

       “કબૂલ, પણ કોઈ એક જણની સમસ્યાને કારણે જ બંનેની સમસ્યા થઈ હોય ને!” સોનલે વેધક પ્રશ્ન કર્યો.

      મનીષા એની સામે જોઈ રહી. સોનલે આગળ પૂછયું, “તમારી વચ્ચે શારીરિક સંબંધ સ્થપાયો હતો? તને એનાથી સંતોષ હતો?”

      મનીષા સહેજ વાર ચૂપ રહીને બોલી, હા.”

      મોનુ, મારી આગળ પણ ખોટું બોલવાનું?” સોનલે એના પર લાગણીનો પ્રહાર કર્યો. સોનલે જોયું કે મનીષાની આંખમાં પાણી ધસી આવ્યાં હતાં. પણ એ એને રોકવાનો પ્રયાસ કરતી હતી.

     મોનુ, તું જો સાચી વાત નહિ કરે તો તને જ નુકસાન છે. બહુ બધા લોકો હજુ આ વાત જાણતા નથી. પણ થોડા જ વખતમાં એ બધે જ ફેલાઈ જશે એ વાત પણ નક્કી છે.”

      “કઈ વાત?” મનીષાએ બંને શબ્દો પર ભાર મૂકીને પૂછયું.

      એ જ કે તું ઠંડી છું… ફ્રિજિડ છું અને ઉદયને તે શરીરસુખ આપ્યું નહોતું એથી જ એણે….સોનલ વાક્ય પૂરું કરે એ પહેલાં જ મનીષા મોટેથી બોલી, “તદ્દન ખોટી વાત છે. ઓ ભગવાન, આ હું શું સાંભળું છું… આના કરતાં તો મરી જવું સારું…એમ કહીને એ છૂટા મોંએ રડી પડી. એનો અવાજ સાંભળીને મનહરભાઈ અને વિનોદિનીબહેન પણ દોડી આવ્યાં. એમની નજર સોનલ તરફ તકાયેલી હતી. મનીષા તકિયામાં મોં છૂપાવીને ધ્રૂસકે ને ધ્રૂસકે રડતી હતી.

લીલો ઉજાસ – પ્રકરણ – ૧૩ – નિઃશબ્દતાનું આકાશ

ટ્રેન ઉપડયા પછી ખાસ્સી વાર સુધી કોઈ બોલ્યું નહિ. મનીષા બારીમાંથી બહાર તાકી રહી હતી. રસ્તા પરનો ટ્રાફિક, લાઈટોની ઝાકમઝાળ અને આવતાં જતાં માણસોને એ જોયા કરતી હતી. એણે નયને આપેલું પેકેટ થોડીવાર ખોળામાં રાખીને બાજુ પર મૂક્યું હતું. એના મનમાં એમ હતું કે સોનલ કદાચ એ પેકેટ ખોલશે. પરંતુ સોનલ તો ધ્યાનમાં સરકી ગઈ હોય એમ આંખો બંધ કરીને શાંત અને સ્થિર બેઠી હતી. થોડીવારે એણે આંખો ખોલી ત્યારે જાણે એની આંખ ખોલવાની જ રાહ જોઈ રહ્યા હોય એમ મનહરભાઈએ કહ્યું, “તમે બંને નીચેની સીટ પર સૂઈ જજો. અમે બંને ઉપરની બર્થ પર જતાં રહીએ છીએ.” 

સોનલ કંઈ બોલી નહિ. મનહરભાઈ અને વિનોદિનીબહેન ઉપરની બર્થ પર જતાં રહ્યાં એટલે સોનલ ઊભી થઈને સામેની સીટ પર આવી ગઈ. એ મનીષાને જ જોયા કરતી હતી અને એના મનમાં શું ચાલતું હશે એનું અનુમાન કરવાનો પ્રયત્ન કરતી હતી. થોડીવાર બંને કંઈ બોલ્યાં નહિ. પછી મનીષાએ પેલું પેકેટ હાથ લાંબો કરીને સોનલને આપ્યું. સોનલે એ ખોલવાને બદલે બાજુ પર મૂકી દીધું. મનીષા એની સામે જોઈ રહી અને પછી હસી પડી. સોનલથી પણ હસી દેવાયું. એણે બારીની બહાર જોવા માંડયું. એટલે મનીષાએ જ એને કહ્યું, “મેં તને આ પેકેટ બાજુ પર મૂકી દેવા નહિ, ખોલવા આપ્યું છે…”

સોનલે કહ્યું, “તું પણ એ ખોલી જ શકતી હતી. હાથે કરીને આપણી જિજ્ઞાસાને દબાવવી જોઈએ નહિ.”

મનીષા એની તરફ આંખો કાઢીને જોઈ રહી. સોનલે પ્લાસ્ટિકની કોથળીમાંથી પેકેટ બહાર કાઢ્યું. એના પર કાગળ વીંટાળેલો હતો. મનીષા એકીટશે જોયા કરતી હતી. સોનલે પૂછયું. “ચાલ, કલ્પના કરી જો તો, આમાં શું હશે?”

જે હોય તે, ખોલ ને!”  મનીષા જરા અકળાઈને બોલી.

હું તને કલૂ આપું!” સોનલે રમત કરતાં કહ્યું.

તું કલૂ ક્યાંથી આપવાની હતી? તને ખબર છે કે, એમાં શું છે?” મનીષા ફરી અકળાઈ.

કલૂ નહિ, ઓપ્શન આપું છુંબોલ, આમાં કોઈક મીઠાઈ હોઈ શકે?” સોનલે ક્વિઝ્માસ્ટરની અદાથી કહ્યું.

ના, મીઠાઈ તો હો. અને હોય તો બારીમાંથી બહાર ફેંકી દેજે.” મનીષા ઠંડા કલેજે બોલી.

 “બહાર શા માટે ફેંકી દેવાની? તારે ખાવી હોય તો ના ખાઈશ. મને તો ખાવા દે.. પહેલાં તો આમાં મીઠાઈ છે કે નહિ સવાલ છે!” એમ કહીને એણે પેકેટ સૂંઘી જોયું. પછી નકારમાં ડોકું ધુણાવ્યું અને બોલી. “ચાલ, બીજો વિકલ્પઆમાં કોઈક ગિફ્ટ હશે?”

 “કદાચ હોય પણ ખરીઅને હોય તો તારા માટે હોય!” મનીષા મોં વાંકું કરતાં બોલી.

 “નયન મને શા માટે ગિફ્ટ આપે? તું શેના પરથી કહે છે કે મારા માટે હોય?” સોનલે આંખો ઝીણી કરતાં કહ્યું.

 “એટલા માટે કે મને ગિફ્ટ આપવાનો અવસર પણ નથી અને માટેનું કોઈ કારણ પણ નથી. તું પહેલી વાર આવી છું અને કદાચ…” મનીષા બોલતાં બોલતાં અટકી ગઈ અને મોં સંતાડીને હસવા લાગી.

 “વાક્ય પૂરું કરી નાં. ‘કદાચકહીને કેમ અટકી ગઈ?” સોનલે પ્રશ્ન કર્યો.

 “કહી દઉં? હું એમ કહેતી હતી કે કદાચ એને તું ગમી ગઈ પણ હોય!” મનીષાએ સહેજ નટખટ  થતાં કહ્યું.

તો હવે તને કહી દઉંહું કોઈને પણ ગમું એવી તો છું પણ પછી તરત પણ સમજાઈ જાય છે કે અહીં દાળ ગળે એવી નથી…” સોનલે ગૌરવના ભાવ સાથે કહ્યું અને પછી ઉમેર્યું. “હવે પેકેટ તોડવું પડશે.” એણે ઉપરનું કાગળનું આવરણ ફાડી નાખ્યું તો અંદર એક બીજી કોથળી હતી અને ઉપર એક નાનકડું કવર મૂકેલું હતું. કવર પર સોનલનું નામ હતું. સોનલે કવર ફોડ્યું અને વાંચવાનું શરૂ કરતાં પહેલાં બોલી, “અક્ષર બહુ સરસ છે!”

મનીષાએ ઊભા થઈને કાગળમાં ડોકિયું કર્યું તો સોનલે હાથ વડે કાગળ પાછળ સંતાડી દીધો અને ઠપકો આપતી હોય તેમ બોલી, “કાગળ મારા નામે છે અને કોઈનો કાગળ વંચાય નહિ, ઈડિયટ!”

મનીષા મોં મચકોડીને પાછી બેસી ગઈ. સોનલે કાગળ વાંચવા માંડયો અને સંબોધન વાંચતા જ બોલી પડી, “હત્તે રે કી! આ તો સોનલબહેન પરનો કાગળ છે!” એણે ‘બહેન’ શબ્દ પર વિશેષ ભાર મૂક્યો. મનીષા સહેજ જોરથી હસી પડી. કાગળમાં લખ્યું હતું: “સોનલબહેન, મને ખબર નથી મારાથી આ રીતે તમને કાગળ લખાય કે નહિ અને આ રીતે મારી ભેટ મોકલાય કે નહિ. છતાં કાગળ લખું છું  અને ભેટ પણ મોકલું છું. આમ તો આ ભેટ હું મનીષાને એના જન્મ દિવસે જ આપવાનો હતો. ઉદયને એના જન્મદિવસે આવી ભેટ આપી ત્યારે મેં મનીષાને પણ કહ્યું જ હતું. પરંતુ હવે એના જન્મદિવસે કદાચ ન મળાય. એથી જ ભેટ આપવાનો આ અવસર નહિ હોવા છતાં આપવાની હિંમત કરું છું. હવે એક વિનંતી-આ ભેટ મળ્યા પછી મનીષાએ એનો સ્વીકાર કર્યો કે નહિ અને સ્વીકાર કર્યો હોય તો એનો પ્રતિભાવ શું છે એ મને જણાવશો? મને ખબર છે કે તમે પત્ર તો નહિ લખો, પણ તમારા ફોનની રાહ જોઈશ.- નયનનાં પ્રણામ.”

 “ જો તો, મને પ્રણામ કરે છે! લખ્યું છે મારા નામથી, પણ પત્ર તો તારા માટે લખ્યો છે!” કહેતાં સોનલે પત્ર મનીષાના હાથમાં મૂક્યો અને કોથળી ફાડી નાખી. અંદર આસમાની રંગનું એક આલ્બમ હતું. આલ્બમમાં મનીષાની લગભગ પંદર તસવીરો હતી. દરેક તસવીર એક એકથી ચડિયાતી હતી. દરેકમાં કાં તો એંગલ અથવા લાઈટની કમાલ જોવા મળતી હતી. સોનલે ઝટઝટ પાનાં ફેરવ્યાં ત્યાં સુધીમાં મનીષાએ કાગળ વાંચી લીધો એટલે આલ્બમ એના હાથમાં મૂક્યું. આલ્બમ જોતાં મનીષા બોલી ઊઠી, “નયનભાઈએ ઉદયને આવું આલ્બમ એના જન્મદિવસે ભેટ આપ્યું ત્યારે મને પણ કહ્યું હતું કે તારા જન્મદિવસ માટે હું આલ્બમ તૈયાર કરી રહ્યો છું અને તને તારા જન્મદિવસે ભેટ આપીશ.”

મનીષાએ ખૂબ કાળજીથી આલ્બમ હાથમાં લઈને ખોલ્યું. પહેલા પાને સોનેરી અક્ષરથી લખેલું હતું – ‘ટુ મનીષા ઉદય વ્યાસ ફ્રોમ નયન દેસાઈ.’ મનીષાએ અકારણ પાનું ફેરવી નાખ્યું. પછીના પાને રંગબેરંગી અક્ષરમાં એક કવિતા લખેલી હતી. મનીષા બે વાર કવિતા વાંચી ગઈ. પણ એને એનો અર્થ બરાબર સમજાયો નહિ. એથી, એણે પાનું ખુલ્લું રાખીને આલ્બમ સોનલને આપ્યું. સોનલે કવિતા પર નજર કરી અને આંખમાં આશ્ચર્યના ભાવ લાવીને બોલી, “ઓહો! તો નયન કવિતા પણ લખે છે? નક્કી પ્રેમમાં પડયો છે!”

કેમ એવું કહે છે?” મનીષાને કંઈ સમજાયું નહિ એટલે એણે પૂછયું.

પછી કહું છું! પહેલાં કવિતા તો વાંચવા દે!” કહીને સોનલે કવિતા વાંચવા માંડી.

                  શબ્દોના જંગલમાં

                  તરસનું રણ

                  ધોમધખતા તાપમાં

                  તરફડતી ક્ષણ.

                  વૃક્ષ પર શબ્દોનાં ફૂલ અને ફળ

                  નદીમાં શબ્દોનું જળ

                  પર્વતની ટોચ પર શબ્દો

                  ડરામણી ખીણમાં ય શબ્દો

                  આકાશના તારા શબ્દો

                  સૂરજ ને ચન્દ્ર પણ શબ્દો

                  શબ્દનો ઘોંઘાટ

                  અને

                  શબ્દનો સૂનકાર

                  ચારેકોર

                   એક ચિત્કાર!

પ્રેમની અનુભૂતિમાં શબ્દ જ ઘોંઘાટ પણ બને અને સૂનકાર પણ!

 “વાહ, કવિરાજ નયન દેસાઈ, આદાબ અર્ઝ હૈ!” એમ કહીને સોનલે એમ કુરનિશ જાવી.

 “હવે મને કવિતાનો અર્થ સમજાવ!” મનીષાએ સોનલને વિનંતી કરતી હોય એમ કહ્યું.

પહેલાં તો સોનલ ખડખડાટ હસી પડી. પછી હસતાં હસતાં બોલી. “એક માણસ એક વાર એક જાણીતા કવિ પાસે આવ્યો અને એમની જ કવિતાનો અર્થ સમજાવવા વિનંતી કરી. કવિએ એને કહ્યું, આ કવિતા મેં લગભગ છ મહિના પહેલાં લખી ત્યારે બે જ જણ એનો અર્થ સમજ્યા હતા. હું અને મારો ઈશ્વર. આજે છ મહિના પછી એક જ જણને એનો અર્થ ખબર છે – મારા ઈશ્વરને!”

સોનલ પ્રશ્નસૂચક નજરે મનીષા તરફ જોઈ રહી એટલે મનીષાએ કહ્યું, “તારો કહેવાનો મતલબ  શું છે?”

 “મારો કહેવાનો મતલબ છે કે નયનભાઈએ કવિતા હમણાં થોડા દિવસોમાં લખી હશે તો કદાચ એમને એનો અર્થ ખબર હશે. પરંતુ જો મહિના પહેલાં લખી હશે તો એમને ય અર્થ ખબર નહિ હોય. પછી તો એમના ઈષ્ટ દેવને પૂછવું પડે!” સોનલે નિઃસહાયતા પ્રગટ કરતાં કહ્યું.

 “હવે ચાંપલી થયા વગર  કહે ને!” મનીષાએ કૃત્રિમ ગુસ્સો કર્યો. “ચાંપલી થયા વગર કહું તો કવિતાનો અર્થ કદી સમજાવાય નહિ. જેટલું સમજાય એટલું સાચું. અને મોનુબહેન, તમને અત્યારે નહિ સમજાય!” સોનલે ઠાવકાઈથી કહ્યું.

 “પહેલાં નયનની બાબતમાં તું કંઈક બોલી વાત પણ તેં ઉડાડી દીધી. હવે મને કહે છે કે તને નહિ સમજાય. તું ખરેખર શું કહેવા માગે છે?” મનીષાએ થોડી ચીડ સાથે કહ્યું.

આમ તો બંને સવાલોનો જવાબ એક છે. કવિતા લખવા માટે અને કવિતા સમજવા માટે પ્રેમમાં પડવું પડે. સમજી? મેં કહ્યું કે, નક્કી નયન પ્રેમમાં પડયો છે ત્યારે મારો કહેવાનો આશય હતો અને તું નહિ સમજે એવું કહ્યું ત્યારેય મારો કહેવાનો આશય આવો હતો!” સોનલે ચોખવટ કરી.

 “તું ક્યાં પ્રેમમાં પડી છે? તને ય નથી સમજાયું એમ કહે ને!” મનીષાએ સોનલ પર પ્રહાર કર્યો.

  સોનલ સહેજ વાર એના તરફ જોઈ રહી અને પછી બોલી, “ પણ તને નહિ સમજાય.”

 “ચાલ, જવા દે એ વાત! આ કવિતામાં તું શું સમજી એટલું તો કહે!” મનીષાએ પોતાની અસલી જિજ્ઞાસા વ્યક્ત કરી.

 “સમજવા માટે બહુ મહેનત કરવી પડે એવી નથી. કવિતાનો અર્થ એટલો છે કે શબ્દ એને મૂંઝવે છે. એને કંઈક કહેવું છે પણ શબ્દો જડતા નથી. જડે છે તો અધૂરા લાગે છે. શબ્દનો ઉપયોગ કરવા જતાં કંઈક બફાઈ જવાનો અને ઉપયોગ કરવા જતાં કશુંક રહી જતું હોવાનો અનુભવ થાય છે. એની પીડા છે!” સોનલે કવિતાના અર્થને પામવાનો પ્રયત્ન કર્યો.

 મનીષા શૂન્ય ચહેરે સોનલને તાકી રહી. સોનલે હળવે રહીને કહ્યું, “મોનુ, એક વાત કહું?”

 “બોલ ને!”

 “જો, ખિજાવાનું નહિ!”

 “પણ, બોલ તો ખરી!”

કોઈ કવિતા સમજવાની ઈચ્છા થાય એ પણ પોઝિટિવ નિશાની છે… એમ કહીને સોનલ બર્થ પર આડી પડી. ભરૂચ પસાર થઈ ગયું. ત્યાં સુધીમાં તો એ જાણે ગાઢ નિદ્રામાં સરી ગઈ હતી. મનીષાને ઊંઘ નહોતી આવતી. એણે ત્રણેક વખત આલ્બમ ખોલીને તસવીરો જોઈ. દરેક તસવીર પાસે એ અટકી જતી હતી. એને દરેક તસવીરની સિચ્યુએશન યાદ આવતી હતી. મનમાં એ કોઈક મીઠી લાગણી અનુભવી રહી હતી.

આલ્બમના છેલ્લા પાને નયને વળી એક કવિતા લખી હતી. મનીષા અને સોનલની ચર્ચા તો પહેલા પાના પર જ અટકી ગઈ હતી. સોનલે તો બધી તસવીરો પણ ધ્યાનથી જોઈ નહોતી. છેલ્લા પાના પરની કવિતા પણ એણે વાંચી નહોતી. મનીષા એ કવિતા પણ ત્રણ વાર વાંચી ગઈ:

                 રોજ સવારે

                 નિઃશબ્દતાનું આકાશ

                 ભરી જાય એક પક્ષી

                 આંખમાંથી સરી જાય

                 સ્વપ્નના રાજકુમારનાં

                 શરીર પરનું

                 સોનાનું આવરણ

                 આજે

                 સાંજ પડી ગઈ

                 પણ અંધારું નથી થયું

                 કેમ, આજે કોનો દિવસ છે?

                 આકાશનો? પંખીનો?

                 રાજકુમારનો

                 કે

                 તારી નિઃશબ્દતાનો?

પ્રેમમાં શંકા સહજ હોય છે.

આ કવિતામાં પણ નયને શબ્દની જ વાત કરી હતી. મનીષાને કવિતાના અર્થની અનુભૂતિ થતી હતી. પણ કોઈ એને એ સમજાવવાનું કહે તો એ સમજાવી શકે તેમ નહોતી. એને સોનલની વાત યાદ આવી અને એ મનોમન હસી પડી. એણે એક નજર સોનલ પર નાખી. એ ઘસઘસાટ ઊંઘતી હતી. એને ઊંઘતી જોઈને થોડીવારમાં મનીષાને પણ ઊંઘ આવી ગઈ.

પરોઢે વિરાર પસાર થયું એટલે મનહરભાઈ નીચે ઊતર્યા. હજુ મનીષા અને સોનલ તો ઊંઘતાં જ હતાં. નિયમ મુજબ એમની પાછળ વિનોદિનીબહેન પણ ઊઠયા. એમણે મનીષા અને સોનલને જગાડયા. જોતજોતામાં તો ગાડી બોરીવલી પહોંચી ગઈ. આજે ગાડી થોડી મોડી હતી. ત્યાંથી લોકલ ટ્રેનમાં પાર્લા આવ્યાં. સ્ટેશનની બહાર નીકળ્યાં ત્યાં નન્નુ ટૅક્સીવાળો મળ્યો. કંઈ કામ હોય તો બોલાવજો એવું એણે કહ્યું.

ઘરે આવ્યાં ત્યારે બાર-પંદર દિવસથી ઘર બંધ હોવાને કારણે થોડી ધૂળ જમા થઈ હતી. રસોડામાં બધું એમ ને એમ પડયું હતું. પીવાનું પાણી પણ ઘરમાં નહોતું. વિનોદિનીબહેને ઝટપટ કચરો કાઢ્યો ત્યાં આજુબાજુમાં રહેતી ચાર-પાંચ સ્ત્રીઓ આવી ગઈ. એમને સમાચાર મળી ગયા હતા. મનહરભાઈને અને વિનોદિનીબહેનને આશ્ચર્ય જ એ વાતનું હતું કે એમણે તો આજુબાજુમાં કોઈને ય વાત નહોતી કરી. તો પછી એ લોકોને સમાચાર કઈ રીતે મળ્યા?

આજુબાજુવાળી સ્ત્રીઓએ રાબેતા મુજબ શોક પ્રદર્શિત કર્યો અને મનીષાની દયા ખાધી. એ સ્ત્રીઓ ઊભી થઈ કે તરત આજુબાજુમાંથી ચાર-પાંચ પુરુષો બેસવા આવ્યા. એમાંના એકે વાત વાતમાં કહી દીધું, “અમને તો ગઈકાલે જ ખબર પડી. પણ મનીષાનું વડોદરાનું સરનામું અમારી પાસે નહોતું.”

આવી આવનજાવનમાં દસ વાગી ગયા. એમ લાગ્યું કે કદાચ હવે આજુબાજુમાંથી કોઈ નહિ આવે એટલે મનહરભાઈએ કહ્યું, “આજુબાજુ બધાંને ખબર પડી ગઈ છે! આપણે તો કોઈને વાત કરી નથી. લોકોને ખબર કઈ રીતે પડી?”

“અંકલ, તમને આશ્ચર્ય થાય એ બરાબર છે. પરંતુ એ પણ ભૂલવા જેવું નથી કે આજે તો માહિતી ટેકનોલૉજીની દુનિયા છે. માઈલો દૂર બનેલી કોઈક વાત બીજી જ ક્ષણે દુનિયાના બીજા ખૂણે પહોંચી જતી હોય તો વડોદરા અને મુંબઈ વચ્ચે તો માત્ર ૪૦૦ કિલોમીટરનું અંતર છે!”

ખરું પણ…” મનહરભાઈને કંઈ સમજાયું નહોતું લોકો રીતે બેસવા આવે અને શોક પ્રદર્શિત કરે એથી વાતાવરણ ભારેખમ થઈ જતું હતું.

પપ્પા, તમે બરોડાથી અહીં કોઈને જાણ કરી હતી?” મનીષાએ પૂછયું.

ના રે, મેં તો નાગપાલ સિવાય કોઈને ય વાત કરી નથી. નાગપાલે માત્ર સોનલને વાત કરી હતી.”

 “સોનલ, તેં કોઈને…” મનીષા પૂછવા જતી હતી ત્યાં સોનલે જવાબ આપી દીધો. “મારી વાત કોઈ સાંભળે એવું છેતારા સિવાય..? અને કાલે તું અમેરિકા જાય ને, તો વાત તને અમેરિકામાં ય સાંભળવા મળે. એનું કારણ છે કે લોકો પાસે વાતો કરવાના વિષયો નથી. હજુ તો જોજે ને, આવું કેમ થયું એના વિષે જાતજાતની ચર્ચા થશે….” મનીષાને સોનલની વાત ગમી નહિ. પરંતુ સાચું કહેતી હતી એથી ચૂપ રહી.

મનહરભાઈએ કહ્યું, હુંઆજે તો ફેક્ટરી પર જાઉં છું. કદાચ વહેલો આવી જઈશ. સોનલઆજનો તારો કાર્યક્રમ શું છે? સાંજે આવે છે?”

 “જો મનીષા રજા આપે તો હું આજે ઘેર જઈ આવું. મારાં માંબાપને જરા મોં બતાવી આવું. એટલે એમને સંતોષ થાય કે એમનો નમૂનો સહીસલામત અને વન પીસ છે!” સોનલે રમતિયાળ શૈલીમાં કહ્યું.

પણ, કાલે પછી આવજે!” મનીષાએ રડમસ ચહેરો કરીને કહ્યું.

મનહરભાઈ તૈયાર થવા જતા હતા. ત્યાં ટૅક્સીવાળા સિરાજભાઈ આવ્યા. એમણે આવતાં કહ્યું, “કાદરબખ્શે મને વડોદરાથી આવ્યા પછી વાત કરી તો મને બહુ દુઃખ થયું. કાલે આ બાજુ નીકળ્યો હતો ત્યારે થયું કે લાવો. સાહેબ આવ્યા હોય તો ભેગો થતો આવું. પણ ઘર પર તાળું હતું. બાજુ વાળાને પણ કશી ખબર નહોતી. મેં જ એમને સમાચાર આપ્યા. અત્યારે કાદરબખ્શે જ મને કહ્યું કે સાહેબ આવી ગયા છે. એટલે તમને મળવા આવ્યો.”

