૭૦. જગથી અમે ડરતા નથી!

ટૂંકી ટૂંકી આ ત્રણ પંક્તિઓમાં કવિનો આગવો મિજાજ છતો થાય છે. ઝરમર વરસાદનો રોમાંચ અતિપ્રિય છે અને પ્રેમથી બદનામ થવાનો ડર નથી.

૬૯. મૌનનો કલરવ

પ્રિયતમાનું સાન્નિધ્ય મળે એટલે જીવન ચારે બાજુથી ખીલી જાય છે. લાગણીઓમાં તરબતર થવાનું, સપનાંઓની ઉડાનને આંબવાનું અને ક્ષિતિજની પાર પહોંચવા તત્પર થવાનું! હવે તો મૌન પણ કલરવ થઈને ગૂંજ્યા કરતો હોય છે.

૬૮. જનમના ઘાવ

પ્રિયતમાને બોલાવવાની તડપ રણ બનીને વરસે છે. આકાશ થઈને આવવાનું નિમંત્રણ આપતાં જણાવે છે, જન્મ જન્મોના ઘા, પીડા, વ્યથાનું શમન કરવા આવ. હવે રાતના ગહન અંધકારમાં આવીને અજવાળું કર. આ વિરહના રાગને કેવી રીતે ગાવું? અસ્તિત્ત્વને પણ હવે તો દાવ પર લગાવી દીધું છે.

૬૭. દાનતનો દરિયો

જો કોઈ જીવતે જીવ જ મૃત્યુને જીવી લે તો યમના ડરથી મુક્ત થઈ જાય. તેના હ્રદયમાં રામ રહેતા હોય છે, ને તે તમામ ઈચ્છાઓથી મુક્ત થઈ જાય છે. તે કર્મના બંધનથી મુક્ત થઈ વિહરે છે. એને મન હવે વૈશાખ જ શ્રાવણની જેમ વરસે છે. માંગ ઓગળી જાય છે, ત્યાગ પરમ બની જાય છે.

૬૬. એક કેવળ એક છે!

સત્ય બંને વિરોધોને સમાવી લે છે. મૌન જે અર્થો કરી શકે છે, તે શબ્દો નથી કરી શકતા. આમ તો પ્રત્યેક ક્ષણ મૃત્યુ તરફની ગતિ છે, એટલે સાચા અર્થોમાં તો ચોતરફ સ્મશાન છે, કઈ ક્ષણ ચેતના અચેતન બની જશે ખબર નથી, અને છતાં બંને એક જ છે, અદ્વૈત છે, તે ગણિત સમજાતું નથી.

૬૫. સ્મરણનો દીવો

પ્રિયતમાની વિદાયને માત્ર સ્મરણના જ અજવાસે જ જીવી શકાય છે. આંખો બંધ હોય ત્યારે પણ સ્મરણોને તે જીવતી હોય છે. એકાંતને પણ તે બોલકું કરી દે છે. તેની સાથેનું સુખ હવે દિલાસો બનીને તડપાવે છે. તે જાય પછી પાછી આવશે નહીં એનો રંજ મૃગજળ બનીને અગ્નિની માફક દઝાડે છે.

૬૪. સમયનું શબ

મૃત્યુનો આભાસ હકીકત બની બારણે ટકોરાં મારતો હોય પછી જીવાતા જીવનની દિશાઓ બદલાઈ જાય છે. જીવાયેલા જીવનના અર્થો પણ ત્યારે બદલાઈ જાય છે. સરકતો સમય પ્રલય સિવાય કશું જ હોતો નથી. હવે કોઈ વચનનું બંધન નથી, કારણકે મૃગ હવે છળતું નથી. માત્ર સહવાસની ભીનાશને ઝિલવી હોય છે.

૬૩. ખાલીખમ કિનારો

સ્વપ્નને હકીકતના કિનારા હોતા નથી. શુભની સાથે અશુભ જોડાયેલું જ છે, તે જોવાની દ્રષ્ટિ પ્રાપ્ત થાય પછી રાતની સવાર વહેલી ઊગી જાય છે. જીવનનો એ જ ખાલીખમ કિનારો પ્રત્યેકની મંજિલ હોય છે.

૬૨. શૂન્યનું સંગીત

આપણી પોતાની આંખ ખુદની આંખને જોઈ શકતી નથી. જીવન અને મૃત્યુ વચ્ચેના અંતરને જ્યારે કોઈ પારખી જાય છે ત્યારે જે સંગીત સર્જાય તે શૂન્યનું હોય છે. પક્ષીની પાંખો હવે કોઈ ગોખલામાં આકાશને ઢબૂરીને બેસી ગયાં છે. જીવનની માયા લાગે ત્યારે સીતા પણ હરણ જોઈ લોભાઈ જાય છે.

૬૧. મર્યા પછી પણ મરણ નથી!

મર્યા પછી ય મરણ નથી, એ વાત જ કહે છે કે, મરણ થતું નથી. મૃત્યુ પછીના દુનિયાની કલ્પના કદાચ આવી જ હશે, ત્યાં સમય થંભી જતો હશે. સ્મરણ પણ શાનું હોય, જ્યાં કોઈ વિષય નથી અને ક્યાંય પહોંચવાનું પણ નથી. બધો જ નશો ત્યાં ઊતરી જાય છે.