૧૦. દરેક મન એક બોધિવૃક્ષ છે!

આપણા બોધિવૃક્ષની ઘટાનો છાંયો આપણા તપ્ત અસ્તિત્વને સ્પર્શતો નથી અને એથી જ આપણે બુદ્ધ થતા નથી. એષણાઓ, ઇચ્છાઓ, હતાશાઓ, લોલુપતાઓ અને વિષમતાઓની આગ એટલી તીવ્ર છે કે છાંયો પણ તાપ બની જાય છે.

૯. બાળક એ માનવબાગનું ફૂલ છે!

આ જંગલમાં બાળક કદાચ સૌથી વધુ નિર્દોષ પ્રાણી છે. એને જગતની કડવાશનો, ઈર્ષાનો, અપ્રામાણિકતાનો, ડર કે ભયનો કોઈ જ પરિચય નથી. એને પહેલો પરિચય કશાયનો હોય તો તે પ્રેમ અને વાત્સલ્યનો જ હોય છે. આપણે જ એના મનને વિવિધ રીતે દૂષિત કરીએ છીએ.

૮. સાચી પ્રશંસા પ્રચંડ શક્તિ આપે છે!

સાચી લેવડ દેવડ એ છે, જેમાં સ્વાર્થની ગણતરી નથી હોતી, બલ્કે શુભેચ્છા અને શુભનિષ્ઠાની લેવડ દેવડની ખૂબી એ છે કે સમય જાય છે તેમ એમાં વિધાયક તીવ્રતા વધતી રહે છે. આજની શુભેચ્છા વર્ષો કે દાયકાઓ પછી પણ મઘમધી ઊઠે એવા અનુભવો વારંવાર થાય છે એનું આ જ કારણ છે.

૭. દુઃખ અનુભૂતિ અને સંવેદનાનો સમુદ્ર છે!

સુખ એ નશામાં છકી જવાની અવસ્થા છે. દુઃખ અનુભૂતિ અને સંવેદનાનો સમુદ્ર છે. સુખ હંમેશાં કિનારો પકડે છે અને એટલે જ ઘણી વાર દુઃખની ભરતી આવે છે ત્યારે કિનારે ઊભા રહીને એ ઝીંક ઝીલી શકતું નથી, છતાં જે શાશ્વત છે એનાથી આપણે સતત દૂર ભાગવાનો પ્રયાસ કરીએ છીએ અને જે ઝાંઝવાનું જળ છે એના પ્યાલા ભરવાની મથામણ કરીએ છીએ.

૬. ગુનેગારીનો ડરામણો પડછાયો!

જિંદગી એની મેળે જીવાતી જ હોય છે. પરંતુ એ જીવ્યાનો અફસોસ ત્યારે થાય છે, જ્યારે એ જિંદગી ઈચ્છા મુજબ જીવી શકાઈ નથી હોતી. આખેઆખી જિંદગી ઇચ્છા મુજબ જીવાઈ હોય એવો એકાદ દાખલો મળવો પણ મુશ્કેલ છે. આ સત્ય જાણવા છતાં અફસોસ આઘો હટતો નથી.

૫. જિંદગી અને સરળતા બે વિરોધી શબ્દો છે.

જિંદગી પાસેથી આપણે ખૂબ અપેક્ષાઓ રાખીએ છીએ. પરંતુ એ અપેક્ષાઓ કેટલી અધિકારપૂર્વકની છે એ વિષે ભાગ્યે જ વિચારીએ છીએ. જિંદગી સરળતા અને સુખથી જ વીતે એવી આશા અને અપેક્ષા ભલે રાખીએ, પરંતુ એ વાત ભૂલવા જેવી નથી કે જિંદગી અને સરળતા બે વિરોધી શબ્દો છે.

૪. પ્રકાશનો અભાવ એટલે જ અંધકાર!

અંધકારનું કોઈ વાસ્તવિક અસ્તિત્વ નથી હોતું. પ્રકાશનો અભાવ એટલે જ અંધકાર. ગમે તેવો ગાઢ અંધકાર ગમે તેટલી સદીઓ જૂનો હોય તો પણ એને ધક્કા મારીને બહાર નથી કાઢી શકતો કે તલવારથી એનો વધ થઈ શકતો નથી. માત્ર પ્રેમના ટમટમતા દીવાનો પ્રકાશ એ માટે પૂરતો છે. પ્રેમના દીવાના પ્રકાશ સામે અંધકાર જીદ કરી શકતો નથી.