મનહરભાઈએ તરત સોનલ સામે જોયું અને પછી મનીષા તરફ જોયું. ત્રણેયના મનમાં એ રહસ્ય ઉકલી ગયું હતું કે આજુબાજુના લોકોને કેવી રીતે ખબર પડી.

સિરાજભાઈના ગયા પછી સોનલ બોલી, “જિંદગીનાં કેટલાંક રહસ્યો ચપટી વગાડતામાં ખૂલી જતાં હોય છે અને કેટલાંક રહસ્યો પર પડદો ઢંકાયેલો રહે છે. એથી રહસ્ય લાગે ત્યારે એને ઉકેલવાની મથામણ કરવી નહિ. તો જિંદગી જીવવાની મજા આવે.”

 “સોનુ, હું ઝટપટ  રસોઈ બનાવી દઉં છું. તું જમીને જા.” વિનોદિનીબહેન બોલ્યાં.

“આન્ટી, મારી ચિંતા ન કરશો. હું ભૂખી નહિ રહું. મને કોઈક તો ખવડાવશે જ!” સોનલ હસતાં હસતાં બોલી.

“એના પપ્પા પણ થોડું ખાઈને જશે. મનીષા પણ તારી સાથે જમશે.” વિનોદિનીબહેને કહ્યું અને ઝટપટ  રસોઈ બનાવી દીધી.

બધાં સાથે જમ્યાં અને પછી તરત મનહરભાઈ તથા સોનલ સાથે જ નીકળવા લાગ્યાં ત્યારે મનીષાએ ફરી વાર કહ્યું, “સોનુ, કાલે તો આવીશ ને?”

“તું કહેતી હોય તો આજે જ આવું. ઘેર કાલે જઈશ. એક દિવસ ઓર….” સોનલે બેફિકરાઈથી કહ્યું.

 “ના, આજે તો તું ઘરે જા. પણ કાલે અચૂક આવી જજે.” મનીષાએ ભાર દઈને કહ્યું.

સોનલ એના ગાલ પર ટપલી મારતાં બોલી, “કાલે તો આવી જ. હજુ તારા રિમાન્ડ બાકી છે!

મનીષા ઊંચા અવાજે બોલી, “એટલે?”

સોનલ હાથના ઈશારાથી બાય બાય કરીને મનહરભાઈ સાથે નીકળી ગઈ. મનીષા એને દૂર સુધી જતી જોઈ રહી.

લીલો ઉજાસ – પ્રકરણ – ૧૨ – પુરુષ-ચિત્ત અને સ્ત્રી-ચિત્ત

સોનલને આમ તાકી રહેલી જોઈને મનીષાએ ફરી વાર પૂછયું, “તું શેના પરથી કહે છે કે… કે… નયનને મારા માટે સોફ્ટ કૉર્નર છે? એણે તને કંઈ કહ્યું?”

       “નાહું તો માનું છું કે, કદાચ એને પણ આવી ખબર નહિ હોય!” સોનલે સહેજ વિચારીને કહ્યું.

       “એટલે?” મનીષા વધુ ગૂંચવાતી હતી.

       “એટલે મારું આ તો ઓબ્ઝર્વેશન છે. કદાચ એના અચેતન મનમાં કોઈક લાગણી ઉદ્ભવી હશે, જેના વિષે એ પોતે પણ સભાન નહિ હોય…”

       “તો પછી તું શૂન્યમાંથી કેમ સર્જન કરે છે?” મનીષા ચિડાઈને બોલી.

       “મોનુ, બધું જ સર્જન શૂન્યમાંથી જ થતું હોય છે. જવા દે, એ વાત તને નહિ સમજાય. પણ એટલું કહી દઉં કે નયનના મનમાં આવી કોઈ લાગણી પ્રગટ થશે તો પણ એ તને ઝટ કહેશે નહિ…” સોનલ શૂન્યમાં તાકતી હોય એમ જોઈ રહી.

       “એનું કારણ મને સમજાવ!”  મનીષાએ આગ્રહ કર્યો.

       “એનું કારણ એ છે કે નયન ભલે પુરુષ હોય, એનું ચિત્ત તો સ્ત્રીનું જ છે. જેમ હું સ્ત્રી છું. પણ મારી પાસે પુરુષનું ચિત્ત છે!”  સોનલે કહ્યું.

       “ફિલોસોફી ઝાડવાનું બંધ કર અને સમજાય એવી સીધી સીધી વાત કર. પુરુષચિત્ત અને સ્ત્રીચિત્ત એટલે તું શું કહેવા માગે છે?” મનીષાને એની વાત સમજાતી નહોતી.

      “હું એમ કહેવા માગું છું કે, પુરુષચિત્ત આક્રમક હોય અને બુધ્ધિથી વધુ વિચારે, જ્યારે સ્ત્રીચિત્ત સમર્પિત થઈ જાય અને લાગણીથી વિચારેમતલબ કે નયન એની લાગણી ઝટ તારી પાસે વ્યક્ત નહિ કરે…”

      ચલ, છોડ યાર, અત્યારે આ વાત જવા દે!” મનીષાએ અણગમાના ભાવ સાથે કહ્યું.

     “.કે. વાત પૂરી! પણ એક છેલ્લી વાત કહી દઉં. આજે નહિ તો કાલે. મારી વાત સાચી પડે ત્યારે મને કહેજે.” સોનલનો આત્મવિશ્વાસ તો હજુય એવો ને એવો જ હતો.

      બહાર બેલ વાગ્યો. સોનલ ઊભી થવા જતી હતી ત્યાં મનીષા બોલી, “ઓ દાદીમા, તું બેસ. બહાર બધાં છે અને તારું કામ હશે તો તને બોલાવશે.” એમ કહી સોનલને બેસાડી દીધી.

      પિનાકીનભાઈનો દીકરો નિહાર આવ્યો હતો. કુલુમનાલી ટ્રેકિંગ પછી સિમલા થઈને એની ટુકડી પાછી ફરી હતી. મનહરભાઈ અને વિનોદિનીબહેનને જોતાં જ એ આશ્ચર્યમાં પડી ગયો હતો. એણે પૂછયું પણ ખરું. “મનીષા બહેન ક્યાં છે? પિનાકીનભાઈએ એને ટૂંકમાં બધી વાત કરી. ઉદયની આત્મહત્યાની વાત સાંભળીને એને આંચકો લાગ્યો. એ સહેજ સ્વસ્થ થયો એટલે પિનાકીનભાઈએ સોનલ અને મનીષાને બૂમ પાડી. એ વખતે બંને કપડાં બદલતાં હતાં અને પાછાં પોતપોતાના મૂળ પહેરવેશમાં આવી ગયાં હતાં. કપડાં બદલીને બંને બહાર આવ્યા. સોનલ એક ક્ષણ તો નિહારને જોઈ જ રહી. મનીષાએ માત્ર આંખથી જ એની ખબર પૂછી લીધી અને નિહારે જાણે આંખથી જ પોતાની લાગણી વ્યક્ત કરી. પિનાકીનભાઈએ સોનલને કહ્યું, “આ મારો દીકરો છે નિહાર! અને નિહાર. આ સોનલબહેન છે. મનીષાબહેનની ખાસ ફ્રેન્ડ!”

      સોનલે તરત હાથ લાંબો કરીને નિહાર સાથે હાથ મિલાવતાં કહ્યું, “હાય, હેન્ડસમ! આટલા દિવસ ક્યાં હતો? ખરા વખતે અમને કંપની ન આપી ને?”

     “મને તો ખબર જ નહિ કેહું તો કુલુમનાલી ટ્રેકિંગ માટે ગયો હતો. પછી અમે લોકો સિમલા ગયા હતા…”

     “હું તો અહીં જ ટ્રેકિંગ કરું છું!” સોનલે ગંભીર થતાં કહ્યું.

     “અહીં? ક્યાં?” નિહારના ચહેરા પર આશ્ચર્યના ભાવ ઉપસી આવ્યા.

     “આ જિંદગી જ ઉબડખાબડ અને નદીપર્વત જેવી છે. જીવવું એ જ આપણા માટે ટ્રેકિંગ છેસોનલે ખૂબ જ ઠાવકાઈ સાથે કહ્યું.

      “નિહાર, તને સોનલબહેન સાથે વાતો કરવાની મજા આવશે. અમને તો બહુ મજા આવી છે.” પિનાકીનભાઈએ કહ્યું.

     “અંકલ, અમે ક્યાંથી વાતો કરવાનાં હતાં? આજે તો તમે અમને કાઢી મૂકવાના છો!” સોનલે દયામણો ચહેરો કરીને કહ્યું.

      “જો જો, ખોટું ના બોલ! હું તો હજુય કહું છું કે, તું અને મનીષા રોકાઈ જાવ. મનહર અને ભાભીને જવા દો. એમ કહે ને કે તારે જ રોકાવું નથી અને દોષ મારો કાઢે છે!” પિનાકીનભાઈએ સામી ફરિયાદ કરી.

     મનીષા થોડી થોડીવારે નયન સામે પણ જોઈ લેતી હતી. નયનનો હાથ પ્લાસ્ટિકની કોથળી અને એમાંના પેકેટ પર જ હતો. એ પેકેટમાં શું છે એવું પૂછવાનો પણ એને વિચાર આવ્યો. પણ એ બોલી નહિ. મનીષા નયનના હાથમાંના પેકેટ તરફ જ નજર કરી રહી છે અને કંઈક વિચારી રહી છે એ વાતનો સોનલને ખ્યાલ આવી ગયો. એ મોટેથી બોલી પડી. “મનીષા, તું એ જ વિચારે છે ને કે નયનભાઈ પાસે આ ભેદી પેકેટમાં શું છે? પણ એ તને નહિ કહે. જો ને, કેવું જીવની જેમ સાચવીને બેઠા છે.”

    “ના, ના, હું તો બીજું જ વિચારતી હતી.” મનીષા વાતને ફેરવવા માટે બોલી.

   “તમને એવું લાગતું હોય તો તમને બતાવી દઉં.” એમ કહીને નયને પેકેટ હાથમાં લઈને પ્લાસ્ટિકની થેલીમાં હાથ નાખ્યો.

   સોનલ એના તરફ જોતી રહી. એનો હાથ થેલીમાં જ અટકી ગયો. સહેજ વાર રહીને સોનલ બોલી. “તમારો હાથ અટકી ગયો એ જ બતાવે છે કે તમે રહસ્ય ખુલ્લું કરવા માગતા નથી. હવે રહેવા દો!” સોનલ આંખો ઝીણી કરતાં બોલી.

  “એમાં કશું ખાનગી કે રહસ્યમય નથી. પછી હું તમને એ બતાવીશ. પણ હમણાં પ્લીઝ…” નયન જાણે આજીજી કરતો હોય એમ બોલ્યો.

     નિહાર, હમણાં તારી બેગ પ્રાચીના રૂમમાં મૂકી દે. તારો રૂમ મનીષા અને સોનલ વાપરે છે!” સરોજબહેને કહ્યું.

      “પ્રાચી હજુ આવી નથી?” નિહારે પૂછયું.

       પરંતુ એના સવાલનો જવાબ મળે એ પહેલાં સોનલ બોલી, “અમે હમણાં જ તારી રૂમ ખાલી કરીએ છીએ. ભાડાની રૂમ ખાલી તો કરવી જ જોઈએ ને! ભલે ભાડું ન આપતાં હોઈએ. એથી શું થઈ ગયું?”

      આપણો તો નિયમ જુદો છે. રહે તેનું ઘર અને રહે તેની રૂમ. એટલે એ તમારી જ રૂમ કહેવાય. નિહારે વિવેક કર્યો.

     સોનલ કંઈક કહેવા જતી હતી. પરંતુ ચૂપ જ રહી. પિનાકીનભાઈને ખ્યાલ આવી ગયો. એમણે તરત કહ્યું, “સોનલ, તું કંઈક કહેવા જતી હતીશું કહેતી હતી?”

    “કંઈ નહિહું તો નિહારને કહેવા જતી હતી કે મારું ન હોય એને પણ મારું માની લેવામાં જ પીડા છે. બધાં જ ઘર એમનાં એમ રહે છે. માત્ર એના રહેવાસીઓ જ બદલાય છે…” સોનલે કહ્યું.

    “હું તમારી વાત સમજ્યો નહિ.” નિહારે કહ્યું.

    એની વાતમાં કંઈ સમજવા જેવું પણ નથી. એને થોડી થોડીવાર આફરો ચડે છે અને કંઈક બોલવા જોઈએ છે!” મનીષા વચ્ચે બોલી. સોનલ એને મારવા ધસી ગઈ એટલે મનીષા ત્યાંથી ઊભી થઈ ગઈ અને રૂમમાં દોડી ગઈ. સહેજવાર પછી મનીષાએ બૂમ પાડી. “સોનુ, હવે તૈયારી કરવા માંડપાછી તું તો છેક ટ્રેનના ટાઈમે તૈયાર થઈશ

     સોનલ બહારથી જ બોલી, “ઉતાવળ શેની કરે છે? આ જગતમાં કોઈ તારા જેવી ઉતાવળ કરતું નથી!” સોનલે બેફિકરાઈથી કહ્યું.

    “કેમ એવું કહે છે?” પિનાકીનભાઈએ એને ઉશ્કેરવા કહ્યું. એ તરત જ બોલી, “તમે જ કહોઅંકલ! આ દુનિયામાં કોઈ ઉતાવળ કરે છે? આપણે માણસો જ ઉતાવળા થઈએ છીએ…”

    “કેમ એમ?” પિનાકીનભાઈ આંખો ઝીણી કરતાં પૂછયું.

માણસને જ જીવનમાં બધું ઉતાવળે હાંસલ કરી લેવું છે.

    “તો શું? મને બતાવો, કોઈ ઉતાવળ કરે છે? સૂરજને આપણે કહીએ છીએ કે આજે જરા ઉતાવળ કરજે અને વહેલો ઊગજે. મારે બહાર જવું છે કે એપ્રિલમે મહિનામાં વરસાદને કહીએ છીએ કે જરા વહેલો આવી જા, બહુ ગરમી લાગે છે? આંબાનો છોડ વાવીને આંબાને કહીએ છીએ કે જલ્દી જલ્દી ઊગી જા. મારે કેરી ખાવી છે? ઉતાવળ કરવા માટે તો જાણે એકલી બિચારી સોનલ જ હાથમાં આવે છે!” સોનલે, ગરીબડું મોં કરતાં કહ્યું અને પછી બોલી, જવા દો ભાઈ, અત્યારે એ શહેનશાહ છે અને સત્તા આગળ  શાણપણ કરવાનો અર્થ નથી…” એના આ શબ્દો સાંભળીને સૌ કોઈ હસી પડયાં.

     મનહરભાઈ ગુમસુમ હોય એવું લાગ્યું. એટલે પિનાકીનભાઈએ કહ્યું, “મનહર, શું વિચારે છે?”

    “કંઈ નહિ. મને વિચાર આવે છે કે સમય ક્યાં પસાર થઈ જાય છે એ જ ખબર પડતી નથી. આટલા બધા દિવસ તારે પણ રજા પાડવી પડી અને નયનને પણ દોડાદોડી કરવી પડીહું આ ઉપકારનો બદલો ક્યારે ચૂકવીશ?” મનહરભાઈ સહેજ ઢીલા થઈ ગયા.

     “પહેલી તો વાતમારી પાસે રજાઓ ભેગી થઈ ગઈ છે અને હવે રજા ન લઉં તો લેપ્સ થઈ જાયનકામી જતી રહેઅને અમે કોઈ ઉપકાર કર્યો નથી. અમે તો અમારી ફરજ બજાવી છે. મારો તારા ઉપર ઉપકાર ક્યારે ચડે? તું મને પારકો માનતો હોય ત્યારે!” પિનાકીનભાઈએ અણગમા સાથે કહ્યું. પછી નયન તરફ ફરીને બોલ્યા, “તું શું કહે છે. નયન?”

     “તમારી વાત સાચી છે. જેને પોતાનાં માનતાં હોઈએ એની બાબતમાં આવું વિચારવું જોઈએ નહિ.” નયને પણ પિનાકીનભાઈની વાતમાં સૂર પુરાવ્યો.

     વિનોદિનીબહેન બેગ તૈયાર કરતાં હતાં એ દરમ્યાન સરોજબહેને મેથીની ભાજીનાં ઢેબરાં બનાવી દીધાં. ઢેબરાં, અથાણું અને ચાનું ભોજન કર્યા પછી બધાં ધીમે ધીમે નીકળવા તૈયાર થયાં. સોનલ બોલી, “મને તૈયાર થતાં જરાય વાર લાગી નથી. હકીકતમાં મારે કશું તૈયાર કરવાનું જ નહોતું. જેની જરૂરિયાતો જ ઓછી હોય એને શું વાર? મનીષાને જ વાર થઈ છે…”

     “એ તો બહેન, અત્યારે તું આઝાદ પંખી જેવી છે ને એટલે ! ઘરગૃહસ્થી થશે ત્યારે ખબર પડશે!” સરોજબહેન બોલ્યાં.

    “આન્ટી, હું આઝાદ પંખી જ રહેવા માંગું છું. એટલે જ મારે ઘરગૃહસ્થી જોઈતી નથી. આવી આઝાદીનો કોણ ભોગ આપે?” સોનલે બેફિકરાઈથી જવાબ આપ્યો.

    “ એ તો બધું અત્યારે બોલવું છે! સમય આવશે ત્યારે એ બધું ભૂલાઈ જશે!” સરોજબહેને કહ્યું.

    “આન્ટી, મને શંકા છે કે ક્યારેય મારા જીવનમાં કદાચ એવો સમય નહિ આવે!” સોનલે ઊંડા આત્મવિશ્વાસ સાથે કહ્યું.

    “શરત લગાવ મારી સાથેએવો દિવસ આવશે જ.” સરોજબહેન જુસ્સામાં આવી ગયાં.

    “આન્ટી, ભવિષ્ય વિષે શરત મારવામાં હું માનતી નથી. એનું કારણ કે છે કે કાલે ભવિષ્ય કેવો વળાંક લે છે એ કોઈ જાણતું નથી. શક્ય છે કે તમે સાચાં પણ પડો! હું તો આજની મારી માનસિક સ્થિતિની વાત કરું છું…” એટલામાં મનીષા પણ આવી ગઈ. એ પિનાકીનભાઈને અને સરોજબહેનને પગે લાગી. એની આંખ ભીની હતી. એવી ભીની આંખે જ એણે પહેલાં નિહાર તરફ અને પછી નયન તરફ જોયું.

     સોનલે પણ નયન તરફ નજર  કરી. નયન તરત જ બોલ્યો,  “સોનલબહેન, તમે લોકો જાવ છો એ નથી ગમતું. સૂનું સૂનું લાગશે…”

    “અમે એટલે કોણ…” સોનલે વેધક નજરે જોતાં પૂછયું.

    “તમે એટલે તમે બધાં જ…” નયન સહેજ ઝંખવાણો પડી જતાં બોલ્યો.

    “જુઓ નયનભાઈ, આપણું અસ્તિત્વ જ આવનજાવનનું છે. જે આવે છે એણે જવું જ પડે છે અને સૂનું લાગવું એ તો આપણા મનનો સવાલ છે. હું તો કહું છું કે મને તમારાં બધાં વિના સૂનું લાગવાનું નથી…” સોનલ એની રમતિયાળ અદામાં બોલી.

    “કેમ? અમારી આટલી જ કિંમત ને?” પિનાકીનભાઈએ ફરિયાદના સૂરમાં કહ્યું.

   “ના, જરાય નહિતમે ખોટું સમજ્યા, અંકલ! અહીંથી ગયા પછી પણ તમે બધાં તો મારી સાથે હાજર જ હશો. એટલે મારી હાજરીને અનુભવવી એ તમારા હાથમાં છે.” સોનલ જાણે પડકાર ફેંકતી હોય એમ બોલી.

     બધાં સ્ટેશન પર આવ્યાં ત્યારે ટ્રેન પ્લૅટફૉર્મ પર આવી ગઈ હતી. નિહારે કમ્પાર્ટમેન્ટ શોધી કાઢ્યો. અંદર જઈને સામાન પણ મૂકી દીધો. થોડીવાર બધાં બહાર જ ઊભા રહ્યાં. આડીઅવળી વાતો કરતાં રહ્યાં. મનહરભાઈના મન પર હજુય આભારનો ભાર હતો. નયન હજુય પેલું પેકેટ કાળજીથી બગલમાં દબાવીને ઊભો હતો. સોનલે મજાક કરી,  “નયનભાઈ, તમે આ ખજાનો તો ન જ બતાવ્યો. તમે છો તો હોશિયાર હોં!” નયન સહેજ હિંમત કરીને બોલ્યો, આટલી ધીરજ રાખી છે તો થોડી વધારે રાખો ને! હું તમારાથી નહિ છુપાવું!” સોનલે નયનના આ બીજા વાક્યની નોંધ લીધી અને તરત મનીષા સામે જોયું.

     પિનાકીનભાઈએ કહ્યું, “મનહર, હવે પત્ર લખવાનો જમાનો તો ગયો. એટલે પત્ર લખજે એમ કહેતો નથી. પરંતુ અઠવાડિયે પંદર દિવસે ફોન તો કરજે જ. કદાચ એકાદ મહિના પછી મારે મુંબઈ આવવાનું થશે. એ વખતે એકાદ દિવસ રોકાવાય એ રીતે આવીશ.” પછી મનીષા તરફ ફરીને બોલ્યા, “બેટા, હવે જે બન્યું છે એ ન બન્યું બનવાનું નથી. થોડી સ્વચ્છતા રાખજે. સમજીને કામ કરજે. તારાં માબાપનો તું એક જ આધાર છે. અમે બધાં જ છીએ, પણ તું સૌથી વધુ નજીક છે. એમને દુઃખ ન થાય એની કાળજી રાખજે અને એમની વાત માનજે. બીજું તો શું કહું?” પિનાકીનભાઈ ભાવુક થઈ ગયા હતા. મનીષા કંઈ બોલી નહિ. એ રેલવે સ્ટેશનના પ્લૅટફૉર્મની ટ્યૂબલાઈટ તરફ તાકી રહી હતી.

    સહેજવાર રહીને પિનાકીનભાઈ સોનલ તરફ ફર્યા અને કહ્યું, “સોનલ, વળી પાછી ક્યારેક અહીં ભૂલી પડજે. તને અમારી સાથે મજા આવી કે નહિ એ તો ખબર નથી. પણ અમને તારા આવવાનું ગમ્યું જ છે. અમને તારા માટે માયા બંધાઈ છે…”

    “અંકલ, એ ખોટું! માયા બંધાય એ ખોટું!” સોનલ બોલી.

    “કેમ? એમાં ખોટું શું છે?” પિનાકીનભાઈએ આશ્ચર્ય સાથે પૂછયું.

    “ખોટું એટલા માટે કે આપણને માયા બંધાય એટલે આપણે આપોઆપ બંધાઈ જઈએ છીએ. એથી હું તો માનું છું કે માયા પેદા કરીને બંધાવું જ નહિ. બંધાઈ જઈએ તો દુઃખ ને? મને તો મારાં માબાપની પણ માયા નથી.” સોનલ લગભગ  એકી શ્વાસે બોલી ગઈ.

     “હા, ઠીક યાદ આવ્યું. હું કદાચ મહિનાદોઢ મહિના પછી મુંબઈ આવું તો મારે તારાં મમ્મીપપ્પાને પણ મળવું છે અને તારા જેવી દીકરી હોવા છતાં બદલ એમને અભિનંદન આપવા છેલઈ જઈશને મને એમની પાસે?” પિનાકીનભાઈએ વિનંતી કરતાં હોય એમ કહ્યું.

     “અંકલ, મારાં મમ્મીપપ્પા મને તો વંઠેલી ગણે જ છે. તમે મારા વિષે કંઈ પણ સારું કહેશો તો એ તમારા માટે પણ એવું વિચારશે કે આ ક્યાંક મેન્ટલ હૉસ્પિટલમાંથી જ આવ્યા છે!” સોનલ હસતાં હસતાં બોલી.

     “સોનલ, તું આટલી બધી ડાહી અને સમજદાર છે, તો પણ તારાં મમ્મીપપ્પા માટે કેમ આવું બોલે છે? સારાં છોકરાં કદી માબાપને દુઃખી કરતાં નથી.” પિનાકીનભાઈ એમના વિચારો જણાવી રહ્યા હતા.

