૧૦. રણઃ પૃથ્વીનો ખુદનો સંન્યાસ

મન, બુદ્ધિ, અહંકાર બધું જ ઓગળતું જતું હતું. વાતાવરણમાંથી જાણે અજ્ઞાત રીતે સતત કોઈ સંદેશો આપી રહ્યું હતું, પણ એને ઝીલવાની તાકાત બચી જ નહોતી. વિચારો બિલકુલ સાથ છોડી રહ્યા હતા. વિસ્મયભરી નજરે આંખો માત્રને માત્ર આશ્ચર્યમાં ગરકાવ થઈ રહી હતી. રણનું ખાલીપણું ભીતરને પણ જાણે શૂન્ય કરી રહ્યું હતું. રણ એટલે બીજું કંઈ નહીં પણ પૃથ્વીએ પોતે લીધેલો સંન્યાસ!