     “તમને કોણે કહ્યું છે કે હું એમને દુઃખી કરું છું. જુઓ અંકલ, હું તો દ્રઢપણે એમ માનું છું કે આ દુનિયામાં કોઈ કોઈને દુઃખી કરી શકતું નથી કે સુખી પણ કરી શકતું નથી. માણસ પોતાના સુખ કે દુઃખ માટે પોતે જ જવાબદાર હોય છે. એ પોતાના સુખ કે દુઃખની જવાબદારી બીજા પર નાંખે છે એથી જ દુ:ખી થાય છે. તમે મુંબઈ આવો ત્યારે વાત કરીશુંજુઓ ટ્રેનની વ્હિસલ વાગી.” એમ કહીને સોનલ ટ્રેનમાં ચડી ગઈ. મનહરભાઈ, વિનોદિનીબહેન અને મનીષા તો આ દરમ્યાન ટ્રેનમાં ગોઠવાઈ ગયાં હતાં. એક બારી પર મનીષા બેઠી હતી એની પાસે જઈને સોનલ ગોઠવાઈ ગઈ. બીજી બારી પર મનહરભાઈ બેઠા હતા અને વિનોદિનીબહેન એમની બાજુમાં બેસી ગયાં હતા. એ જ બારીમાંથી પિનાકીનભાઈએ મનહરભાઈનો હાથ પકડી રાખ્યો હતો. જાણે હવે જે કંઈ કહેવાનું બાકી રહ્યું હતું એ તેઓ સ્પર્શ દ્વારા કહી રહ્યા હતા.

     વ્હિસલ વાગી ગયા પછી ટ્રેન ઉપડવાની ઘડીઓ ગણાતી હતી. આ દરેક પળ લાંબી લાગતી હતી. સોનલે નયનની બગલમાં દબાવેલા પેકેટ પર નજર નાખી. એ કંઈક બોલવા જતી હતી ત્યાં નિહારે સોનલને કહ્યું, “સોનલબહેન, હવે ફરી ક્યારે આવશો?” સોનલ તરત જ ઊભા થતાં બોલી, “ફરી ક્યારે અવાશે એ તો કોણ જાણે? પણ તું કહે તો અત્યારે જ ઊતરી જાઉં. મુદ્દતો પાડવામાં આપણને બહુ વિશ્વાસ નથી.” નિહારે તરત જ કહ્યું, “તો ઊતરી જાવ.” સોનલ પાછી બેસી ગઈ અને બોલી, “હવે બહુ મોડું થઈ ગયું. હવે તો જવું જ પડે. જો, આ ગાડી ઊપડી.”

    ગાડીમાં સહેજ હલનચલન  થયું. નયન બારી પાસે આવ્યો. જ્યાં સોનલ અને મનીષા બેઠાં હતાં. નયને કહ્યું, “બેચાર દિવસમાં બધા પેપર્સ ભેગા કરી લઈશ અને પછી જરૂર પડશે તો એકાદ દિવસ મુંબઈ આવી જઈશ. સોનલબહેન, તમે મળશો ને?”

    “તમે આવો તો ખરા! પહેલાં તો હું મને મળુંપછી તમને મળવાનો સવાલ છે ને!” સોનલે મજાકના સ્વરમાં કહ્યું.

     ધીમે ધીમે ગાડી ઊપડી. પિનાકીનભાઈ, સરોજબહેન અને નિહાર ગાડી સાથે દસેક પગલાં ચાલ્યાં. નયન પણ મનીષાની બારીનો સળિયો પકડીને ચાલ્યો. ટ્રેન ધીમે ધીમે ગતિ પકડતી હતી. નયન કંઈક કહેવા માગતો હોય એવું દેખાતું હતું. સોનલે એને મજાકમાં કહ્યું, “ચેઈન ખેંચું કે?”

       જવાબમાં નયને બગલમાં પકડેલું પેકેટ બારીમાંથી મનીષા તરફ ધર્યું અને બોલ્યો,  “નિરાંતે જોજો અને પછી મને જણાવજોસોનલબહેન!”

     ગાડીએ હવે બરાબર ગતિ પકડી હતી. ગાડી પ્લૅટફૉર્મની બહાર નીકળી ગઈ ત્યાં સુધી ચારેય જણ બારીમાંથી બહાર જોતાં રહ્યાં. મનહરભાઈને આટલે દૂરથી પણ એવું લાગ્યું કે જાણે પિનાકીનભાઈની આંખમાં ઝળઝળિયાં હતાં. નયન ઊભો ઊભો જોતો હતો અને હાથ હલાવતો હતો. મનીષા એણે આપેલા પેકેટ તરફ જોવા લાગી અને સોનલ મનીષાને જોઈ રહી.

લીલો ઉજાસ – પ્રકરણ – ૧૧ – ‘ફ્રિજિડીટી’ – મનીષાની માનસિક સમસ્યા?

બારણું બંધ કરીને મનીષા સોનલ સામે ગોઠવાઈ ગઈ. સોનલે ઊંડો શ્વાસ લઈને કહ્યું, “મોનુ, મારા સવાલનો એકદમ ઓનેસ્ટ – એકદમ  પ્રામાણિક જવાબ આપજે. હું આ સવાલ તને કારણ વગર પૂછતી નથી. તું સાચો જવાબ નહિ આપે તો મારા મનમાં મૂંઝવણ વધશે. એટલે ફરીવાર તને કહું છું કે, સાચો અને પ્રામાણિક જવાબ આપજે.”

       “બહુ ભૂમિકા બાંધ્યા વગર સીધું પૂછી નાંખ ને!” મનીષાએ અકળામણના ભાવ ચહેરા પર લાવીને કહ્યું.

     “મોનુ, સાચું કહે, તું ઉદયને ખરેખર પ્રેમ કરતી હતી ખરી?” સોનલે સીધો જ સવાલ કર્યો.

      “હા.” મનીષાએ એકાક્ષરી જવાબ આપ્યો.

      “આટલા જવાબથી મને સંતોષ નથી. સારું ચાલ, કેવો પ્રેમ કરતી હતી?” સોનલે આગળ પૂછવું.

      “કેવો એટલે? પ્રેમ જેવો પ્રેમ…” મનીષાએ થોડા ચિડાઈને કહ્યું.

     “પ્રેમ તો પ્રેમ જેવો જ હોય એ તો હું પણ સમજું છું. કેવો પ્રેમ એનો આ જવાબ નથી!” સોનલે પણ થોડા ચીડના ભાવ સાથે કહ્યું.

      “હું શું કહું તને? એક પત્ની પોતાના પતિને પ્રેમ કરે એવો પ્રેમ…. બીજું શું?” મનીષાએ થોડો ફોડ પાડયો.

    “એક્ઝેટલી, હું એ જ જાણવા માગું છું. એક પત્ની તરીકેનો પ્રેમ, પ્રેમિકા તરીકેનો પ્રેમ નહિ!” સોનલ પોતાની વાતને વધુ સ્પષ્ટ કરવા મથતી હતી.

    “એમાં શું ફેર પડે છે? પત્ની તરીકેના પ્રેમમાં અને પ્રેમિકા તરીકેના પ્રેમમાં શું ફેર પડે છે? એ તો પ્રેમની શરૂઆતનો સવાલ છે. પ્રેમ આગળ વધે પછી તો બંને પ્રેમ એક જ છે ને!” મનીષાએ એનો તર્ક રજૂ કર્યો.

    “ના, બંને વચ્ચે તફાવત છે.” સોનલે કહ્યું.

    “શું તફાવત છે?” મનીષા પ્રશ્નસૂચક નજરે એના તરફ જોઈ રહી.

પત્ની અને પ્રેમિકા પ્રેમનો અનુભવ કેવી રીતે કરે છે?

     “પત્ની તરીકેના પ્રેમમાં ફરજ અને કર્તવ્યની ભાવના મુખ્ય હોય છે. પ્રેમિકા તરીકેના પ્રેમમાં સમર્પણની ભાવના મુખ્ય હોય છે. આગળ  વધીને કહું તો પત્ની તરીકેના પ્રેમને લગ્નજીવનની કોઈક નબળાઈની ફરજના એક ભાગ તરીકે સ્વીકાર થાય છે. જ્યારે પ્રેમિકા તરીકેના પ્રેમમાં કોઈ પણ નબળાઈનો સહજ રીતે સ્વીકાર થાય છે.” સોનલે તફાવત સમજાવવાનો પ્રયાસ કર્યો.

    “પણ તું અત્યારે આવું બધું શા માટે પૂછે છે? તારે ખરેખર શું જાણવું છે. એ મને કહી દે ને!” મનીષાને ખ્યાલ આવી ગયો કે સોનલ કઈ વાત પર આવવા માગતી હતી.

    “આમ જુઓ તો મારે કશું જ જાણવું નથી. છતાં તને કહું તો જો તું ઉદયને પત્ની તરીકેનો જ પ્રેમ કરતી હોય તો એની કોઈ પણ વાત તને ન ગમતી હોય કે તેને અનુકૂળ ન હોય તો તું તારી ફરજ છે એમ સમજીને સ્વીકાર કરી લે અને જો પ્રેમિકા તરીકે વ્યવહાર હોય તો તું તેને ના પાડી શકે અથવા ખરેખર તો અમુક વાત તને પસંદ નથી એમ સમજીને જ એ આગ્રહ ના કરે. લગ્નજીવનમાં આવા તો અનેક મુદ્દા આવતા હોય છે.” સોનલે વધુ સ્પષ્ટતા કરતાં કહ્યું.

    “એટલે તું કયા મુદ્દાની વાત કરે છે?” મનીષાએ સહેજ શંકા સાથે કહ્યું.

    “કોઈ સ્પેસિફિક મુદ્દાની વાત નથી… કોઈ પણ… જેમ કે રસોઈની વાત હોય, બહાર હરવા-ફરવાની વાત હોય કે પછી… સોનલે આંખ મિચકારી.

    “તું શું જાણવા માગે છે એનો મતલબ મને થોડું થોડું સમજાય છે…” મનીષાએ સહેજ ગંભીર થઈ જતાં કહ્યું અને પછી ઉમેર્યું. “જો સોનુ, લગ્ન પહેલાં હું અને ઉદય બહુ પરિચયમાં નહોતાં. માત્ર બે જ વખત મળ્યાં હતાં. લગ્ન પછી મેં એનો પતિ તરીકે સંપૂર્ણ સ્વીકાર કર્યો હતો. તું કહે છે એ સાચું છે. પતિ તરીકે મને એના માટે પ્રેમ હતો, પણ એમાં ફરજ અને કર્તવ્યભાવના વિશેષ હતી. એને કોઈ પણ રીતે દુઃખ ન થાય એ જોવા હું આતુર હતી. પણ તું કહે છે તેમ એ પ્રેમિકા તરીકેનો પ્રેમ તો નહોતો જ… ક્યારેક મને ન ગમે એવી વાત પણ એ કરે તો હું સ્વીકારી લેતી હતી… પણ એને ન ગમે એવું તો ન જ કરવું એટલું મારા મનમાં સ્પષ્ટ હતું…”

      “બસ, મારે આટલું જ જાણવું હતું.” સોનલે સંતોષના ભાવ સાથે કહ્યું. એણે જોયું કે મનીષા થોડી ભારેખમ થઈ ગઈ હતી. આથી એણે વાતાવરણને હળવું કરી દેવાના ઈરાદાથી મનીષાના પગ પર ટપલો મારીને એકદમ ઉત્સાહના ભાવ લાવીને કહ્યું, “મોનુ, એક આઈડિયા! આપણે બંને અંકલ અને આન્ટીને સરપ્રાઈઝ આપીએ!”

     “કઈ રીતે?” મનીષાએ મૂંઝવણ સાથે પૂછયું.

      “એક કામ કર, તું મારાં જીન્સ અને ટી-શર્ટ પહેરીને એકદમ એમની સામે જઈને ઊભી રહે…” સોનલ થોડી ઉત્તેજના સાથે બોલી.

     “ચલ હટ! મારાથી ના પહેરાય! સારું ન લાગે! જરા વિચાર તો કર!” મનીષા સહેજ ખિજાઈ ગઈ.

     “મોનુ, ખોટું ન લગાડતી, પણ ઉદય અત્યારે હોત અને એણે કહ્યું હોત તો…” સોનલે એને મનાવવા માટે દલીલ કરી.

     “ વાત જુદી છે…” મનીષાએ નિસાસા સાથે પોતાનો બચાવ કર્યો.

      “એ વાત જુદી નથી. હું તો કાયમ કહું છું કે જે માણસ હાજર નથી એ હાજર હોત તો આપણે જે કરતાં હોત એ જ કરવું જોઈએ… જો તું આત્માના અસ્તિત્વને માનતી હોય તો વિચાર કર કે તને ખુશ અને હસતી રમતી જોઈને એના આત્માને આનંદ થાય કે દુઃખ?” સોનલે એનો મૂળભૂત તર્ક રજૂ કર્યો. મનીષા ઘડીભર વિચારમાં પડી. એને પણ સોનલની વાત તો ગળે ઊતરતી હતી. છતાં એનું મન માનતું નહોતું. સોનલ એના મનની મૂંઝવણ કળી ગઈ હોય એમ બોલી, “અત્યારે આપણે બધાં ઘરનાં ઘરનાં જ છીએ. બહારથી કોઈ આવવાનું નથી. જરીક વાર વાતાવરણ હળવું થઈ જશે!”

      મનીષા માની તો ગઈ, પણ એણે સોનલ સામે શરત મૂકી, “હું તારાં જીન્સ અને ટી-શર્ટ તો પહેરું, પણ તુંય મારી સાડી પહેર…”

      સોનલે સહેજ પણ આનાકાની કરી નહિ. બંને એકબીજાનાં કપડાં પહેરીને તૈયાર થયાં બંને બહાર આવ્યાં એટલે એમને જોઈને પિનાકીનભાઈ તાળીઓ પાડીને બોલી ઊઠયા, “અહાહા, હું શું જોઉં છું? સરોજ, જો તો કોણ બે બહેનો આવી છે?” એમણે બૂમ પાડતાં સરોજબહેન બહાર આવી ગયાં. સરોજબહેન અને વિનોદિનીબહેન તો બંનેને જોતા રહી ગયાં. મનહરભાઈ પણ વારાફરતી બંનેને જોતા હતા. એમનાથી બોલી જવાયું, “બહુ સરસ લાગો છો. હવે બદલી કાઢો. કોઈ આવે તો ખરાબ લાગે.”

       સોનલથી રહેવાયું એટલે બોલી ગઈ, “તમે ય શું અંકલ? કોઈ આવે તો શું વાંધો છે? અમે કોઈ ચોરી તો નથી કરી ને?”

      “ના, એમ નથી. તારો વાંધો નહિ, પણ…” વાક્ય પૂરું કરે ત્યાં પિનાકીનભાઈ વચ્ચે બોલી પડયા, “મનહર, આવા કન્ઝર્વેટિવ નહિ થવાનું! છોકરાં છે. આનંદ નહિ કરે તો શું આપણે કરવાના હતા?”

      મનહરભાઈએ મન મનાવી લીધું પણ મનીષા જરા ઉદાસ થઈ ગઈ. કપડાં બદલવા પાછી જતી હતી ત્યાં સોનલે એને પકડી લીધી અને કહ્યું, “થોડીવાર પહેરી રાખ!” પછી પિનાકીનભાઈ તરફ ફરીને બોલી, “અંકલ, તમે કહ્યું ને કે આનંદ નહિ કરે તો શું આપણે આનંદ કરવાના હતા? આઈ પ્રોટેસ્ટ યોર સ્ટેટમેન્ટ. આનંદ કરવાની કોઈ ઉંમર હોય ખરી? તમે આનંદ કરો એમાં તમારો વાંક છે.”

      પિનાકીનભાઈએ તરત કાનની બૂટ પર આંગળી મૂકી અને સોનલની વાતનો સ્વીકાર કરી લીધો. સરોજબહેન બોલ્યાં,  “સોનલ, સાડીમાં તું પરી જેવી લાગે છે. કપાળમાં ચાંલ્લો અને હાથમાં બંગડી ખૂટે છે!” પછી એમણે એક નજર મનીષા પર કરી. મનીષાનો લાંબો ચોટલો અને ગળામાં એણે પહેરી રાખેલું મંગળસૂત્ર જીન્સ સાથે મેચ થતું નહોતું. પણ કંઈ બોલ્યાં નહિ.

      મનીષાને શું સૂઝયું કે એણે વિનોદિનીબહેન પાસેથી શાક સમારવાની થાળી અને ચપ્પુ લઈ લીધાં અને શાક સમારવા માંડી. સરોજબહેને કહ્યું, “ચાલ સોનલ! આજે તું રસોઈ બનાવ. કેવી રસોઈ બનાવે છે એ અમે જોઈએ તો ખરાં..!”

     “આન્ટી, બસને! આવો જ જુલમ ગુજારવાનો ને! સાડી પહેરી એટલે રસોઈ પણ કરવી પડે એવું ખરું? એટલે જ તો હું સાડી પહેરતી નથી!” સોનલે પોતાનો બચાવ કરતાં કહ્યું, અને પછી બોલી,  “આ મોનુ તમને મારા વતી મદદ કરશે… મને જામીન પર છોડો!” એણે સરોજબહેન તરફ હાથ જોડીને કહ્યું.

      પિનાકીનભાઈ તરત જ બોલ્યા, “આ મનીષા તને મદદ કરે છે. એટલી વાર મારે અને મનહરને સોનલ સાથે જરા વાત કરવી છે. સોનલ જરા આવ તો…

     સોનલ તરત જ એમની પાછળ રૂમમાં ગઈ. પિનાકીનભાઈએ બારણું બંધ કર્યું અને બેઠા પછી બોલ્યા, “સોનલ, આજે તો તું જવાની. પછી કોણ જાણે ક્યારે મળીશ.

    “તમે બોલાવજોને. હું આવી જઈશ. આ વખતે તો હું તમારા બોલાવ્યા વિના જ આવી ગઈ છું ને!” સોનલે મારકણી આંખો કરીને કહ્યું .

   “તું આવી તો અમને બધાંને સારું લાગ્યું… સોનલ, મારે તને બે વાત પૂછવી છે…” પિનાકીનભાઈએ કહ્યું.

      “તારી બુધ્ધિ તો ઘણે દૂર સુધી પહોંચે છે. એટલે જ તને પૂછવાનું મન થયું… પહેલી વાત તો એ કે જ્યોતિબહેને સરોજને જે વાત કરી એ તને કેટલી સાચી લાગે છે? આવું બની શકે ખરું?” પિનાકીનભાઈ મૂળ વાત પર આવ્યા.

     “મને આખી વાતમાં કંઈક ગેરસમજ થતી હોય એવું લાગે છે… મનીષા ધારો કે ફ્રિજિડ હોય તો પણ શું? એ ફ્રિજિડ હોય તો પણ એની અને ઉદયની વચ્ચે શારીરિક સંબંધ નહિ હોવાનું કારણ સમજાતું નથી.” સોનલે થોડી મૂંઝવણ સાથે કહ્યું.

        “અમારે એ જ સમજવું છે. પહેલાં તું અમને ‘ફ્રિજિડ’નો અર્થ સમજાવ. અમે તો એટલું જ સમજીએ છીએ કે ‘ફ્રિજિડ’ એટલે સાવ ઠંડી સ્ત્રી અને એવી સ્ત્રી સાથે પુરૂષનો કોઈ સંબંધ સ્થપાઈ જ ન શકે.” પિનાકીનભાઈએ સ્પષ્ટ વાત કરી.

       “હું અને મનીષા કૉલેજમાં હતાં ત્યારે સાઈકોલોજીમાં ‘ફ્રિજિડીટી’ વિષે થોડું ભણ્યાં પણ છીએ. આ મૂળભૂત રીતે સ્ત્રીની માનસિક સમસ્યા છે. ‘ફ્રિજિડ’નો અર્થ આપણે ઠંડી સ્ત્રી કરીએ છીએ. ઠંડી સ્ત્રી એટલે એવી સ્ત્રી જે સ્વાભાવિક જાતીય ઉત્તેજના પણ ભાગ્યે જ અનુભવે છે અને પરાકાષ્ઠાનો આનંદ પણ માણી શકતી નથી. આવી સ્ત્રી તદ્દન નિષ્ક્રિય હોય છે. મારી સમજ  પ્રમાણે આ સમસ્યા માનસિક જ છે. અપવાદરૂપ કિસ્સામાં એ શારીરિક હોઈ શકે છે…”

      “એની પાછળ કયાં કારણો કામ કરતાં હશે?” પિનાકીનભાઈને વાતમાં રસ પડતો હતો.

       “જુઓ, અંકલ! માનસિક સમસ્યાઓ માટે એક ને એક બે જેવાં કે ફિઝિક્સના ન્યૂટનના નિયમ કે બોઈલના નિયમ જેવાં કારણો હોઈ શકે નહિ. એનું કારણ એ છે કે દરેક માણસ વિશિષ્ટ છે. એક કારણ છે મને લાગુ પડતું હોય એ જ કારણ તમને લાગુ ન પડે એવુંય બને…”

       “વાત તો સાચી છે… દરેકને દરેક વસ્તુ માટે જુદાં જુદાં કારણો હોય છે…” પિનાકીનભાઈને વાત સમજાતી હતી.

      “તો પણ… તો પણ ‘ફ્રિજિડીટી’ જેવી સમસ્યા માટે કેટલાંક સામાન્ય કારણો હોઈ શકે છે… મોટે ભાગે તો એવાં કારણો જ જવાબદાર હોય છે.” સોનલને કૉલેજમાં સાયકોલોજીના પ્રોફેસરનું લૅક્ચર યાદ આવતું હતું.

      “એવાં કયાં કારણો હોઈ શકે?” પિનાકીનભાઈએ પૂછયું.

       “હું એ જ કહું છું… ફ્રોઈડ નામનો મનોવિજ્ઞાની કહે છે કે, મોટા ભાગની માનસિક સમસ્યાનાં મૂળ બાળપણમાં પડેલાં હોય છે. એ દ્રષ્ટિએ જોઈએ તો બાળપણમાં જેણે પોતાનાં મધર-ફાધરને સતત ઝઘડતાં જ જોયાં હોય એવા બાળકમાં મોટા પાયે આવાં લક્ષણો વિકસતાં હોય છે…”

     “મનહર, મનીષાના કિસ્સામાં તો આવું નથી…” પિનાકીનભાઈએ મનહરભાઈને સંબોધીને કહ્યું,  મનહરભાઈએ સજ્જડ રીતે ડોકું ધુણાવીને ના પાડી.

     “અંકલ, આપણે અત્યારે મનીષાની વાત નથી કરતાં. ફિજિડીટી વિષે સાયન્ટિફિક ચર્ચા કરીએ છીએ.” સોનલ જાણે ઠપકો આપતી હોય એમ બોલી.

     “સૉરી, બસ! પણ આપણી વાતના મૂળમાં તો એ જ છે ને!” પિનાકીનભાઈએ બચાવ કર્યો.

      “બીજું કારણ એ પણ હોઈ શકે કે બાળપણમાં છોકરીને કોઈ દુઃખદ જાતીય અનુભવ થયો હોય… કોઈકે અણસમજમાં એની સાથે જાતીય અડપલું કર્યું હોય અને એના મનમાં પુરુષ પ્રત્યે કે એનાં જાતીય અંગો પ્રત્યે ધૃણા પેદા થઈ હોય તો પણ ફ્રિજિડીટી આવી શકે…” સોનલ એકીશ્વાસે બોલી ગઈ.

     પિનાકીનભાઈ આ વખતે કંઈ બોલ્યા નહિ. પરંતુ એમણે મનહરભાઈ તરફ પ્રશ્નસૂચક નજ૨ નાંખી અને મનહરભાઈએ પણ બોલ્યા વિના એવું કહી દીધું કે મનીષાના કિસ્સામાં આવું કંઈ બન્યું નથી.

     સોનલે આગળ ચલાવ્યું, ફ્રિજિડીટી માટેનાં કારણો હંમેશાં બાળપણમાં જ હોય એ જરૂરી નથી. મેં કહ્યું તેમ દરેક માણસની પ્રકૃતિ જુદી જુદી હોય છે. જેમ કેટલાક માણસો નાની અમથી વાતમાં તરત ગુસ્સે થઈ જતાં હોય છે અને કેટલાક માણસો બહુ વાર પછી માંડ થોડો ગુસ્સો કરે છે. એવું જ સ્ત્રીની જાતીય ઉત્તેજનાનું પણ છે. કેટલીક સ્ત્રીઓ ઝડપથી ઉત્તેજના અનુભવે છે. તો કેટલીક સ્ત્રીઓને ઉત્તેજિત થતાં વાર લાગે છે અને કેટલીક સ્ત્રીઓના કિસ્સામાં તો ખૂબ જ વાર લાગે છે. બીજી બાજુ પુરુષ ઝડપથી ઉત્તેજના અનુભવે છે અને જ્યારે પુરુષ અધીરો બની જાય ત્યારે એને આવી સ્ત્રી ઠંડી લાગે છે. તમે મારી વાત સમજ્યા ને?”

     પિનાકીનભાઈ અને મનહરભાઈએ હકારમાં ડોકું ધુણાવ્યું.

    સોનલ ટટ્ટાર થતાં બોલી, “હવે આપણે જરા મનીષાની વાત કરીએ. અર્ચનાના કહેવા મુજબ ઉદયે એને કહ્યું કે, એમની વચ્ચે શારીરિક સંબંધ થયો જ નથી અને બંને કુંવારા જેવાં જ છે. આ વાત બહુ જામતી નથી. એનું કારણ એ છે કે સ્ત્રી ગમે એટલી ઠંડી હોય તો પણ પુરુષ એની સાથે શારીરિક સંબંધ તો સ્થાપી જ શકે છે. કદાચ એણે એમાં બળજબરી પણ કરવી પડે.. અને એરેન્જ્ડ મેરેજ હોય ત્યારે તો પુરુષ બળજબરી કર્યા વિના રહે જ નહિ, કારણ કે એ સંજોગોમાં એને પોતાની પત્ની પર માલિકીભાવ હોય છે…” સોનલે ભારપૂર્વક પોતાનો અભિપ્રાય આપ્યો.

      “તારી વાત તો વિચારવા જેવી છે… તો પછી આવી વાત આવી એનું કારણ શું હોઈ શકે?” પિનાકીનભાઈના મનમાં નવી મૂંઝવણ પેદા થઈ.

     “એ તો આપણને કઈ રીતે ખબર પડે? ઉદયે અર્ચનાને શું કહ્યું અને અર્ચના એમાંથી શું સમજી એ કહેવું ખૂબ અઘરું છે!” સોનલે વિસ્મયના ભાવ સાથે કહ્યું.

      “એનો અર્થ એ કે આપણને સાચી વાત તો કદી જાણવા નહિ મળે!” મનહરભાઈ નિસાસા સાથે બોલી પડયા.

     “હવે તો મનીષા કંઈક કહે તો જ ખબર પડે! અને તમે ચિંતા ન કરો. હું મનીષા પાસે વાત કઢાવીશ.” સોનલે આત્મવિશ્વાસ સાથે કહ્યું.

      સહેજ વાર મૌન છવાઈ ગયું. પછી સોનલે પિનાકીનભાઈને પૂછયું, “તમે બે વાત પૂછવાના હતા ને? બીજી કઈ વાત?”

      “અરે હા, બીજી વાતબીજી વાત હતી કે તે કહ્યું હતું કે તું હમણાં લગ્ન કરવા વિચારતી નથી. કેમ? અમને તો વિચાર આવે છે કે તને કેવો છોકરો મળશે? છોકરો તને જીરવી શકશે કે હિ?”

      સોનલ પહેલાં હસી પડી અને પછી આંખો ઝીણી કરીને બોલી, “કેમ એવું કહો છો?”

      “તને ખબર છે ને આપણામાં કહેવત છે કે સિંહણના દૂધ માટે સોનાનું પાત્ર જોઈએ!” પિનાકીનભાઈએ પ્રશંસાના ભાવ સાથે કહ્યું.

      “તમે મારા પ્રશ્નનો જવાબ આપી દીધો. હું સિંહણના દૂધ જેવી હોઉં તો સોનાનું પાત્ર મળશે ત્યારે હું લગ્ન કરીશ…”

     “ જવાબથી મને સંતોષ નથી થતો. એનું કારણ છે કે પાત્ર સોનાનું છે કે પિત્તળનું પણ તું ક્યાં અત્યારે ચકાસે છે?” પિનાકીનભાઈએ ભવાં ઊંચા કરતાં કહ્યું.

      “તો હવે હું તમને સાચું કારણ કહી દઉં…. લગ્ન માણસ એટલા માટે કરે છે કે એને સુરક્ષા અને સહવાસની ભૂખ હોય છેમને અસુરક્ષામાં મજા આવે છે અને હું મારી જાતનો સહવાસ માણું એટલું મારા માટે બસ છેમારી દ્રષ્ટિએ લગ્ન એટલે કે બે સ્વતંત્ર વ્યક્તિઓ એકબીજાની સ્વતંત્રતા માટે પરસ્પરની પરતંત્રતાનો સ્વીકાર કરે. મને તો રીતે પરસ્પરની પરતંત્રતા પણ ખપતી નથી. લગ્ન કરીને જે મેળવી શકાતું હોય લગ્ન વિના પણ મળી શકતું હોય તો લગ્ન કરવાની શી જરૂર છે? આઈ મીન, સુરક્ષા અને સહવાસ…”

      એટલામાં સરોજબહેન જમવા માટે બોલાવવા આવ્યાં. પિનાકીનભાઈથી સહજ કહેવાઈ ગયું. “સોનલે સરસ વાત કરી. આપણને વિચારતાં કરી દે એવી વાત છે…”

     “શું વાત કરી? મને તો કહો!” સરોજબહેનને પણ જિજ્ઞાસા થઈ.

     “પછી નિરાંતે વાત…” કહીને જમવા માટે ઊભા થયા.

     બધાં જમી રહ્યાં હતાં ત્યાં નયન આવ્યો. એને પણ આગ્રહ કરીને જમવા બેસાડી દીધો. એણે કહ્યું કે હું જમીને આવ્યો છું. છતાં કોઈએ એની વાત માની નહિ. જમવા બેઠો ત્યારે એની પાસેની એક પ્લાસ્ટિકની થેલી એણે પોતાના પગ નીચે દબાવી હતી. સોનલે એને પૂછયું. “ થેલીમાં શું છે?” નયન જરા સંકોચાયો અને બોલ્યો કહેવાય એવું નથી!” સોનલે મોં મચકોડયું ત્યાં નયન બોલ્યો.   “દાળ સરસ થઈ છે. મેં ના ખાધું હોત તો અફસોસ રહી જાત.”

      “મનીષાએ દાળ બનાવી છે!” સરોજબહેન બોલ્યાં, નયન મનીષા સામે જોઈ રહ્યો. એને ક્યારનુંય કંઈક નવું નવું લાગતું હતું. અચાનક ખ્યાલ આવ્યો કે મનીષાએ જીન્સ અને ટીશર્ટ પહેર્યા હતાં. તથા સોનલે સાડી પહેરી હતી. એણે સોનલને કહ્યું, “તમે સાડીમાં શોભો છો કે સાડી તમને શોભે છે?” પછી તરત મનીષા સામે જોઈને કહ્યું, “ક્યારેક ક્યારેક જીન્સ પણ પહેરવું જોઈએ!”

     અમારા બંને વતી થેંક યૂ!” સોનલે સ્પષ્ટતાના ભાવ સાથે કહ્યું.

      જમ્યા પછી નયન હાથ ધોવા વૉશબેઝિન પાસે ગયો ત્યારે પણ પેલી થેલી લઈને ગયો હતો. સોનલને જરા નવાઈ લાગતી હતી. પણ કંઈ બોલી નહિ.

     જમ્યા પછી મનીષા અને સોનલ એમના રૂમમાં જઈને આડાં પડયાં. સોનલે ધીમે રહીને પૂછયું. “મોનુ, નયન કેવો છોકરો છે?”

      “કેમ, તને ગમી ગયો છે? ઈચ્છા હોય તો બોલ! હું હમણાં વાત કરું.” મનીષા એકદમ એના તરફ પાસું ફેરવતાં બોલી.

     “ઈડિયટ, હું મારા માટે નથી કહેતીહું તો એમ કહેવા માગું છું કે એને તારે માટે સોફ્ટ કૉર્નર હોય એવું મને લાગે છે! ” સોનલે ગંભીરતા સાથે કહ્યું.

      “હટ, તું મારા કરતાં મોટી ઈડિયટ છે. મેં તો આવું સપનામાં ય વિચાર્યું નથી. તું શાના પરથી આવું કહે છે?” મનીષાએ ગંભીર થતાં પૂછયું.    સોનલે કંઈ જ જવાબ ન આપ્યો. એ મનીષાના ચહેરા તરફ તાકી રહી.

લીલો ઉજાસ – પ્રકરણ – ૧૦ લગ્ન થયા હોવા છતાં બંને કુંવારા?

દરેક બાબતમાં વિશ્લેષણ કરવાની આપણી આદત પરિસ્થિતિને ડહોળી નાંખે છે!

સોનલ અને એની ટુકડી સૂરસાગરનું ચક્કર લગાવીને આવી ત્યારે લગભગ સાડા છ થઈ ગયા હતા. મનહરભાઈ અને જનાર્દનભાઈ પણ આવી ગયા હતા. સરોજબહેન અને જ્યોતિબહેનની ગોષ્ઠિ પણ પૂરી થઈ ગઈ હતી. પિનાકીનભાઈ એક બાંકડા પર મનહરભાઈ અને જનાર્દનભાઈની સાથે આવીને બેઠા હતા. સોનલે જોયું કે સરોજબહેન મનીષાને પગથી માથા સુધી જોઈ રહ્યાં હતાં. એમની નજર આજે જુદી લાગતી હતી. એ મનીષાના વ્યક્તિત્વમાં જાણે કશુંક માપવા મથી રહ્યાં હતાં. સોનલને તરત સમજાઈ ગયું કે એમની નજર પર જ્યોતિબહેને કરેલી વાતનો જ પ્રભાવ હતો. એના મનમાં સવાલ થતો હતો કે જ્યોતિબહેને એવું તે શું કહ્યું હશે કે જેથી સરોજબહેનની નજર બદલાઈ ગઈ હશે? પરંતુ અત્યારે એની ચર્ચા કરવાનો અર્થ નહોતો.

          પિનાકીનભાઈ ઊભા થયા અને બધાંને સંબોધીને કહેતા હોય એમ બોલ્યા, “અહીંથી આપણે બધાં જનાર્દનભાઈને ત્યાં જઈએ છીએ. એમને થોડી વાત કરવી છે અને કાલે સવારે ડભોઈ જાય છે!” કોઈએ કંઈ કહેવાનું હતું નહીં. બધાં ધીમે ધીમે બહાર નીકળ્યાં.

       ફ્લૅટ પર પહોંચ્યા પછી જ્યોતિબહેને બધાંને પાણી આપ્યું અને પછી ચા બનાવવા ગયાં. મનીષા ઊભી થઈને રસોડામાં જવા જતી હતી ત્યાં જનાર્દનભાઈએ એને રોકીને કહ્યું, “મનીષા, તું અહીં બેસ! મારે તારી સાથે વાત કરવી છે!”

      મનીષા તરત બેસી ગઈ. લગભગ સૌ કોઈ જનાર્દનભાઈ તરફ જોઈ રહ્યાં. થોડીવાર રહીને જનાર્દનભાઈએ શરૂ કર્યું. “મનીષા, મેં મનહરભાઈને કહ્યું હતું કે ઉદયનું જે કંઈ છે ફ્લૅટ, એના પી.એફ.ના પૈસા કે બીજું જે કંઈ હોય તે બધું મનીષાનું છે અને અમારે એમાંથી કશું જોઈતું નથી. મનહરભાઈએ તારા વિચારો પણ જણાવ્યા. તું અમને પોતાનાં માને છે વાતનો અમને બધાંને બહુ આનંદ છે. અર્ચના પ્રત્યેનો તારો ભાવ પણ હું બિરદાવું છું. પરંતુ મેં મનહરભાઈને કહ્યું છે કે અત્યારે તો બધું મનીષાનું રહેશે. સમય આવ્યે એને જે વહીવટ કરવો હોય તે કરે. સૌથી પહેલાં તો વારસાઈની કાર્યવાહી પતાવીને બધું કાયદેસર રીતે તારા નામે કરવું પડશે. વિધિ હું નયનને સોંપું છું. તારી સાથે સંપર્કમાં રહીને બધી વિધિ પતાવશેઅમે કાલે સવારે ડભોઈ જઈએ છીએ. ફ્લેટની ચાવી તને આપી દઉં?”

        મનીષા કંઈ જવાબ આપવાને બદલે પહેલાં સોનલ તરફ અને પછી મનહરભાઈ તરફ જોવા લાગી. મનહરભાઈએ કહ્યું, “ચાવી તમારી પાસે રાખો. મનીષા મારી સાથે મુંબઈ આવે છે. તમે અહીં નજીક છો અને તમારે ગમે ત્યારે એની જરૂર પડે!”

        “મનીષા તમારી સાથે મુંબઈ આવે યોગ્ય છે. પરંતુ ઘર એનું છે, અને એને ક્યારેક ડભોઈ આવીને રહેવાની ઈચ્છા થાય તો પણ આવી શકે છે!” પછી સહેજવાર અટકીને બોલ્યા, “અત્યારે મારાથી ખરેખર તો આવી વાત કરાય નહિપણ છતાં કહું છું. મનીષાની હજુ કોઈ ઉંમર નથી. તમે એના ભવિષ્ય વિષે વિચારો તો અમે એમાં પૂરેપૂરા રાજી છીએ…”

        જ્યોતિબહેન ચા લઈને આવ્યાં. એમણે જનાર્દનભાઈ સામે જોઈને કહ્યું, “હું ઝટપટ પૂરીશાક બનાવી દઉં? બધાં અહીં જમી લે!”

       કોઈ કંઈ બોલ્યું નહિ. જનાર્દનભાઈએ કહી દીધું, “ બરોબર છે. તું પૂરી શાક બનાવી દે. બધાં સાથે જમીશું…”

     અડધા કલાકમાં તો જ્યોતિબહેને પૂરીશાક બનાવી દીધાં. બધાં જમવા બેઠાં. મનીષા બરાબર ખાઈ શકી નહિ. એને કોઈએ બહુ આગ્રહ પણ કર્યો.

     નીકળતાં નીકળતાં પિનાકીનભાઈએ કહ્યું, “મનહરભાઈ, ભાભી, મનીષા અને સોનલ કાલે રાત્રે વડોદરા એક્સપ્રેસમાં મુંબઈ જાય છે. એમની ટિકિટ પણ થઈ ગઈ છે…”

      “અંકલ, તમે ટિકિટ પણ કરાવી દીધી છે? હું તો હજુ અઠવાડિયું રહેવાનું વિચારતી હતી…” સોનલ એકદમ  બોલી પડી.

     “તો રહે ને! ટિકિટ કેન્સલ કરાવતાં શી વાર? જો તું ખરેખર બોલી હોય તો રોકાઈ જા. મનહર અને ભાભીને જવું હોય તો જાય. તું અને મનીષા રોકાઈ જાવ.”

       “હું તો મજાક કરું છું. મારે પણ જવું પડે. અત્યારે પણ ત્યાં મારા નામની બૂમો પડતી હશે…!” સોનલે કપાળે હાથ દેતાં કહ્યું.

       “પરમજિત સિવાય કોણ તારા નામની બૂમો પાડવાનું છે?” મનીષાએ આંખો ઝીણી કરતાં કહ્યું.

        “અરે, બીજા ઘણા છે, તને શું ખબર? ચાલો, હવે…” કહીને સોનલ આગળ નીકળી.

        દાદર ઊતરતાં નયને મનહરભાઈને કહ્યું, “હું કાલે બપોરે આવીશઅને તમને ટ્રેન પર મૂકવા પણ આવીશ.”

      મનહરભાઈએ કંઈ જવાબ આપવાને બદલે એના ખભા પર હાથ મૂક્યો અને એના પર પ્રેમથી છલકાતી એક નજર નાખી.

      ઘરે આવ્યા પછી સોનલે વાતની નોંધ લીધી કે સરોજબહેન ક્યારનાં આઘાંપાછાં થતાં હતાં. કદાચ પિનાકીનભાઈ સાથે વાત કરવા માગતાં હતાં. પરંતુ પિનાકીનભાઈનું એમના તરફ બહુ ધ્યાન નહોતું. ઘરે આવ્યા પછી આડી અવળી વાતો કરતાં કરતાં પિનાકીનભાઈએ સોનલને પૂછયું, “સોનલ, કાલે તું એમ.એસ. યુનિવર્સિટી જોઈ આવી. તો તને કેવી લાગી? તમારી મુંબઈ યુનિવર્સિટીની સરખામણીમાં આવે એવી છે કે નહિ?”

     પિનાકીનભાઈ તો અમસ્તું પૂછતા હતા અને એમનો આશય બહાને સોનલને માઈક પકડાવી દેવાનો હતો. સોનલ પણ કદાચ આવી કંઈક રાહ જોતી હતી. એથી એણે તક ઝડપી લીધી અને બોલી, “અંકલ, તમારો પ્રશ્ન બે ભાગમાં છે. પહેલાં ભાગનો જવાબ આપું તો યુનિવર્સિટીનું  કૅમ્પસ બહુ સરસ છે. આવી જગ્યાએ કૉલેજ કરવાની હોય તો મજા આવેહવે તમારા પ્રશ્નના બીજા ભાગનો જવાબ આપું છું. આપું ને?”

     “હા, હા, આપ ને! તું શું કહે છે એ જ તો સાંભળવું છે….” પિનાકીનભાઈએ થોડા ટટ્ટાર થતાં કહ્યું.

      “પહેલી તો વાત. મુંબઈ યુનિવર્સિટીથી પણ હું પૂરેપૂરી પરિચિત નથી. એથી સરખામણીનો પ્રશ્ન ઊભો થતો નથી. અને કદાચ પરિચિત હોઉં તો પણ સરખામણી કરું. પૂછો કેમ?” સોનલે આંખો નચાવતાં કહ્યું.

      “કેમ?”

     “એટલા માટે કે જેણે પણ યુનિવર્સિટીની કે મુંબઈ યુનિવર્સિટીની સ્થાપના કરી હશે એના મનમાં કોઈ કારખાનું નાંખવાનો વિચાર તો નહિ હોય. મારી દ્રષ્ટિએ કૉલેજ અથવા યુનિવર્સિટી કોઈ ઉત્પાદન એકમ નથી. પણ સર્જન છે. જેવી રીતે નદી, પહાડ, વૃક્ષ અને માણસ એક સર્જન છે. અને તમે જુઓ અંકલ, કોઈ પણ બે સર્જનો વચ્ચે કદી સરખામણી થઈ શકતી નથી. આખી પૃથ્વી પર બે નદી, બે પહાડ, બે વૃક્ષ, બે પાંદડાં કે બે માણસો કદી સરખાં જોવા મળે છે? અરે, બે જોડિયા બાળકોમાં પણ કેટલોક સૂક્ષ્મ તફાવત હોય છે. રેતીના બે કણ પણ એકસરખા હોતા નથી. એટલે મારી દ્રષ્ટિએ તો દરેક સર્જન યુનિક હોય છે, બેજોડ હોય છે. પણ આપણે એમની વચ્ચે સરખામણી કરીને ભેદ ઊભા કરીએ છીએ. સાચું પૂછો તો આવા ભેદ ઊભા કરીને આપણે દુઃખી થઈએ છીએ. દરેક વસ્તુનો કે દરેક પ્રસંગનો એના બેજોડ સ્વરૂપમાં સ્વીકાર કરવો જોઈએ. તમે શું માનો છો? એમ આઈ રાઈટ?” સોનલે ફિલોસોફરની અદાથી કહ્યું.

     “યુ આર એબ્સોલ્યુટલી રાઈટપણ, સોનલ…” પિનાકીનભાઈ કંઈક આગળ પૂછવા જતા હતા ત્યાં સરોજબહેનથી રહેવાયું એટલે એમણે પિનાકીનભાઈને કહ્યું, “જરા આમ આવો તો…” પિનાકીનભાઈ ઊભા થયા અને સરોજબહેનની પાછળ પાછળ અંદરના રૂમમાં ગયા. મનીષા સોફા પર બેઠી હતી અને મનહરભાઈ તથા વિનોદિનીબહેન કપડાં બદલીને સોફા પર આવીને બેસી ગયાં હતાં. વિનોદિનીબહેને સોનલના માથા પર હાથ મૂકીને કહ્યું, “સોનુ, મુંબઈ જઈને પાછી તું તો ખોવાઈ જઈશમનીષાની ખબર લેવા તો આવીશ ને?”

     “આન્ટી, ડોન્ટ વરી! દિવસમાં એકવાર તો અચૂક આવીશ…”  સોનલે ભારપૂર્વક જવાબ આપ્યો.

     “જરૂર પડે ત્યારે તારો ક્યાં સંપર્ક કરવો એય અમને તો ખબર નથી…” મનહરભાઈએ ફરિયાદના સૂરમાં કહ્યું.

       “હવે એવું નહિ બને. અંકલ! હું બપોરે બારથી સુધી તો અચૂક ઇન્સ્ટિટ્યૂટ પર હોઉં છું. પછી કાં તો પરમજિતને ઘેર અથવા મારે ઘેર અને હવે તમારે ઘેર..” સોનલ હસતાં હસતાં બોલી.

      “ઘરે ગયા પછી મારે નિરાંતે તારી અને મનીષા સાથે કેટલીક વાતો કરવી છેતારે ઈન્સ્ટિટ્યૂટમાં રવિવારે તો રજા હોય છે ને?” મનહરભાઈએ કહ્યું.

     “રવિવારે તો રજા પણ તમે બોલાવશો તો ગમે ત્યારે રજા પાડી દઈશ…” સોનલે બેફિકરાઈથી કહ્યું.

     “તું તારે વાતોના તડાકા કરમને તો ઊંઘ આવે છે…” એમ કહીને મનીષા ઊભી થઈ અને એના રૂમમાં ચાલી ગઈ.

     તરત બીજા રૂમનું બારણું ખૂલ્યું અને સરોજબહેન બહાર આવ્યાં. એમની પાછળ પિનાકીનભાઈ પણ બહાર આવ્યા. પિનાકીનભાઈ બહાર આવીને સોફા પર બેઠા અને સરોજબહેન વિનોદિનીબહેનને હાથ પકડીને રૂમમાં લઈ ગયાં. મનહરભાઈએ પ્રશ્નસૂચક નજરે એમના તરફ જોયું પરંતુ એમને કોઈ જવાબ મળ્યો. થોડીવારમાં બંને પણ બહાર આવ્યાં અને પિનાકીનભાઈ તથા મનહરભાઈ રૂમમાં ગયા. સોનલ એના સ્વભાવ મુજબ બોલી, “ બધા ભેદભરમ મારે જાણવા જેવા નથી?” સરોજબહેને હોઠ પર આંગળી મૂકીને ચૂપ રહેવા ઈશારો કર્યો.

      થોડીવારમાં ચારેય જણ અંદર ગયાં અને સહેજ વાર રહીને પિનાકીનભાઈ બહાર આવ્યા. એમણે પહેલાં મનીષાના રૂમમાં નજર કરી. મનીષા સૂઈ ગઈ હતી. એથી એમણે સોનલને ઈશારાથી બોલાવી. સોનલ પણ અંદર ગઈ. પિનાકીનભાઈએ વાતની શરૂઆત કરી. એમણે કહ્યું કે, સરોજબહેન અને જ્યોતિબહેન વચ્ચે આજે જે વાત થઈ પરથી ઉદયે શા માટે આત્મહત્યા કરી એનો તાગ મળે છે. વાત આપણા બધા માટે ચિંતા પેદા કરે એવી છે. એનું કારણ છે કે એમાંથી મનીષાના ભાવિનો મહત્ત્વનો સવાલ આપણા માટે ઊભો થાય છેપછી સહેજ અટકીને બોલ્યા, “સોનલ, તું અમારા કુટુંબની એક સભ્ય છે. તું વિચારશીલ અને સમજદાર છે. એટલે વાતમાં પણ તારે મહત્ત્વની ભૂમિકા ભજવવી પડશે.”

       સોનલે સંમતિ સૂચક ડોકું ધુણાવ્યું એટલે પિનાકીનભાઈ મૂળ વાત પર આવ્યા. જ્યોતિબહેને સરોજબહેનને જે કંઈ કહ્યું હતું એનો સાર એમણે કહ્યો. જ્યોતિબહેનને અર્ચનાએ કહ્યું હતું મુજબ જે દિવસે ઉદયે આત્મહત્યા કરી એની આગલી સાંજે મનીષા રસોડામાં રસોઈ કરતી હતી ત્યારે ઉદય અને અર્ચના બહાર સોફામાં બેઠાં હતાં. વાત વાતમાં ઉદયે અર્ચનાને કહ્યું કે મારે મોટાભાઈ માટે એટલે કે જનાર્દનભાઈ માટે સોનાની વીંટી કરાવવી છે. સાંભળીને અર્ચનાએ એની મજાક કરી અને કહ્યું કે, તું મોટાભાઈ માટે સોનાની વીંટી કરાવીને ઈન્વેસ્ટમેન્ટ કરે છે કે શું? ઉદયને એના કહેવાનો અર્થ સમજાયો એટલે અર્ચનાએ કહ્યું કે તું અત્યારે મોટાભાઈ માટે સોનાની વીંટી કરાવે એટલે મોટાભાઈ તારે ત્યાં બાળક આવે ત્યારે સવાયું કરીને આપે ને! આવું સાંભળતાં ઉદય ઉદાસ થઈ ગયો. અર્ચનાએ આમ અચાનક ઉદાસ થઈ જવાનું કારણ પૂછયું ત્યારે ઉદય થોડીવાર તો ચૂપ રહ્યો. એનો ચહેરો ગંભીર થઈ ગયો. અને એની આંખમાં પાણી ધસી આવતાં હોય એવું લાગ્યું. અર્ચનાએ ખૂબ આગ્રહ કર્યો અને સોગંદ આપીને અચાનક ઉદાસ થઈ જવાનું કારણ પૂછયું ત્યારે ઉદયે એને કહ્યું કે, અમારું બાળક આવવાની કોઈ શક્યતા દેખાતી નથી. ઉદયના કહેવા મુજબ એનાં અને મનીષાનાં લગ્નને મહિના થવા આવ્યા છતાં હજુ બંને કુંવારા છે. એમની વચ્ચે હજુ સુધી કોઈ શારીરિક સંબંધ બંધાયો નથી. ઉદયની વાત પરથી અર્ચના એટલું સમજી કે મનીષા જાતીય રીતે ઠંડી છે અને એને કોઈ ઉત્તેજના થતી નથી. આવી સ્થિતિમાં બન્ને સાથે રહ્યા હોવા છતાં દૂર રહ્યાં છે. ઉદયના કહેવા મુજબ આવા સંજોગોમાં એમની વચ્ચે શારીરિક સંપર્કની કે બાળક આવવાની કોઈ શક્યતા નથી. ઉદયે તો કહ્યું કે, બાબતમાં ડૉક્ટરની સલાહ પણ એમણે લીધી છે. ડૉક્ટર કહે છે કે સમસ્યાનો ઈલાજ બહુ અઘરો છે.

       દિવસ અર્ચનાના કહેવા મુજબ ઉદય ખૂબ હતાશ દેખાતો હતો અને એમ પણ બોલી ગયો હતો કે મને જિંદગી પરથી કંટાળો આવી ગયો છે અને મને એમ થાય છે કે રીતે જીવવાનો અર્થ નથી. મને ક્યારેક ક્યારેક આત્મહત્યા કરી નાંખવાનું મન થાય છે. આવી વાત ચાલતી હતી ત્યાં મનીષા રસોડામાંથી બહાર આવી અને અર્ચના તથા ઉદયની વાત અટકી ગઈ. પછી ઉદયે આત્મહત્યા કરી.

       પિનાકીનભાઈ બોલી રહ્યા પછી થોડીવાર કોઈ બોલ્યું નહિ. પછી સોનલ ઊંડો શ્વાસ લઈને બોલી, “વાત તો ગંભીર છે. પણ હું જાણું છું ત્યાં સુધી કોઈ પણ સ્ત્રી ઠંડી હોય એટલે કે ફ્રિજિડ હોય તો એનો ઈલાજ તો થઈ શકે છે. કદાચ ઈલાજ કરતાં થોડીવાર લાગે એટલું છતાં મનીષાને પૂછવું જોઈએ.” સહેજવાર અટકીને જાણે ઊંડાણમાંથી બોલતી હોય એમ એણે આગળ ચલાવ્યું. “જુઓ, આપણે એક વાત સમજી લેવી જોઈએ કે અર્ચનાએ જે કહ્યું છે સાચું માની લેવાને બદલે આપણે એની ચકાસણી કરવી જોઈએ. એનું કારણ છે કે હું પહેલેથી માનું છું કે સાચી વાત કહેવી ખૂબ અઘરી છે. સાચું કહેવા જતાં ખોટું થઈ જાય છે. આઈ મીન, વાત ગોળગોળ ફરતી ફરતી અહીં આવી છે. ઉદયે અર્ચનાને શું કહ્યું અને અર્ચના એમાંય શું સમજી તથા અર્ચનાએ જ્યોતિભાભીને શું કહ્યું અને શું સમજ્યાં તથા જ્યોતિભાભી સરોજ આન્ટીને શું કહ્યું અને સરોજ આન્ટી શું સમજ્યાં વાત છેક મારા અને તમારા સુધી પહોંચે છે…”

      “મને તો જ્યોતિબહેને જે કહ્યું મેં કહ્યું છે!” સરોજબહેને પોતાની નિષ્ઠા અને સચ્ચાઈ પુરવાર કરવાનો પ્રયત્ન કર્યો.

        “આન્ટી, હું એમ નથી કહેતી કે તમે કંઈક ખોટું કહ્યું છે. અથવા જ્યોતિભાભીએ તમને જે કહ્યું એનાથી જુદું તમે કંઈક કહ્યું છે.. મારો કહેવાનો મતલબ એટલો છે કે કોઈ પણ વાત ફરી ફરીને આવે ત્યારે એનું ઈસેન્સએનું સત્ત્વ પાતળું પડી જતું હોય છે…” સોનલે પોતાની વાતની સમજૂતી આપી.

     “તારી વાત સાચી છે સોનલ, પણ એક વાત કહું? આગ વિના ધુમાડો પણ આવે. એનો અર્થ કે મૂળ વાત થોડી વિકૃત થઈ ગઈ હોય તો પણ વાતમાં કંઈક તથ્ય તો હોય . એટલે આપણે મનીષાને પૂરે પૂરો શંકાનો લાભ આપી દઈએ પણ કદાચ ખોટું છે.” પિનાકીનભાઈએ એમનો તર્ક રજૂ કર્યો.

    “ છોકરીએ તો મારી ઊંઘ હરામ કરી દીધી. કોણ જાણે કયા જન્મનાં પાપની સજા મને મળી છે!” મનહરભાઈ સહજ અકળાઈ ઊઠયા.

    “મનહર, એમ અકળામણ કરવાથી શું વળવાનું છે? હવે તો જે પરિસ્થિતિ આવે એનો સામનો કરવાનો છે અને સ્વસ્થ રહીને ઉકેલવાની છે.” પિનાકીનભાઈએ સધિયારો આપતાં કહ્યું.

   “જુઓ અંકલ! મનીષાનો આવો કોઈ પ્રોબ્લેમ હશે તો એનો ચોક્કસ ઈલાજ થશે. અને મનીષાનો આવો કોઈ પ્રોબ્લેમ નહિ હોય તો આપણે ચિંતા કરવાની જરૂર નથી. પણ સાચું શું છે તો મનીષા સાથે વાત કરીએ પછી ખબર પડે.” સોનલનો તર્ક વ્યવહારુ હતો.

    “સોનલ, મને એમ થાય છે કે મનીષા સાથે તું વાત કરજે. તને ઠીક પડે ત્યારે વાત કરજેપણ બને તો મુંબઈ ગયા પછી વાત કરજેછતાં તને યોગ્ય લાગે તેમ…” પિનાકીનભાઈએ કહ્યું.

   “અત્યારે તો સૂઈ ગઈ છે. કાલે હું એનો મૂડ જોઈને અછડતી વાત કરીશ. એનો તાત્કાલિક પ્રત્યાઘાત શું છે જોયા પછી કદાચ અડધી વાત તો આપોઆપ સમજાઈ જશે. પણ એક રિકવેસ્ટ તમને બધાંને. તમે અત્યાર સુધી જેવું સહજ વર્તન કરતાં હતાં એવું વર્તન કરજો. અંકલ, તમે ખાસ…” સોનલે મનહરભાઈને કહ્યું.

      પછી તો લગભગ કલાકેક વાત ચાલી. બધાંને સોનલની વાત ગળે ઊતરતી હતી કે વાતમાં મનીષા શું કહે છે સાંભળ્યા વિના કોઈ આખરી નિર્ણય પર આવી જવું જોઈએ નહિ.

    સોનલ ઊભી થતાં થતાં બોલી, “કોઈ પણ વાસ્તવિકતાનો સ્વસ્થ રીતે સામનો કરવામાં મજા છે. એનું કારણ છે કે, આપણે અસ્વસ્થ થઈએ કે ચિંતામાં પડી જઈએ એથી મૂળ પરિસ્થિતિ તો બદલાતી નથી . એમાં આપણી ચિંતા કે અસ્વસ્થતા ભળે છે એથી પરિસ્થિતિ ઓર અઘરી બની જાય છે.. ”

   “તેં સો ટચના સોના જેવી વાત કરી, સોનલ!” પિનાકીનભાઈ ઊભા થતાં બોલ્યા.

    “અંકલ, લોકો માનતા નથી, પણ હું હંમેશાં સો ટચના સોના જેવી વાત કરું છું. નવ્વાણુ ટચની વાત કરતી નથી.” સોનલે ચહેરા પર ગૌરવના ભાવ લાવીને કહ્યું.

    “કોઈ માને કે માને. હું તો માનું છું.” કહીને પિનાકીનભાઈએ સોનલના માથા પર હાથ મૂક્યો.

     “થેંક યુ અંકલ! ગુડનાઈટ!” કહીને સોનલ સૂવા માટે મનીષાના રૂમમાં ગઈ. ડીમ લાઈટ ચાલુ હતી. ક્યાંય સુધી સોનલ એને જોઈ રહી. એને જોતાં જોતાં કયારે એની આંખ લાગી ગઈ એની એને ખબર પડી. પિનાકીનભાઈ થોડા સ્વસ્થ હતા પરંતુ મનહરભાઈ, વિનોદિનીબહેન અને સરોજબહેન થોડાં ભારેખમ હતાં. સોનલ એકલી પૂરેપૂરી સ્વસ્થ હતી.

     સવારે વહેલી સોનલની આંખ ખૂલી ગઈ ત્યારે હજુય મનીષા ઊંઘતી હતી. થોડીવાર સોનલે મનીષાને જોયા કરી. પછી પથારીમાં બેસી ગઈ અને ધ્યાન કરવા લાગી. દરમ્યાન મનીષા ઊઠી ગઈ અને સોનલની સામે ચૂપચાપ બેસી ગઈ. સોનલનો ધીરગંભીર અને શાંત ચહેરો જોયા કરતી હતી. એના મનમાં થતું હતું કે હું બાળપણથી સોનલને ઓળખું છું. છતાં ખરેખર ઓળખું છું ખરી?”

    એટલામાં સોનલ ધ્યાનમાંથી બહાર આવી અને આમ મનીષાને તેની સામે બેઠેલી જોઈને એણે પૂછયું: “શું જોતી હતી?”

     “તને જોતી હતીઅને વિચારતી હતી કે…” મનીષા અટકી ગઈ.

     “કેમ અટકી ગઈ? શું વિચારતી હતી?” સોનલે પૂછયું.

     “ કે હું જે સોનલને ઓળખું છું સોનલ છે? મને એમ પણ થયું કે હું બાળપણથી સોનલને ઓળખું છું. પણ ખરેખર ઓળખું છું ખરી?” મનીષાએ વિસ્મયના ભાવ સાથે કહ્યું.

    “તારી વાત સાચી છે. તું મને ક્યાંથી ઓળખે? હજુ હું મારી જાતને ઓળખતી નથી ને!” સોનલે ખભા ઊંચકતાં કહ્યું. પછી બોલી, “ચાલ મને કહે, તું મનીષાને ઓળખે છે?”

    મનીષા સહેજ વાર વિચારમાં પડી. પછી બોલી. “થોડી થોડી ઓળખું છું.”

    “ખરેખર?”

    “હા

    “તો મારા એક પ્રશ્નનો જવાબ આપ!” સોનલે આંખો બંધ કરીને કહ્યું.

    “બોલ!”

    “પહેલાં બારણું બંધ કર…” સોનલે કહ્યું કે તરત મનીષાએ પગ વડે ધક્કો મારીને બારણું બંધ કર્યું અને સોનલ સામે ગોઠવાઈ ગઈ.

લીલો ઉજાસ – પ્રકરણ – ૯ – ઉદયની મિલકત કોની?

જમીને સોનલ અને મનીષા એમના રૂમમાં આવ્યાં. પલંગ પર બેસતાં જ સોનલે કહ્યું. “બોલ, શું વાત કરતી હતી?”

         “ઊભી તો રહે, આટલી ઉતાવળ શેની કરે છે?” મનીષાએ કૃત્રિમ ચીડ સાથે કહ્યું.

        “હું બેઠી છું તો તને વાંધો છે કે ઊભા રહેવાનું કહે છે?” સોનલે મનીષાને હાથ પકડીને પલંગમાં બેસાડી દીધી.

         “આઉચ … સાવ જંગલી જેવી જ છે!” કહેતાં મનીષા પલંગ પર ગોઠવાઈ ગઈ.

         “ચાલ, બોલ! હું સાંભળવા તૈયાર છું…” સોનલે ટટ્ટાર બેસતાં કહ્યું.

        “સોનું, મને એવો વિચાર આવ્યો કે આ ફ્લૅટ ઉદયના નામે છે. એનો એક વીમો પણ છે. એના પી.એફ.ના પણ કદાચ દસ-પંદર હજાર રૂપિયા આવશે. કાયદેસર રીતે તો એ બધું મને જ મળે ને?”

       “હાસ્તો, વળી! પણ મને લાગે છે કે આત્મહત્યાના કિસ્સામાં વીમા કંપની ક્લેઈમ નહિ આપે. કદાચ ભરેલા પૈસા બોનસ અને વ્યાજ સાથે આપે!” સોનલે પોતાની સમજ મુજબ જવાબ આપ્યો.

       “મારા મનમાં એવું છે કે મારે એમાંથી કશું જ જોઈતું નથી. મને જે કંઈ મળવાનું હોય એ બધું જ હું અર્ચનાના નામે કરી દેવા માગું છું. એનાં લગ્ન થાય એ પછી બધું જ એને મળે એવું કરવા માંગું છું… એનો ભાઈ હોત તો એને માટે કંઈક કરત જ ને!” મનીષા આટલું કહેતાં કહેતાં સહેજ ભાવવાહી થઈ ગઈ.

       સોનલે કંઈ જવાબ ન આપ્યો. એને ચૂપચાપ બેઠેલી જોઈ મનીષાએ કહ્યું, “કંઈક તો બોલ! હું બરાબર વિચારું છું કે નહિ? તને શું લાગે છે?”

       જો મનીષા, આ પ્રશ્ન તારો એકદમ અંગત છે. અને રૂપિયા પૈસાની બાબતમાં હું એકદમ અનાડી છું. ટોટલ ઈડિયટ! એટલે હું તને આ બાબતમાં કોઈ અભિપ્રાય આપું એ કરતાં તું અંકલ અને આન્ટી સાથે જ વાત કર. હું એમને બોલાવું!” સોનલે સ્પષ્ટ જવાબ આપી દીધો.

      મનીષાના જવાબની પરવા કર્યા વિના એ ઊભી થઈ અને મનહરભાઈ તથા વિનોદિનીબહેનને બોલાવવા ગઈ. બંને આવ્યાં એટલે સોનલે જ એમને મનીષાના મનની વાત કહી અને પોતાનો અભિપ્રાય પણ જણાવી દીધો. મનહરભાઈ પહેલાં તો કશું બોલ્યા નહિ. પછી એક ઊંડો શ્વાસ લઈને બોલ્યા, “બધું મળીને સહેજે પાંચ-છ લાખની રકમ થશે. મનીષા, એકદમ  નિર્ણય લેવાને બદલે થોડું શાંતિથી વિચારીને નિર્ણય લે તો સારું!” વિનોદિનીબહેને પણ એમની વાતમાં ડોકું ધુણાવ્યું.

      “આમાં વિચારવા જેવું શું છે, પપ્પા? મેં શાંતિથી વિચારીને જ નિર્ણય લીધો છે. એની સાથેના છ મહિનાના સંબંધમાં હું એની મિલકતની માલિક બની જાઉં એ વાત જ મને ગળે ઊતરતી નથી…” મનીષા દરેક શબ્દ પર ભાર મૂકતી હતી.

        મનહરભાઈએ બૂમ પાડીને પિનાકીનભાઈને બોલાવ્યા. એ આવ્યા એટલે એમને વાત કરી. એમણે પણ મનહરભાઈ જેવો જ અભિપ્રાય આપ્યો. એમણે તો એમ પણ કહ્યું કે, એકવાર લગ્ન થઈ જાય એ પછી પતિની સંપૂર્ણ મિલકત પર પત્નીનો જ અધિકાર સ્થપાઈ જતો હોય છે. એટલે એ બધું તને મળે એમાં કશું ખોટું નથી. હું તો માનું છું કે અર્ચના કે જનાર્દનભાઈ પણ એમાં વાંધો નહિ લે!

       મનહરભાઈ તરત બોલ્યા,  “જનાર્દનભાઈએ પણ મને કહ્યું હતું કે, ઉદયનું બધું જ મનીષાનું છે અને અમારે એમાંથી કશું જ જોઈતું નથી. પણ મેં એમને કહ્યું હતું કે, મનીષા ભાનમાં આવે એ પછી આ અંગે નિરાંતે વાત કરીશું. પણ મનીષા, તને વાંધો શું છે? તારે અર્ચનાને એમાંથી કઈ પણ આપવું હોય તો એનાં લગ્ન થાય ત્યારે આપજે ને! અત્યારથી એની ચિંતા કરવાની શી જરૂર છે?”

         “જે પછી કરવું છે એ આજે કરવામાં શું વાંધો છે? મારે એના પૈસા જોઈતા નથી. તમારે જોઈએ છે?” મનીષા સહેજ ઊંચા અવાજે બોલી.

        મનહરભાઈને સહેજ ગુસ્સો તો આવી ગયો, પણ એમણે સ્વસ્થતા જાળવી રાખી અને બોલ્યા, “મારે પૈસા જોઈએ છે એવું હું નથી કહેતો તો મારે નથી જોઈતા એમ પણ હું નથી કહેતો. હું તારા ભવિષ્યનો વિચાર કરીને કહું છું…. સોનલ, તું શું કહે છે? તું પણ કંઈક બોલ, અને મનીષાને સમજાવ.” મનહરભાઈને હવે સોનલનું મૂલ્ય થોડું સમજાતું હતું. ખરેખર તો એ સોનલને લગભગ બાળપણથી ઓળખતા હતા. પરંતુ આ વખતે પહેલીવાર થોડો નજીકથી એનો પરિચય થયો હતો.   

      અત્યાર સુધી શાંત બેસી રહેલી સોનલ પણ ખરેખર તો ક્યારની કંઈક બોલવા માગતી હતી. ચૂપ રહેવું એ એના સ્વભાવને અનુકૂળ નહોતું. એણે એક નજર બધાં તરફ નાખીને પછી ઊંડો શ્વાસ લેતાં બોલી, “અંકલ, તમે તમારી રીતે સાચા હશો, પણ મનીષાની રીતે સાચા નથી. હું તો એવું માનું છું કે, ભવિષ્યમાં મનીષાના જીવન પર ઉદયની મિલકતનો કોઈ અદ્રશ્ય ભાર હોય એ પણ યોગ્ય નથી. એના કરતાં એણે અર્ચનાને બધું આપીને હળવા થઈ થવાનો જે વિચાર કર્યો છે એને આપણે બધાંએ ઊંડાણથી સમજવાની જરૂર છે… અને તમે કહો છો કે તમને એના ભવિષ્યની ચિંતા છે, પણ એક વાત કહું? મારી દ્રષ્ટિએ આપણે માણસો જ એકલા એવા છીએ જે ભવિષ્યની ચિંતા કરીએ છીએ. આ જગતમાં બીજું કોઈ ભવિષ્યની ચિંતા કરતું નથી. મારો તો નિયમ છે કે, હું આજની જ ચિંતા કરું છું. કાલ આપણે જોઈ નથી અને આજ આપણી નજર સામે છે… અને તમને એવી ખાતરી છે કે કાલ માટે કરેલી કોઈ પણ વ્યવસ્થા કાલે કામ લાગવાની જ છે?” સોનલ એકી શ્વાસે બોલી ગઈ અને પછી મનીષા તરફ જોવા લાગી.

         તરત જ મનીષા બોલી, સોનલ કહે છે એવું મેં વિચાર્યું નહોતું. પણ મારા મનમાં ઊંડે ઊંડે આ જ વાત હતી…

         “મનહર, સોનલની વાત પણ સાચી લાગે છે… હજુ પંદર દિવસ પહેલાં એવી કલ્પના પણ હતી કે આવું બધું વિચારવાનો સમય આવશે?” પિનાકીનભાઈ સોનલની કોઈ પણ વાતથી ખૂબ જલ્દી પ્રભાવિત થઈ જતા હતા.

        પિનાકીનભાઈની વાતનો મનહરભાઈ કોઈ જવાબ આપે એ પહેલાં સોનલ બોલી ઊઠી, “અંકલ, મને લાગે છે કે મનીષા મારો અને તમારો અભિપ્રાય જાણવાનું નાટક જ કરી રહી છે. હકીકતમાં તો એણે એનો નિર્ણય કરી જ લીધો છે અને આપણને એ માત્ર નિર્ણયની જ જાણ કરી રહી છે.”

      મનીષા એકદમ  ગુસ્સામાં આવી ગઈ અને સોનલને પીઠ પર બે-ત્રણ ધબ્બા ફટકારી દેતાં બોલી, “ઓય, કેમ પાટલી બદલે છે? શરમ નથી આવતી?”

          સોનલ સહેજ ખસી જતાં બોલી, “પાટલી બદલવાનો સવાલ નથી. તારી જાતને જરા પૂછી જો કે હું ખોટું કહું છું? અને તું શરમની વાત કરે છે તો તને ખબર છે કે, જે સાચું હોય કહેવામાં મને ક્યારેય શરમ નથી આવતી.”

        “જોઈ બહુ મોટી રાજા હરિશ્ચંદ્ર થવા જાય છે તો!” મનીષા મોં વાંકું કરતાં બોલી.

        “સાચું કોને કહેવાય એ તને ખબર  છે? હું જે માનતી હોઉં અને મને જે બરાબર લાગતું હોય એ મારા માટે સારું!” સોનલે સત્યની પોતાની વ્યાખ્યા આપી. પિનાકીનભાઈને એની એ વ્યાખ્યા ગમી ગઈ.

         મનહરભાઈ કંઈ બોલ્યા નહિ, પણ આખી વાતે જે રીતે વળાંક લીધો હતો એથી એ બહુ ખુશ નહોતા. એમણે એટલું જ કહ્યું , “છેવટનો નિર્ણય તારે જ લેવાનો છે. એટલે ફરી વાર એટલું જ કહું છું કે, જે કરે તે વિચારીને કરજે…”  મનહરભાઈ આટલું બોલ્યા ત્યાં બેલ વાગ્યો. સરોજબહેને બારણું ખોલ્યું. નયન આવ્યો હતો. મનહરભાઈએ એને મનીષાના નિર્ણયની વાત કરી. નયન એટલું જ બોલ્યો, “આ બાબતમાં મારાથી કંઈ પણ બોલાય નહિ. હું તો એટલું જ સમજું છું કે ઉદયની બધી જ મિલકત ઉપર  મનીષાનો અધિકાર છે. એથી એ મિલકતનો કેવો વહીવટ કરવો એ પણ એણે જ નક્કી કરવાનું છે.” પછી નયને સોનલ તરફ ફરીને કહ્યું,  “કેમ છો? મને તમારી સાથે તો વાતો કરવાનો મોકો જ નથી મળ્યો!”

      “નસીબદાર છો!” સોનલે આંખો નચાવતાં કહ્યું.

      “કેમ? નસીબદાર છું એટલે?” નયને એની વાતનો અર્થ ન સમજાયો હોય તેમ પૂછયું.

       “એટલે મારી વાતોમાં દમ નથી હોતો. તમે બોર થવામાંથી બચી ગયા એટલે મારો આભાર માનો!” સોનલે ઠાવકાઈથી કહ્યું.

      “સાવ બોર છે!” મનીષા સોનલ તરફ મોં મચકોડીને બોલી.

      “એમ, રાસ્કલ! મને બોર કહે છે? હું તને બોર કરું છું? તો આ ચાલી…” કહીને એ પલંગ પરથી ઉભી થઈ ગઈ. મનીષાએ એનો હાથ ખેંચ્યો અને બેસાડી દીધી.

       સાંજે સોનલ, નયન અને મનીષા બહાર નીકળ્યાં. મનીષા બહાર જવા રાજી નહોતી. પરંતુ સોનલ અને નયનના આગ્રહ સામે એને ઝૂકી જવું પડયું. યુનિવર્સિટી તો લગભગ  બંધ થઈ ગઈ હતી. છતાં સોનલને એમ.એસ. યુનિવર્સિટી જોવી હતી. યુનિવર્સિટીમાં ચક્કર લગાવતાં લગભગ દોઢ કલાક નીકળી ગયો. ત્યાંથી ત્રણેય જણ કમાટી બાગ આવ્યાં. નયને સૂચન કર્યું, “આપણે પ્લેનેટોરિયમ જઈએ.” સોનલે સંમતિ આપી. ત્રણેય પ્લેનેટોરિયમમાંથી આકાશદર્શન કરીને બહાર આવ્યાં એટલે સોનલે કહ્યું,  “મજા આવી ગઈ! મને તો કોઈક જુદી અનુભૂતિ થઈ!”

    “કેવી અનુભૂતિ થઈ?” નયને જિજ્ઞાસાથી પૂછયું.

   “બહારના બ્રહ્માંડનું દર્શન કરતી વખતે મને એમ જ લાગતું હતું કે, હું મારા શરીરને જ જોઈ રહી છું. મારી અંદર પણ જાણે મિનિ-બ્રહ્માંડ જ છે.  આપણે આકાશ જ છીએ ને?”

       નયનને એની વાત બહુ સમજાઈ નહિ. એના ચહેરા પરના ભાવ વાંચી ગઈ હોય એમ સોનલ બોલી, “આકાશ એટલે શું? ખાલી જગ્યા. બધી જ ખાલી જગ્યા આપણા શરીરમાંથી ખેંચી કાઢવામાં આવે તો આપણું કદ એક નાના ટપકાનાં પણ હજારમાં ભાગ જેટલું થઈ જાય. મેં ક્યાંક વાંચ્યું હતું કે આપણને આ પૃથ્વી અને આ આકાશ અલગ અલગ  દેખાય છે. પણ એ અલગ અલગ નથી. પૃથ્વી અને આકાશ પણ એક બીજામાં ભળેલાં છે!”

       “ કેવી રીતે?” નયનને હવે વાતમાં રસ પડયો.

       “બહુ સિમ્પલ છે. પૃથ્વી આપણને ઘન દેખાય છે. પણ એ અસંખ્ય કણોની બનેલી છે. બે કણો વચ્ચે જે જરાક અમથી જગ્યા દેખાય છે એ આકાશ જ છે… આપણે ગમે એટલો ઊંડો ખાડો ખોદીએ તો પણ ત્યાં આકાશ હાથમાં આવે છે. મને એટલે જ લિંકનની એવી વાત ગમે છે કે તમે પૃથ્વીને જોઈને અસ્તિત્વનો ઈનકાર કરી શકો, આકાશને જોઈને અસ્તિત્વનો ઈન્કાર તો કોઈ મૂર્ખ જ કરી શકે.” સોનલ ગંભીર હતી.

       “તમે બહુ વાંચતાં લાગો છો!” નયને આંખમાં આશ્ચર્ય અને અહોભાવની લાગણી સાથે કહ્યું.

       “અરે, હું તો કૉલેજમાં પણ વાંચતી નહોતી. મોનુની તૈયાર કરેલી નોટથી જ આપણો ઉદ્ધાર થઈ જતો હતો.” એમ કહીને સોનલ ખડખડાટ હસી પડી અને મનીષાનો હાથ પકડી લીધો.

       રાત્રે ત્રણેય ઘરે પહોંચ્યાં ત્યારે મનહરભાઈ, પિનાકીનભાઈ, વિનોદિનીબહેન તથા સરોજબહેન બહાર વરંડામાં બેઠાં હતાં. પિનાકીનભાઈએ સહજ પૂછયું. “કયાં ફરી આવ્યાં?”

     સોનલબહેનને એમ.એસ. યુનિવર્સિટી જોવી હતી. ત્યાંથી કમાટી બાગ ગયાં અને ત્યાંથી પ્લેનેટોરિયમમાં જઈને આકાશ દર્શન કર્યું. સોનલબહેન સાથે વાતો કરવાની મજા આવી…”

       સોનલ તરત જ બોલી પડી, “આપણે ક્યાં વાતો જ કરી છે? મેં જ આખા રસ્તે બોલ બોલ કર્યું છે. એને ડાયલોગ ના કહેવાય. મોનોલોગ કહેવાય!”

      “સૉરી, બસ! તમને સાંભળવાની મજા આવી.” નયને દિલગીરીના ભાવ સાથે કહ્યું.

      “સોનલે શું કહ્યું એ અમને તો કહે…” એમ કહીને પિનાકીનભાઈએ પહેલાં નયન તરફ અને પછી સોનલ તરફ જોયું.

      “એમણે આકાશ વિષે સરસ વાત કરી!”  નયનના ચહેરા પર પ્રશંસાના ભાવ હતા.

      “આકાશ વિષે? સોનલ, અમને પણ કહે… અમને પણ સાંભળવાનું ગમશે.”

      સોનલ ગંભીર થઈને બોલી, “અંકલ, આ સાદું ટેપરૅકોર્ડર છે. એમાં રિવાઈન્ડ કરવાની વ્યવસ્થા નથી…” પછી તરત સરોજબહેન તરફ ફરીને બોલી, “આન્ટી, ચાલો જમી લઈએ. ભૂખ લાગી છે!”

     “અરે, મેં તો તમારા ત્રણ જણની રસોઈ બનાવી જ નથી. મને તો એમ કે તમે ત્રણેય બહાર ખાઈને આવશો!” સરોજબહેને ચહેરા પર ચિંતાના ભાવ લાવીને કહ્યું.

      “એમ વાત છે? નો પ્રોબ્લેમ… મનીષા અને નયનભાઈને જે કરવું હોય તે કરે… બહાર જઈને ખાઈ આવે કે બહારથી લઈ આવે કે તમે એમના માટે બનાવો…”

       “કેમ, તારે ખાવું નથી? હમણાં તો તેં કહ્યું કે તને ભૂખ લાગી છે…” સરોજબહેને એને ટપારતાં કહ્યું.

        “આન્ટી, તમારી સાંભળવામાં ભૂલ થઈ છે. મેં એવું કહ્યું જ નથી કે મને ભૂખ લાગી છે. મેં તો માત્ર એટલું જ કહ્યું છે કે ભૂખ લાગી છે. મતલબ કે મારા શરીરને ભૂખ લાગી છે. મને તો ભૂખ લાગતી જ નથી. હું ખાઉં છું ત્યારે મારા શરીર માટે જ ખાઉં છું. એક દિવસ શરીરને ખાવાનું નહિ મળે તો કંઈ પ્રલય થવાનો નથી. એમ આઈ રાઈટ?”

        પિનાકીનભાઈ વચ્ચે બોલી પડયા, “તું જો શરીર નથી તો કોણ છું? સોનલ કોણ છે?”

        “અંકલ, હું કોણ છું એ તો મને ખબર નથી. પણ એટલી ખબર છે કે હું શરીર નથી.. અને તમે જેને સોનલ કહો છો એ પણ હું નથી. હું જન્મી ત્યારે મારા કપાળ પર સોનલ નામ લખેલું નહોતું. એ નામ તો મને મારાં મા-બાપે, ફોઈએ કે બીજા કોઈએ આપેલું છે!” સોનલે પાછા એના વિચારોના દરવાજા ખોલી નાંખ્યા હતા.

       “સોનલ, તું બહુ ઊંચી વાતો કરે છે!” પિનાકીનભાઈ એને બિરદાવતા હોય એમ બોલ્યા.

       “ઊંચી કે નીચી એ તો મને ખબર  નથી. હું તો મને જે લાગે એ કહું છું. મતલબ કે સાચું કહું છું!” સોનલે ચહેરા પર નમ્રતાના ભાવ લાવીને કહ્યું.

      “તમે એને સાઈકલ ના આપો! એ તો પાછી લવારે ચડી જશે તો આખી રાત અટકશે નહિ.” મનીષાએ પિનાકીનભાઈને ચેતવ્યા.

      તરત જ સરોજબહેન બોલી ઊઠયાં. “હું તો મજાક કરું છું. અમે બધાં જ તમારી રાહ જોઈને બેસી રહ્યાં છીએ. ચાલો હવે જમવા…”

     “આપણને નહિ ખાવાનો વાંધો નથી તો ખાવાનો પણ વાંધો નથી…” કહીને સોનલે મનીષાનો હાથ ખેંચ્યો.

     બીજે દિવસે સવારથી મનીષા માનસિક રીતે અસ્વસ્થ હોય એવું લાગતું હતું. બહુ મૂડમાં નહોતી. સોનલ એને વારંવાર મૂડમાં લાવવા મથતી હતી. ઉદયના અવસાન નિમિત્તના શ્રદ્ધાંજલિયજ્ઞને કારણે થોડી ઉદાસ હતી. કદાચ એને ઉદય સાથે વિતાવેલા દિવસો યાદ આવતા હતા. આજે બરાબર જમી પણ નહોતી. જમ્યા પછી બધાં બેઠાં હતાં. ત્યારે પિનાકીનભાઈ બોલ્યા, “મનીષાની ઉદાસી સમજી શકાય તેવી છે. આપણે એની જગ્યાએ હોઈએ તો આપણને પણ એવું થાય. શું કહે છે સોનલ?”

     સોનલ જાણે બોલવાની જ રાહ જોઈ રહી હોય એમ તરત બોલી, “એટ લિસ્ટ, મને તો એવું ન જ થાય.”

     “કેમ? સમજાવ મને!” પિનાકીન ભાઈ સહેજ ઉત્તેજિત થઈ ગયા.

     “અંકલ, અત્યારે આ વાત કરવી બરાબર નથી. છતાં એટલું જ કહું છું કે, “જ્યારે આપણે કોઈક સ્વજનને ગુમાવીએ છીએ ત્યારે આપણને એની વિદાયનું એટલું દુઃખ નથી હોતું જેટલું આપણા જ અસ્તિત્વનો એક ખૂણો ખાલી થઈ ગયાનું હોય છે. સ્વજનની વિદાયથી આપણે થોડા અધૂરા થઈ જઈએ છીએ. એનો અર્થ એ કે આપણી ઉદાસી પણ આપણા જ કારણે હોય છે… અને વિદાય થયેલા સ્વજન માટે આપણે એવું કશું જ ન કરવું જોઈએ જે એની હયાતીમાં આપણે ન કરીએ…” સોનલ કોઈક ફિલોસોફરની અદાથી બોલી રહી હતી.

      “તારી વાત બરાબર, પણ આપણો એક ખૂણો ખાલી થઈ જાય એનું તો આપણને દુઃખ થાય ને!” પિનાકીનભાઈનો તર્ક પણ વાજબી હતો.

      “હવે પ્લીઝ, ચર્ચા બંધ કરો!” મનીષા થોડી ચીડ અને થોડા ગુસ્સા સાથે બોલી.

       મહારાજે યજ્ઞવિધિ માટે સાંજે ચાર વાગ્યાનો સમય આપ્યો હતો અને ચારથી મોડું નહિ કરવા તાકીદ કરી હતી. સાડા ત્રણે બધાં પહોંચી ગયાં હતાં. નયન બહારથી થોડી વસ્તુઓ ખરીદીને થોડો મોડો આવ્યો હતો. બરાબર ચાર વાગ્યે યજ્ઞવિધિ શરૂ થઈ. દરેક જણે યજ્ઞમાં આહુતિ આપી. સોનલે અને નયને પણ આહુતિ આપી. યજ્ઞવિધિ પતી ગયા પછી બધાં સાથે બેસીને મૌન પ્રાર્થના કરી. પછી જનાર્દનભાઈએ સરસ અને ભાવવાહી અવાજે એક ભજન ગાયું. ભજન પૂરું થયું ત્યારે એમની આંખમાં આંસુ હતાં. લગભગ સૌ કોઈની હાલત હતી.

      યજ્ઞવિધિ પૂરી થયા પછી પિનાકીનભાઈ મહારાજ સાથે વાતચીત કરતા હતા ત્યારે મનહરભાઈ અને જનાર્દનભાઈ ધીમે ડગલે સૂરસાગરની પાળે પાળે ચાલતા નીકળ્યા અને આગળ જઈને એક બાંકડા પર બેઠા. મનહરભાઈએ એમને મનીષાના મનની વાત કરી. જનાર્દનભાઈએ કહ્યું, “અત્યારે તો એમ પણ બધું આપોઆપ મનીષાના નામે થઈ જાય છે. કહે છે એવી કોઈ વ્યવસ્થા અત્યારે કરવાની જરૂર નથી. વખત આવ્યે વિષે વિચારીશું. અર્ચનાને એનાં લગ્ન થાય ત્યારે મનીષાએ જે કંઈ આપવું હોય તે આપે. એટલે અત્યારે જેમ છે તેમ રહેવા દઈએ.” મનહરભાઈને પણ જનાર્દનભાઈની વાત બરાબર લાગી. એમણે કહ્યું , “હું કહીશ તો કદાચ મનીષા નહિ માને. તમે એને આટલું કહી દેજો. કદાચ તમારી સામે દલીલ નહિ કરે.

      મનહરભાઈ અને જનાર્દનભાઈ બહાર નીકળ્યા વખતે જ્યોતિબહેન સરોજબહેનને હાથ પકડીને મંદિરની પાછળ લઈ ગયાં. સોનલે જોયું એને તરત ખ્યાલ આવી ગયો કે જ્યોતિભાભી સરોજ આન્ટીને અર્ચનાએ ઉદય અને મનીષા વિષે કહેલી વાત કહેવા લઈ ગયાં છે. એણે ઊભા થઈને લટાર મારવાના બહાને મંદિરની પાછળની બાજુ નજર કરી લીધી તો ત્યાં જ્યોતિબહેન અને સરોજબહેન એકલાં બેઠાં હતાં. સોનલને કંઈક વિચાર આવ્યો એટલે એણે અર્ચનાને બોલાવી અને નયન તથા મનીષાને કહ્યું, ચલો, આપણે સૂરસાગરનું એક રાઉન્ડ મારીને આવીએ.” પછી બાંકડા પર બેઠેલાં વિનોદિનીબહેનને કહ્યું, “આન્ટી, અમે દસ મિનિટમાં આવીએ!”

       તરત મનીષા બોલી, “દસ મિનિટમાં ના અવાય. અડધો કલાક થાય!”

      “તો અડધા કલાકમાં આવીએ….” કહીને એણે ચાલવા માંડયું. નયન, મનીષા, અર્ચના અને સોનલ સૂરસાગરની પાળે પાળે ચાલતાં હતાં. પાળ પર કેટલીક દુકાનો હતી. સોનલ ત્યાં ઊભી રહી જતી. ભલે એ લટાર મારવાનું કહીને નીકળી હતી અને પાળે પાળે ફરતી હતી, પરંતુ એનું મન તો જ્યોતિભાભી અને સરોજ આન્ટી બેઠાં હતાં ત્યાં જ અટવાઈ ગયું હતું. જ્યોતિભાભીએ સરોજ આન્ટી પાસે કયા રહસ્ય પરથી પડદો ઉપાડયો હશે એના જ વિચારો એના મનમાં ઘુમરાતા હતા.

લીલો ઉજાસ – પ્રકરણ – ૮ – અર્ચનાએ શું હિન્ટ આપી?

સોનલે મનીષાના ઘેર જવાની અને અર્ચનાને મળવાની વાત કરી તથા અર્ચના વિષે સોનલને કંઈક વાત કરી છે એ જાણ્યા પછી સરોજબહેન અને વિનોદિનીબહેનના મનમાં સવાલ થયો કે, ઉદયની આત્મહત્યા અંગે અર્ચના કશુંક જાણે છે એ વાત મનીષા પણ જાણતી હોવી જોઈએ. મનીષા અને સોનલ વચ્ચે અત્યાર સુધી શું વાતચીત થઈ છે એ ખરેખર તો કોઈ જાણતું નહોતું. બધાં માટે એ અનુમાનનો વિષય હતો.

        સવારે સોનલ નાહીને તૈયાર થઈ ગઈ અને પછી સરોજબહેનને પૂછયું, “આન્ટી, નાસ્તાને હજુ પંદર મિનિટ લાગશે ને?”

        “હા, પંદર-વીસ મિનિટ તો ખરી જ. મનીષા નાહીને તૈયાર થઈ જાય એટલે નાસ્તો કરીએ…. અને હા, તારે અર્ચનાને કેમ મળવું છે? મનીષા એના માટે શું કહે છે?” સરોજબહેનથી ના રહેવાયું. એટલે એમણે પૂછી લીધું.

      “ખાસ કંઈ કારણ નથી. મનીષાએ કહ્યું કે ભાઈ-બહેન વચ્ચે સારો મેળ હતો… એટલે મને થયું કે કદાચ અર્ચના કોઈક હિન્ટ આપી શકે… આમ પણ મારે ઘર જોવું છે અને મનીષા ત્યાં જાય તો કદાચ એની દબાયેલી લાગણીઓ-પેન્ટ અપ ફિલિંગ્સ-બહાર આવે તો એ વધારે હળવી થાય.” સોનલનો જવાબ સાંભળીને સરોજબહેનને થોડો સંતોષ થયો.

       સોનલ મનીષાના રૂમમાં ગઈ. મનીષા હજુ પલંગ ૫૨ જ બેઠી હતી. એને હાથે ખેંચીને ઊભી કરતાં બોલી, “કમ ઓન, ક્વિક… જલ્દી તૈયાર થા… અને મને બોલાવ…”

      મનીષા ન્હાવા ગઈ. એ તૈયાર થઈને સીધી જ રસોડામાં ગઈ. પછી કંઈક યાદ આવ્યું હોય એમ ઊભી થઈ. પિનાકીનભાઈ રસોડામાં આવતા જ હતા. એ સમજી ગયા. એમણે કહ્યું, “સોનલને બોલાવવા જાય છે ને! હું બોલાવી લાવું!”

       સોનલ જે રૂમમાં બેઠી હતી એ રૂમનું બારણું અધખુલ્લું હતું. પિનાકીનભાઈએ બારણું હળવેથી ખોલ્યું તો એ સોનલને જોતા જ રહી ગયા. સોનલ પલંગ પર પલાંઠી વાળીને બેઠી હતી. એ ટટ્ટાર બેઠી હતી. અને એની આંખો બંધ હતી તથા બંને હાથ ખોળામાં હતા. એના ચહેરા પર ગજબની શાંતિ વર્તાતી હતી. એ સહેજ પણ હલનચલન  કરતી નહોતી. પિનાકીનભાઈએ જોયું કે એના નાક પર એક માખી આવીને બેઠી હતી, પરંતુ સોનલે એ માખીને પણ ઉડાડી નહીં. થોડીવાર પછી માખી એની જાતે જ ઊડી ગઈ. સોનલના શ્વાસ મંદ ગતિએ ચાલતા હોય એવું દેખાતું હતું. પિનાકીનભાઈ ત્યાં જ ઊભા રહ્યા. ત્યાં તો સરોજબહેન મોટેથી બોલતાં બોલતાં આવ્યા, “ઊભા ઊભા શું જોયા કરો છો? બોલાવો ને એને!” સરોજબહેનનો અવાજ સાંભળીને સોનલે આંખ ખોલી અને તરત ઊભી થઈ ગઈ.

       નાસ્તો કરતાં કરતાં પિનાકીનભાઈએ સોનલને પૂછયું, “તું નિયમિત મેડિટેશન કરે છે?”

      “નિયમિત નહિ, મન ફાવે ત્યારે આંખ બંધ કરીને બેસી જાઉં છું…. એને મેડિટેશન કહેવાતું હોય તો પણ શું ફેર પડે છે?” સોનલે બેફિકરાઈથી કહ્યું પછી બોલી, “હું નાની હતી ને એટલે કે સ્કૂલમાં ભણતી હતી ત્યારથી કંઈ કામ ન હોય તો ગમે ત્યાં પલાંઠી વાળીને આંખો બંધ કરીને બેસી જતી હતી. મનમાં વિચારો આવે એને જોયા કરતી હતી. હવે તો બેસું છું પછી વિચારો પણ ભાગ્યે જ આવે છે. પાંચ કે દસ મિનિટ પછી એટલું સારું લાગે છે… એ વખતે એકવાર મારા કાકા આવ્યા હતા. એ યોગ જાણતા હતા. એમણે મને આમ બેઠેલી જોઈ અને હું શું કરું છું એ પૂછયું તો મેં એમને સાધારણ વાત કરી. એમણે જ મને કહ્યું કે આ મેડિટેશન છે. પછી તો એમણે મેડિટેશન અને યોગ વિષે મને ઘણું બધું સમજાવ્યું. એ બધું તો હું ભૂલી ગઈ… પણ મેડિટેશન ચાલુ રહ્યું… તમે પણ મેડિટેશન કરો છો, અંકલ?”

       “નિયમિત નહિ, કોઈ કોઈ વાર!” પછી અટકીને બોલ્યા, “પણ નિયમિત કરવું જોઈએ એવું મને લાગે છે.”

       “નિયમિત ખરું, પણ એ વ્યસન થઈ જાય એટલી હદે નિયમિત પણ નહિ…” આમ કહીને સોનલ હસી પડી.

       સોનલ અને મનીષા ફ્લૅટ પર પહોંચ્યાં ત્યારે જ્યોતિબહેન અને અર્ચના સોફા પર બેઠાં હતાં. જનાર્દનભાઈ ક્યાંક બહાર ગયા હતા. ક્યારના ગયા છે અને હવે આવવા જ જોઈએ એવું જયોતિબહેને કહ્યું, મનીષાને આવેલી જોતાં જ જ્યોતિબહેન અને અર્ચના ઊભાં થઈ ગયાં. મનીષા એમને ભેટી પડી. અર્ચના પણ બાજુમાં આવીને ઊભી રહી. જ્યોતિબહેનની આંખો આંસુથી છલકાઈ ઊઠી. મનીષાની આંખના ખૂણા ભીના થઈ ગયા. અર્ચના અંદર જઈને પાણી લઈ આવી. ત્રણેયને પાણી આપ્યું. પછી સોફા પર બેઠાં. સોનલ ઘરનું નિરીક્ષણ કરી રહી હતી. થોડી થોડીવારે અર્ચનાને પણ જોઈ લેતી હતી. અર્ચના એની ઉંમર કરતાં વધુ પુખ્ત દેખાતી હતી. એનો ચહેરો ગોળ હતો અને આંખો અણિયાળી હતી. વાળ બહુ લાંબા નહોતા. અર્ચનાના વાળ પર નજર કર્યા પછી તરત સોનલે મનીષાના વાળ તરફ નજર કરી અને પછી પોતાના બોલ્ડ કટ વાળ પર હળવેથી હાથ ફેરવ્યો.

        થોડીવાર પછી મનીષા ઊભી થઈ અને અંદરના રૂમમાં ગઈ. સોનલ પણ એની પાછળ ગઈ, પરંતુ બારણા પાસે ઊભી રહીને મનીષાને જોવા લાગી. મનીષા જાણે કોઈક નવા ઘરમાં આવી હોય એમ બધે જ તાકી તાકીને જોતી હતી. જે પલંગ પર ઉદય અને મનીષા સૂઈ જતાં હતા એ પલંગને એ ધ્યાનથી જોતી હતી. સોનલે જોયું કે મનીષાની આંખો છલકાવા માંડી હતી. એ તરત ત્યાંથી સરકી ગઈ અને બહાર આવીને અર્ચનાના ગાળામાં હાથ નાખીને અર્ચનાને બહાર ગેલેરીમાં લઈ આવી. ઔપચારિક વાત કરવાના આશયથી એણે કહ્યું,  “ફ્લૅટ નવા જ બન્યા લાગે છે!”

         “હા, હજુ વરસ પણ નથી થયું …” અર્ચનાએ જવાબ આપ્યો.

      “અર્ચના, હું અને મનીષા સ્કૂલમાં પણ સાથે હતાં અને કૉલેજમાં પણ સાથે હતાં..” સોનલે વાત આગળ ચલાવવાના આશયથી કહ્યું.

      “તમારાં મેરેજ થઈ ગયા છે?”  અર્ચનાએ સોનલને પગથી માથા સુધી નીરખતાં પૂછયું.

      સોનલે ડચકારો કરીને નકારમાં જવાબ આપ્યો.

      “કેમ હજુ સુધી તમે લગ્ન નથી કર્યા?” અર્ચનાએ આત્મીય ભાવથી કહ્યું.

      “જો એવું છે ને, હું જે છોકરાને પસંદ કરું છું એ મને રિજેક્ટ કરે છે અને જે છોકરો મને પસંદ કરે છે એને હું રિજેક્ટ કરું છું!” સોનલે મજાકના સૂરમાં કહ્યું.

     “મૂરખ કહેવાય…” અર્ચના ધીમે રહીને બોલી.

     “ કોણ મૂરખ કહેવાય?” સોનલે ઝીણી આંખ કરતાં કહ્યું.

     “ એ છોકરો. જે તમારા જેવી સરસ છોકરીને પણ રિજેક્ટ કરે!” અર્ચનાએ વહાલથી સોનલના ગાલે ટપલી અડાડતાં કહ્યું.

     “થેંક યુ! તેં મને સરસ છોકરી કહી એ બદલ  થેંક યુ! એનો અર્થ એ કે તું છોકરો હોત તો મને પસંદ કરત!” અને બંને ખડખડાટ હસી પડયાં.

       સોનલને થયું કે અર્ચના સાથે ટ્યુનિંગ જામતું જાય છે. એટલે હવે એને સીધો સવાલ કરી શકાય. આવી ગણતરીથી એણે ચહેરા પર ગંભીરતાના ભાવ લાવી અર્ચનાને પૂછયું, “અર્ચના એક વાત પૂછું? ખોટું તો નહીં લગાડે ને?” સોનલે એક કાચી પાળ બાંધવાનો પ્રયત્ન કર્યો.

    “પૂછોને, એમાં ખોટું લગાડવાનો ક્યાં સવાલ છે? શું પૂછતાં હતાં?” અર્ચનાએ સાહજિકતાથી કહ્યું.

        “અર્ચના, તારે અને ભાઈને, આઈ મીન, ઉદયને બહુ સારું બનતું હતું એ વાત સાચી?” સોનલના અવાજમાં ગંભીરતા હતી.

        અર્ચના તરત ગંભીર થઈ જતાં બોલી, “હા, સાચી વાત છે, એ મારા કરતાં ત્રણ વર્ષે મોટો હતો. પણ અમે સરખાં જ હોઈએ એવું લાગતું હતું…. નાનપણમાં જ એ મને બહુ મારતો અને મોટાભાઈ એને લડતા પણ ખરા, બાપુજી પણ એને લડતા,  મા એનું ઉપરાણું લેતી… માને પણ એ બહુ વહાલો હતો…” અર્ચના ઘડીવાર માટે જાણે ભૂતકાળમાં સરી પડી.

        “એનો અર્થ એ કે એ બધી જ વાત તને કરતો હતો, ખરું ને? સોનલ વાતનો તંતુ હાથમાંથી સરી જવા દેવા માગતી નહોતી.

       “બધી વાત તો કદાચ મને નહીં કરતો હોય… એનાં લગ્ન પછી એ બહુ ઓછું બોલતો હતો… કદાચ ભાભી વાત કરનારાં મળી ગયાં હતાં, એટલે પણ હોય!” અર્ચનાએ પોતાનો તર્ક રજૂ કર્યો.

        “અર્ચના, આ હું તને એટલા માટે પૂછું છું કે આત્મહત્યા જેવું પગલું કોઈ માણસ એકાએક ભરે નહિ. એની આવી ટેન્ડન્સી હોય જ, અને કદાચ વાતવાતમાં એ બહાર આવી પણ ગઈ હોય…” સોનલ ખૂબ જ ઠાવકાઈથી કહી રહી હતી.

       “એવી તો ખાસ કોઈ વાત થઈ નથી. હા, એક વખત એણે મને એવું કહ્યું હતું કે, મને જીવવાનો જ અર્થ દેખાતો નથી અને ઘણીવાર એમ થાય છે કે આના કરતાં તો મરી જવું સારું!’ અર્ચના પાળી પર તાકી રહેતાં બોલી.

      “એક્ઝેટલી, હું આ જ કહું છું. મને કહીશ એ કઈ વાત હતી?” સોનલે એની તરફ ઝૂકતાં પૂછયું. અર્ચના એક ક્ષણ તો કંઈ બોલી નહિ. પછી એણે કહ્યું, “આખી વાત આજે થોડીવાર પહેલાં જ મેં ભાભીને મોટાં ભાભીને-જ્યોતિભાભીને કરી છે એ જ તમને કહેશે…”  અર્ચના કદાચ ટાળવાનો પ્રયત્ન કરી રહી હોય એવું સોનલને લાગ્યું.

       છતાં સોનલે છાલ છોડ્યો નહિ. એણે કહ્યું, “ભાભીને બધી વાત કહી તો મને કહેવામાં શું વાંધો છે? વિગતવાર વાત ન કરે તો કંઈ નહિ, સહેજ હિન્ટ તો આપ!

      “હિન્ટ આપું? ઉદયભાઈ અને મનીષાભાભી વચ્ચે સેક્સને લગતો પ્રોબ્લેમ…” અર્ચના વાક્ય પૂરું કરે ત્યાં તો અંદરથી મોટેથી ૨ડવાનો અવાજ આવ્યો સોનલ અને અર્ચના અંદર દોડી ગયા.  મનીષા એના અને ઉદયના ફોટા પાસે ભીત પર માથું ઢાળીને ૨ડી રહી હતી અને જ્યોતિભાભી એને સાંત્વન આપતાં હતાં. જે રૂમમાં ઉદયે આત્મહત્યા કરી હતી એ રૂમમાં આવ્યા પછી થોડીવારે મનીષાનું મન ભરાઈ આવ્યું હતું અને બધું યાદ આવતાં એ છૂટા મોંએ રડી પડી હતી. સોનલ એની પાસે ગઈ એટલે એ સોનલને બાઝી પડી. સોનલ એને બહાર લઈ આવી. અર્ચનાએ એને પાણી આપ્યું.  

       એટલામાં જનાર્દનભાઈ પણ આવી ગયા. મનીષા એમને પગે લાગી. એમણે મનીષાના માથે હાથ મૂક્યો અને સોનલ સામે સહેજ વાર પ્રશ્નસૂચક નજરે જોયા પછી બોલ્યા, “સોનલ ને? સારું થયું તમે આવ્યાં!” મનીષાને તમારા જેવાં જ કોઈકની હૂંફની જરૂર હતી. હવે હમણાં એને એકલી મૂકતાં નહિ…” જનાર્દનભાઈએ સોનલને કહ્યું.

        “હું તમને મોટાભાઈ કહું તો ચાલશે? કે પછી અંકલ કહું?” સોનલે એની નટખટ  અદામાં કહ્યું.  

       “જે કહીશ તે ચાલશે. પણ અંકલ કરતાં મોટાભાઈ કહીશ તો વધારે ગમશે. હજુ હું યુવાન છું અને કોઈ છોકરી અંકલ કહે તો બહુ ગમે નહિ…” જનાર્દનભાઈએ સહેજ મજાકના સૂરમાં કહ્યું.

       “ઓ.કે. મોટાભાઈ, કવેશ્ચન નંબર વન, તમારે મને ‘તમે તમે’ નહિ કરવાનું. તમે મોટાભાઈ હો તો તુંકારાથી કેમ વાત કરતા નથી?” સોનલે ફરિયાદના સૂરમાં કહ્યું.

          “સૉરી, હવે નહિ કહું!”

         “મેં અને અર્ચનાએ બહુ વાતો કરી. અર્ચના સાથે વાતો કરવાની મજા આવી. અર્ચના, હું તું અને મનીષા કાલે બહાર જઈએ. તું મને વડોદરા બતાવ…” સોનલે કંઈક વિચારીને કહ્યું.

      “પણ મેં તો વડોદરામાં બહુ કંઈ જોયું નથી… અને કાલે…” એ વાક્ય પૂરું કરે એ પહેલાં જ જનાર્દનભાઈએ વાક્ય ઉપાડી લીધું, “કાલે વૈજનાથ મહાદેવમાં યજ્ઞ-વિધિ છે ને!”

      “સોનલબહેન અને અર્ચના વાતો કરતાં હતાં ત્યારે મનીષા અંદર જઈને ખૂબ રડી…” જ્યોતિબહેને જનાર્દનભાઈને કહ્યું.

        જનાર્દનભા બોલ્યા, “સ્વાભાવિક છે. બધું યાદ આવે ને!” આટલું સાંભળતાં જ મનીષાની આંખો પાછી છલકાઈ ગ. સોનલ તરત જ બોલી, “મોટાભા, આ બેગ ટુ ડિફર, હું તમારી સાથે સંમત થતી નથી…”

      “શું? શેમાં સંમત થતી નથી?” જનાર્દનભાઈએ આંખો ઝીણી કરતાં કહ્યું.

       “એ જ કે કોઈને યાદ કરીને રડવાનું… એ હાજર હોય તો આપણે રડીએ ખરા? એ સદેહે હાજર નથી તો શું થઈ ગયું? એ સૂક્ષ્મ દેહે તો હાજર છે જ. હું તો એમ કહું છું કે, જેની સાથે આપણે એક પળ પણ પ્રેમથી વિતાવી હોય એ સદા આપણી સાથે જ રહે છે. એટલે એની ગેરહાજરીમાં પણ આનંદથી રહેવું એ જ આપણા એના માટેના પ્રેમનો પુરાવો છે!” સોનલ સડસડાટ બોલી ગઈ.

        “તારી વાત સાચી હોય તો પણ જ્યારે એ પરિસ્થિતિનો સામનો કરવાનો આવે ત્યારે વાત બદલાઈ જતી હોય છે. સોનલ, કહેવું જેટલું સહેલું છે એટલું કરવું સહેલું નથી હોતું!”

       “મોટાભાઈ, હું આ જ વાત કહેવા માગું છું. કહેવા કરતાં કરવું અઘરું છે એમ કહીને આપણે છટકી જતાં હોઈએ છીએ. એટલે એ અઘરું જ રહે છે. આપણે પ્રયત્ન જ નથી કરતા…”

      “સોનલબહેન, તમે અને મનીષા અહીં જ જમી લો… બપોરે આરામ કરીને નિરાંતે સાંજે નીકળજો.” જ્યોતિબહેને વિવેક કર્યો.

        અચાનક જાણે વીજળીનો કરંટ લાગ્યો હોય એમ સોનલ ઊભી થઈ ગઈ. એને ઊભી થયેલી જોઈ મનીષા પણ ઊભી થઈ ગઈ. સોનલ તરત જ બોલી, “પેલાં સરોજ આન્ટી રાહ જોતાં હશે. ભાભી, આપણે બે દિવસ રહેવું એમાં કોઈને ગુસ્સે શા માટે કરવાં? ચાલો, આવજો, અર્ચના બાય!’ મનીષા જ્યોતિબહેન પાસે ગઈ અને એમના હાથ પકડી લઈને આંખથી જ એમની રજા માગી. પછી અર્ચનાની પીઠ પર હાથ મૂક્યો અને સોનલની પાછળ બહાર ચાલી નીકળી.

         નીચે આવ્યા પછી રિક્ષામાં બેઠા પછી સોનલે મનીષાને કહ્યું, “અર્ચના સાથે વાત જામતી હતી ત્યાં જ તારા રડવાનો અવાજ આવ્યો અને વાત અટકી ગઈ…”

        “શું કહ્યું અર્ચનાએ?” મનીષાને પણ જાણવાની ઉત્સુકતા હોય એવું લાગ્યું.

        “એણે લાંબી વાત નથી કરી… પણ મનીષા, તારે ઉદય સાથે કં પ્રોબ્લેમ હતો?”

         “શેનો પ્રોબ્લેમ?” મનીષાએ આંખો ઝીણી કરતાં પૂછયું.

        “કંઈ પણ, ફોર એકઝામ્પલ, સેક્સને લગતો કોઈ પ્રોબ્લેમ હોય!” સોનલ સીધી જ મુદ્દા પર આવી ગઈ.

        “કોણે તને અર્ચનાએ એવું કહ્યું? શું કહ્યું? એનો અર્થ એ કે ઉદયે અર્ચનાને વાત કરી હતી એ વાત મને નહોતી કરી?” મનીષાના અવાજમાં અણગમો હતો.

         “અર્ચનાએ તો એટલું જ કહ્યું કે બંને વચ્ચે કોઈ સેક્સને લગતો પ્રોબ્લેમ હતો.”

        “શું પ્રોબ્લેમ હતો એ ના કહ્યું?” મનીષા જાણવા માગતી હતી કે અર્ચનાએ ખરેખર શું કહ્યું હતું.

       અમારી વચ્ચે આથી વધારે વાત થઈ જ શકી નથી. હવે એ વાત તું પૂરી કર…” સોનલે મનીષાને કહ્યું.

      થોડીવાર તો મનીષા કં જ બોલી નહિ. રિક્ષા પૂરપાટ દોડતી હતી. સોનલે કોણી મારીને મનીષા સામે પ્રશ્નસૂચક નજરે જોયું એટલે મનીષાએ કહ્યું, “સોનુ, હું એટલું કન્ફર્મ કરું છું કે, અમારી વચ્ચે સેક્સને લગતો થોડો પ્રોબ્લેમ હતો. પરંતુ ઉદયની આત્મહત્યા માટે એ જ કારણ જવાબદાર હતું એમ હું નથી કહી શકતી…” પછી સહેજવાર અટકીને બોલી, “હવે ઉદય  છે નહિ અને એથી એ ચર્ચા કરવાનો અર્થ નથી…” પછી સોનલનો હાથ પકડીને બોલી, “મમ્મી-પપ્પા કે કાકા-કાકીને આવી કો વાત કરતી નહિ. હવે જે વાત પર પડદો પડી જ ગયો છે. એ વાત પરથી પડદો ઉપાડવાની જરૂર નથી…”

       સોનલને પણ થયું કે અર્ચના પાસેથી એને જે કંઈ જાણવા મળ્યું હતું એ ખૂબ અધૂરું હતું. અર્ચના પાસે ઉદય આત્મહત્યાની વાત કરી હતી એની પાછળના ચોકકસ સંદર્ભ વિષે પણ અર્ચનાએ કોઈ સ્પષ્ટતા કરી નહોતી. એટલે અત્યારે એણે વાતને પડતી મૂકવાનું અને ફરી વાર અર્ચનાને મળવાનું નક્કી કર્યું. પરંતુ ફરી વાર અર્ચનાને મળવું કઈ રીતે?

       વળી પાછો એના મનમાં એવો પણ વિચાર આવ્યો કે ઉદયે જિંદગી ટૂંકાવી દીધા પછી ખરેખર તો આખી વાત પર પૂર્ણવિરામ જ આવી ગયું છે. હવે તો મનીષાએ ઝડપથી સ્વસ્થ થઈને એના ભાવિ જીવન વિષે જ વિચારવાનું છે.

      સોનલ અને મનીષા ઘરે ગયાં ત્યારે જમવા માટે એ બંને ની રાહ જોવાતી હતી. સરોજબહેને કહ્યું,  “મને તો એમ હતું કે સોનલ જનાર્દનભાઈ સાથે વાતે વળગી હશે અને હવે જમીને આરામ કરીને જ સાંજે જ તમે બંને જણ આવશો…”

         “લે, આવી ખબર હોત તો ત્યાં જમી જ લેત. જ્યોતિભાભીએ પણ કહ્યું કે જમીને આરામ કરીને નિરાંતે સાંજે નીકળજો… પણ,  મને તમારી બીક લાગી!” સોનલ ચહેરા પર કૃત્રિમ ભયના ભાવ લાવીને બોલી.

        “મારી બીક લાગી? હું એવી લાગું છું તને?” સરોજબહેને પણ કૃત્રિમ ગુસ્સો લાવતાં બોલી.

        “એવાં લાગતાં તો નથી, પણ…” સોનલ ખચકાઈ.

         “પણ શું? કહી નાંખ!” સરોજબહેન તાડૂક્યાં.

         “જુઓ, આન્ટી! એવું છે ને મને બે દિવસથી જ તમારો પરિચય છે. એટલે તમારા વિષે હું કો અનુમાન બાંધી લઉં એ બરાબર ન કહેવાય. અને મારું તો માનવું એવું છે કે આખા દરિયાનો સ્વાદ એક ક્ષણમાં જાણી શકાય.  પરંતુ માણસનો સ્વભાવ તો આખી જિંદગી સાથે રહ્યા પછી પણ ખબર ન પડે!” સોનલ પાછી એના તત્ત્વજ્ઞાન પર ઊતરી આવી હતી.

         પિનાકીનભાઈ પાછળ જ ઊભા હતા. એ વચ્ચે બોલી પડયા, “તારી વાત તો સાચી લાગે છે પણ તું આ કેવી રીતે કહે છે એ જરા સમજાવ!”

      સોનલ તરત જ એમના તરફ ફરી અને પોતાની સમજૂતી આપવા માંડી. “જુઓ અંકલ, દરિયો ખૂબ જ મોટો અને વિશાળ હોય છે એ સાચું. પરંતુ દરિયામાંથી ગમે ત્યાંથી એક ચમચી પાણી લઈને ચાખીએ તો પણ આખા દરિયાના પાણીનો સ્વાદ ખબર પડી જાય. જ્યારે માણસનું એવું છે કે દીકરો કે દીકરી વીસ-પચીસ વર્ષનાં થઈ જાય એ પછી પણ ઘણીવાર મા-બાપ કહેતાં હોય છે કે મારે પેટ આવો પથરો ક્યાંથી પાક્યો? મારાં મમ્મી-પપ્પા મારા માટે ઘણીવાર આવું કહે છે!” કહેતાં કહેતાં સોનલ ખડખડાટ હસી પડી. પછી બોલી, “અંકલ, પતિ-પત્ની પણ વીસ વર્ષના લગ્નજીવન પછી ઝઘડતાં હોય ત્યારે પતિ એની પત્નીને કહેતો હોય છે કે મેં તને આવી નહોતી ધારી.” પછી ધીમે રહીને પિનાકીનભાઈના કાનમાં કહ્યું, “તમે પણ ક્યારેક આન્ટીને આવું કહો છો ને?” પિનાકીનભા પણ ખડખડાટ હસી પડયા.

         થોડીવારમાં બધાં જમવા બેઠાં. સોનલ અને મનીષા એક જ થાળીમાં જમવા બેઠાં હતાં. ખાતાં ખાતાં મનીષા સહેજવાર અટકી ગઈ એટલે સોનલે એને હચમચાવી નાખીને પૂછયું. “શું વિચારે ચડી ગઈ?”

        મનીષા કંઈ બોલી નહિ. સોનલે ફરી એ જ સવાલ પૂછ્યો એટલે મનીષાએ કહ્યું, “જમી લે, પછી હું તને એક વાત કહું છું.”

      “જમવાનું કેન્સલ! પહેલાં તારી વાત!” સોનલ થાળી પરથી ઊભી થતી હોય એમ બોલી.

      “ના, પહેલાં જમી લે! પછી વાત!” મનીષાએ સત્તાવાહી અવાજે કહ્યું.   

   સોનલ મનમાં વિચારતી હતી, મનીષાને શું વાત કહેવી હશે? એથી જ એણે ઝટપટ ખાવા માંડયું.

સાઈકોગ્રાફ ૫. ટેલિફોન રોમિયો – રોષ કરવો કે દયા ખાવી?

ટેલિફોન આપણા માટે એક ઉપયોગી સાધન છે.  ટેલિફોનને કારણે સમયનો અભુત બચાવ થાય છે અને વાહનવ્યવહાર પરનું દબાણ ઘટે છે. અનેક વખત કટોકટીઓને પણ ટાળી શકાય છે.  આર્થિક દૃષ્ટિએ ટેલિફોન વિકાસનું સાધન છે. પરંતુ આપણે સંક્રાંતિના એવા તબક્કામાંથી પસાર થઈ રહ્યા છીએ કે હજુ પણ ટેલિફોન જેવા ઉપયોગી સાધનનું પૂરેપુરું મહત્ત્વ સમજીને એને ખપમાં લેતાં શીખ્યા નથી. ટેલિફોન સેવા આપનાર તંત્ર પાસે ઈજારશાહી છે અને એને એ કમાણીનું સાધન જ માને છે. સામે પક્ષે ઉપયોગ કરનારાઓ પણ સજાગ નથી. લાંબી લાંબી અને નિરર્થક વાતો કરીને તેઓ ટેલિફોનનું મહત્ત્વ ઘટાડે છે. કેટલાક વળી ટેલિફોનનો ટીખળ અને મનોરંજનના સાધન તરીકે ઉપયોગ કરે છે. કયારેક એમાં નિર્દોષ મનોરંજનનો જ હેતુ હોય છે તો ઘણી વાર માનસિક વિકૃતિઓ કામ કરતી જોવા મળે છે.

મોટાં શહેરો અને મહાનગરોમાં અનેક ટેલિફોન ધારકો રોંગ નંબર, બે-ત્રણ લાઈનોનું જોડાણ, ડેડ ફોન, ઓવરબિલિંગ, વિચિત્ર અવાજો અને એવી વિવિધ સમસ્યાઓનો સામનો કરતા જ હોય છે. એમાં ઘણી વાર તોફાની કોલનો ત્રાસ ભળે છે. ટેલિફોન-રોમિયોનો એક છૂટોછવાયો છતાં મોટો વર્ગ ઊભો થયો છે, જે કસમયે ફોન કરીને આડીઅવળી વાતો કરે છે, બિભત્સ શાબ્દિક ચેનચાળા કરે છે અને અઘટિત માગણીઓ કરીને ખાસ કરીને મહિલાઓને પરેશાન કરે છે. એક અંદાજ પ્રમાણે મોટાં શહેરોમાં ૬૦ ટકા જેટલા ટેલિફોન ધારકો એવા હશે, જેમને એક યા બીજા સમયે આવો અનુભવ થયો હશે.

         આપણે ટેલિફોન સેવાઓની બાબતમાં સારી એવી પ્રગતિ કરી હોવા છતાં પશ્ચિમની ટેકનોલોજીની સરખામણીએ આપણે હજુય બીજી વીસ-પચીસ વર્ષ જેટલા પાછળ છીએ. આપણા દેશમાં હજુ આજેય ટેલિફોન સેવાઓને લગતો ટેલિગ્રાફ એકટ જરીપુરાણો જ છે. જે છેક ૧૮૯૬ની આસપાસ ઘડાયો હતો. આ કાયદો શોભાનો ગાંઠિયો જ બની રહ્યો છે. પરિણામે ટેલિફોન દ્વારા થતી વિવિધ પ્રકારની હેરાનગતિનો ઈલાજ શોધવાનું અઘરું થઈ પડે છે. શાણા ગ્રાહકો આવો કોઈ તોફાની કોલ આવે ત્યારે લાંબી વાત કરવાને બદલે લાઈન કટ કરી નાખે છે. આવું વારંવાર કર્યા પછી આવા ફોન મોટે ભાગે બંધ થઈ જતા હોય છે.

તોફાની કોલ કરનારા બહુધા આશરે જ નંબર જોડતા હોવાથી બહુ પ્રોત્સાહન ન મળે ત્યારે બીજો કોઈક નંબર અજમાવતા હોય છે. બહુ ઓછા કિસ્સામાં ટેલિફોન-રોમિયો ચોક્કસ નંબર શોધીએ આવું કરતા હોય છે. અલબત્ત, આવા કિસ્સામાં ટેલિફોનને નિરીક્ષણ હેઠળ મુકાવીને પોલીસની મદદ વડે છટકું ગોઠવી એનાં મૂળ સુધી પહોંચી શકાતું હોય છે. પરંતુ એ આખી વિધિ ઘણી અટપટી અને પીડાજનક બનતી હોય છે. ઘણા અનુભવોમાંથી એવું પણ જોવા મળ્યું છે કે આ આખી પ્રક્રિયામાં ટેલિફોન તંત્ર અને પોલીસ તરફથી પૂરતો સહકાર મળતો નથી.   

ટેલિફૉન પર પરેશાન કરનાર રોમિયોની સંખ્યા વધતી જાય છે.

         ટેલિફોન પર ટીખળ કે તોફાન કરનારા કેટલાક નવરા બેઠા નખ્ખોદ વાળતા હોય છે. ખાલી મગજ સંતાનનું કારખાનું બને છે. અડધી રાત્રે ગમે તેને ફોન કરીને આડીઅવળી વાતો કરીને કે ઘડ-માથા વગરના સવાલો પૂછીને સામી વ્યકિતને હેરાન કરવામાં અને ગુસ્સે કરવામાં આવા લોકોને આનંદ મળે છે. એક વાર કોઈકે અડધી રાત્રે યુનિવર્સિટીના કુલપતિનો ફોન ખખડાવ્યો, કુલપતિએ ફોન ઉપાડયો એટલે પૂછયું, “ભાવનગરની બસ કેટલા વાગ્યે જાય છે?” કુલપતિ સમજયા કે કોઈકે ભૂલથી આ નંબર લગાવ્યો હશે એટલે તેમણે અડધી રાત્રે પણ ખૂબ વિવેકપૂર્વક કહ્યું, “ભાઈ, તમારાથી રોંગ નંબર લાગ્યો છે. આ એસ. ટી. ઈનકવાયરીનો નંબર નથી. પરંતુ કુલપતિના નિવાસનો નંબર છે.

          તો પેલા ફોન કરનારે કહ્યું, ખબર છે! પણ ભાવનગરની બસનો ટાઈમ ખબર નથી તો કુલપતિ શા માટે થયા છો?” 

         આવી જ રીતે દિલ્હીની એક પ્રતિષ્ઠિત કૉલેજનાં એક અધ્યાપિકાને કોઈક અડધી રાત્રે ફોન કરીને ખૂબ નાટકીય સ્વરે કહ્યું કે તમારી કલાસની ફલાણી છોકરી પર બળાત્કાર થયો છે અને એ અત્યારે કણસે છે. પ્રાધ્યાપિકા સ્તબ્ધ થઈ ગયાં. એ વધુ પૂછપરછ કરવા ગયાં ત્યાં એમને હસાહસનો અવાજ આવ્યો અને એ સમજી ગયા કે કોઈક મશ્કરી કરી રહ્યું છે. મુંબઈના એક કિસ્સામાં એક બહેન પર દરરોજ રાત્રે આવો કોન આવતો હતો. કોઇક વ્યકિત ખૂબ ધીમાં અને દબાયેલા અવાજે બિભત્સ વાતો કરીને એમની પાસે અઘટિત માગણી કરતી હતી. ફોન નિરીક્ષણ હેઠળ મુકાવી પોલીસની મદદથી તપાસ કરાવી તો એ બહેનને આશ્ચર્ય સાથે આંચકો લાગ્યો.  ફોન કરનાર વ્યકિત એ બહેનની ખાસ મિત્રનો પતિ હતો. સામાન્ય વ્યવહારમાં એનું વર્તન કદી અજુગતું લાગ્યું નહોતું. ફોન પર જ એ વિકૃત વર્તના કરતો હતો.

       કાયદાની પરિભાષામાં ટેલિફોન પર કોઈને હેરાન કરવું, બિભત્સ વાતો કરવી, અઘટિત માગણીઓ કરવી કે ધમકી આપવી એ ગુનો બને છે. અપૂરતી કાનૂની જોગવાઈઓ છતાં આ રીતે તોફાન કરતાં પકડાય તેને ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનેગાર ઠરાવીને જેલ કે કેદની સજા પણ થઈ શકે છે. પરંતુ મોટા ભાગના લોકો આવી લાંબી પળોજણમાં પડવાનું ટાળે છે.  ભવિષ્યમાં આપણા ફોનના ડાયલ પર ફોન કરનારનો નંબર પણ તરત આવે એવી ટેકનિકલ વ્યવસ્થા થાય ત્યાં સુધી આવું બનતું રહેવાનું છે. પરંતુ અહીં અગત્યની વાત એ છે કે આવી પ્રવૃત્તિ કરનારા બધા જ ગુનેગારો કે ગુનાખોર માનસ ધરાવનારાઓ નથી હોતા. આવા માણસો મોટે ભાગે એમના રોજબરોજના જીવનમાં અને સામાન્ય વ્યવહારમાં અત્યંત સ્વસ્થ અને સદ્ગૃહસ્થ જેવા દેખાતા હોય છે.

કેટલાકને એમના મનમાં પડેલી પરપીડન વૃત્તિ આવું કરવા પ્રેરતી હોય છે. તો કેટલાક અમુક ચોક્કસ મનોવિકૃતિનો શિકાર બનતા હોય છે. આ બન્ને માનસિક બીમારીઓ જ છે. જેનાં મૂળ વ્યકિતના ઉછેર, કેટલાક કટુ અનુભવો અને તંગ કૌટુંબિક કે સામાજિક મનોદશામાં હોય છે. પરંતુ આપણે હજુય વ્યક્તિની માનસિક રૂગ્ણતાની કરુણતાનો વાજબી સ્વીકાર કર્યો નથી. અને એથી આવી વિકૃતિઓને સાદા ગુના ગણીને એની સજા ફરમાવીએ છીએ. હકીકતે આવી વિકૃતિઓ માટે માનસિક સારવાર અને મનોવિજ્ઞાનીઓની મદદની જરૂર હોય છે. પશ્ચિમના દેશોની જેલોમાં મનોવિજ્ઞાનીઓની સેવાઓ આ કારણે જ લે છે. છેવટે આશય ખોટું કરનારને ‘ખૂન કા બદલા ખૂન’ ગણીને સજા કરવાનો નહિ, પરંતુ વ્યકિતની ઊણપો સુધારીને સ્વસ્થ સમાજના નિર્માણમાં યોગદાન કરવાનો હોવો જોઈએ. એક વખતનો ગુનેગાર હંમેશ માટે ગુનેગાર જ હોય એવી સમજ ભૂલ ભરેલી છે.

         ટેલિફોન પર સામી વ્યકિતને નિરર્થક હેરાન કરનાર કે ગુસ્સે કરનાર સામાન્ય રીતે પરપીડનથી પીડાય છે. સામી વ્યકિતને પીડા આપવામાં એને આનંદ મળે છે. પરંતુ બિભત્સ વાતો કરનાર કે જાતીય સતામણી કરનાર એક પ્રકારે જાતીય વિકૃતિનો શિકાર હોય છે. મનોવિજ્ઞાનીઓ આ માટે Perversion શબ્દ વાપરે છે. આધુનિક મનોવિજ્ઞાન અને Impulse Neurosis તરીકે ઓળખાવે છે. એક ખ્યાલ એવો પણ છે કે આવું વર્તન સતત થતું નથી અને ઘણી વાર કેટલીક વૃત્તિઓનું મનોદબાણ વધે ત્યારે જ થતું હોવાથી એને વર્તનવિકૃતિ કે ચારિત્ર્યવિકૃતિ જ કહેવું જોઈએ. મનોવિજ્ઞાની ડૉ. સિગ્મંડ ફ્રોઈડનો મત એવો છે કે આવાં વૃત્તિશીલ વિકૃત વર્તનો પાછળ કામુક ભાવના જ કામ કરતી હોય છે. ફ્રોઈડના કહેવા મુજબ આવાં વર્તનો બાલ્યાવસ્થાના કેટલાક અનુભવોની અસરને કારણે થાય છે. બાળપણમાં થયેલા કેટલાક જાતીય અનુભવો, અતૃપ્ત રહેલી ઇચ્છાઓ કે સ્થગિત થઈ ગયેલી લાગણીઓ આ રીતે આગળ જતાં બહાર આવે છે.

મનોવૈજ્ઞાનિક સલાહ હવે રોજબરોજની જિંદગીમાં માનસિક સ્વાસ્થ્ય માટે જરૂરી બની ગઈ છે.

         આધુનિક મનોવિજ્ઞાન તો ત્યાં સુધી કહે છે કે આ જગતના તમામે તમામ માણસોનો ઉછેર અને બાળપણનું વાતાવરણ સંપૂર્ણ સ્વસ્થ, તંદુરસ્ત અને વૈજ્ઞાનિક હોય એવી અપેક્ષા વધુ પડતી છે. આથી આ અને આવાં વિકૃત વર્તનો લગભગ સર્વવ્યાપી અને સર્વકાલીન સ્વરૂપે જોવા મળે છે. જુદા જુદા સમાજો પોતપોતાનાં ધોરણો અનુસાર આવાં કેટલાંક વર્તનોને માન્ય ગણે છે તો કેટલાંક વર્તનોને નિષેધ્ય માને છે. માણસની એક વિચિત્ર ખાસિયત એ છે કે જે વર્તન પ્રતિબંધિત હોય છે એ કરવા માટે તે ઝટ લલચાય છે.  

         મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ બાળપણમાં જાતીય વૃત્તિની પ્રેરણાઓમાં જે વ્યકિત એક યા બીજા કારણે નિષ્ફળ ગઈ હોય છે એ ઊંડે ઊંડે હતાશા અનુભવે છે. સમય જતાં શારીરિક અને માનસિક પુખ્તતા વધે છે. પરંતુ પેલી હતાશા તો મનમાં એક ભારણ બનીને જ રહે છે. આવી વ્યકિત વખતોવખત ખુદ પોતાની જ જાણ બહાર આવા મનોદબાણમાંથી સમતુલા પ્રાપ્ત કરવા માટે બચાવ-પ્રયુક્તિઓ કે અન્ય સામાજિક વર્તનો દ્રારા પ્રયાસો કરે છે. એમાં એ સફળ થાય ત્યાં સુધી તો ઠીક, પરંતુ નિષ્ફળ જાય ત્યારે એ વિકૃત વર્તનનો આશરો લે છે. આવી મનોવિકૃતિ હળવા પ્રકારની હોય છે અને હળવી મનોવિકૃતિની વિશેષતા એ છે કે આવી વ્યકિત પ્રથમ નજરે તદ્દન સામાન્ય જ લાગતી હોય છે અને એનાં અન્ય વર્તનોમાં ભાગ્યે જ કશું અજુગતું દેખાતું હોવાથી એને માટે હૉસ્પિટલની સધન સારવાર જરૂરી બનતી નથી. મોટે ભાગે તો આવી વ્યકિત પોતાની વિકૃતિનો સ્વીકાર કરે ત્યારે જ એ સારવારક્ષમ બને છે.

       વિકૃત વર્તન હતાશા અને અતૃપ્તિને કારણે હોય ત્યારે વ્યકિત ઘણી વાર ખૂબ આક્રમક અને અધીરી બની જાય છે. આવે વખતે પણ એ સ્વસ્થ તો રહે જ છે અને પોતાનું જે તે વર્તન કોઈની આંખે ન ચડી જાય એની પણ કાળજી રાખે છે.  એક વખત આવું વર્તન અમલમાં મૂકયા પછી એને આનંદ અને રાહતનો અનુભવ થાય છે અને પછી તો આ રીતે મેળવાતા આનંદનો એને ચસકો લાગે છે. એના માટે એ વ્યસન જેવું બની જાય છે.

       વિકૃત વર્તનો પાછળ જાતીય પ્રેરણા કામ કરતી હોય એવા કેટલાક કિસ્સાઓમાં જાતીય અસંતોષ પણ ભાગ ભજવતો હોય એવું જોવા મળ્યું છે. કેટલાક શાહિદક બિભત્સ વર્તના કરે છે તો કેટલાક વિકૃત પ્રદર્શન, વિકૃત દર્શન, ટ્રાન્સવેસ્ટીઝમ, ફેરીઝમ વગેરે જેવાં વર્તનો દ્વારા સંતોષ મેળવે છે. એક વખત આવા કોઈક વર્તન માટેનું મનોદબાણ ઊભું થાય પછી વ્યકિત એ દબાણ સહન કરી શકતી નથી. સૌથી અગત્યની વાત એ છે કે આવાં વર્તનો કરી બેસનારનો હેતુ આવું કોઈક ધ્યેય પ્રાપ્ત કરીને આનંદ લૂંટવા કરતાં પોતાનો મનોભાર ઘટાડવા પૂરતો જ સીમિત હોય છે. આવું થાય ત્યારે ગુસ્સો કરવો કે દયા ખાવી? વિચારવા જેવું છે.

Credits to Images

સાયકોગ્રાફ ૪. ‘બોડી લેંગ્વેજ’નું વિજ્ઞાન

સુનિલ ગાવસકરનું નામ વિશ્વ ક્રિકેટમાં આજે ય ઘણા સન્માન સાથે લેવાય છે. વિશ્વસ્તરના ઓપનિંગ બેટ્સમેન હોવા ઉપરાંત ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદી અને સૌથી વધુ રન કરવાના વિક્રમો એક સમયે પોતાના ખાતામાં જમા કરાવવા ઉપરાંત ગાવસકરે ક્રિકેટની રમતમાં એક નિષ્ણાત તરીકે પોતાની છાપ ઊભી કરી છે. ક્રિકેટની સક્રિય રમતમાંથી નિવૃત્ત થયા પછી એણે એક સમીક્ષક, આલોચક, વિવરણકાર અને વ્યાવસાયિક તરીકે પોતાનું સ્થાન કાયમ કર્યું છે. વિશ્વના ક્રિકેટ ખેલાડીઓ અને સમીક્ષકો એને ખૂબ માન આપે છે. આ માટે માત્ર એની ક્રિકેટ જગતની નિપુણતા ઉપરાંત કેટલીક વ્યવહારુ સમજ અને આંતરસૂઝ પણ એટલી જ જવાબદાર છે. ગાવસકરની આવી આંતરસૂઝથી બહુ ઓછા લોકો પૂરતા પરિચિત છે. છતાં જેમને એનો પરિચય છે તેઓ એનો લાભ લેતા રહ્યા છે. અને સ્વાભાવિક રીતે જ ખુદ સુનીલ ગાવસકરને પણ એનો ઘણો લાભ મળ્યો છે. ક્રિકેટ રમનાર કે કોમેન્ટ્રી આપનાર સમીક્ષક મેદાન પર રમાતી રમત જોવા ઉપરાંત બીજું પણ કેટલુંક જુએ છે, જે સામાન્ય પ્રેક્ષક કે નિરીક્ષકને ન પણ દેખાય. ગાવસકર પાસે આવી આંખ છે.

ગાવસકરે વખતોવખત પોતાની આ ખૂબીનો સરસ ઉપયોગ કર્યો છે. ગાવસકર કોઈ પણ મેચ કે ટુર્નામેન્ટ રમતી વખતે પોતાની તથા પ્રતિસ્પર્ધી ટીમના ખેલાડીઓ તથા કપ્તાનોના હાવભાવ તથા શારીરિક હલનચલનનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરતો અને એના આધારે કઈ ટીમની જીતવા માટેની કેટલી માનસિક તૈયારી છે એનો ક્યાસ કાઢી મનોમન પરિણામની આગાહી કરતો. આવા નિરીક્ષણને આધારે કયારે કેવી રમત જરૂરી બનશે એનું કાર્યશીલ અનુમાન કરવામાં એને ખૂબ મદદ મળતી હતી. ૧૯૮૪માં ઓસ્ટ્રેલિયામાં રમાયેલી બેન્સન એન્ડ હેજીસની મિનિ વર્લ્ડ કપ ટુર્નામેન્ટ વખતે એણે કપિલદેવ અને રવિશાસ્ત્રી વિષે ટુર્નામેન્ટના આરંભે કરેલા અછડતા ઉલ્લેખો પણ અભૂતપૂર્વ રીતે સાચા પડયા હતા. વિશ્વકપમાં પાકિસ્તાન વિજયી બન્યું એ પહેલાં ગાવસકરે ઈમરાનખાનને આ જ રીતે આગોતરાં અભિનંદન આપી દીધાં હતાં. ઈમરાને કબૂલ્યું હતું કે ગાવસકરની આવાં નિરીક્ષણો પર આધારિત આગાહીએ એને વર્લ્ડ કપ જીતવામાં ખૂબ મદદ કરી હતી. પાકિસ્તાનના ઘણા ક્રિકેટરો તો નવરાશે ગાવસકરની આ બાબતમાં અવિધિસરની સલાહ પણ લેતા રહ્યા છે.

દરેક વ્યક્તિની શરીરની ભાષા કંઈકને કંઈક સંદેશો આપે છે.

         શરીરના હલનચલન અને હાવભાવ પરથી વર્તનનું વિશ્લેષણ અને વર્તનની આગાહી કરવાની ગાવસકરની સૂઝસમજ કદાચ સંપૂર્ણ વૈજ્ઞાનિક ન હોય તો પણ એ સાવ તુક્કો નથી. માણસમાત્રના શરીરને એક આગવી ભાષા હોય છે. આંખથી વાતો કરવાની પ્રેમીઓની ક્ષમતા તો આપણે જાણીએ જ છીએ. પરંતુ એ વાર્તાલાપ સભાન અને હેતુપૂર્વકનો હોય છે. વર્તનનું મનોવિજ્ઞાન કહે છે કે આપણે સભાન ન હોઈએ કે સ્પષ્ટ વિચારતાં ન હોઈએ તો પણ આપણા મનની વાત આપણું શરીર વિવિધ પ્રકારનાં હલનચલનો દ્રારા બોલી નાખતું હોય છે. આંખ, હોઠ, ચહેરો, ગરદન, હાથના ઉલાળ, ચાલઢાલ, ઊભા રહેવાની રીત, બેસવાની પધ્ધતિ, હાસ્ય અને સ્મિત, હોઠનું હલનચલન વગેરે તમામ બાબતો સતત કંઈક ને કંઈક કહેતી હોય છે. વર્તન મનોવિજ્ઞાનીઓ તો ત્યાં સુધી કહે છે કે શરીરનું આવું હલનચલન વ્યક્તિના વિચારોની તરાહ, એની નિર્ણયશકિત, એના વર્તનના વળાંકો, એની લાગણીઓ અને હતાશાઓ, અપેક્ષાઓ અને મહત્ત્વાકાંક્ષાઓ, એના આનંદ-ઉત્સાહ અને નિરાશાઓ વગેરે બધુ જ કહી દે છે. આપણા પ્રાચીન શાસ્ત્રમાંનું એક સામુદ્રિકશાસ્ત્ર શરીર પરનાં ચિહ્નો કે નિશાનીઓ પરથી આગાહીઓ કરે છે. પરંતુ અહીં સ્થાપિત ચિહ્નો કે નિશાનીઓને બદલે સ્નાયવિક હલનચલન અને હાવભાવને મહત્વ આપવામાં આવે છે. શરીરની આ ભાષાને સમજવાની જિજ્ઞાસામાંથી જ વર્તનના મનોવિજ્ઞાનમાં બોડી લેંગ્વજની સ્વતંત્ર શાખા વિકસી છે.

          આજથી લગભગ ત્રણ દાયકા પહેલાં ડૉ. ડેસમંડ મોરીસે  ધ નેકેડ એઈપ અને મેનવોચિંગનામનાં પુસ્તકો લખીને આ વિષય તરફ ધ્યાન ખેંચ્યું હતું. ડૉ. મોરીસે કહ્યું હતું કે દરેક માણસ પોતાના શરીરના હલનચલન અને હાવભાવ દ્વારા અનેક સંદેશાઓ વ્યકત કરે છે. એ પછી આ વિષયમાં ખાસ્સો રસ જાગ્યો અને વર્તનના મનોવિજ્ઞાનીઓ એમાં વધુ ઊંડા ઉતર્યા. કેટલાક સંશોધકોએ અવિરત નિરીક્ષણો દ્વારા શરીરની આ ભાષાને ઉકેલવાનો ભગીરથ પ્રયાસ પણ હાથ ધર્યો. પરિણામે આ દિશામાં છેલ્લા ત્રણ દાયકા દરમ્યાન પુષ્કળ કામ થયું છે અને હજુ થતું જાય છે. વર્તન મનોવિજ્ઞાનીઓ જેમ જેમ શરીરની ભાષા ઉકેલતા જાય છે તેમ તેમ અન્ય ક્ષેત્રોમાં તેની ઉપયોગિતા તરફ અંગૂલિનિર્દેશ કરતા જાય છે. મનોવિજ્ઞાન કહે છે કે આજના તીવ્ર સ્પર્ધા અને હરીફાઈના યુગમાં શરીરની ભાષા સમજાય અને ઉકેલતાં આવડે તો એના ચમત્કારિક ઉપયોગો થઈ શકે તેમ છે.

          છેલ્લામાં છેલ્લાં સંશોધનો કહે છે કે માણસનું મોટા ભાગનું વર્તન એની વૈચારિક પ્રક્રિયા અને લાગણીતંત્રના સંચાલન પર આધારિત હોય છે. ‘બોડી લેંગ્વજનો અભ્યાસ કરનારાઓ એવું કહે છે કે લાગણીતંત્રની ગતિવિધિઓથી વ્યક્તિ પોતે પૂરેપૂરી વાકેફ ન હોય તો પણ એના હાવભાવ અને એનાં સ્નાયવિક હલનચલનો દ્વારા લાગણીતંત્રની ઊથલપાથલો સ્પષ્ટ થઈ જતી હોય છે. માણસ સભાન હોય અને પોતાની આશા-આનંદ, નિરાશા-હતાશા, ડર કે ઉત્સાહની લાગણીઓ શબ્દો વડે વ્યકત ન થઈ જાય એની ગમે એટલી કાળજી રાખે તો પણ સ્વાયવિક હલનચલનો ચાડી ખાધા વિના રહેતાં નથી. સંશોધકોએ કયું હલનચલના કેવો સંદેશો પ્રસારિત કરે છે એનો ચોક્કસ અંદાજ કાઢીને રીતસરનો ચાર્ટ પણ તૈયાર કર્યો છે. મનોવિજ્ઞાનીઓ આ રીતે  બોડી લેંગ્વજનો ઊંડો અભ્યાસ કરીને મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન પણ પૂરું પાડવા લાગ્યા છે.

         બોડી લેંગ્વજવિષે સભાનતા વધવાનું એક કારણ ટેલિવિઝનનો વ્યાપક પ્રચાર-પ્રસાર છે. જાહેરજીવનમાં પડેલી વ્યકિતઓ અને ખાસ તો રાજકારણીઓ માટે મૂળથી જ એવું કહેવાય છે કે તેઓ ખૂબ રીઢા અને જાડી ચામડીના હોવાથી એમના મનની વાતને કે લાગણીઓને તેઓ ખૂબ સિફતપૂર્વક છુપાવી શકે છે. એમની એક આંખમાં ડર પેઠો હોય તો પણ બીજી આંખને એની ખબર પડતી નથી. આવા રાજકારણીઓની મનની લાગણીઓ એમના નિકટના અંતેવાસીઓથી પણ બહુધા અજાણ રહેતી હોય છે. પરંતુ ટેલિવિઝનનો ઉદય થયા પછી આ જ રાજકારણીઓએ અવારનવાર ટીવીના પડદા પર આવવાનું થાય છે અને તેઓ ઇચ્છે નહિ તો પણ એમની બોડી લેંગ્વજએમના મનની વાતની ચાડી ખાઈ જતી હોય છે. બ્રિટનમાં છેલ્લી સામાન્ય ચૂંટણી વખતે કેટલાક રાજપુરુષોનું ટેલિવિઝન પર ઘનિષ્ઠ નિરીક્ષણ કરીને કેટલાક નિષ્ણાતોએ આવાં તારણો મેળવવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં એમને આગાહી કરવામાં અને ભાવિ ઘટનાઓનો અંદાજ મેળવવામાં ઘણી સફળતા મળી હતી. કેટલાક નેતાઓ ગમે એટલો આત્મવિશ્વાસ દેખાડવાની કોશિશ કરતા હોવા છતાં એમની આંખ અને એમના હાથનાં હલનચલન એમની નિરાશાનો ખ્યાલ આપી દેતાં હતાં.

         આધુનિક વ્યવસ્થાપન એટલે કે મેનેજમેન્ટના ક્ષેત્રમાં હવે માનવ સંસાધન વિકાસને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે. માનવ સંસાધન વિકાસ માટે વર્તનલક્ષી મનોવિજ્ઞાન ઘણી ઉપયોગી સામગ્રી પૂરી પાડે છે. હવે આ વર્તનલક્ષી મનોવિજ્ઞાનમાં બોડી લેંગ્વજનો પણ સમાવેશ કરાયો છે. કામદારો અને કર્મચારીઓ સાથેની સ્વસ્થ આંતરક્રિયા વિકસાવવામાં તથા ગ્રાહકોના માનસને સમજીને માર્કેટીંગની વ્યૂહરચના ગોઠવવામાં હવે બોડી લેંગ્વજના સિધ્ધાંતો અને નિરીક્ષણોનો વ્યાપક ધોરણે વિનિયોગ કરવામાં આવી રહ્યો છે.

        આમ હવે બોડી લેંગ્વજની સમજને વ્યાપક અને સામૂહિક ધોરણે કામે લગાડવાના પ્રયાસો પણ શરૂ થઈ ગયા છે. જર્મનીના બર્લિન ખાતે કાર્યરત મેકસ પ્લેન્ક ઈન્સ્ટિયુટ એડયુકેશનલ રિસર્ચના મનોવિજ્ઞાની ડૉ. ગેબ્રિયલ ઓટીન્જનનો એક અભ્યાસ ખાસ ધ્યાન ખેંચે એવો છે. પૂર્વ અને પશ્ચિમ જર્મની પરસ્પર વિરોધી રાજકીય વિચારસરણી અને વ્યવસ્થા ધરાવતા દેશો હતા. આ બન્ને દેશોનું એકીકરણ થયું અને બન્ને દેશોને વિભાજિત કરતી પ્રસિદ્ધ બર્લિનની દીવાલ ધ્વસ્ત થઈ ત્યારે બન્ને દેશોની પ્રજાના પ્રતિભાવો મિશ્ર હતા. વિચારસરણી અને જીવન પ્રત્યેના ભિન્ન અભિગમને કારણે પ્રજા ભાવિને કેવી નજરે જુએ છે એ સમજવાના પ્રયાસમાં ડૉ. ઓટીન્જને બોડી લેંગ્વજનો સહારો લીધો. ડૉ. ઓટીન્જને પૂર્વ બર્લિનમાં આવેલી એક પબમાં કેટલાક પૂર્વ જર્મનોની બોડી લેંગ્વજનો પહેલાં ૧૯૯૪માં અને પછી ૧૯૯૬માં અભ્યાસ કર્યો. બન્ને નિરીક્ષણોને આધારે એમણે તારવ્યું કે ૧૯૮૪માં મોટા ભાગના પૂર્વ જર્મનો હતાશા અને મૂંઝવણની સ્થિતિમાં હતા. અનિશ્ચિત ભાવિની ચિંતા એમના મન પર સવાર હોય એવું દેખાતું હતું. ૧૯૯૬માં કરેલા નિરીક્ષણ પરથી સમજાતું હતું કે એમની હતાશા મહદ્ અંશે ઘટી ગઈ હતી અને એમનામાં આશાનો સંચાર થયો હતો. આના પરથી એટલો ખ્યાલ આવી જાય છે કે બોડી લેંગ્વજના અભ્યાસ અને નિરીક્ષણનો રાજકારણમાં આગળ જતાં કઈ હદે ઉપયોગ શકય બનશે!

મનના ભાવ ચહેરા અને શરીર પર આવી જાય છે. હવે તો તેનું વિજ્ઞાન અને તાલીમ પણ વધુ પ્રચલિત છે.

        બોડી લેંગ્વજનું આગવું વિજ્ઞાન છે અને એનો ધીમે ધીમે વિકાસ થઈ રહ્યો છે. પરંતુ કુદરતે માણસને આંતરસૂઝની એવી શકિત આપી છે કે એ કેટલીક બાબતો વિધિસરના અભ્યાસ વિના પણ ખૂબી પૂર્વક જાણી અને સમજી લે છે. એટલે જ કહેવાય છે કે મનોવિજ્ઞાનનો ઈતિહાસ ભલે ટૂંકો હોય, એનો ભૂતકાળ માણસજાતના અસ્તિત્વ જેટલો જૂનો છે. આટલા લાંબા ભૂતકાળના અનુભવના સથવારે શાસ્ત્રીય કે વૈજ્ઞાનિક અભ્યાસ વિના પણ માણસની ઊંડી કોઠાસૂઝ વિકસી હોય એમાં નવાઈ નથી. એથી જ ઘણી વાર શાસ્ત્રીય મીમાંસા વિના પણ સામા માણસના હાથના ઉલાળા, એની ચાલઢાલ કે એના સ્મિતનો મર્મ આપમેળે આપણા મનમાં ઉઘાડો થઈ જાય છે. સામા માણસનું સ્મિત નિર્દોષ છે કે લૂચ્ચું છે એ સમજતાં બહુ વાર લાગતી નથી. ગાવસકર જેવા કોઈકની એ સેન્સવધારે તીવ્ર હોય એવું બને.

         કદાચ એટલે જ વાતવાતમાં હાથ ઉલાળતાં કે આંખ નચાવતાં થોડા વધુ સભાન રહેવું પડશે. ‘બોડી લેંગ્વજ’ વિષે જાગૃતિ વધશે એમ આપણે વધુ જાગૃત રહેવું પડશે. અને તોય મનની વાત પકડાઈ જવાની શકયતા તો એટલી જ રહેવાની!

Credits to Images

%d bloggers like this: